Prashant Subhashchandra Salunke

Abstract Romance Fantasy

4  

Prashant Subhashchandra Salunke

Abstract Romance Fantasy

શબ્દ રંગ

શબ્દ રંગ

2 mins
424


ધૂળેટીપર્વ નિમિત્તે પોળના સર્વ રહીશો એકબીજાને અબીલ, ગુલાલ લગાવામાં મસ્ત હતા. કોઈ કોઈને રંગવા તેની પાછળ દોડી રહ્યું હતું, તો કોઈ રંગથી બચવા છૂપાઈ રહ્યું હતું. ઘરના આંગણે ખુરશી નાંખીને બેઠેલી દ્રષ્ટિ હર્ષોલ્લાસના અવાજો સાંભળી આનંદિત થઈ રહી હતી. તેની પડખે ઊભેલો તેનો પતિ અવિનાશ એ ધાંધલધમાલની રનીંગ કોમેન્ટ્રી આપી રહ્યો હતો. દ્રષ્ટિ અનેરા આનંદથી તેને સાંભળી રહી હતી. એટલામાં તેઓની નાનકડી દીકરી કીર્તિ ત્યાં આવી અને રડમસ સ્વરે બોલી, “મમ્મી, મોટા ભાઈ પિચકારી વડે મારા પર રંગ નાંખી મને પલાળી રહ્યા છે. પછી મને શરદી થઈ જશે તો ?”

દ્રષ્ટિ શાંતિથી બોલી, “બેટા, તને ખબર છે ધૂળેટીમાં લોકો કેમ એકબીજા પર પિચકારીમાં રંગ ભરી ઉડાવે છે ?”

કીર્તિએ નકારમાં માથું હલાવ્યું.

“આમ કરી લોકો એકબીજાને સંકેત આપે છે કે ઠંડીની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ઠંડા પાણીથી નહાવામાં આપણને કોઈ જ નુકશાન નથી. તેથી તું નિશ્ચિંત બની રંગોની વર્ષામાં તરબોળ થઈ આનંદ કર.”

અવિનાશે કહ્યું, “કીર્તિ બેટા, મમ્મી પાસેથી પ્રતિકુળ પરિસ્થિતિને અનુકુળ બનાવીને કેવી રીતે આનંદમાં જીવવું એ તારે શીખવું પડશે.”

કીર્તિએ હકારમાં માથું હલાવ્યું અને મોટાભાઈને રંગવા બહાર દોડી ગઈ. બહારથી આવી રહેલા તેના ખિલખિલાટને સાંભળી દ્રષ્ટિનો ચહેરો ખીલી ઊઠ્યો. 

અવિનાશે હળવેકથી દ્રષ્ટિના ગાલ પર ગુલાલ લગાડતા કહ્યું, “તું જાણે છે મેં તારા ચહેરા પર કયો રંગ લગાવ્યો છે ?”

કીર્તિએ કહ્યું, “તમે જ કહો મારે મન બધા રંગ સરખા.”

વિષાદના ઘેરા કાળા વાદળા અવિનાશના હૃદયને ઘેરી વળ્યા.

“ચૂપ કેમ છો ? કહોને તમે મને કયો રંગ લગાવ્યો છે ?”

“પ્રેમના પ્રતિક સમો લાલ રંગ.”

“ધત્ત, તમે આજકાલ ખૂબ રોમાંટિક થતા જાઓ છો.”

“દ્રષ્ટિ, મને માફ કર. મારા કારણે તેં...”

“તહેવારમાં પણ તમે ક્યાં જૂની વાતો યાદ કરી દુ:ખી થાઓ છો. અકસ્માતમાં મેં મારી આંખો ગુમાવી એમાં તમારો શો વાંક ?

“એક વાત પૂછું ?”

“શું ?”

“આ રંગોની દુનિયા જોઈ ન શકવાનો તને ક્યારે અફસોસ થતો નથી ?”

“ના... રે... ક્યારેય નહીં.”

“કેમ ?”

“કારણ આ સૌથી ચઢીયાતા રંગ મેં જોયા છે.”

“એ વળી કેવા ?”

“શબ્દોની હૂંફ થકી મારા જીવનને ઉમંગથી ભરી દેતા તમારા પ્રેમના રંગ. મારે શું કામના આ કુત્રિમ લાલ, લીલા કે પીળા રંગ ! જયારે રોજ મારા હૈયામાં ઊડે પ્રેમ, વફાદારી અને કાળજીરૂપી તમારા શબ્દ રંગ.”

અવિનાશ પ્રેમથી દ્રષ્ટિને ભેટી પડ્યો.

અશ્રુ બની બંનેને ભીંજવી રહ્યા શબ્દ રંગ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract