Mariyam Dhupli

Thriller

3  

Mariyam Dhupli

Thriller

રમકડાં

રમકડાં

3 mins
596


બસ ગઈ કાલની તો વાત છે. હું અહીં આજ મહેમાન ખંડમાં બેઠો હતો. આ વિસ્તારમાં ઓફિસના કામે આવવાનું થયું હતું. તો થયું ચલો મોટી બહેનને મળતો જાઉં. બાકી જીવનની વ્યસ્તતા વચ્ચે મોબાઈલના વિડીયો કોલથીજ મુલાકાતો વધુ થતી. પરંતુ એકબીજાની સામે,આંખોમાં આંખો મેળવી, સંબંધો જોડે મળવાની, વાતો કરવાની અને સાનિંધ્ય મેળવવાની હૂંફ એ ભ્રમણાજનક વીડિયોકોલમાં ક્યાંથી જન્મી શકે ?


હા , અહીં આ સ્થળેજ બેઠા બેઠા હું રસોડાની બખોલવાળી બારીમાંથી મોટી બહેનને નિહાળી રહ્યો હતો. એક તરફ એમના હાથ રસોઈ કરવામાં તો બીજી તરફ મારા માટે ગરમાગરમ ચા તૈયાર કરવામાં હોંશે હોંશે વ્યસ્ત હતા. મારા મોટાભાઈ અને ભાણજી અંગે ઘણી બધી વાતો પણ પડખે ચાલુજ હતી. મોટાભાઈની ધંધાની વ્યસ્તતા અને મારી ભાણજીની બોર્ડની પરીક્ષાઓ ચર્ચાના મુખ્ય વિષય હતા. વચ્ચે વચ્ચે બાની , મારી અને મારા પરિવારની પણ એ જાણકારી મેળવી રહ્યા હતા. ભાઈ બહેનની વાતની દોર એકવાર બંધાય પછી સરળતાથી તો એને પૂર્ણવિરામ નજ લાગે.


અમારી વાતોમાં પણ પૂર્ણવિરામ ન લાગશે એ સંદેહ જોડે મારો પાંચ વર્ષનો ભાણજો પોતાના રમકડાંઓ જોડે સંપૂર્ણ હક અધિકારના વટ સાથે એના મામાની ગોદમાં ધસી આવ્યો.


" મામા, આ જુઓ. "


એની મમ્મી જોડેના મારા વાર્તાલાપને વિઘ્નપૂર્વક તોડ્યાનો ગર્વ એના માસુમ ચહેરા ઉપર પ્રતિબિંબિત થયો. 


" અરે વાહ !" મારી સામે ગોઠવેલ એના સ્લેટ સ્ટેન્ડને હું વિસ્મયથી નિહાળવાનો ડોળ કરી રહ્યો. 


" મામા , હું મોટો થઇ શિક્ષક બનીશ. " મારા ગોદમાંથી નીચે ઉતરી એ પોતાના સ્લેટ સ્ટેન્ડ નજીક પહોંચ્યો. હાથમાંના ડસ્ટર વડે એની ઉપર ચિતરેલ બારાખડીને ભુસવી, ચોકના બોક્ષમાંથી એક નવો ચોક બહાર નીકાળી એક શિક્ષક તરીકેનો અભિનય આદરતા એ મને બાળસહજ કુતુહલતાથી તાકી રહ્યો. 


એના મીઠા શબ્દોથી મારા હૃદયમાં સાકર ભળી રહી.


" વાહ , શિક્ષક શા માટે ? " એના બાળમાનસને હું ચકાસી રહ્યો.


" કેમકે શિક્ષક બધાને સારું સારું શીખવે છે. " એના હાથમાંના ચોકથી સ્લેટ બોર્ડ ઉપર એ સંખ્યાઓ લખતા લખતા મને ત્રાંસી નજરે જોઈ રહ્યો.


" સારું સારું એટલે ? " એના બાળમાનસમાં હજુ ઊંડાણમાં હું ઉતરી રહ્યો. 


" સારું સારું..એટલે...સાચું બોલવું , નિયમ માનવા , કોઈ ખોટું કામ ન કરવું..." એની માસુમ આંખો આછી આછી ગર્વથી ચળકી રહી.


રસોડામાંથી મોટી બહેને વચ્ચે વ્યંગસભર ટાપસી પુરાવી. 

" પણ ગઈ કાલે તો એને કંઈક જુદુંજ થવું હતું. "


પોતાની માના શબ્દોથી કંઈક અત્યંત જરૂરી બાબત યાદ આવી હોય એ પ્રમાણે મારી ગોદમાંથી લપસણી ખાતો એ સામેના ઓરડા તરફ ભાગ્યો. બીજીજ ક્ષણે હાથમાં થામેલ અન્ય રમકડાં જોડે એ મારી પડખે આવી ઉભો રહ્યો. 


" ફાયર બ્રિગેડ , અરે વાહ..." મારી આંખો વિસ્મયથી પહોળી કરી હું એને અભિપ્રેરિત કરી રહ્યો.


"ટીન..ટીન..ટીન...." પોતાના નાનકડા મોઢામાંથી અલાર્મનો અવાજ કાઢતો એ પોતાની નાનકડી ફાયર બ્રિગેડને અહીંથી ત્યાં દોડાવી રહ્યો.


ફાયરબ્રિગેડની દાદર ઉપર નીચે કરતો એ ગર્વથી બોલી પડ્યો. " હું તો ફાયરબ્રિગેડમાં કામ કરીશ. બધેજ આગ ઓલવવા જઈશ. હીરો ની જેમ સૌને બચાવીશ. " 


" સૌને ? " અચાનક બદલાઈ ગયેલા વ્યવસાય વિકલ્પથી હું અને મોટા બહેન ખડખડાટ હસી પડ્યા.


"હ્હ્હઆઆ , સૌને....." એ માસુમ સાદ જાણે આજે પણ મહેમાનખંડમાં ગુંજી રહી.


મહેમાનખંડના સામે તરફના ઓરડાનું બારણું ધારદાર ખુલ્યું અને મોટાબહેન ક્રોધમાં બળતા બહાર ધસી આવ્યા. એમના આગમન જોડેજ 

હું ગઈ કાલની યાદોમાંથી સફાળો ઉઘરી નીકળ્યો.


મહેમાન ખંડનો સન્નાટો ધ્રુજી ઉઠ્યો.


ભેગા મળેલા દરેક લોકોની નજર હતાશા અને દયાભાવથી મારા મોટા બહેનને તાકી રહી , મારી નજર જેમ જ. 


અંદરના ઓરડામાંથી લઇ આવેલ રમકડાંઓ જોડે તેઓ મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યા.


સ્લેટ બોર્ડ અને ફાયર બ્રિગેડ હવામાં ઉછળતા બહાર રસ્તા તરફ પછડાયા. એ રમકડાંઓ તૂટવાનો સ્વર ત્યાં હાજર દરેક હય્યાને વીંધી રહ્યો. 


પોતાની માના આક્રોશ પાછળનું કારણ ન સમજી શકનાર મારો નાનકડો નિર્દોષ ભાણજો ડરીને મારી બાહુમાં લપાઈ ગયો. મારા હાથ એના માસુમ માથા ઉપર સહજ રીતે ફરી રહ્યા.


ઉપસ્થિત સંબંધીઓ અને મારા બનેવી મારા મોટા બહેનને સંભાળી રહ્યા. 


એમના આક્રંદથી ત્યાં હાજર દરેક કાળજું ઓગળી રહ્યું.


મારી યુવાન ભાણજીના મૃતદેહ ઉપર મારી નજર જડ થઇ. 


ટ્યુશનક્લાસમાં લાગેલી આકસ્મિક આગમાં એનું શરીર ભડતુ થઇ ચૂક્યું હતું.



Rate this content
Log in

Similar gujarati story from Thriller