રવિવારનો રંગ
રવિવારનો રંગ
આકાશ જ્યારે ઘરમાં આવ્યો ત્યારે તેની નજર સૌપ્રથમ દીવાલ ઘડીયાળ ઉપર પડી. તેણે જોયું કે સમય સવારના 10:15નો થયો હતો. એ દિવસે એને દેવળમા જવાનું કોઈ આયોજન જ નહોતું.
અલબત એના પપ્પાએ સવારે એને વાત કરી હતી: રવિવારે દેવળમા જાય છે કે નથી જતો? મને તો જવાની ઈચ્છા થાય છે પણ રવિવારેય નોકરીના સ્થળે હાજર થવાનું હોઈ દેવળમા જવાનું શક્ય બનતું નથી.
પપ્પાની દેવળમા જવાની વાતે તેને ઘડીભર માટે વિચારતો કરી મૂક્યો. તે છેલ્લા ઘણા અઠવાડિયાઓથી કરમસદ કેથોલિક ચર્ચ ખાતે યોજાતા ખ્રિસ્તયગ્નમા ભાગ લઈ શકતો નહોતો.
તે અને તેના મમ્મી કેટલાક અઠવાડિયાઓ પૂર્વે કોરોનાની લપેટમાં આવી ગયા હતા. અને એટલે એ સમયગાળા દરમિયાન તેઓએ અનેકવિધ પ્રકારની તકલીફો તો વેઠી જ હતી સાથે સાથે પ્રભુધામમા નહી જઈ શક્યાનો વસવસો પણ તેમને થતો હતો.
આમ જોવા જ ઈએ તો મોટાભાગે આકાશ જ દર રવિવારે ચર્ચમાં જવાનું રાખતો હતો. એના મમ્મી ઘેર રહેતા.
ખેર, પપ્પાની વાત સાંભળી તેને એક અંગ્રેજી વાક્ય યાદ આવી ગયું: વર્ક ઈઝ વર્શિપ. અર્થાત કામ કે કર્મ એ જ પૂજા છે. તેને કોઈ સિરિયલનું એક પાત્ર યાદ આવી ગયું કે જેણે આ વાક્ય ઉચ્ચાર્યું હતું. તેને રહી રહીને થતું હતું કે કર્મ ભલે પૂજા કહેવાય પરંતુ એથી કંઈ દેવળમા જવાની બાબતને ફગાવી દેવા જેવી નથી. પોતે દિવસના અન્ય કોઈ સમયે; દેવળમા ગાળેલો સમય એડજસ્ટ કરી લેશે એવી ગણતરીથી તેણે દેવળમા જવાની તૈયારી કરવા માંડી. તેણે સ્નાન કરી લીધું. એ પછી તિજોરીમાંથી કપડાં કાઢીને શરીર પર ધારણ કરી લીધા. એ પછી તેણે તેની સ્કૂટી ઘરની બહાર કાઢી.મમ્મીએ માંસાહાર આરોગવાની વાત કરી હતી એટલે એણે તાબડતોબ આવશ્યક નાણાં અને કાપડની થેલી પણ લઈ લીધા.
એ પછી તેણે સ્કૂટી સંગ દેવળ તરફ પ્રયાણ કર્યુ. જ્યારે તે ચર્ચના પટાંગણમાં દાખલ થયો ત્યારે બહુ દિવસે આવ્યો હોઈ એવી લાગણી અનુભવવા લાગ્યો. અને આમ થવું પણ સ્વાભાવિક જ હતું. કોઈ વ્યક્તિનો અવાજ તમે ઘણા વર્ષો બાદ સાંભળો તો એવું લાગે કે તેનો અવાજ બદલાઈ ગયો છે. પણ હકીકતમાં એનો અવાજ બદલાયેલો હોતો નથો. એ પછી તે દેવળમા પ્રવેશવા જ જતો હતો ત્યાં જ તેની નજર એક પરિચિત વ્યક્તિ પર પડી. આકાશ સામે એ વ્યક્તિની નજર પડતાં જ તે વ્યક્તિ આશ્ચર્યની લાગણી અનુભવવા લાગી. તેઓ કંઈ કહે એ પહેલા જ આકાશ બોલ્યો, " ડિફીકલ્ટ ટુ રેકગ્નાઈઝ? "
પેલી વ્યક્તિ મલકાવા લાગી. જોરથી તો હસી શકાય તેમ નહોતું. કેમકે તેઓ પોતે ચર્ચના દરવાજે આવી પહોંચ્યા હતા. એ પછી તેઓ કહેવા લાગ્યા, " યોર લુક ઈઝ ટોટલી ચેન્જડ્ ધેટ ઈઝ વ્હાઈ!"
ચર્ચમાં મોટાભાગે આગળ બેસવાની આદતને વશ થઈ તે આગળના ભાગે દોરેલા એક કુંડાળામાં બેસી ગયો.ઘણા અઠવાડિયાઓ બાદ તે દેવળમા આવ્યો હતો. પહેલા તો તે દેવળનુ નિરીક્ષણ કરવા લાગ્યો. તેની નજર ફ્લાવરવાઝમા ગોઠવેલ આર્ટીફીશીયલ ફ્લાવર ઉપર પડી. તેણે એ પણ ચેક કરી લીધું કે પોતાનો સાદો મોબાઈલ; સાયલન્ટ મોડમા છે કે નહી! એ પછી તેણે ચર્ચમાં થતી ધાર્મિક વિધીમાં શાંતિપૂર્વક ભાગ લેવાનું મુનાસીબ માન્યું. તેણે પોતાના શર્ટના ખિસ્સામાંથી પેન-પેપર કાઢ્યા. બીએડ. કરતા વિદ્યાર્થીઓ પાસે; ક્લાસરૂમમાં ભણાવવા માટે કેવો ચાર્ટ હોય છે બસ એવો જ ચાર્ટ ચર્ચમા લટકાવવામાં આવેલ કે જેનો ઉપયોગ સ્ક્રીન એટલે કે પડદા તરીકે કરવામાં આવ્યો હતો. પડદાની સાઈઝ મોટી હતી. પાછળ બેઠેલ ભક્તજનો ભજનો અને શાસ્ત્રપાઠ વાંચી શકે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્વાયર ગ્રુપમાં એક પરણિત યુવાન લેપટોપમા કામ કરી રહયો હતો. પેલા પડદા પર જે કઈ જોઈ શકાતું હતું તેનું કટ્રોલીન્ગ આ યુવાનના હાથમાં હતું. "ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે", દેવળમા બેઠા બેઠા તેને વિચાર આવી ગયો.
ખેર, ભજનો ગવાયા.શાસ્ત્રપાઠ વંચાયા. કેટલાક ભજનોના આગળના શબ્દો તેણે કાગળમાં નોંધી લીધા. જેમ કે "પરમપિતા હે અંજલી ધરીએ સ્વીકાર એનો કરજો રે. ..", "પાવન પાવન પાવન ઈશ્વર…….ભુવનભુવનના નાથ……." , "ગગનમાં પ્રભુનો જયજયકાર …..", "કોણ પ્રભુ તુજ દર્શન કાજે….", "અપરાધ ક્ષમા કરો મારો પ્રભુજી",
ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરવાનો થયો ત્યારે તેને સ્હેજ સંકોચ થયો હતો. ખ્રિસ્તયગ્ન દરમિયાન તા. 03-09-2021ના રોજ ચાવડાપુરા ખાતે યોજાનાર આરાધનાની જાહેરાત પણ કરવામાં આવી. " આવ્યો તો કેટલું સારું થયું. …...આરાધના વિશે જાણવા મળ્યું. " , તેણે વિચાર કર્યો.
ખ્રિસ્ત યગ્ન પૂર્ણ થયા બાદ તે ઘેર જવા રવાના થયો. તેણે સ્કૂટી સ્ટાર્ટ કરી. એક-બે જણે એને ઘોડી સરખી કરવાની ટકોર કરી. પરંતુ ખરું રહસ્ય તો એ જ જાણતો હતો કે એ ઘોડી એવી જ રહેતી હતી….બિલકુલ પોતાના વ્યક્તિત્વની જેમ. તે તેને ક્યારેય પાડતી નહોતી.
તે શ્રી રામ પ્રોવિઝન સ્ટોર ખાતે આવ્યો. દસ રૂપિયાની તીખી -સૂકી પુરી બંધાવી. અને દસ રૂપિયાના ટોસ્ટ લીધા. એ પછી તેણે શાક માર્કેટમાંથી કેળાં ખરીધ્યા. અને એ પછી સીધો જ રોડ ટચ દુકાને પહોંચ્યો કે જ્યાં મરઘીના માંસનુ વેચાણ થતું હતું. એ દુકાન હકીકતમાં એક ઘરમાં જ ઊભી કરી હોય એવું લાગતું હતું. બહારની બાજુ બે મહિલા બેઠા હતા. આકાશ અંદર ગયો તો એક ભાઈ ઓલરેડી માંસની ખરીદી કરી રહયો હતો. દીવાલ પર તેણે માતાજીની તસવીરો લટકાવેલી જોઈ. એ કયા માતાજી હતા એનો એને ખ્યાલ નહોતો. એણે મરઘીઓને મોતને ઘાટ ઉતારનાર શખ્સ સામે જોયુ અને બોલ્યો, " અઢીસો"
વજનકાટા પરની ટ્રેમાં માંસ સાથેનો મરઘીનો પગ મૂકાયો. એ પછી પ્લાસ્ટિકની કાળા રન્ગની કોથળીમાં માંસને ભરવામાં આવ્યું અને તેને સોપવામાં આવ્યું. તેણે પેલા શખ્સને એકસો રૂપિયાની નોટ આપી. તેને પચાસ રૂપિયા પાછા આપવામાં આવ્યા. તેને પૂછવાનું મન થઈ ગયું કે થોડા દિવસો પૂર્વે તો સિત્તેર રૂપિયા લીધા હતા ને અત્યારે…...પણ તેણે એવું પૂછ્યું નહીં કેમકે તેને અચાનક; શ્રાવણ ચાલતો હોવાની હકીકત યાદ આવી ગઈ. તેણે ઓરડાંમાં નજર ફેરવી. તેણે જોયું કે જમણા ખૂણામાં ભોયતળીએ ; કેટલીક મરઘીઓ પોતાની જાતને સંકોચીને પડી રહી હતી. તેને કોકરોક…..કોકરોક…. અવાજ સંભળાયો.
"આ બધી મરઘીઓ અંદરો અંદર શું વાતો કરતી હશે! શું તેઓ એવું વિચારતી હશે કે પોતે તો કશા પાપ કર્યા નથી તોયે મોતને ભેટવાનો વારો આવ્યો! એ ચોક્કસપણે; પોતાનું અકાળે અવસાન થનાર છે એ બાબતે વિલાપ કરતી હશે! એ પોતાની ભાષા મનુષ્યને કઈ રીતે સમજાવે! પોતાના બચાવ માટે વકીલ રોકવાનું પણ આ મરઘીઓનુ શુ ગજું! ", તેણે વિચાર કર્યો.
એ પછી તેણે ભોયતળીયા પર પડેલ રક્ત જોયું કે જે ઘટ્ટ થઈ જવા પામ્યું હતું.
આ કયો રંગ કહેવાય એવો તેને મનમાં સવાલ થયો. કેમકે થોડા દિવસ પૂર્વે જ્યારે તે માંસ ખરીદવા આવ્યો હતો ત્યારે પેલા શખ્સે તેને દેખતા જ એક મરઘીનુ કાસળ કાઢી નાખ્યું હતું. આકાશે એ વખતે નોંધ્યું હતું કે મરઘીને કાપ્યા બાદ તરત જ જે રક્ત વહે તે લાલચોળ હતું. પરંતુ ઘટ્ટ થઈ ગયા બાદ જે કલર પકડે એ જુદો હોય છે. તેને એ રંગનું નામ શું તેની જાણ નહોતી. તે સ્વયં પેલા શખ્સને પૂછે પણ કઈ રીતે કે તે કયો રંગ કહેવાય! જો તે આવું પૂછે કે તો પેલો કદાચ આવું સંભળાવી દે કે ભાઈ, તું માંસ ખરીદવા આવ્યો છે નહી કે રંગોની ઓળખ કરવા..
સંભવિત જવાબનો જ્યારે તેને અંદાજ આવી જતો ત્યારે તે સવાલ પૂછવાનું ટાળતો. તેને જિદગીનુ એક રહસ્ય સમજાઈ ગયેલું કે કેટલાક સવાલોના જવાબ જાતે જ શોધી કાઢવાના.
ખેર, ઓરડામાં તેને એક ચપ્પુ પણ જોવા મળ્યું. મરઘીના પીંછા પણ તેને જોવા મળ્યા કે જે રક્તથી ખરડાયેલા હતા.તેની ધ્રાણેન્દ્રીએ ઓરડામાં પ્રસરેલી એક ટિપિકલ વાસ મહેસૂસ કરી. પણ એને એ વાસ પસંદ ન આવી. એણે ઓરડામાંથી બહાર નીકળતા પૂર્વે તારની બનાવટના એક પાંજરામાં કેદ કરેલી મરઘીઓ ઉપર એક નજર નાંખી દીધી અને તાબડતોબ ત્યાંથી ઘેર આવવા રવાના થયો.
તે જ્યારે સ્કૂટી હંકારીને ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યો ત્યારે તેને મનમાં બે રંગ સ્પષ્ટ પણે દેખાતા હતા. લાલ અને સફેદ. એક રંગને તો તે ઓળખી શક્યો નહી. જ્યારે આવું બનતું ત્યારે તેનું મન આકુળ વ્યાકુળ થઈ જતું. પોતે ક્યારે એ રંગને ઓળખી કાઢે એવી એને તાલાવેલી રહેતી.
ખેર, ઘેર આવ્યા બાદ તેણે માંસના ટુકડા કર્યા અને બહોળા પાણીએ ધોઈ નાંખ્યા. અને એ પછીની પ્રક્રિયા એણે માના હાથમાં સોંપી દીધી. એ પછી તે 'હાશ ' બોલ્યો. એ પછી પેલી પુરી આરોગી. માને પણ આપી. એ પછી તે જુદા જુદા લોકોના રવિવાર વિશે વિચારવા લાગ્યો. તેણે વિચાર્યું કે બરાક ઓબામાનો રવિવાર જુદો હશે. સંજય લીલા ભણશાલીનો રવિવાર જુદો હોવાનો. બિશપનો અને સભાપુરોહિતના રવિવાર વચ્ચે એક સો ટકા ફર્ક રહેવાનો. એણે ચંપલ સીવતા એક કારીગરના રવિવાર વિશે પણ કલ્પના કરી જોઈ. અને એ પછી પોતાના રવિવાર પર આવીને અટકી ગયો. તેણે એવું વિચાર્યું કે પોતે દર રવિવારે શક્ય હશે તો ચર્ચમા ભાગ લેશે. તેને ખાતરી હતી કે ચર્ચમાંથી પરત આવતી વખતે તે ખાલી મને તો પાછો આવશે જ નહી અને એટલે એણે દેવળમા જવાની બાબતને યોગ્ય લેખી.
બપોરે તે અને તેના મા ભોજન આરોગી રહ્યા હતા એ વેળા ઉદય હાથમાં મકાઈનો રોટલો લઈ આવી ચઢ્યો.પારુલે એને મોકલ્યો હતો. ઉદય એટલે બચ્ચું. "માછી ….માછી લે" કહેતાક ને એણે પેલો રોટલો ભોયતળીએ ફેંકી દીધો. એ પછી માએ તેને કાળજીપૂર્વક લઈ લીધો. "ઉદયને શું ભાન ! એ તો નાનું બાળક હતો", આકાશે મનમાં વિચાર્યું. એ પછી ઉદય; બારી પાસેની જગ્યાએ મૂકેલ કાંસકો લેતો આવ્યો અને આકાશના માના માથામાં જેવું આવડે એવું વાળ ઓળવા લાગ્યો. એણે પહેલા આકાશના માથામાં કાંસકો ફેરવ્યો અને એ પછી કોણ જાણે કેમ એને શું સૂઝયું કે આકાશની દાઢીમા પણ કાંસકો ફેરવવા લાગ્યો. આકાશને એવું હસવું આવ્યું કે ન પૂછો વાત!
આમ થોડી મસ્તી કર્યા બાદ તે રમવા માટે બહાર ચાલ્યો ગયો.
