શિવજીનો કિલ્લો પારનેરા
શિવજીનો કિલ્લો પારનેરા
પારનેરા ગુજરાત રાજ્યના વલસાડ તાલુકાનું મહત્વનું ગામ છે. પારનેરા ગામ વલસાડ શહેરની બિલકુલ નજીકમાં (આશરે ૪ કિલોમીટર) દૂર આવેલું છે. પારનેરા ખાતે આવેલા ડુંગર કે જેને પારનેરાનો ડુંગર તરીકે ઓળખવામાં આવે છે, તેના પર કિલ્લો આવેલો છે. આ કિલ્લા ઉપરથી વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, પાર નદી, કિલ્લા પારડી, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮, અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે.
સ્થાનિક લોકોમાં જાણિતી કિવદંતી મુજબ પારનેરા ડુંગર પરથી છત્રપતિ શિવાજીએ પોતાના ઘોડાને દોડાવીને છલાંગ મરાવીને નજીકમાં આવેલ પાર નદીને પાર કરેલ. પારનેરા ડુંગર પર ચઢવા માટે બે માર્ગ છે. એક સીધેસીધાં પારનેરા ગામથી ડુંગર પર પગથિયા ચઢીને જવાય અથવા પાછળના રસ્તે અતુલ કંપની તરફ થી મોટર માર્ગે અડધે સુધી ચડી ત્યાર બાદ ચઢીને જવાય. ચોમાસામાં આ ડુંગર વાદળ સાથે વાતો કરતો જણાય છે. ચોમાસામાં આ ડુંગર પર સાપુતારાને ભુલાવી દે તેવું રમણીય વાતાવરણ જોવા મળે છે.
પારનદીની બંને બાજુએ પારનેરા અને પારડી આવેલા છે. બંને ગામોમાં જુના કિલ્લા છે, પરંતુ પારનેરા શબ્દ પારનગર પરથી પારનયર અને પારનેરા બન્યો છે, જ્યારે પારડીનું વિશેષ તેના કિલ્લાનું માહાત્મય દર્શાવે છે, જેથી કિલ્લા પારડી તરીકે ઓળખવામાં આવે છે. બંને બાજુ આવેલા ગામોની ઉત્પત્તિ અને વિકાસમાં થોડા ફેર હોવાનું અનુમાન થઇ શકે છે. શિવાજી જ્યારે પણ દક્ષિણ ગુજરાતના મોઘલ સુબાઓ સંઘર્ષ થતાં, ત્યારે તેઓ વિરામ પારનેરા પર જ લેતા, જેનું મુખ્ય કારણ તેમણે હાંસલ કરેલો ખજાનો અહીં સુરક્ષિત રહેતો. પારનેરાની ભૌગોલિક પસ્થિતિના કારણે માત્ર બે તરફથી જ ચઢાણ થઇ શકે એવો રસ્તો હતો. તેમજ તેમણે સુરક્ષા હેતુ માટે અહિં સૈન્યને પણ તૈનાત કર્યું હતુ. જેના બુરેજ આજે પણ જોવા મળે છે. પારનેરા ડુંગર પર શિવાજીએ બનાવેલા કિલ્લામાં પાણીના કુંડ બનાવ્યા હતા. જુદા જુદા ચાર કુંડ તેમના દ્વારા પત્થર કોતરીને બનાવવામાં આવ્યા હતા. આ કુંડમાં હજુ પણ પાણી જોવા મળે છે.
સુરતમાં શિવાજીએ ઇ.સ. ૧૬૬૪ ,૧૬૭૦ પછી ચઢાઇ કરી, ત્યારબાદ પારનેરા, બગવાડા આમ આશ્રય સ્થાન બન્યું હતું. શિવાજીએ એનાયત સેનાપતિને પત્ર લખ્યા બાદ જાહેર કરેલું જેમાં ચિખલી, ગણદેવી, બિલીમોરા, બગવાડા, પારડી મરાઠા હેઠળ છે એમ સ્પષ્ટ જણાવ્યું હતું, જેમાં વાસંદા અને ધરમપુર સ્વતંત્ર હતાં. સુરત અઠાવીસી પરગણા પૈકી એક પારનેરા હતુ. બીજુ બગવાડા હતુ, આ અઠાવીસી પરગણા હાંસલ કરવાની નેમ શિવાજીએ લીધી હતી. આ સમયે મહારાષ્ટ્રના અનેક સરદારો પણ અહીં ચઢાઇ કરવા આવતા હતા. આમ પેશ્વાઓએ બગવાડા, પારનેરા અને પારડીમાં કિલ્લો બનાવ્યો હતો. જેમાં પારનેરાના કિલ્લાનો ઉપયોગ શિવાજી દ્વારા બે થી ત્રણ વખત થયો હતો. તેમણે બે વખત સુરત પર ચઢાઇ કરેલી. જેમની લડત મુઘલ સલ્તનત વિરૂદ્ધ હતી અને દેશ પ્રેમની હતી. આ કિલ્લો રહેવા માટે નહીં, પરંતુ આશ્રય માટે જ બનાવવામાં આવ્યો હોય છે જોતાં જ આજે પણ સમજી શકાય છે. જેથી સમય જતાં તેનો ઉપયોગ ઘટતો ગયો અને તે ખંડેરમાં પરિણમ્યો હતો.
