Mariyam Dhupli

Romance Tragedy Classics

4  

Mariyam Dhupli

Romance Tragedy Classics

શરત

શરત

14 mins
14.3K


"સૌરભ તારા પિતાજી, મને લાગે છે કે આપણે જવું જોઈએ..."

પોતાના પિતાના અવસાનના સમાચાર સાંભળી સૌરભના ચ્હેરા ઉપર કોઈ પણ પ્રકારના આઘાત પ્રત્યાઘાત ન હતા. સ્મરણમાં ફક્ત એક પુસ્તક અને પુષ્પ ઝબક્યું અને જતું રહ્યું. એમ પણ આજે રવિવાર હતો. પોતાની દીકરીના એકના એક પુત્ર માટે અઢળક ધન પાછળ છોડી ગયેલ પુરુષોત્તમ દાસના નવાસાને આજે પોતાની ઓફિસે જવાનું ન હતું. મા સાથે જઈ એકવાર પાર્થિવ શરીરનો ચ્હેરો જોઈ ઔપચારિકતા સ્વરૂપે ફક્ત ચિતાને આગ ચાંપી પરત થઇ જવાનું હતું.

"ઠીક છે."

બે ટૂંકા શબ્દોમાં માની વાત સ્વીકારી એ તૈયાર થવા ઉપડ્યો. વિશાખા પણ પતિ પ્રત્યેના સંબંધની અંતિમ ઔપચારિકતા નિપટાવવા તૈયાર થવા નીકળી. પોતાની વિશાળ અલમારીમાં પડેલા ડિઝાઈનર સૂટને શર્ટની લાંબી શ્રેણી વચ્ચેથી એક નવી સફેદ કુર્તીને ડિઝાઈનર ચશ્માં ચઢાવી સૌરભ સ્ફૂર્તિથી પાર્કિંગમાં રાહ જોઈ રહેલ માની અતિ કિંમતી ગાડીમાં જઈ ગોઠવાયો. વિશાખા એ ગાડી ગિયરમાં નાખી અને સડસડાટ કરતી ગાડી મહેલ જેવા મકાનના પાર્કિંગ વિસ્તારમાંથી મધ્યમવર્ગીય રહેઠાણ વિસ્તારમાં સ્થાયી એક અપાર્ટમેન્ટની દિશામાં ભાગી. 

ભાગતી ગાડીની સાથે ભૂતકાળની સ્મૃતિ પતિ સાથેના સંવાદ રૂપે આંખો પર ચઢાવેલ કાળા ચશ્માંની ઉપર સફેદ પ્રકાશ સમી તરી રહી.

"બસ, રાજીવ હવે હું અહીં ન રોકાઈ શકું !"

"પણ વિશાખા સંબંધો આમ સહેલાઇથી ન તૂટે... હું તને ખુબ પ્રેમ કરું છું... તારા વિના કઈ રીતે જીવીશ ?"

"તો શું હું તને પ્રેમ નથી કરતી ? તારા પ્રેમ ખાતર હું બધુજ પાછળ છોડી આવી. પપ્પાને, મહેલ સમા ઘરને. નોકરચાકર... ગાડીઓ... આરામદાયક જીવન બધુંજ... અને બદલામાં મને શું મળ્યું ? છ વર્ષનો માનસિક અને શારીરિક સંઘર્ષ ?"

"વિશાખા મને પ્રેમ કરવા પહેલા મારી આર્થિક પરિસ્થિતિથી તું સારી રીતે પરિચિત હતી. તારી સામે બધુંજ પારદર્શિતાથી હું જણાવી ચુક્યો હતો. પ્રેમમાં પડવું ખૂબજ સહેલું પરંતુ પ્રેમ નિભાવવું એ ખૂબજ કપરું..."

"તો તું શું ઈચ્છે છે ? હું આજીવન તારા ઘરની સાફસફાઈ કરું? રસોડામાં રોટલીઓ વણતી વૃદ્ધ થઇ જાઉં ? ને બે ચાર વાસણોને પાંચ છ ફર્નિચરને મારુ નસીબ સમજી મૂંગા મોઢે જીવન પસાર કરી નાખું ?"

"જીવનમાં પરિવર્તન આવે પણ એ માટે થોડી ધીરજ ધરવી પડે. હું થોડાજ દિવસો માં તારા પિતા જેવા આલીશાન ને આરામદાયક જીવનનું નિર્માણ તો નજ કરી શકું.પ ણ હું મારા તરફથી, મારી આવક પ્રમાણે તને ખુશ રાખવા સતત પ્રયત્નશીલ રહ્યો છું અને રહીશ."

"આ નાનકડા અપાર્ટમેન્ટમાં જ્યાં મારો શ્વાસ રૂંધાય છે ત્યાં હું કઈ ખુશીની અપેક્ષા રાખું ? મારા વાળ સફેદ થઇ રહ્યા છે. વર્ષોથી બ્યુટીપાર્લરનું મોઢું પણ નથી જોયું. મારો ચ્હેરો કેવો સુષ્ક ને નિર્જિવ ભાસી રહ્યો છે. અરીસામાં પોતાનુંજ પ્રતિબિંબ નિહાળી હું ડરી જાઉં છું. રોજના એજ દાળ ભાત ! યાદ છે છેલ્લીવાર ક્યારે હોટેલ ગયા હતા ? વાંસણ માજી હાથ છોલાઈ ગયા છે. પણ આ બધું તને કહેવાથી શું ફાયદો ? તને તો ફક્ત તારા 'બજેટ' નીજ પડી છે..."

"જો વિશાખા હું જાણું છું આપણા છેલ્લા બે વર્ષો આર્થીક સંકડામણમાં પસાર થયા. પણ સૌરભનો જન્મ, હોસ્પિટલનો ખર્ચ, નવજાત શિશુની માવજત પાછળ ખર્ચની યાદી જરા લાંબી થાય... માતાપિતા બન્યા પછી આપણે અંગત ખર્ચાઓ ઉપર થોડો કાપ લગાવી બાળકની જરૂરિયાતોને જ પ્રાધાન્ય આપવું પડે."

"એટલે તું શું કહેવા ઈચ્છે છે ? સૌરભના જન્મથી શું મારુ જીવન સમાપ્ત થઇ ગયું ? મારો કોઈ સામાજિક મોભો જ નહીં ? એક ના એક કપડાં પુનરાવર્તિત ન થાય અને થોડા નકલી દાગીનાઓની હકીકત બધાને ખબર ન પડે એ ભયે કોઈ પણ સામાજિક પ્રસંગો એ હાજરી ન આપું ? ચોરની જેમ ઘરમાં ગોંધાય રહું ?"

"કોણે કહ્યું તને ચોરની જેમ ગોંધાય રહેવા ? તું તારી લગુતાગ્રંથિમાં જાતે ગોંધાય રહી છે ! ખુશી સંતોષમાંથી જ મળે. લોકોની સામે ધન સંપત્તિના પ્રદર્શનથી નહીં... ભવિષ્યમાં મારી મહેનતથી હું જેટલું કમાઈશ એમાંથી મારાથી બનતું હું તને બધું જ આપીશ... પણ અન્ય લોકોને રીઝવવાને ખોટા સામાજિક દેખાવો પાછળ હું મારું જીવન ઉધારો ને લોન ઉપર નાજ વિતાવીશ."

"ઉધારો ને લોનનો પ્રશ્નજ ક્યાં છે ? મારા પિતાજી તને બધુજ આપવા તૈયાર છે... તારા ખોખલા આદર્શોને બાજુ પર રાખી ઘર જમાઈ બની જા... એમાંજ બધાની ભલાઈ છે... નહીંતર સૌરભનું ભવિષ્ય પણ કોઈ સરકારી શાળાના અંધારિયા ઓરડાંમાં કેદ થઇ પડી રહેશે... એ પણ તારી જેમ એક નિષ્ફ્ળ..."

ભૂતકાળમાં ગાલ ઉપર પડેલ પતિના ક્રોધની ગુંજથી ગાડીને અચાનક બ્રેક લાગી.

"સંભાળી ને ! શું થયું મમ્મી તું ઠીક તો છે ?"

"નહીં, હું ઠીક છું..." અને ભૂતકાળના પાટે ચઢી ગયેલી ગાડીને વિશાખા એ ફરી વર્તમાનના પાટે ઝડપથી હંકારી.

બાળપણથી જ ધન સંપત્તિના ઢગલાઓ વચ્ચે ઉછરેલ વિશાખા જ્યારે યુવાનીના ઉંબરે આવી ઊભી ત્યારે ચારે તરફ પોતાની જેમજ સોનાની ચમચી સાથે લઇ જન્મેલ, 'બોર્ન વિથ ગોલ્ડન સ્પૂન' પ્રકારના યુવકોજ એની નજરે ચઢતા. માનવસ્વભાવનું મનોવિજ્ઞાન તો એટલુંજ કે જે મળે એ નથી જોઈતું અને જે ના મળી શકે એજ જોઈએ. એ વિજ્ઞાનને અનુસરતી વિશાખાની દ્રષ્ટિ રાજીવ તરફ આકર્ષાઈ હતી. એની પાસે ધન સંપત્તિ ના ઢગલા, કુટુંબની છત્રછાયા, આરામદાયી જીવન કશું જ ન હતું. પરંતુ જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ, મહેનત, ધગશ, આદર્શ વિચારો અને નમ્ર સ્વભાવ હતા. જે ગુણોને લીધે વિશાખાએ રાજીવને પોતાના જીવન સાથી તરીકે પસંદ કરી પોતાના પિતાની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. એજ ગુણો લગ્નના થોડાજ વર્ષોમાં નકામા લાગવા માંડ્યાં. પ્રેમને જ્યારે વાસ્તવિક જીવનના ઘૂંટડા ભરવા પડે ત્યારેજ તેની ખરી કસોટી થાય. થોડા ક્ષણોની મુલાકાત, હાથમાં હાથ પરોવી થતી સ્વપ્ન સૃષ્ટિની વાતો, કોફીશોપમાં જોવાતી લાંબી રાહ, વૃક્ષો નીચે બેસી લખાતા કે વંચાતા પત્રો, પહેલા સ્પર્શનો અવિસ્મરણીય રોમાન્સ...

પ્રેમના આ તમામ પ્રાથમિક તબક્કાઓમાંથી પસાર થયેલી વિશાખાને રાજીવની રોજિંદી દિનચર્યામાંથી સાથે પસાર થતા થતા ધીરે ધીરે અનુભવાયું કે 'દૂરના ડુંગર દૂરથીજ રળીયામણા.' ફિલ્મો, પુસ્તકો કે ગીતોમાં આલેખાતાં પ્રેમથી આ તો કંઈક જુદોજ અનુભવ હતો. મોડે ઊઠવાની ટેવ ધરાવનાર વિશાખાને અલાર્મ મૂકી પરાણે ઉઠવું પડતું નહિતર રોજિંદા કાર્યો માટે પાણીના નળ જો ન ખોલાય તો આખો દિવસ પાણી વિનાજ રહેવું પડે. રસોઈમાં કદી પગ ન મૂકનારી વિશાખાને રસોઈનું બધુંજ કામ જાતે સંભાળવું પડતું. દરરોજ હોટેલમાંથી જમવું રાજીવના બજેટની તદ્દન બહાર હતું. ડિઝાઈનર વસ્ત્રોની ટેવ ધરાવનારી વિશાખાને મધ્યમ વર્ગીય પહેરવેશમાં ઢળવું પડતું.

જેને લોન્ડરીમાંથી ઈસ્ત્રી થઇ આવેલ તૈયાર વસ્ત્રો પહેરવા મળી રહેતા એજ વિશાખાના કલાકો વસ્ત્રો પર ઈસ્ત્રી ફેરવતા નીકળી જતા. મોટી લાંબી એ.સી.વાળી ગાડીઓમાં ફરનારી વિશાખાને બસોની ભીડમાં ધક્કા ખાવા પડતા. મોંઘા મોંઘા ફેસિયલ કે બ્યુટીપાર્લરની મોંઘીઘાટ માવજત રાજીવના મર્યાદિત પગારમાં ક્યાંથી શક્ય ? પિતા તરફથી ભેટમાં મળતા હીરા કે સોનાના દાગીનાઓનો આ સંઘર્ષમય વિશ્વમાં દૂર દૂર સુધી અવકાશ ન હતો. આકાશમાં વિહરતો પતંગ કપાઈને જમીન પર આવી પછડાઈ એવીજ પરિસ્થિતિમાં વિશાખાના પ્રેમસ્વપ્નોના ચૂરેચૂરા થઇ ચુક્યા હતા. આજની પેઢીને બધુજ તાત્કાલિક એટલે કે 'ઇન્સ્ટન્ટ' જોઈએ. કાચબા જેવી ધીમી, સહનશક્તિ અને ધીરજની અપેક્ષા સેવતી જીવન શૈલીમાં રસજ કોને છે ? સતત ઝડપી પરિવર્તનશીલ યુગના યુવાનો ભ્રમણાની એવી દુનિયામાં રાચી રહ્યા છે જેનો પાયો 'ક્રેડિટ કાર્ડ', લોન કે ઉધારના પાયા પર ઊભો છે ! ઉધારના જીવનમાં ખોખલું જીવન પસાર કરવામાં માનનારી આ પેઢીને વસ્તુનું મૂલ્ય જેટલું ચોક્કસ આંકતા આવડે છે એટલુંજ સંબંધોનું મૂલ્ય એમની દ્રષ્ટિમાં નહિવત થતું જઈ રહ્યું છે. વિશાખા સમજી ચુકી હતી કે રાજીવ સાથે જીવન આગળ વધારવું એટલે ત્યાગની મૂર્તિ બની જીવન વેડફી દેવું. પોતાનું કિંમતી જીવન સંઘર્ષ કે હાડમારી માં વ્યર્થ ન કરતા પિતાની ધનાઢ્ય છત્રછાયામાં એ પરત થઈ ગઈ. 

વિશાખાએ સૌરભની કસ્ટડી માટે કેસ કર્યો અને એના વિસ્મય વચ્ચે રાજીવે પણ શહેરના નામચીન અને પ્રખ્યાત વકીલને પોતાનો કેસ સોંપ્યો. પોતાની પત્નીની ખુશી માટે વધારાની એક પણ કોડી ન ખર્ચતા રાજીવ પાસે આખરે એટલા પૈસા આવ્યા ક્યાંથી ? વિશાખાએ રાજીવના હ્રદયને સમજવાનો કદી પ્રયત્ન જ ક્યાં કર્યો હતો ? જો એણે આછો પ્રયત્ન પણ આદર્યો હોત તો સમજી શકી હોત કે રાજીવ પોતાના મર્યાદિત બજેટમાંથી પણ કુટુંબની દરેક જરૂરિયાતો સંતોષવા હંમેશાં તત્પર રહેતો હતો પણ 'જરૂરિયાત' અને 'ઈચ્છાઓ' વચ્ચેનો તફાવત રાજીવની પરિપક્વ દ્રષ્ટિ જેટલી સહજતાથી કળી શકતી હતી એ વિશાખા ની અસંતુષ્ટ દ્રષ્ટિ કળી શકવા સક્ષમ જ ક્યાં હતી ? 

સૌરભનો સાથ અને પ્રેમ રાજીવ માટે એના જીવનની પાયાની જરૂરિયાત હતી. પોતાની એ અનિવાર્ય જરૂરિયાત માટે એણે પોતાની બધી બચત દાવ પર લગાવી દીધી અને આખરે એના પ્રેમ અને ત્યાગને નિયતિ એ પણ પારિતોષિક આપીજ દીધું. સૌરભની કસ્ટડી રાજીવને મળી. ફક્ત રવિવારે કે જાહેર રજાના દિવસે વિશાખા સૌરભને મળી શકે એ અદાલતના નિર્ણયને રાજીવે પણ સંપૂર્ણ માનથી સ્વીકાર્યો. એનો દીકરો એની સાથે હતો એથી વિશેષ એને શું જોઈતું હતું ? જીવન નું એકજ લક્ષ્ય હવે રહ્યું હતું , સૌરભ નો યોગ્ય ઉછેર અને કાળજી. રાજીવ જાણતો હતો કે અઢાર વર્ષની આયુ સાથેજ સૌરભને ફક્ત પુખ્તતા જ નહીં પરંતુ માતાપિતામાંથી જેની સાથે ઈચ્છે એની સાથે રહેવાનો નિર્ણય લેવાની પણ સંપૂર્ણ સ્વતંત્રતા મળવાની હતી. અને એ સ્વતંત્રતા એનો અધિકાર પણ તો હતો ! પાંચ વર્ષની કુમળી આયુ પર કોઈ માનસિક ભાર ન આવે એ હેતુસર રાજીવે કદી પણ પોતાના કે વિશાખાના વર્તન, વલણ, અભિપ્રાયો અંગે સૌરભ આગળ ચર્ચા ન કરી. સૌરભના બાળ માનસમાં માતા અંગે નકારાત્મક ભાવો કે તિરસ્કારની લાગણીઓ ન જન્મે એ અંગે એણે પૂર્ણ સાવચેતી જાણવી. એનાથી વિરુદ્ધ વિશાખાની અસુરક્ષિત ભાવનાઓ વિચલિત થઈ ઊઠી હતી. પોતાની પાસે ધનનો ઢગલો હતો પણ રાજીવ પાસે એક સાચું હૃદય હતું. ધનથી બધુંજ ખરીદી શકાય પરંતુ લાગણીઓ અને ભાવનાઓને તો પ્રમાણિક હૃદય દ્વારા જ ખરીદી શકાય ! વિશાખાના માતૃત્વનો ધ્રાસ્કો એને હર ક્ષણ ખાતરી અપાવી રહ્યો હતો કે પુખ્ત વયે સૌરભ રાજીવનોજ સાથ ઝંખશે... પોતે ધનના ઢગલા વચ્ચે અટુલું જીવન પસાર કરશે... પોતાની લગુતાગ્રંથી અને અસુરક્ષિત, અવિશ્વાસુ સ્વભાવથી પ્રેરાતી વિશાખા એ સૌરભના બાળમાનસ સાથે રમત રમવાની શરૂઆત કરી. કાચી માટી જેમ આકાર આપીએ તેમ ઘાટ પામતી જાય. રજાઓના દિવસોમાં સૌરભને ઘરે લઇ આવી વિશાખા એના પ્રેમને જીતવા પોતાની આલીશાન રહેણીકરણીનો શક્ય એટલો દુરપયોગ કરવા લાગી. મોંઘા રમકડાંઓના પ્રલોભનો મમ્મીના ઘરે મળતા. પપ્પા તો ફ્ક્ત જન્મ દિવસેજ ભેટ આપે ! મમ્મી ગાડીમાં દૂર દૂર ફરવા લઇ જતી. ક્યારેક વોટર પાર્ક, ક્યારેક ફિલ્મ જોવા તો ક્યારેક શોપિંગ મોલ. પપ્પા તો ફક્ત નિશાળમાંથી ઉજાણી કરવા મોકલાવતા નહીંતર ઘર પાસેના કોઈ નાના બગીચામાં હિંચકા ઝુલવવા લઈ જતા, શેરીમાં ક્રિકેટ રમાડતા, ક્યાંતો ઘરે જ લ્યુડો કે સાંપસીડી લઇ રમવા બેસતાં. મમ્મી સાથે પિઝ્ઝા ખાવા મળતા, મોટી મોટી હોટલોમાં જુદા જુદા સ્વાદિષ્ટ પકવાનોની મજા માણવા મળતી... જ્યારે પપ્પાને ત્યાં તો એજ દાળ અને શાકભાજી... મમ્મીના ઘરે નવી નવી ફિલ્મો ને હોમથિયેટર જ્યારે પપ્પાના ઘરે એજ જૂનું ટીવી ને સસ્તી ચેનલો... મમ્મીના ઘરે વિશાળ સ્વિમિંગપુલ જયારે પપ્પાના ઘરે ન્હાવા માટે નાનકડી ચોકડી જેવું સ્નાનાઘર...

સૌરભની વધતી ઉંમરની સાથે એને આ તફાવતો વધુ સ્પષ્ટ દેખાવા માંડ્યા. વિશાખાની કટુ નીતિ રંગ દેખાડવા માંડી. રાજીવની ચૂપકીદી એ કટુ નીતિને વધુ મુક્ત કરતી ગઈ. સૌરભના હૃદયના ઉંડાણોમાં પિતા પ્રત્યેનો પ્રેમ જેવો સ્પર્શતો કે વિશાખા એ હૃદયમાં રોપેલ ફરિયાદો ને ઘૃણાના મૂળ એ પ્રેમને ફરી ધૂંધળો કરી મૂકતા. વિશાખાએ મગજમાં ગોખવી નખાવેલ શબ્દો મનમાં ગૂંજી રહેતા :

"જે માણસ પોતાના પ્રેમ માટે કંઈજ કરી શક્યો નહીં એ પોતાના પુત્ર માટે શું કરી શકવાનો ?"

પોતાના નિષ્ફ્ળ પિતા એના માટે, એના જીવન સ્વપ્નો માટે, એના ઉચ્ચ જીવન નિર્માણ માટે કોઈ પ્રયાસ ન આદરશે એ ધારણા યુવાન સૌરભના યુવા હૈયાંમાં ઘર કરી ચૂકી હતી. રાજીવ તરફ ભાવનાત્મક અંતર દ્વારા પોતાના મનના ભાવો રાજીવ સુધી આડકતરી રીતે એણે પહોંચાડી દીધા હતા. આ અંતરનું કારણ રાજીવ સારી પેઠે સમજી ચૂક્યો હતો. પણ એમાં સૌરભનો શું વાંક ? એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. પણ એજ શિક્ષક જ્યારે ગેરમાર્ગે દોરી જાય ત્યારે બાળક અજ્ઞાન અને સ્વછંદતાના ભયાનક અંધકારમય દલદલમાં જકડાતું જાય છે. પિતા પ્રત્યે હૃદયમાં અસંતોષ અને અપમાનના ભાવો સેવતો સૌરભ પોતાની અઢારમી વર્ષગાંઠની નજીક આવી પહોંચ્યો. પૂર્વ નિર્ધારિત નિર્ણયને પિતા સમક્ષ રજૂ કરવાની ઔપચારિકતા પણ એણે નિભાવી જ દીધી. રાજીવનું હૈયું વલોવાઈ રહ્યું :

"તું તારા હૃદયને પૂછ સૌરભ, મારા પ્રેમમાં ક્યાં કમી રહી ગઈ ?"

"કમી જ કમી... ક્યાંથી શરૂઆત કરું ?"

"આ તારા વિચારો નથી હું જાણું છું !"

"મમ્મીને વચ્ચે લાવવાની જરૂર નથી."

"હું એને વચ્ચે નથી લાવી રહ્યો, એ જાતે આવી છે આપણા બેની વચ્ચે."

"પોતાની નિષ્ફ્ળતાઓનો દોષ એમના માથે શા માટે નાખી રહ્યા છો ?"

"નિષ્ફ્ળતાથી જો તારો અર્થ ભૌતિક સુખસગવડ કે નકામા પ્રદર્શનોથી હોય તો એ તારી ભૂલ છે સૌરભ. એક પિતા તરીકે તારા ઉછેર, વિકાસ કે ભણતર માં કદી કોઈ કમી ન આવે એ માટે હું સતત પ્રયત્નશીલ રહ્યો છું અને હંમેશા રહીશ."

"એની જરૂર જ નહીં પડે. હું જઈ રહ્યો છું... મમ્મી પાસે... હંમેશ માટે..."

"પણ સૌરભ તારા વિના આ વિશ્વમાં મારું છેજ કોણ ? હું તારા વિના નહીં જીવી શકીશ..."

"તમે મમ્મીને પણ આમજ કહ્યું હતું ને ? "

"પણ હું એને બાંધીને રાખવા ઈચ્છતો ન હતો. જે જીવનની આશા એ મારી પાસે સેવી રહી હતી એ મારી આર્થિક પરિસ્થિતિને પરે હતું. તારા નાનાને ઘરે ઘરજમાઈ બની મફતની રોટલીઓ તોડવાની પરવાનગી મારા સ્વાભિમાને મને ન આપી !"

"તો તમારા સ્વાભિમાને અને આદર્શે તમને શું આપ્યું ?"

"તારા જેવો પુત્ર ! તારો પ્રેમ જીવવા માટે પર્યાપ્ત છે..."

"પણ ફક્ત પ્રેમથી જ જીવન સાર્થક થતું નથી. જીવવા માટે એ સિવાય પણ ઘણી બધી જરૂરિયાતો હોય છે."

"હું માનું છું... તેથી તારી દરેક જરૂરિયાતોને પૂર્ણ કરવા સહૃદય પ્રયત્ન કરું જ છું..."

"પ્રયત્ન ? બે વર્ષથી બાઈક માંગી રહ્યો છું. શું થયું ? મારી કોલેજ શરૂ થવાને બે મહિના થવા આવ્યા. દરરોજ બસમાં કલાકો વેડફાય છે. ઓટો સહેલાયથી મળતી નથી. મારા દરેક મિત્રો બાઈક પર કોલેજ આવે છે ને હું..."

"તું મને થોડો સમય તો આપ..."

"સમય ? કેટલો સમય ? એક વર્ષ ? બે વર્ષ ? પાંચ વર્ષ ? જરૂરિયાતો સમય પર ન સંતોષાય તો પાછળથી સંતોષવાનો કોઈ અર્થજ રહેતો નથી. ઠીક છે. આપ ઈચ્છો છો ને હું આપની જોડે રહું. તો મારી પણ એક 'શરત' છે. મારી અઢારમી વર્ષગાંઠ સુધી જો આપ બાઈકની વ્યવસ્થા કરી આપશો તો હું અહીંજ રહીશ... નહિતર..."

રાજીવના દેહ સંસ્કારની બધીજ વિધિઓ નિપટાવી વિશાખા અને સૌરભએ નાનકડા અપાર્ટમેન્ટને જાણે અંતિમ દ્રષ્ટિએ નિહાળી રહ્યા. રાજીવના અંતિમ સંસ્કાર જોડે આ મકાન સાથેનો સંબંધ પણ અહીંજ સમાપ્ત થઇ ગયો હોય એ ભાવના સાથે વિશાખાએ સૌરભને ખભે હાથ મૂક્યો : 

"હું ગાડીમાં તારી રાહ જોઇશ."

પોતાના બાળપણ અને ઉછેર ની દરેક ક્ષણ સૌરભ અપાર્ટમેન્ટના દરેક ખૂણાઓમાં નિહાળી રહ્યો. પિતાના ચશ્માં, પિતાના પુસ્તકો, ઓફિસનું બેગ, અલમારી, રસોડું બધુજ એક છેલ્લી વાર જોઈ પિતાની બધીજ યાદોને આજે આ અપાર્ટમેન્ટ સાથે હંમેશ માટે તાળું મારી દેવાનું હતું. દરેક સ્મૃતિ અહીજ સમાપ્ત તદ્દન એ જ રીતે જે રીતે પોતાના અઢારમાં જન્મ દિવસ નિમિત્તે પિતા સાથેનો સંબંધ આ અપાર્ટમેન્ટમાં સમાપ્ત થયો હતો. જે ક્ષણે પોતાના અભ્યાસ માટેના ટેબલ ઉપર પિતા એ ગોઠવેલ વર્ષગાંઠની ભેટ પર એની નજર ઠરી હતી. એક પુસ્તક અને એની ઉપર ગોઠવેલ નાનકડું ગુલાબ... પુસ્તક કે પુષ્પને સ્પર્શ્યા વિનાજ પુસ્તકનું શીર્ષક એકજ દ્રષ્ટિમાં વંચાય પણ ગયું અને સમજાય પણ...

'સુખ ની ચાવી સાધન નહીં પ્રેમ અને સંતોષ'

પિતાનો ઉત્તર પુસ્તકના શીર્ષકથીજ મળી ગયો. નિર્ણય તદ્દન સરળ બની રહ્યો. ઊંઘતા પિતાને એક પણ શબ્દ કહ્યા વિનાજ એ સીધો વિશાખા પાસે પહોંચી ગયો. સાધન જીતી ગયા અને પ્રેમ હારી ગયો. એ દિવસ પછી રાજીવે ઘણી વાર સૌરભને મળવા પ્રયાસ કર્યો. કોલ પણ કર્યા. પરંતુ વિશાખાએ સૌરભને એની જાણ થવા દીધી જ નહીં. એને અભ્યાસ માટે રાજીવથી દૂર પરદેશ મોકલી દીધો. પરદેશથી પરત થઇ સ્વર્ગસ્થ નાનાનો બિઝનેસ એણે સંભાળી લીધો. આ વર્ષો દરમિયાન ન પિતાનો અવાજ એણે સાંભળ્યો ન એમનો ચ્હેરો જોયો !

પોતાના ઓરડામાં ઉભેલા સૌરભની દ્રષ્ટિ અચાનક પોતાના અભ્યાસ માટેના ટેબલ ઉપર પડી. એના આશ્ચર્ય વચ્ચે એની ભેટ હજી પણ એમની એમ જ ટેબલ પર પડી હતી. ધૂળ ની જાળ માં લપેટાયેલું પેલું પુસ્તક અને એની ઉપર ફૂલ ના કરમાયેલા ટુકડા નો ભૂખો ! સ્પષ્ટ હતું કે એ દિવસ પછી આ ભેટ ને કોઈ અડક્યું પણ ન હતું ! આશ્ચર્ય અને વિસ્મય જોડે એ પુસ્તક તરફ આગળ વધ્યો. ધૂળ નો જાળ હટાવી સડી ગયેલા પાંદડાઓ ખંખેરી પુસ્તક પર હાથ ફેરવ્યો... ધૂળ નીચેથી પુસ્તકનું શીર્ષક ધૂંધળું ઉપસી આવ્યું :

'સુખની ચાવી સાધન નહીં પ્રેમ અને સંતોષ '

ધીરે રહી એણે પુસ્તક હાથમાં લીધું. પુસ્તક હાથમાં લેતાંજ પુસ્તકના તળિયેથી એક ચાવી એના પગ ઉપર પડી અને સાથેજ કાગળની એક નાની ચબરખી હવામાં ઊડી. અચાનક હ્નદયના ધબકાર બમણા થયા. ચાવી હાથમાં લઇ, ઉડેલી ચબરખી એણે ઉતાવળે ખોલી. પિતાના અક્ષરો વાંચતાં જ હોંશ ઊડી ગયા : 

"જન્મ દિવસની શુભકામના... તારી ભેટ... નવી બાઈકની ચાવી... જાણું છું થોડો મોડો પડ્યો... પણ જરૂરિયાતો સમય પરજ સંતોષાય... આજે તું અઢાર વર્ષનો થયો... હવે બાઈક ચલાવવા તું કાયદાકીય રીતે પુખ્ત છે. પણ હા... લાઇસેંસ હાથમાં આવશે પછીજ બાઈક મળશે..."

ચબરખી પર મંડાયેલ સૌરભની ભીંજાયેલી આંખો એના હૈયાં સમી ધ્રુજી રહી હતી... પાછળથી વિશાખાનો અવાજ સંભળાયો.

"સૌરભ બહુ મોડું થઇ ગયું... ઘરે જઈએ ?"

ધ્રુજતા અવાજે સૌરભ એટલુંજ બોલી શક્યો :

"હું મારા ઘરમાંજ છું..."


Rate this content
Log in

Similar gujarati story from Romance