સેટરડે-સન્ડે
સેટરડે-સન્ડે
લિઝાની ફેવરિટ સિરિયલ જેવી પૂરી થઈ કે રોશને રિમોટ કંટ્રોલ વડે ટી.વી. બંધ કરી દીધું. એ પછી લિઝાએ ઊભા થઈને ટી.વી. સ્ક્રીન પાસેની સ્વિચ બંધ કરી દીધી ગ્રેસી અને વત્સલ તો એક કલાક પૂર્વે જ સૂવા માટેના ઓરડામાં જઈને સૂઈ ગયા હતા.
રોશને જ્યારે આ નવો ફ્લેટ ખરીદ્યો ત્યારે જ તેમાં તેમણે ફુલ સાઈઝનો બેડ એટલે કે પલંગ વસાવી દીધો હતો. એક સાથે ચાર જણ સૂઈ શકે એટલી એ પલંગમાં ક્ષમતા હતી.
ખેર, હવે મેઈન દરવાજો બંધ કરવાનો બાકી રહેતો હતો. અને એટલે લિઝા કહેવા લાગી, " રોશન, ઓ રોશન ક્યાં છો ? "
"હા બોલ" નમ્રતાપૂર્વક રોશન જવાબ આપવા લાગ્યા. તેઓ અમુક શબ્દો બોલવાનું તો લિઝાના આવ્યા પછી શિખ્યા હતા. 'જેવો સંગ એવો રંગ' એ ન્યાયે અસર તો પડે ને !
" દરવાજો બંધ કરો અને જલ્દી આવી જાવ" લિઝા કહેવા લાગી. એણે 'જલદી ' શબ્દ પર વધારે ભાર મૂક્યો હોય એવું રોશન ફીલ કરવા લાગ્યા.
"સ્ટેલા સાથેના લગ્નજીવન દરમિયાન એકેય વખત આવા પ્રેમાળ શબ્દો સાંભળવા ન્હોતા મળ્યા ! " રોશન ક્ષણભર માટે અતીતમા ચાલ્યા ગયા.
એ પછી એમણે લિઝાના કહેવા પ્રમાણે દરવાજો બંધ કર્યો; સ્ટોપર મારી અને સીધા લિઝા પાસે પહોંચી ગયા.
" આજનો એપિસોડ સરસ હતો નહીં !" લિઝા બોલી.
" હા, પણ…" રોશને વાક્ય પૂરું ન કર્યું.
" પણ શું રોશન; બોલો તો !" લિઝાએ પોતાના કાન સરવા કરતા ઉત્સુકતા દર્શાવી.
" આજે મને ન્યૂઝ પેપર વાંચવાનું ન્હોતુંં મળ્યું એટલે ન્યૂઝ જોવા'તા" રોશન દયામણા ચહેરે કહેવા લાગ્યા.
" ઓહ ! આઈ એમ સો સૉરી રોશન; મારાથી મિસ્ટેક થઈ ગઈ બસ ! આવતીકાલથી તમે ન્યૂઝ જોજો."
" અને તારો એપિસોડ !" રોશને પૃચ્છા કરી.
" આજે આપણે જે એપિસોડ જોયો ને; એ સિરિયલનો છેલ્લો એપિસોડ હતો." લિઝા કહેવા લાગી. એ સાથે એના ચહેરા પર મસ્તીભર્યું હાસ્ય પણ રેલાયુ.
રોશન મનોમન એવું ઈચ્છવા લાગ્યા કે લિઝાને તેના બરડામાં; એક ધબ્બો મસ્તીમાં મારે ! પણ એમણે એવું ન કર્યું. થોડીવાર બાદ રોશનના માથામાં લિઝાનો કોમલ હાથ ફરતો રહ્યો. એ સાથે જ તે સહજભાવે પૂછી રહી હતી, " આવતી કાલની રજા લીધી છે ને ? "
"હા" રોશને જવાબ વાળ્યો. તેમની આંખો હવે ઘેરાવા લાગી. એ પછી લિઝાએ એક નજર બાળકો ઉપર નાખી દીધી અને પોતે પણ આંખો બંધ કરીને સૂઈ ગઈ.
સવારે બરોબર પાંચના ટકોરે તેની આંખો ખુલી ગઈ. દરરોજના નિત્યક્રમ મુજબ તે બાથરૂમમાં ગઈ. એ પછી બ્રશ કરીને મો ધોઈ નાખ્યું. કુદરતી ક્રિયા પણ તેણે સમયસર પૂર્ણ કરી અને સાબુ વડે હાથ ધોઈ નાખ્યા. સ્વચ્છતાના પાઠ તો તે બાળપણથી જ શીખી હતી.
ખેર, એ પછી જેવી તે ચા બનાવવાની તૈયારી જ કરતી હતી કે રોશનનો મોબાઈલ રણક્યો. તે મુખ્ય ઓરડામાં આવી અને જે ડ્રોઅરમા રોશનનો મોબાઈલ મૂક્યો હતો તે ડ્રોઅર તેણે ખોલ્યું. જેવું તેણે મોબાઈલ સ્ક્રીન ઉપર જોયું કે તેને 'ઑફિસ ' વાંચવા મળ્યું. તે ફટાફટ રોશન પાસે પહોંચી ગઈ. તેણે રોશનને ઢંઢોળ્યા. અને એ પછી એમના હાથમાં મોબાઈલ થમાવ્યો.
" હેલો સર !" રોશને કહ્યું.
" મિ. રોશન, ગુડ મોર્નિંગ ! ગઈકાલે મેં તમારી આજની રજા મંજૂર કરી હતી બટ આઈ એમ સૉરી" વિવેક સર કહેવા લાગ્યા.
" કેમ શું થયું સર ? " રોશને પૂછ્યું.
" આજે આપે ઑફિસ એટેન્ડ કરવી પડે તેમ છે. ગઈકાલે રાત્રે મને આપણા એક ક્લાયન્ટનો મેસેજ મળ્યો. આજે ઈવનિન્ગની ફ્લાઈટમાં તેઓ ફ્રાન્સ જવા રવાના થાય છે ! એમની પાસેથી બાકી નીકળતુંં લેણું આપણે વસૂલ કરવાનું છે. " વિવેક સરે સ્પષ્ટતા કરતા કહ્યું.
" ઓકે સર " કહેતા રોશને કોલ ડિસકનેક્ટ કર્યો. એ વેળા કિચનમાં ચા બનાવી રહેલી લિઝાએ સઘળી વાત સાંભળી લીધી હતી. એ પછી રોશને પોતાના દેહ પરની ચાદર હટાવી અને તાબડતોબ બાથરૂમ તરફ જવા લાગ્યા. પહેલા એમણે કુદરતી ક્રિયા પૂર્ણ કરી. એ પછી નાહી લીધું અને ફટાફટ વોર્ડરોબમાં આવી પહોચ્યા. તેઓ એમના સેક્શનમાં હાથ નાખીને શર્ટ બહાર કાઢવા જતા હતા ત્યાં જ એમના હાથમાં લિઝાનુ કોઈ એક કપડું આવી ગયુ. તેઓ હસવું રોકી શક્યા નહી ને પોકાર પાડવા લાગ્યા, " આ તને મેં કેટલી વખત કહ્યું કે તારા કપડાં તારા સેક્શનમાં જ મૂકવાના રાખ ! "
" સારુ" લિઝા બોલી. એ પછી એ પણ મનોમન હસવા લાગી.
ખેર, એ પછી રોશને એમના કપડા શોધીને પહેરી લીધા. ત્યારબાદ તેઓ પોતાની બેગ તૈયાર કરીને ડાયનિન્ગ ટેબલ આગળ આવી ગયા. તેમણે પોતાના મોબાઈલની બેટરી કેટલી રહી છે તે ચેક કરી જોયું. થોડીવારમાં લિઝા ચા-નાસ્તો લઈને આવી પહોંચી. રોશન ઉતાવળે ઉતાવળે ચા પીવા લાગ્યા. "શાંતિ રાખો; દઝાઈ જશો ! "; લિઝા મનોમન કહેવા લાગી. એ પછી બોલી; " બ્રેડ - બટર…."
" નોટ નાઉ.સમય નથી !" રોશન કહેવા લાગ્યા
"લંચ" લિઝાએ પૂછ્યું.
"આઈ વિલ મેનેજ" રોશન બોલ્યા.
થોડીવાર બાદ લિઝાને રોશનની ગાડીનો ટિપિકલ અવાજ સંભળાવા લાગ્યો. થોડી ક્ષણો બાદ જ્યારે તેણે બારીમાંથી બહાર નજર નાખી ત્યારે તેને રોશન જતાં જોવા મળ્યા.
એ પછી તે ડાયનિન્ગ ટેબલ તરફ આવી. વ્હાઈટ રંગના મગમા ચા કાઢીને પીવા લાગી. આજે તેને પણ બ્રેડ- બટર ખાવાની ઈચ્છા ન થઈ ! તેણે પોતાના હસબન્ડની જેમ કેવલ ચા પીને ચલાવી લીધું.
પાછલા કેટલાક વર્ષો દરમિયાન ક્યારેય એવું ન્હોતુંં બન્યું કે જન્મદિને જ જોબ પર જવાનું થયું હોય ! પહેલી વખત આવું બન્યું હોઈ રોશન ખુશ નહોતાં. પણ પેલું કહેવાય છે ને કે મેન પ્રપોઝીસ એન્ડ ગોડ ડિસ્પોઝીસ !
અલબત લિઝાને તો એટલું બધું દુ:ખ નહોતું થયું જેટલું દુ:ખ રોશનને થયું હતુંં ! લિઝાએ તો એવું વિચાર્યું કે જોબ પર જવાનું થાય એથી કંઈ ખાટું મોળુ થઈ જતુંં નથી.
તે તરત જ ઊભી થઈને પોતાનો સ્માર્ટ ફોન લઈ આવી. એ પછી તેણે 'એવરગ્રીન' બેકરીના માલિક ઘનશ્યામભાઈનો મોબાઈલ નંબર ડાયલ કર્યો.
" હેલો, ઘનશ્યામભાઈ...જય શ્રી કૃષ્ણ !" ચહેરો હસતો રાખતા લિઝા કહેવા લાગી.
" જય શ્રી કૃષ્ણ લિઝાબેન...બોલો શું કામ પડ્યુ મારુ ? " ઘનશ્યામભાઈ બોલ્યા.
" એક કેકનો ઓર્ડર આપવો છે. " લિઝા બોલી.
" આપી દો, અને ક્યારે અને કેટલા વાગે જોઈએ છે તે ખાસ જણાવી દો. કેક પર નામ શું લખાવડાવવાનુ છે તે કહેજો. " ઘનશ્યામભાઈ બોલ્યા.
" આજે સાજે છ વાગ્યે. મારા હસબન્ડ રોશનનો જન્મ દિન છે આજે ! " લિઝા બોલી.
" સ્યોર ! કેક તમને પહોંચતી કરીશ. એમને મારા તરફથી શુભેચ્છા…" ઘનશ્યામભાઈ કહેવા લાગ્યા.
એક તરફ કેકનો ઓર્ડર અપાયો અને બીજી તરફ ગ્રેસી અને વત્સલ ગહેરી ઊંઘમાંથી ઊઠી જવા પામ્યા હતા.
" મમ્મી, પપ્પા ક્યાં છે ? " ગ્રેસીએ પૂછ્યું.
" પપ્પા તો જોબ પર ગયા છે." લિઝા બોલી.
" પણ મમ્મી, આજે તો પપ્પાનો બર્થડે છે ને ! તો પણ કેમ ઑફિસે ગયા છે ? વત્સલ પૂછવા લાગ્યો.
વત્સલને જવાબ આપવો પડે તેમ હતો. એટલે લિઝા કહેવા લાગી, " બેટા, એમને બોસે બોલાવ્યા હતા. અને જો તે ન ગયા હોત તો તેમને જોબમાંથી કાઢી મૂકત ! "
"હે મમ્મી, સાચ્ચે જ ? " વત્સલે આશ્ચર્ય વ્યકત કર્યું.
" હા, ભાઈ...જો આપણા પપ્પા જોબ પર ન ગયા હોત તો તેમને જોબ પરથી કાઢી મૂકત ! " ગ્રેસીએ સૂર પુરાવ્યો.
ખેર, એ પછી તો લિઝાએ બંને બાળકોને નવડાવ્યા. નવાં કપડાં પહેરાવ્યા. એ પછી એમને હેલ્ધી બ્રેકફાસ્ટ પૂરો પાડ્યો. ત્યારબાદ એમને સ્ટડી માટે સ્ટડીરૂમમા જવા જણાવવામાં આવ્યું. એ પછી તે પણ સ્નાન માટે બાથરૂમ તરફ ગઈ. સ્નાન બાદ તેણે પણ નવા કપડાં પહેર્યા. એ પછી વત્સલ અને ગ્રેસી પાસે આવીને પૂછવા લાગી, " બોલો બાળકો, આજે સાંજેે કેરીનો રસ થઈ જાય તો કેવું રહેશે ? "
"ફેન્ટાસ્ટીક મમ્મી " ગ્રેસી બોલી.
પહેલાંનું કશુંક યાદ આવ્યું હોય એમ વત્સલ ઘડીભર માટે ગમગીન બની ગયો અને એ પછી કહેવા લાગ્યો, " મમ્મી, મારા પપ્પાને કેરીનો રસ બહુ ભાવે છે. તુંં બનાવજે ! "
એક તરફ ઘેર જન્મદિન ઉજવવા માટેની તૈયારી ચાલી રહી હતી. બીજી તરફ રોશન ઑન ડ્યુટી હોઈ સાણંદના માર્ગે હતા. વિવેકસરે એમને ક્લાયન્ટનુ એડ્રેસ આપી દીધું હતુંં. ઘણી વખત વ્યક્તિનું નામ-સરનામું અને સંપર્ક માટેનો નંબર હાથવગા હોવા છતાં જે તે માણસે અન્ય માણસોની સહાય લેવી પડે છે. બસ એ જ રીતે રોશન પણ પોતાના માર્ગ પર જ્યાં જરૂર લાગી ત્યાં ક્લાયન્ટના સરનામા અંગે પૃચ્છા કરતા રહ્યા.
જ્યારે તેઓ નિયત જગ્યાએ આવી પહોચ્યા ત્યારે ક્લાયન્ટ હેમંતભાઈ પટેલે એમને આવકાર્યા. બંને જણે ઑફિસમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યુ. ઔપચારિક વાતો થઈ. એ દરમિયાન રોશનથી એ વાત કહેવાઈ ગઈ કે આજે પોતાનો જન્મ દિન હોવા છતાં ડ્યુટી પર હાજર થવું પડ્યું.
રોશનની વાત સાંભળી હેમંતભાઈ પોતાની રિવોલ્વીન્ગ ચેર પરથી ઊભા થયા અને રોશનના ખભા પર ધબ્બો મારતા કહેવા લાગ્યા, " યંગ મેન, તમને અભિનંદન પાઠવું છુ. આમ જીવ બાળશો નહી. વર્ક ઈઝ વર્શીપ એ તો જાણતા જ હશો આપ ! "
એ પછી તેઓ પોતાની કેબિનમાં જ સેટ કરેલ કાચના એક કબાટ તરફ ગયા. અને કબાટમાં ન્યૂ બ્રાન્ડ રિસ્ટ વોચ કાઢતા કહેવા લાગ્યા, " યંગ મેન, આજે સાંજની ફ્લાઈટમાં હું ફ્રાન્સ જાઉ છું. બાય ધ વે તમારી કંપનીની પ્રોડક્ટ અમને બહુ ગમી. ઘરઘંટી હોય તો તમારી ! બાય ધ વે, વિવેકસરને મારી યાદ આપશો. "
" બટ સર, મારી પાસે એકસ્ટ્રા બેગ નથી !" રોશન બોલ્યા.
"શેના માટે ? " હેમંતભાઈએ પૂછ્યું.
" તમે આપેલી યાદને ભરીને લઈ જવા માટે ! " રોશન કહેવા લાગ્યા.
" અરે વાહ ! તમને પણ ગમ્મત કરવાનું ફાવે છે. ! " કહેતા હેમંતભાઈએ ટેબલના ખાનામાંથી ચેકબુક કાઢી. કોઈ એક ચેક ઉપર તેમની બોલપેન ફરતી રહી. એ પછી તેમણે હળવેથી લખાયેલ ચેકને ; ચેકબુકથી અલગ કર્યો અને રોશનને આપતા કહ્યું, " લો"
તેમણે પેલી રિસ્ટ વૉચ પણ રોશનને આપી.
" આ કોના માટે " રોશન પૂછવા લાગ્યા.
" હું ફ્રાન્સ જાઉ છું અને એક યાદગીરી રુપે તમને આ ભેટ આપતો જાઉં છું. " હેમંતભાઈએ કહ્યું.
ખેર, એ પછી રોશન ત્યાંથી રવાના થયા. અમદાવાદ આવતા સુધીમાં એમને સાંજના છ વાગી ગયા હતા. પોતાની મોટરસાઈકલ જેવી શહેરમાં દાખલ થઈ કે તેમને હાશ થઈ. થોડીવારમાં તેઓ ઑફિસમાં દાખલ થઈ ગયા. એ પછી તેઓ વિવેકસરની કેબિનમાં જઈને ચેક જમા કરાવી આવ્યા.
" સર જાઉ છું " કહેતા તેઓ ઘેર આવવા રવાના થયા.
ખેર, ગ્રાઈન્ડરમા પાકી કેરીના ટુકડા નાંખીને ; લિઝા રસ બનાવવાની તૈયારી જ કરતી હતી ને ડોરબેલ રણક્યો. તેણે દરવાજો ખોલવા ગ્રેસીને મોકલી. ઘેર આવેલ એક માણસે ગ્રેસીના હાથમાં એક બોક્સ થમાવ્યુ. એ પછી તે બોલ્યો, " તમારે છસો રુપિયા પે કરવાના રહેશે"
ગ્રેસીએ પહેલા પેલા બોક્સને સોફા પર મૂક્યુ. એ પછી મમ્મી પાસે જઈને કહેવા લાગી, " મમ્મી, એક અંકલ આવેલ છે. છસો રુપિયા પે કરવાનું કહે છે. "
લિઝા દરવાજે આવી. તેણે બોક્સ જોયુ. એ પછી દીવાલ ઘડીયાળ સામે જોયું. અને એ પછી પૂછ્યું, " તમે 'એવરગ્રીન'માથી આવ્યા છો ? "
"હા" પેલો માણસ બોલ્યો.
"ઊભા રહો એક મિનિટ " કહેતા તે તાબડતોબ તિજોરી પાસે આવી. તેણે એક સો રુપિયાની છ નોટ કાઢી. એ પછી પેલા માણસને આપી દીધી. પેલો માણસ ચાલ્યો ગયો.
તેણે વહેલાસર રસ તૈયાર કરી દીધો. એ પછી રોટલી પણ બનાવી દીધી. આમેય રોશનને સાંજે રોટલી જ જોઈતી હતી. ખીચડી અને શાક પણ તેણે બનાવી દીધા. એ સાથે જ એને પેલી એડ યાદ આવી: લિજ્જત પાપડ ! તે મનોમન મુસ્કુરાઈ અને પાંચ નંગ પાપડ કાઢીને શેકવા લાગી. બધું તૈયાર થઈ જવા પામ્યું એટલે એણે પેલું બોક્સ ખોલ્યું. એક નાની ટિપોઈ પર કેક ગોઠવી. ગ્રેસી અને વત્સલ તેને મદદ કરવા લાગ્યા.
એ દરમિયાન વત્સલ કહેવા લાગ્યો, " મમ્મી, દાદા-દાદીને બોલાવી લાવું. ? "
"સારું પણ ધીમે રહીને જજે" લિઝા બોલી. થોડીવાર બાદ વત્સલ એના દાદા-દાદીને લઈને આવી પહોંચ્યો.
"રોશન ક્યાં છે ? " જેકબભાઈ લિઝા સામે જોતાં પૂછવા લાગ્યા.
"એ આવતા જ હશે . .ઑફિસે ગયા છે ને ! " લિઝા બોલી. હંસાબેને સોફામાં સ્થાન ગ્રહણ કર્યું. બંને બાળકો દાદા-દાદી સાથે વાતોએ વળગ્યા ત્યાં જ રોશનની એન્ટ્રી થઈ. પોતાના જન્મ દિનની જે રીતે તૈયારી થઈ હતી તે જોઈ તેઓ અચંબામાં પડી ગયા. બેગ એક તરફ મૂકી તેઓ હાથ-પગ ધોવા ચાલ્યા ગયા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે બાળકોએ જન્મદિનની શુભેચ્છા પાઠવતું ગીત ગાવાનું આરંભી દીધું હતું. એ પછી રોશનના હાથમાં છરી આપવામાં આવી. કેન્ડલ્સને બુઝાવી દેવામાં આવી. રોશને હળવેથી કાપો મૂક્યો. એ પછી લિઝાએ કેકનો એક ટુકડો પોતાના હાથમાં લઈ રોશનના મોમાં મૂક્યો. તાલીઓના ગડગડાટ થવા લાગ્યો. જેકબભાઈ અને હંસાબેનને કેક આપવામાં આવી. બાળકોએ પણ કેક ખાધી. એ પછી લિઝાએ પણ કેકનો એક ટુકડો પોતાના મોમાં મૂક્યો. લિઝા અને રોશન એકબીજાને અડીને ઊભા હતા એ જ વખતે ગ્રેસીએ મોબાઈલ કેમેરાથી ; ફોટો પાડી લીધો. ચાર-પાંચ ફોટા લેવામાં આવ્યા.
એ પછી જમવાનો સમય થઈ ગયો હોય સહુ જમવા બેસી ગયા. આજે ડાઈનીંગ ટેબલ પર છ જણ હતા. લિઝાના હાથે બનેલ રસોઈ સહુએ ધરાઈને આરોગી. એ પછી દાદા- દાદી એમના ઘેર ગયા અને લિઝાનો પરિવાર દરરોજની માફક પોતાના કાર્યમાં જોતરાઈ ગયો.
" આજે તો વહેલાસર પથારી ભેગું થવું છે. " રોશને કહ્યું. લિઝાએ સાંભળ્યુ અને એ પછી કહેવા લાગી, " કેવો રહ્યો આજનો દિવસ ? "
જવાબમા રોશને, હેમંતભાઈએ ભેટમાં આપેલ રિસ્ટ વોચની વાત કરી. એકંદરે સારી રીતે દિવસ પસાર થયો હોવાની તેણે વાત કરી. ગ્રેસી અને વત્સલ સૂવા માટે જતા રહ્યા. લિઝાએ વાસણો સાફ કરી દીધા અને બેડરૂમમાં આવી પહોંચી. રોશન તકિયા પર માથું મૂકીને આડા પડ્યા હતા.
" મોટી લાઈટ બંધ કરી દઉ ? " લિઝાએ પૂછ્યું.
"કરી દે" રોશન કહેવા લાગ્યા. થોડીવારમાં રોશનની આખો ઘેરાવા લાગી.
" આજે કયો વાર ? અરે, શનિવાર અને કાલે તો રવિવાર ! " લિઝા મનોમન વિચારવા લાગી. તે રોશનને કંઈક કહેવા જતી હતી પણ એ તો સૂઈ ગયા હતા.
તે કહેવા ઈચ્છતી હતી : રોશન, એક વસ્તું તમે માર્ક કરી; આ વખતે સેટરડે અને સન્ડે કેવા એકમેકની જોડે આવ્યા છે !
"હાશ ! આવતીકાલે ટિફિન તૈયાર કરવાની પળોજણ નહી ! એમને પણ આરામ મળી રહેશે. " લિઝા મનોમન વિચારી રહી. એ પછી તેના ચહેરા પર હાસ્ય રેલાયું. એ સાથે ગાલમાં ખંજન પણ પડ્યા. જોકે એ વખતે એ ખંજન કેવલ એક જ વ્યક્તિ જોઈ રહી હતી. દીવાલે ટીગાડેલ તસવીરમાંના એના સ્વ. ડેડી !
