શૈલી
શૈલી
અર્ધી રાત્રીએ શહેરના મુખ્ય પુલ ઉપર માનવ અવરજવરની ગેરહાજરી હતી. કેટલાક નામના વાહનો કે રીક્ષાઓ અમુક અંતરાલે પસાર થઇ રહી હતી. પુલ ઉપરના સળિયા ઉપર બે આધેડ હાથ પસરાયા હતા. બન્ને આંખો પુલ નીચે વહી રહેલા શાંત પાણીને એકીટશે નિહાળતી અત્યંત ઊંડાણમાં ઉતરી ચૂકી હતી. શરીર અત્યંત સ્તબ્ધ હતું.
અચાનક નજીકમાં એક અન્ય શરીર જોશભેર સળિયા પર આવી પછડાયું. બે યુવાન હાથ સળિયા ઉપર પસરાઈ ગયા. હાંફી રહેલું શરીર અને ફૂલેલો શ્વાસ એ શરીર દોડતું ભાગતું ઘણું લાબું અંતર કાપી આવ્યું હોય એનો પુરાવો આપી રહ્યા હતાં. એક હાથમાં સમાચારપત્રનો એક ટુકડો ડૂચો વળી મુઠ્ઠીમાં ભીંસાઈ રહ્યો હતો. બન્ને હાથ ઉપર શરીરનું વજન આગળ પાછળ થતા એ યુવાન શરીરમાંથી રુદનની ધાર છૂટી નીકળી.
આધેડ શરીર પોતાના વિચારોમાંથી શીઘ્ર બહાર નીકળી યુવાન શરીર તરફ ધસી ગયું.
" અરે...શું થયું ? આર યુ ઓલ રાઈટ ? "
અંતરની પીડા અસહ્ય બનતા યુવતીનું ડોકું નકારમાં ધૂણી ઉઠ્યું. અશ્રુનો પ્રવાહ બેવડાઈ ગયો. હતાશ યૌવન ઉતાવળમાં કે જોશમાં કોઈ ખોટું ડગલું ન ભરી લે. પુલ નીચે વહી રહેલો નદીનો પ્રવાહ આધેડ કાનમાં પહેલાથી પણ વધુ સ્પષ્ટ અને સક્રિય અનુભવાઈ રહ્યો.
" શું નામ છે તારું બેટા ? ક્યાં રહે છે ? આમ અહીં અર્ધી રાત્રીએ આવા સુમસાન પુલ ઉપર....? "
પીડાના ભારથી નીચે નમેલી આંખો થોડી ક્ષણો માટે ઉપર ઉઠી. એ યુવાન આંખોમાં આધેડ આંખોને હતાશા અને દુઃખનો સમુદ્ર હિલોળા લેતો દેખાયો.
અનુભવી આંખોમાં એ અજાણ્યા દર્દ પ્રત્યે સહાનુભૂતિ, સંવેદના અને વાત્સલ્ય એકીસાથે ઉભરાઈ આવ્યા.
પ્રશ્નના ઉત્તરમાં થોડી ક્ષણો માટે માંડ રોકાયેલા અશ્રુઓ ફરી એકવાર ધસમસતા પ્રવાહમાં બહાર નીકળી આવ્યા. હાથમાંના સમાચારપત્રનો ટુકડો વધુ બળ જોડે ભીંસાઈ ગયો.
આધેડ આંખોએ એની નોંધ લીધી.
જાતે જાણે કોઈ સ્ટેજ ઉપર ઊભા હોય અને આસપાસ દર્શકગણથી ઘેરાયેલા હોય એમ એ આધેડ પુરુષે પોતાનો સંવાદ આગળ વધાર્યો.
"જીવન પણ સિનેમા જેવું જ છે. તમે કોઈ એકજ પ્રકારની ફિલ્મ એકીસાથે નિહાળ્યા કરો તો કેટલું નીરસ લાગે ! પણ ક્યારેક કોમેડી, ક્યારેક એડવેન્ચર, ક્યારેક થ્રિલર, ક્યારેક રોમાન્સ, ક્યારેક હોરર, ક્યારેક ટ્રેજેડી, ક્યારેક અર્થપૂર્ણ નાટક તો ક્યારેક સંપૂર્ણ એબ્સર્ડ ...જુદી જુદી શૈલી.....જેટલી વિવધતા એટલોજ રસ જળવાઈ રહે. ખરુંને ? "
યુવતીની ભીની આંખો નજર સામેની આધેડ આંખોને હેરતથી નિઃશબ્દ તાકી રહી.
" એકધારા જીવન કરતા વધુ જીવલેણ કશું નથી. ક્યારેક હસવું, ક્યારેક વિચારવું, ક્યારેક સહન કરવું, ક્યારેક બોલવું, ક્યારેક ચુપચાપ સાંભળવું, ક્યારેક અણધાર્યું એડવેન્ચર,ક્યારેક ઉત્સવ મનાવવો તો ક્યારેક રડવું..ક્યારેક એકજ ક્ષણમાં આખું જીવન યાદ કરી લેવું તો ક્યારેક બધુજ ભૂલાવી...."
એક ક્ષણિક ગંભીર વિરામ પછી શીઘ્ર એક હળવું સ્મિત આધેડ ચહેરા પર રમી ગયું.
" જીના ઇસી કા નામ હે. ધીરજ ધરવાની ધીરજ ન હોય એ તો કેવું જબરું એડવેન્ચર ! "
"શૈલી ...?" આંસુઓને હડસેલતું એક આછું સ્મિત યુવતીના ચહેરા પર છવાઈ ગયું.
" મારા જીવનમાં તો હમણાં 'ટ્રેજેડી' ચાલી રહી છે. પણ હું એને 'એડ્વેન્ચર'માં પરિવર્તન કરવાનો જરૂર પ્રયાસ કરીશ. પણ આપના જીવનમાં શું ચાલી રહ્યું છે ? "
યુવતીની નજરમાં થોડી સ્થિરતા પ્રવેશી ચૂકી હતી.પરંતુ સામે છેડેથી પુછાયેલા પ્રશ્નથી હવે આધેડ આંખો અસ્થિર બની. અહીંથી ત્યાં ફરતી કીકીઓ મૂંઝવણમાં મૂકાઈ. નજરને ક્યાં સ્થિર રાખવી એનો સંઘર્ષ આખરે નીચે વહી રહેલા પાણીના પ્રવાહ ઉપર આવી અટક્યો. ચહેરાના હાવભાવોમાં બેચેની ફરી વળી.
" એબ્સર્ડ ! "
પ્રશ્નનો ઉત્તર મેળવી યુવતી ધીમે રહી આધેડ શરીર તરફ આગળ વધી.
" મારું નામ પ્રજ્ઞા મહેતા છે. હું સુલક્ષણા સોસાયટીમાં રહું છું. અહીં નજીકમાં જ છે. "
એક નાનકડો વિરામ લઈ એણે આધેડ આંખોમાં ઝાંખવાનો પ્રયાસ કર્યો. આંખોના ભાવ અત્યંત સપાટ હતા. કશું કળી ન શકાયું. ધીમે રહી એણે આજીજી કરી જોઈ.
" ઇફ યુ ડોન્ટ માઈન્ડ, આપ મને ઘર સુધી મૂકી જશો. "
આધેડ શરીર થોડું વિચલિત થયું. શું કરવું અને શું નહીંની દ્વિધા ચહેરાના હાવભાવોએ સ્પષ્ટ ઝીલી.
" જો આપની ઈચ્છા ન હોય તો...."
" નહીં, નહીં. હું આવું છું. કઈ તરફ ? "
યુવતીએ આંગળી ચીંધેલા રસ્તે આધેડ ડગલાં ધીમે ધીમે આગળ વધ્યા. એજ સમયે યુવતીના જીન્સના ખિસ્સામાં મોબાઈલ વાઈબ્રેટ થયો. થોડા ડગલાં પાછળ રહી એણે કોલ ઉઠાવ્યો. થોડા અંતરે એની રાહ જોઈ રહેલ આધેડ પુરુષને એણે આંખો વડે રાહ જોવાનો અને વિઘ્ન બદલ માફીનો બેવડો ઈશારો કર્યો. પોતાનો અવાજ ફક્ત કોલ પૂરતો સીમિત રહે એ પ્રમાણે અત્યંત મંદ સ્વરમાં એણે જવાબ આપ્યો.
" ડોન્ટ વરી. એ સુરક્ષિત છે. મારી જોડે છે. હું ઘરે આવું છું. "
કોલ કાપી યુવાન ડગલાં શીઘ્ર આધેડ ડગલાં નજીક પહોંચી લક્ષ્યની દિશામાં આગળ વધ્યા.
અજાણતા જમીન ઉપર પછડાઈ ગયેલો, ઓળખની પૂછપરછ કરવા ઘરેથી ઉતાવળમાં સાથે લઈ લીધેલો સમાચારપત્રનો ટુકડો પુલ ઉપર હવામાં ગોથા ખાઈ રહ્યો હતો હતો. એમાં આધેડ પુરુષની મોટી તસ્વીર હતી અને સમાચારનું શીર્ષક : 'ત્રણ વખત નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા વશિષ્ઠ મહેતા અલ્ઝાઈમરથી પીડિત '
