Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Inspirational

4.3  

Prashant Subhashchandra Salunke

Abstract Tragedy Inspirational

સામોરું

સામોરું

6 mins
650


મોડી સાંજે અમિત પોતાની દુકાન વધાવી, ઘરે જવા નીકળતો જ હતો ત્યાં સડકના એક ખૂણે તેની નજર જતા તેના પગ અટકી ગયા. સડકના એ અંધારિયા ખૂણામાં એક વૃદ્ધા બેઠી હતી. તે વૃદ્ધા તેના પોશાક અને ચહેરેમહોરે ખાનદાની દેખાતી હતી. અમિતે આ વૃદ્ધાને પોતાના વિસ્તારમાં આગાઉ ક્યારેય જોઈ નહોતી. એ વૃદ્ધ સ્ત્રી કોણ હશે ? ત્યાં કેમ બેઠી હશે ? જેવા અનેક પ્રશ્ન અમિતના મસ્તિષ્કમાં ઉદભવ્યા.

   અમિતે ધ્યાનથી જોયું તો વૃદ્ધા એક થેલીને છાતી સરસી દબાવીને બેઠી હતી. ગલીમાં પ્રવેશનારી પ્રત્યેક અજાણી વ્યક્તિના પગરવને સાંભળી વૃદ્ધાનો ચહેરો ખીલી ઉઠતો હતો પરંતુ બીજી જ ક્ષણે તે વ્યક્તિના ચહેરા ઉપર દ્રષ્ટી જતાં તે ઉદાસ થઈ જતી.

   “વૃદ્ધા ત્યાં કેમ બેઠી હશે ?” આ પ્રશ્ન અમિતના મનને સતાવી રહ્યો. આખરે, હિંમત કરી તે વૃદ્ધા પાસે ગયો અને પૂછ્યું, “માજી, તમે અહીં બેસીને કોઈની રાહ જોઈ રહ્યા છો ?”

   “હા.” વૃદ્ધાએ ટૂંકમાં પતાવ્યું.

   અમિતે બીજો પ્રશ્ન કર્યો, “તમે કોની રાહ જોઈ રહ્યા છો ?”

   “મારા દીકરા મનોજની.”

   “તમારી પાસે તેનો મોબાઈલ નંબર હશે ?”

   અમિતની પૂછપરછ વૃદ્ધાને નહીં ગમતા તેણે અણગમાથી એકબાજુ પોતાનું મોઢું ફેરવી લીધું. વૃદ્ધા ભલે કોઈને કશું કહેવા માંગતી નહોતી પરંતુ તેની આંખમાંથી વહી રહેલા અશ્રુઓ ઘણું કહી જતા હતા.

   અમિતને વૃદ્ધાની આમ પૂછપરછ કરતા જોઈ ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓને પણ કુતૂહલ થયું. તેઓ પણ ત્યાં ઊભા રહીને અમિતને વૃદ્ધા અંગે પૂછવા માંડ્યા. ધીમેધીમે ત્યાં ટોળું જામવા લાગ્યું. વૃદ્ધાને એ જોઈ અકળામણ થઈ, “મારો દીકરો મનોજ અહીંયા આવતો જ હશે.”

   અચાનક આસમાનમાં વીજળીનો કડાકો થયો. જાણે વૃદ્ધાનું દુઃખ સહેવાયું નહીં હોય તેમ આસમાન પણ ચોધાર અશ્રુએ વરસી પડ્યું. વૃદ્ધાની આસપાસ ભેગું થયેલું ટોળું વરસાદથી બચવા અહીં તહીં વિખરાઈ ગયું. કોઈક ઝાડ નીચે, તો કોઈક દુકાનના છાપરા નીચે ! જેણે જ્યાં આડાશ મળી એ ત્યાં જઈ ઊભો રહ્યો. પરંતુ એ વૃદ્ધા ! તસુભર પણ પોતાની જગ્યાએથી ખસી નહોતી. અમિતને આ જોઈ તેની દયા આવી. તે પલળતો પલળતો પાછો એ વૃદ્ધા પાસે ગયો અને બોલ્યો, “માજી, તમે આમ વરસાદમાં પલળશો તો બીમાર પડી જશો. ચાલો, તમે મારી દુકાનમાં આવીને બેસો. હું અબઘડી તેના તાળા ખોલી દઉં છું.”

આ સાંભળી માજી બોલ્યા, “ના બેટા. હું અહીંથી બીજે ક્યાંય નહીં જઉં.”

અમિતને નવાઈ લાગી. “કેમ ?”

વૃદ્ધા બોલી, “મારો દીકરો મને અહીંયા જ બેસી રહેવાનું કહી ગયો છે. તે જલદીથી જ પોતાનું કામ પતાવીને અહિયાં આવશે ત્યારે મને અહિયાં નહીં જુવે તો તે નિરાશ થશે. હવે તું જ બોલ એક મા પોતાના દીકરાને કેવી રીતે નિરાશ કરી શકે છે ? નહીં... નહીં... તેને નાહકની દોડધામ થાય નહીં એટલે મારે અહિયાં જ બેસી રહેવું પડશે.”

“તમે અહિયાં ક્યારથી બેઠા છો ?”

“હું સવારથી અહીં બેઠી છું. મારો દીકરો મને સામે આવેલી બેંકમાં લઈને આવ્યો હતો.”

“કેમ ?”

“મારા બચત ખાતામાં જમા થયેલી રકમને ઉપાડવા.”

“એમ ! પછી ? ? ?”

“પછી મારા દીકરાએ બેંકમાંથી રકમ ઉપાડી અને મને અહીં બેસી રહેવાનું કહી પોતાના કામે કશેક જવા નીકળી ગયો.”

“બેંકમાંથી કાઢેલા પૈસા ક્યાં છે ?”

“એ તો મારા દીકરા પાસે છે. બેટા, તું નાહકની ચિંતા ન કરીશ એ હમણાંજ અહિયાં આવતો હશે.”

વૃદ્ધા પોતાની વાતને જ વળગી રહી છે એ જોઈ અમિત પાછો પોતાની દુકાન પાસે આવીને ઊભો રહ્યો. બાજુમાં ઉભેલા તેના પડોશી દુકાનદાર માધવને પૂછ્યું, “શું થયું ?”

અમિત હતાશાથી બોલ્યો, “બિચારી વૃદ્ધાના મનોજ નામના દીકરાએ તેની સાથે છળકપટ કર્યું છે. તેના બેંક એકાઉન્ટમાંથી બધા રૂપિયા ઉપાડી લીધા બાદ તે તેને અહીં બેસાડી રફુચક્કર થઈ ગયો છે.”

માધવન બોલ્યો, “હે ભગવાન ! આવા કપટી દીકરાઓને તો ઉલટા લટકાવી ચાબુકના ફટકા મારવા જોઈએ.”

અમિતે ઘડિયાળમાં જોઈને કહ્યું, “રાતના સાડા નવ વાગ્યા છે. હવે આપણે આ માજીનું શું કરવું છે ?”

માધવન બોલ્યો, “માજીને એકલીને આમ અહિયાં તો ના રહેવા દેવાય.”

બંને જણા વિચારમાં પડ્યા.

   ત્યાં બાજુમાં ઊભેલી ભીડમાંથી કોઈક બોલ્યું, “આપણે માજીને અહીંથી થોડેક જ દૂર આવેલા વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ તો ?”

   ત્યાં ઉભેલા સહુને આ વિચાર ગમ્યો. હવે તેઓ વરસાદ રોકાવવાની રાહ જોવા લાગ્યા.

   વૃદ્ધા વરસાદમાં પલળતી પલળતી સડકના વળાંક પર પોતાનો દીકરો આવશે એ આશાએ અપલક નજરે જોઈ રહી હતી. કદાચ આંખમાંથી વહી રહેલા અનાધાર અશ્રુઓ કોઈ જોઈ ન જાય એ બીકે વૃદ્ધાએ વરસાદમાં બેસી રહેવું ઉચિત સમજ્યું હતું.

   આખરે વરસાદ રોકાતા બધા વૃદ્ધા પાસે ગયા.

   અમિતે સાંત્વનાભર્યા સ્વરે કહ્યું, “માજી, અહીંથી થોડેક જ દૂર એક વૃદ્ધાશ્રમ આવેલું છે. ચાલો અમે તમને ત્યાં છોડી દઈએ.”

   વૃદ્ધાના ચહેરાની રેખાઓ તંગ થઈ, “મેં કહ્યું ને કે મારો મનોજ હમણાં આવશે ત્યારે મને અહીંયા નહીં જુએ તો તે ચિંતાતુર થઈ જશે. નહીં... નહીં... હું અહીંથી બીજે કશે જવાની નથી.” આમ બોલતાની સાથે વૃદ્ધાએ તેના હાથમાંની થેલીને છાતી સરસી ચાંપી લીધી.

   આ જોઈ માધવનથી રહેવાયું નહીં તે બોલ્યો, “માજી, તમે સમજતા કેમ નથી કે મનોજની આંખ ફક્ત તમારા રૂપિયા પર જ હતી. હવે તે મળી જતા તમારો દીકરો અહીંયા પાછો કેમ આવે ?”

વૃદ્ધાએ તેના હાથમાંની થેલીનો પ્રહાર માધવન પર કરતા કહ્યું, “ચૂપ મર મુઆ. તને કોણે કહ્યું કે મનોજની આંખ માત્ર મારા રૂપિયા પર જ હતી ! ખાલી લવારા કરીશ નહીં. જોજે મારો દીકરો મનોજ કેવો દોડતો દોડતો અહિયાં પાછો આવે છે.”

માધવને કંટાળીને કહ્યું, “અમિત, મને ખૂબ કકડીને ભૂખ લાગી છે અને આ વૃદ્ધા તો કોઈની વાત માનવા તૈયાર જ નથી. ચાલ આપણે આપણા ઘરે જઈએ.”

“આ માજીને અહિયાં એકલી મૂકીને ?” અમિતના સ્વરમાં રોષ હતો.

“તેના સગા દીકરાએ આ વાતની પરવા કરી નહીં ત્યારે આપણે શું ?” માધવનના સ્વરમાં આક્રોશ હતો.

બંને જણાએ છેલ્લીવાર વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં જવાની વિનંતી કરી જોઈ પરંતુ વૃદ્ધા ટસની મસ થઈ નહીં. તે તો બસ એક જ વાતનું રટણ કરતી હતી કે, “મારો દીકરો આવશે. મારો દીકરો આવશે.”

તેઓ હવે આગળ શું કરવું તે અંગે વિચારણામાં જ હતા ત્યાં એક યુવક હાંફળો ફાંફળો દોડતો આવ્યો. તેને જોઈને વૃદ્ધા બોલી, “આ જુઓ મારો દીકરો મનોજ આવી ગયો. મેં કહ્યું હતું ને કે મારો દીકરો અહિયાં જરૂર આવશે.”

મનોજ તેની માતા સામે ઉભેલા ટોળાને જોઈ હેબતાઈ ગયો.

વૃદ્ધા પ્રેમથી બોલી, “ડરીશ નહીં મનોજ આ બધા સારા લોકો છે. તને કશું નહીં કરે.”

માધવને ગુસ્સામાં કહ્યું, “ખરો માણસ છે તું ? પોતાની માતાને આમ સવારથી બેસાડીને જતું રહેવાતું હશે ?”

મનોજે કહ્યું, “મને માફ કરો. હું મારા કામમાં અટવાઈ ગયો હતો.”

અમિતે પરિસ્થિતિને સાચવી લેતા કહ્યું, “મનોજ, માજીને સંભાળીને ઘરે લઈ જા.”

વૃદ્ધા જમીન પર હાથનો ટેકો દઈ ધીમે ધીમે ઊભી થતા બોલી, “બેટા, તેં વૃદ્ધાશ્રમનું ઠેકાણું શું કહ્યું હતું ?”

અમિતે આંગળી ચીંધીને કહ્યું, “માજી, આ આશા કિરણ બિલ્ડીંગ દેખાય છે ને તેની બાજુમાં. પણ કેમ !! શું થયું ? ? ?”

વૃદ્ધાએ હસીને કહ્યું, “બસ એમ જ. જાણકારી હોય તો સારુંને એટલે પૂછી રાખ્યું. બાકી તમારા સહુનો ખૂબ આભાર હવે તમે મારી કોઈ ચિંતા કરશો નહીં.”

ટોળું વિખરાઈ ગયું.

મનોજ ધીમેથી બોલ્યો, “ચાલ મા. ઘરે જઈએ.”

આ સાંભળી વૃદ્ધા ક્રોધથી ધ્રુજી ઉઠી. “બેશરમ, તને શું લાગે છે હું તારા પ્રપંચથી અજાણ છું ? આ તો અહીં ભેગું થયેલું ટોળું તને મારે નહીં એટલે હું ચૂપ રહી. બેશરમ, જો એમ થાત તો તને તો કશો ફેર ન પડ્યો હોત પરંતુ મારું ધાવણ લજાયું હોત. મને વિશ્વાસ હતો કે તું અહિયાં જરૂર આવીશ. કારણ હું જાણતી હતી કે તારી આંખ માત્ર મારા રૂપિયા પર નહીં પરંતુ મારી પાસેની આ સોનાની બંગડીઓ પર પણ હતી !” વૃદ્ધાએ હાથમાંની થેલીનો ઘા મનોજ તરફ કરતા કહ્યું, “આ લે મારી સોનાની બંગડીઓ અને ચાલતો થા અહીંથી. એમ સમજ કે મેં મારી જિંદગીભરની મૂડી ખર્ચીને બદલામાં તારી માતા હોવાના શ્રાપમાંથી મુક્તિ મેળવી લીધી છે. આજ પછી હું તારી માતા નહીં અને તું મારો દીકરો નહીં.” છેલ્લું વાક્ય બોલતાં બોલતાં વૃદ્ધાના ગળામાં ડૂમો બાઝી ગયો.

મનોજે ઓશિયાળા થઈને કહ્યું, “મને માફ કરી દે મા.”

વૃદ્ધા બોલી, “ના બેટા... ના, તને જન્મ આપવાની ભૂલ જે મેં કરી છે એ માટે તું મને માફ કરી દે.”

આમ કહી વૃદ્ધાએ જીવનની નવી શરૂઆત કરવાના ઈરાદે આશા કિરણ બિલ્ડીંગ તરફ જવા પોતાના પગ ઉપાડ્યા.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Abstract