Kalpana Naik

Tragedy Abstract Others

1.7  

Kalpana Naik

Tragedy Abstract Others

શેર માટીની ખોટ

શેર માટીની ખોટ

4 mins
7.2K


"રૂપલ, આજે પૂજાની થાળીમાં તુલસીપત્ર ક્યાં છે, સાત સાત વરસથી આવી છે, પણ હજી બધું શીખી નથી રહી!" પૂજામાં બેઠેલા દામિનીબેન બૂમ પાડી ઉઠ્યાં.

"એ લાવી બા...ધોઈને મૂક્યાં હતાં તે થાળીમાં મુકવાના રહી ગયાં." રૂપલ સુહાસની ચા બનાવતી બનાવતી ગભરાઈને દોડી!

સુહાસને પોતાની માતાના સ્વભાવનો પરિચય તો હતો જ, પરંતુ કાંઈ બોલી શકતો નહીં, સાત વરસના રૂપલ સાથેના સુખી દામ્પત્ય જીવનમાં શેર માટીની ખોટ હતી, પરંતુ એમાં રૂપલનો શું વાંક હતો? 

રૂપલને બબ્બે વાર ફેલોપીન ટ્યૂબમાં ગર્ભ રહ્યો હતો તેથી રૂપલ બંને વાર મરતાં મરતાં બચી હતી! હવે રૂપલને બચાવવા ખાતર બાળકની વાત હવે સુહાસ ટાળી જ દેતો!

પણ દામિનીબેન જેનું નામ! દિવસમાં સાત વાર સંભળાવી જ દેતાં કે રૂપલ સાત વરસથી આવી છે, ને હજી બાળક નથી! 

સુહાસ એન્જિનિયર થઈ એક મલ્ટી નેશનલ કંપનીમાં ખૂબ સારી પોસ્ટ પર હતો. દિનકારરાયના અણધાર્યા અવસાન બાદ સુહાસ જ તો દામિનીબેનનો એક માત્ર આધાર હતો!દામિનીબેન સુહાસને ઓફિસેથી આવતાં જરાક મોડું થાય તો ઊંચા નીચા થઈ જતાં. સુહાસ ઘરે આવતો ત્યારે માને ભેટીને બોલતો,"ચાલ બોલ, મા આજે મને કયા ભગવાને હેમખેમ ઘરે પહોંચાડ્યો છે, કેટલા દિવા કરવાની બાધા લીધી છે?"

"ચાલ, હવે જમવા બેસી જા, ક્યારની ભૂખ લાગી છે."

દામિનીબેનની આંખમાં આંસુ ધસી આવતાં અને સુહાસના બરડે હાથ ફેરવતાં બોલી ઊઠતાં!

પોતાની જ કંપનીમાં કામ કરતા મિત્ર કૌશલની સગી બહેન રૂપલ દેખાવમાં બહુ ખાસ રૂપાળી તો નહીં કહી શકાય, પરંતુ ગુણવાન અને સંસ્કારી જરૂર હતી, ભણેલી છતાં પોતાની મા અને ઘર ગૃહસ્થી સાચવવાની અને નોકરી નહીં કરવાની શરત સાથે સુહાસ રૂપલને આ ઘરમાં લક્ષ્મી તરીકે લાવ્યો ત્યારથી જ દામિનીબેનના દેખાવડી વહુ લાવવાના સપના પર પાણી ફરી વળ્યું હતું.

લગ્ન પહેલાં જ સુહાસે પોતાની માતાના અધીરા સ્વભાવનો પરિચય આપી દીધો હતો તેથી બાને ચિંતા થાય એવું કંઈ બને ત્યારે બાજી સાંભળી લેતી. સવારમાં બાના પૂજાનો સમાન તૈયાર કરવાથી માંડીને આખો દિવસ આનંદથી ઘરના કામો આટોપતી, સુહાસ સાથેનું રૂપલનું દામ્પત્ય કોઈને પણ ઈર્ષા આવે એવું હતું.

ડોક્ટરના મત મુજબ બબ્બે વારની રૂપલની ફેલોપીન પ્રેગ્નન્સી બાદ રૂપલ માટે બાળકનો વિચાર કરવો એ ખતરાથી ખાલી ન હતું. પણ રૂપલનો ખોળો ખાલી રહેલો જોઈ અકળાતાં, હવે તો સુહાસ પણ જોતો કે બા રૂપલને નહીં બોલવાનું બોલી દેતાં હતા! રૂપલની આંખે આંસુનો સમંદર છલકાઈ જતો પણ તે બાની સામે એક અક્ષર પણ ઉચ્ચારતી નહીં!

"રૂપલ, આ કામવાળાને આટલા ચગાવવાના નહીં, માથે ચડી જાય, આગલા મહિનાનો પગાર પણ એડવાન્સમાં લઇ ગઈ છે."

"બા, એ પ્રેગ્નન્ટ... એની તબિયત પણ ક્યાં સારી રહે છે.. એટલે..." રૂપલ ધીમેથી બોલતી.

"અરે, આ ચોથું છે, ગરીબને ઘેર ખાવાના ફાંફા છે અને... હે ઠાકુરજી... મારા ઘરે ક્યારે..." દરેક વાતને હવે દામિનીબેન રૂપલને નિઃસંતાનપણા સાથે જોડી દેતાં.

મહોલ્લામાં કોઈને બાળક આવે એની ખબર આવતાં જ આખું ઘર માથે લઈ લેતાં અને ઠાકુરજીના ફોટા પાસે બેસી જોર જોરમાં રડવા બેસી જતા,"હે ઠાકુરજી, મારા ઘરે ક્યારે પારણું..."

" દીકરો મોડો આવે ત્યારે એક માના દિલ પર શું વિતે એનો તને કયાંથી ખ્યાલ આવે?" સુહાસ કદીક મોડો આવતો ત્યારે હજી પણ અધીરા બની દામિનીબેન ગભરાઈને બાધા લઈ

લેતાં, અને રૂપલને સંભળાવવાનું ચુકતાં નહીં! સુહાસ રૂપલનો પણ પતિ હતો એ વાત ભૂલી જતાં!

રૂપલ સમસમી જતી, પણ ચૂપ રહેતી, નહીં સહેવાય એવો એક બોજ સતત એના દિલમાં હવે ડંખ્યા કરતો!

પરંતુ હવે રૂપલને બચાવવા ખાતર બાળકની વાત હવે સુહાસ ટાળી જ દેતો!

દામિનીબેન એક મા હતાં, એમણે હજીયે આશા છોડી ન હતી! પોતાના ઠાકુરજી બધું સારું જ કરશે એ આશા એ રડી રડીને સુહાસને સમજાવ્યા કરતાં. પરંતુ દામિનીબેનનું રૂપલ સાથેનું વર્તન હવે માઝા મુકતું હતું.

"સુહાસ, હવે એક છેલ્લી ટ્રાય, બાના ખાતર, પ્લીઝ... મને પણ આ રોજ રોજનું સાંભળવાનું..." રૂપલ લગભગ રોજ રાતે સુહાસને સમજાવતી.

"રૂપલ, તને જો કાંઈ થશે તો હું તારા વિના..." સુહાસ રૂપલને પોતાની બાહોમાં ખેંચતાં બોલતો!

"સુહાસ, મને કાંઈ નહીં થાય, બરાબર તારા જેવો જ એક દીકરો હોય તો જીવન પણ મધુરું બની જાય, સુહાસ એક સ્ત્રી તરીકે મને પણ.. ભગવાન બધું સારું જ કરશે.. પ્લીઝ.."

આખરે ફરીથી રૂપલને સારા દિવસો રહ્યા. આ વખતે બધું બરાબર હતું, દામિનીબેનના હરખનો પાર ન રહ્યો. ઠાકુરજીની મૂર્તિ પાસે બેસી કાંઈ કેટલીયે બાધા લઈ લીધી હશે! રૂપલને પણ ખાટલેથી પાટલે રાખવા માંડ્યા, બાનું આ રૂપ જોઈ સુહાસ અને રૂપલ ધન્ય થઈ જતાં, પણ સુહાસના મનમાં એક અજાણ્યો ડર કોરી ખાતો! 

રેગ્યુલર રૂપલને ચેકઅપ માટે લઇ જતો, રૂપલ તેમજ બાળકની તંદુરસ્તી અંગેના બધા જ રિપોર્ટ સારા આવેલ જોઈ એના મનમાં હવે નિરાંત થતી. છેવટે નવ મહિને સિઝેરિયન દ્વારા સુંદર દીકરાને જન્મ આપ્યો, પરંતુ અતિશય બ્લડ વહી જવાને લીધે રૂપલની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ અને અનંતની વાટે નીકળી ગઈ!

આજે પણ દામિનીબેન ચાર વરસના પાર્થને લઈ રૂપલની પૂણ્ય તિથિના દિવસે બધું કામ પતાવી ઠાકુરજીના મંદિર પાસે બેસી ધ્રૂસકે ધ્રૂસકે રડી લે છે.

બરાબર શ્રાવણ માસની અગિયારસ, આજે પણ દામિનીબેન એ દિવસ યાદ કરીને પોતાની જાતને દોષિત માને છે, બ્રાહ્મણને જમાડી દાન દક્ષિણા આપ્યા બાદ એકલતાથી ઝૂરતા અને ચાર વર્ષથી હસવાનું ભૂલેલ સુહાસની પીઠ પર હાથ પસવારતાં રડી ઉઠે છે!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy