mariyam dhupli

Drama Inspirational Thriller

5.0  

mariyam dhupli

Drama Inspirational Thriller

રુખસદ

રુખસદ

5 mins
482


આજે આ ઘરમાંથી એની વિદાય હતી. નિકાહ તો નવ મહિના પહેલાજ થઈ ચૂક્યા હતા. પણ ઔપચારિક તૈયારીઓએ લાંબો સમય ખર્ચી નાખ્યો હતો. સાસરે પક્ષે તો એના પહોંચવાનો ઉત્સાહ પરાકષ્ઠાએ પહોંચ્યો હતો. અને પહોંચેજ ને ? ત્યાં તો પરિવારમાં એક નવા સભ્યનો ઉમેરો થવાનો હતો. બાદબાકી તો આ ઘરમાંથી થવાની હતી. કાળજાનો કટકો તો અહીંથી રુખસદ થવાનો હતો. 

એના જતાજ ઘર સૌને કરડવા દોડવાનું હતું. પાછળ છોડી જનાર સન્નાટાનો હૈયામાં છલોછલ અપરાધભાવ હતો. એનું ચાલે તો આ ઘર, આ પરિવાર છોડી ક્યાંય ન જાય. અબ્બાની હૂંફ અને અમ્મીનો સ્નેહ ! દુનિયાભરની સગવડ શું એની ભરપાઈ કરી શકે ?

ઘરની દરેક ભીંતને વારાફરતી પોતાના હાથનો સ્પર્શ આપી એણે પંપાળી. પોતાના શયનખંડની બારીમાંથી દ્રશ્યમાન રમતનું મેદાન પણ જાણે પૂછી રહ્યું હતું.

'જાય છે ?'

આજ મેદાને એના બાળપણની દરેક દોડભાગ અને ધીંગામસ્તી સંભાળી હતી. એજ ભૂમિ ઉપર દોડતા, પડતા અને ફરીથી ઊઠતાં જીવનનું પ્રાથમિક શિક્ષણ મળ્યું હતું.

'જવું પડશે.' એની આંખોની લાચારી મૌન બોલી પડી. એને લાગ્યું જાણે મેદાનનું મોઢું ઉતરી પડ્યું. એના મોઢાની જેમજ.

એણે ધીમે રહી બારી વાંસી દીધી. પોતાના ઓરડા તરફ એક અંતિમ અમીસભર દ્રષ્ટિ ફેંકી. એનો પલંગ, એની પથારી, એની અલમારી, એનો સ્ટડી ટેબલ, ટેબલ ઉપરના પુસ્તકો અને એનું રીડિંગ લેમ્પ. બધાજ જાણે એને અલવિદા પાઠવી રહ્યા હતા. એની આંખોમાં ભીનાશ પથરાઈ. આ દરેક વસ્તુઓ ટેવ સમી જીવનમાં ભળી ચૂકી હતી. એમના વિના હવે એક નવી શરૂઆત કરવાની હતી. એક નવા સ્થળે, નવા વાતાવરણમાં, નવા લોકોની વચ્ચે.....એક નાનું ડૂસકું ચુપચાપ અંતરમાં ઉધમ મચાવા લાગ્યું.

ઓરડો છોડી ભારે ડગલાં બહાર નીકળી આવ્યા. રાતથી તૈયાર રાખેલ લગેજ હજી પણ બેઠકખંડમાં ટેક્ષીની રાહ જોતો ઊભા પગે હતો. અબ્બુ ટેક્ષી લેવા ગયા હતા. આવતાં જ હશે. અમ્મી જવા પહેલા ઘરનો એક આંટો લઈ રહી હતી. બધું સુરક્ષિત હોવાની ખાતરી કરવી હતી. અમ્મી અને અબ્બુ તો થોડા કલાકોમાં અહીં ફરી પરત થવાના હતા. પોતાના ઘરમાં ! પણ જાતે....

બેઠકખંડમાં શણગારેલી કાચની અલમારીમાંથી એના બધાજ મેડલ, પારિતોષિક અને સર્ટિફિકેટ જાણે ફાટી આંખે એને અચંબાથી જોઈ રહ્યા હતા. એમને કદાચ વિશ્વાસ આવી રહ્યો ન હતો. તેમને અહીંજ પાછળ છોડી એ નીકળી પડશે ? આવો દગો ! 

એ ઈનામો જોડે આંખમાં આંખ મેળવવાની હિંમત ન હોય એમ એણે શીઘ્ર અન્ય દિશામાં નજર વાળી લીધી. જવું તો એને પણ ન હતું. અમ્મી અબ્બાને ના જ તો પાડી હતી. પણ તેઓ ટસથી મસ ન થયા. 

"આજે નહીં તો કાલે. નિકાહ તો કરવાજ પડશે. આટલો સારો પરિવાર ફરી મળે ન મળે ? આવી તક જતી ન કરાય. ખુદાનો અહેસાન માનવો જોઈએ કે તારું નસીબ આમ રાતોરાત ખુલી ગયું. "

"પણ મારે આ ઘર છોડી કશે નથી જવું. મને અહીંજ રહેવું છે. તમારી જોડે. અમ્મી જોડે."

"આ ઘર કશે ભાગી નથી જતું. જયારે મન થાય ત્યારે આવી જવાનું. ને હવે તો વ્હોટ્સએપ, વિડીયો કોલ બધુજ ઉપલબ્ધ છે. અમારા સમયમાં તો એક શહેરમાંથી અન્ય શહેરમાં ટપાલી મારફતે ચિઠ્ઠી મેળવતા દિવસો નીકળી જતા. અમ્મીને પૂછી જો. "

અમ્મીએ પણ હામીમાં હોંશેહોંશે ડોકું ધુણાવ્યું હતું. બંનેએ પાક્કું મન કરી લીધું હતું. એના ભાગ્યના દસ્તાવેજ ઉપર વાલીની સહી થઈ ગઈ હતી. એમના વિરુદ્ધ જઈ જીવનમાં ન કશું કર્યું હતું. ન કશું કરવું હતું. એને કોઈ મનની નબળાઈ કહે કે અમ્મી અબ્બા તરફનો આદર. એણે કાળજું સખત કરી લીધું હતું. 

'કબુલ હે, કબુલ હે, કબુલ હે !'

ઘરના ઓટલે પહોંચ્તાજ એની નજર દાદાજી તરફ આવી મંડાઈ. બાળપણની મીઠીમધુર યાદો મનને સ્નેહસભર જકડી રહી. એમના વૃદ્ધ હાથની કરચલીઓમાં પ્રેમ અને હૂંફની સ્મૃતિ ડોકાઈ આવી. પણ હવે એમની પોતાની સ્મૃતિ એમનો સાથ આપી રહી ન હતી. એમને કશુંજ યાદ રહેતુ ન હતું. આખો દિવસ કંઈક ને કંઈક બોલ્યા કરતા. એમનો એ લવારો પણ એને મીઠો લાગતો. પરંતુ તર્ક જોડે એ વાતોનો કોઈ સંપર્ક ન રહેતો. આજે પણ દરરોજ જેમ મહોલ્લાના ટાબરિયાઓ જોડે એમણે પોતાની મહેફિલ જમાવી હતી. એમ પણ રજાનો દિવસ હોવાથી એ ટોળું નવરુ જ હતું.

બાળમાનસ કેટલું નિર્દોષ ! 

એને નવાઈ લાગી. ભેગું થયેલું દરેક બાળક એમની વાર્તા રસ લઈ સાંભળી રહ્યું હતું. મોઢાઓ એવા ઉઘાડા હતા અને આંખો એટલી પહોળી જાણે જૂના જમાનાની કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ એક્શન ફિલ્મ સામે રમી રહી હોય. દાદાજીની વાણીનાં આરોહ અવરોહ પણ એટલાજ નાટકીય હતા. એમની પીઠ તરફથી એકીટશે એમને નિહાળી રહેલી આંખો જાણે જવા પહેલા મન ધરાઈને એમને નિહાળી લેવાનો પ્રયાસ કરી રહી હતી. એની રુખસદ, એની હાજરી બંનેથી અજાણ દાદાજી પોતાની વાર્તામાં ઊંડા ઉતરી ચૂક્યા હતા. 

" અને આ રીતે વેપાર અર્થે ભારત આવેલા અંગ્રેજો એ ધીમે ધીમે આખા ભારત ઉપર કબજો જમાવી લીધો. ભારત દેશ અંગ્રેજોની ગુલામી નીચે આવી ગયો. આપણી આઝાદી, આપણી સ્વતંત્રતા બધુંજ લૂંટાઈ ગયું. અંગ્રેજો આપણા માલિક અને આપણે એમના ગુલામ બની ગયા. આપણી પ્રજા ઉપર ઘણા અત્યાચારો થયા. ડગલે ને પગલે અન્યાયો થયા. મુક્ત શ્વાસ લેવું પણ અશક્ય બની ગયું. આપણા માન સન્માન કચડવામાં આવ્યા. હક અધિકારો ઝુંટવી લેવામાં આવ્યા. ધનની સત્તા સર્વોપરી બની. ધન ! હા, ધન ! જેની પાસે હોય છે એનીજ જીત થાય છે. અંગ્રેજોને વિશ્વાસ હતો. એ ભ્રમણામાં રચ્યાપચ્યા એ અભિમાનીઓએ હજારો નિર્દોષ લોકોની બલી ચઢાવી. પણ એ બલી અકારણ ન રહી. એમાંથી ક્રાંતિની ચિનગારી સળગી. દેશ એકજૂટ થયો. બધાએ એકમતે નિર્ણય લીધો...... "

અબ્બુ ટેક્ષી લઈને આવી પહોંચ્યા. દાદાજીની વાર્તામાંથી વર્તમાનમાં પરત થયેલું મન ફરી ભારે થઈ ગયું. રુખસદની ઘડી આખરે આવી પહોંચી. અંતિમ વિદાયની ક્ષણ. અમ્મી અબ્બુએ ડિકીમાં લગેજ ગોઠવી દીધો. 

એણે પોતાનો હાથ દાદાજીના ખભે મૂક્યો. વાર્તાના પ્રવાહમાં તણાયેલા દાદાજી ચોંકી ઉઠ્યા. 

" કોણ ? ભગત સિંહ ? રાણી લક્ષ્મી બાઈ ? "

દાદાજીના શબ્દોથી રોકી રાખેલી આંસુની ધાર આંખમાંથી ધસમસતી સરી નીકળી. એની આંખોમાં ઊંડે ઉતરી દાદાજીએ ચકાસણી પાક્કી કરી. 

" ના, ના. એ ક્યાં ? એ તો શહીદ થઈ ગયા. અમારું લોહી તો શહીદ થઈ ગયું. પણ એમ ને એમ અમારો દેશ થોડી આપી દઈશું. આ અમારો દેશ છે અને અમારોજ રહેશે. તમે નીકળો અહીંથી. કહું છું, નીકળો અહીંથી."

દાદાજીના શબ્દોથી શરીરમાં અરેરાટી છૂટી ગઈ. રડતો ચહેરો સ્તબ્ધ થઈ ગયો. 

" અબ્બાજાન અહીં આવો જોઈએ... "

અમ્મી દર વખત જેમ એમને સમજાવીને થોડા કલાકો માટે પડોશમાં છોડી આવવા આગળ વધ્યા. 

દાદાજી જતા જતા એની આંખોમાં તાકી એજ શબ્દોનું રટણ કરી રહ્યા હતા. એમનો અવાજ વધુ ઉત્તેજક બની રહ્યો હતો. 

" નીકળો અહીંથી. આ અમારો દેશ છે. હમણાંજ નીકળો...." 

એમની આંખોમાં ઉઠેલી અગ્નિથી દાઝી જવાયું. પડોશી શમીમ ભાભીએ દર વખત જેમ થોડા સમય માટે દાદાજીને સંભાળી લેવાની જવાબદારી હોંશે હોંશે સંભાળી લીધી. તેઓ જાણતા હતા. આજનો દિવસ પરિવાર માટે મહત્વનો હતો. આજે રુખસદની ઘડી હતી. 

ટેક્ષીના પાછળના કાચમાંથી એક અંતિમ નજર ઘર ઉપર અને મહોલ્લા ઉપર પડી. મનોમન એણે 'અલવિદા' પાઠવ્યું કે ટેક્ષી મહોલ્લો છોડી આગળ વધી ગઈ. 

થોડા કલાકો પછી ઘરે પરત ફરેલા અમ્મીનો ચહેરો હતાશ હતો. અબ્બાએ એક આશ્વાશન સભર હાથ એમના ખભે ગોઠવ્યો. 

" હું જાણું છું. એના વિના રહેવું સહેલું નથી. પણ ધીમે ધીમે ટેવાઈ જઈશું. હવે આપણી તો ઉંમર થઈ ગઈ. પણ એનું ભવિષ્ય સુધરી જશે. ત્યાંની નાગરિકતા મેળવવા તો લોકો પડાપડી કરતા હોય. એ તો આપણા હનિફનું નસીબ કે એને સલમા જેવી યુ કે ની નાગરિકના સોહર બનવાની તક મળી. આપણો દીકરો સેટ થઈ જશે. બીજું શું જોઈએ ? "

અમ્મીનું માથું અબ્બાના ખભે ટેકવાયું કે અંદરના ઓરડમાં દાદાજી ફરીથી મોટેમોટેથી પોતાના શબ્દોનું રટણ કરવા લાગ્યા. 

" અંગ્રેજો ભારત છોડો. અંગ્રેજો ભારત છોડો. અંગ્રેજો ભારત છોડો. " 

દાદાજીના ઓરડામાં સજ્જ કેલેન્ડર તાજી તારીખનો નિર્દેશ કરી રહ્યું હતું,

'૧૫ ઓગષ્ટ' !


Rate this content
Log in

Similar gujarati story from Drama