શ્રેષ્ઠ પુસ્તક
શ્રેષ્ઠ પુસ્તક


મિત્રો, આપણે આપણાં જીવનનાં ઘણાં પુસ્તકો વાંચતાં હોઈએ છીએ, અને સારા સારા પુસ્તકો આપણાં જીવનમાં ઉતારતાં પણ હોઈએ છીએ, મેં અત્યાર સુધીમાં ઘણાં પુસ્તકો વાંચેલ છે, જેમાંથી મારા પ્રિય કે મનપસંદ પુસ્તકોની યાદીમાં રાષ્ટ્રીય શાયર "ઝવેરચંદ મેઘાણી" દ્વારા લેખિત પુસ્તક "સૌરાષ્ટ્રની રસધાર" બાજી મારી જાય છે.
આ પુસ્તક મારું પ્રિય એટલે છે કે આ પુસ્તક એક તો મારા પસંદગીના લેખક એટલે કે "ઝવેરચંદ મેઘાણી" દ્વારા રચાયેલ છે, બીજું કે આ પુસ્તક લેખકશ્રી એ એકદમ કાઠિયાવાડી ભાષામાં લખેલ છે, આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં અલગ - અલગ પ્રેદેશ, તે પ્રદેશ અને ત્યાં રહેતાં લોકોની શૂરવીરતા, હિંમત અને સહાસનું આવેહુબ વર્ણન કરેલ છે.
આ પુસ્તકમાં વીરતાનો રસ લેખકશ્રી ખુબ સારી રીતે વર્ણવેલ છે, જે પુસ્તક વાંચતા જાણે આપણાં શરીરમાં રગે - રગમાં લોહીને બદલે શૂરવીરતાનો વીર રસ દોડવા લાગ્યો હોય તેવું લાગતું હતું, આ પુસ્તકમાં દરેકે - દરેક પાત્રને યોગ્ય અને પ્રમાણસર ન્યાય આપવામાં આવેલ છે, આ પુસ્તકમાં વર્ણવેલાં દરેક દ્રશ્યો જાણે વાંચતાની સાથે જ આપણી આંખો સમક્ષ ખડા થઈ જતાં હોય તેવું લાગતું હોય છે !
આ પુસ્તકોમાં વર્ણવેલા દરેક પ્રસંગો જાણે મેં સાક્ષાત અનુભવેલા હોય તેવું લાગી રહ્યું હતું. આમ પણ ઝવેરચંદ મેઘાણીએ ઉચ્ચ કોટીના લેખક હતાં. જેમને ગાંધીજી દ્વારા 'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપવામાં આવેલ હતું. આવા ઉત્તમ અને બેનમૂન સાહિત્ય સર્જન કરવાં બદલ ઝવેરચંદ મેઘાણીના ચરણોમાં સો - સો વંદન અપર્ણ કરવાની ઈચ્છા થઈ આવે !
આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી દ્વારા ઘણું એવું સાહિત્ય સર્જન કરેલ છે કે જે વાંચવા કરતાં માણવાનો વધુ આનંદ આવે...જેમ કે "ચારણ કન્યા" "છેલ્લો કટોરો" "સિંધુડો", "સોરઠ તારાં વહેતાં પાણી", "વેવિશાળ", "દાદાજીની વાતો", "વેણીનાં ફૂલ", "પ્રભુ પધાર્યા", "રા' ગંગાજળિયો", "કુરબાનીની કથાઓ" વગેરે તેમનાં અદભુત અને નોંધપાત્ર સર્જનો છે.
આ બધાજ સર્જનોમાંથી મેં માણેલ અને જીવેલ કોઈ પુસ્તક હોય તો છે "સૌરાષ્ટ્રની રસધાર" જે મારા માટે ઓલટાઇમ ફેવરિટ હતી, છે અને ભવિષ્યમાં પણ રહેશેજ તે !