શાંતિ
શાંતિ


ટીવીનું રિમોટ પછાડી એ ઉભો થઇ ગયો. બાજુના ટેબલ ઉપર પડેલી ચા પીવાનો ઉત્સાહ મરી પરવાર્યો. રજાનો દિવસ છે કે સજાનો દિવસ ! સમાચાર જોવાય નહીં અને સમાચાર પત્ર ચેનથી વંચાય નહીં. કર્કશ અવાજોથી કાન ફાટી પડશે. કૂકરની સિટીનો અવાજ રસોડામાંથી દર એક મિનિટે ફૂંકાવો જાણે ફરજીયાત. બાળકોના ધમપછાડા એવા જોરદાર કે ઘરમાંજ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું હોય એવી શંકા ઉપજે. પત્નીનો ધમકી ભર્યો અવાજ વાતાવરણને વધુ ભયંકર બનાવી મૂકે. કુસ્તીના મેચની રેફરી સમાન બન્ને બાળકોના ઝગડા વચ્ચે એ દિવાલનું પાત્ર.
" એ મારુ રમકડું છે..."
" ભાઈને કે મને આપી દે..."
" નહીં આપીશ , જા..."
" એ નાની છે આપી દે એને..."
" નાની હોય એટલે બધું એને જ આપી દેવું ?"
" હવે આ લડાઈ બંધ કરો. નહીંતર પપ્પાને કહું છું...સાંભળો છો?...જરા બહાર આવો..આ બન્નેને જુઓ તો...."
શું એક દિવસ એવો ન મળે જેમાં સંપૂર્ણ શાંત ચિત્તે જીવન માણી શકાય ?
સમાચાર પત્રના હૂંફાળા પાનાઓ અને ગરમ ચાની વચ્ચે અન્ય કોઈ દખલગીરી ન હોય. એક એવો દિવસ જેમાં રસોડું બંધ હોય અને કુકરનો ઉપયોગ નિષેધ. જ્યાં ટીવી ઉપર આવતા સમાચાર સાંભળવા સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત થઇ શકે. સોય પણ પડે તો એનો અવાજ સાંભળી શકાય એવી શાંતિ ઘરના દરેક ખૂણામાં અનુભવી શકાય. જ્યાં પત્નીના "સાંભળો છો ?" "સાંભળો છો ? "..શબ્દો બળજબરી એ સાંભળવા ન પડે. બાળકો ના નકામા ધાંધલ ધમાલ અને ધમપછાડાઓથી આખું ઘર ધ્રુજતુ ન હોય. જ્યાં બધુજ થોડી ક્ષણો માટે થીજી જાય અને મન ઊંડી શાંતિમાં ગરકાવ થઇ જાય..બસ એક એવો દિવસ.
બારણું ઉઘાડી એ ડ્રોઈંગ રૂમમાં ધસ્યો. એના બરાડાથી બધાજ થીજી ગયા. માથા ઉપર કંટાળો અને ગુસ્સો એકસાથે પારદર્શી થયા.
" રવિવારના દિવસે તો થોડી શાંતિ રાખો. આખું ઘર માથે ઊંચકી રાખ્યું છે. બેસીને ન ચા પી શકાય, ન ટીવી જોઈ શકાય, ન સમાચાર પત્ર વાંચી શકાય. શાલુ આને જીવન કહેવાય ?...."
સ્લીપર પહેરી ઘરની બહાર નીકળતા પત્નીનો અવાજ પાછળથી ઉમટ્યો.
" ક્યાં જાઓ છો , નાસ્તો તૈયાર છે. ક્યારે પરત થશો ? "
એક પણ પ્રશ્નો ઉત્તર આપ્યા વિનાજ શાંતિની શોધમાં એ ઘરથી દૂર નીકળી પડ્યો.
શયન ખંડના ટીવીની સ્ક્રીન હજી પણ એજ સમાચાર ચેનલનું પ્રસારણ કરી રહી હતી. નીરવ શયન ખંડમાં પ્રસારિત સમાચારમાં પત્રકારે આખરે પોતાનો અંતિમ પ્રશ્ન પૂછ્યો.
" આપની અપેક્ષા ?"
સોય પણ પડે તો સાંભળી શકાય એવી ઊંડી શાંત હવામાં ઉત્તર આપનારનો નિસાસો વેદના સભર સર્યો. ચારે તરફથી જર્જરિત ઘરની દીવાલો આકાશમાંથી થયેલ અણુ વર્ષાનો નિર્લજ્જ પુરાવો આપી રહી. તૂટેલા ઘરના બચી ગયેલા એક ખૂણામાં લપાઈને પોતાની પત્નીના ખોળામાં ભરાઈને બેઠા બાળકો ઉપર ફરી રહેલી એની આંખો ભય અને લાચારીથી છલકાઈ ઉઠી. અવાજમાં સ્પષ્ટ ધ્રુજારી અનુસરી.
" બસ એક એવો દિવસ જેમાં આકાશમાંથી અણુ વર્ષા થવાની ન હોય. એક એવો દિવસ જ્યાં રસોડામાંથી ફરીથી કૂકરની સીટી ગુંજતી હોય. એક એવો દિવસ જ્યાં મારી પત્નીના સાંભળો છો ? સાંભળો છો ? એવા હુલામણા ભયવિહીન શબ્દો ફરીથી ઘરને ગુંજાવે. એક એવો દિવસ જ્યાં મારા બાળકો પોતાના ઘરમાં ધમાચકડી મચાવે...બસ એક એવોજ શાંત દિવસ...."