રેવંત ભાગ ૬
રેવંત ભાગ ૬
વહેલી સવારે નંદી, રેવંત, વીરભદ્ર, ઉત્કર્ષ અને દુર્જય એમ પાંચ પ્રમુખ ગણો કાર્તિકેયને મળવા ગયા. કાર્તિકેય હજુ પ્રાતઃકર્મથી પરવાર્યા હતા. પાંચેય પ્રમુખગણને આવેલા જોઈને કાર્તિકેયને આશ્ચર્ય થયું. તેમને પૂછ્યું 'શું થયું મહાદેવના પરમપ્રિય ગણો આજે મારી પાસે. આવવાનું કોઈ ખાસ કારણ ?' નંદી એ કહ્યું 'યુદ્ધોના દેવતા કાર્તિકેય અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ.' કાર્તિકેયે કહ્યું કે 'મહાદેવ પણ જેમની સલાહ નથી ટાળતા એક પ્રમુખગણો તમે વિનંતી નહિ આદેશ આપો.' નંદી એ કહ્યું કે 'આપ કૈલાસ છોડીને ન જશો. માતા દુઃખી થઇ જશે અને મહાદેવને પણ નહિ ગમે. તમે તો સર્વપ્રિય છો તમે અમને છોડી જશો તે અમને નહિ ગમે.' કાર્તિકેયે કહ્યું કે 'તમે મને ધર્મસંકટમાં નાખી દીધો. તમને ખબર છે કે મેં પ્રતિજ્ઞા લીધી છે તો હવે એવું કહીને મારી પ્રતિજ્ઞાન તોડાવશો અને આમેય મને યુદ્ધ કરવું પસંદ છે અહીંનું શાંત વાતાવરણ મને નથી ગમતું. દક્ષિણ માં મને યુદ્ધ કરવા અસુરો મળી રહેશે. તેથી હે પ્રમુખગણો મને રજા આપો.' પ્રમુખગણો એ કાર્તિકેયને મનાવવાના પ્રયત્નો કરી જોયા પણ કાર્તિકેય પોતાના નિર્ણય પર અડગ રહ્યા તેથી પ્રમુખગણો એ મહાદેવ પાસે જવાનું નક્કી કર્યું. પ્રમુખગણો એ શિવ પાસે જઈને વિનંતી કરી કે તેઓ કાર્તિકેયને રોકી લે. શિવે કહ્યું કે 'આ નિર્ણય કાર્તિકેયનો છે તેને ફેરવવાનો અધિકાર ફક્ત કાર્તિકેયને છે.' રેવંતે કહ્યું કે 'આપ મહાદેવ છે અને આપની વાત કાર્તિકેય નહિ ટાળે. અથવા ગણેશને વાત કરવા કહો તેઓ તો પોતાના મોટાભાઈને માનવી શકશે.' શિવે ગણેશને બોલાવ્યા અને તેમને કહ્યું કે તેઓ કાર્તિકેય સાથે વાત કરી જુએ ત્યારે ગણેશે કહ્યું કે 'મેં ભાઈ સાથે વાત કરી હતી પણ તે પોતાની વાત પર અડગ છે. રેવંત ક્રોધિત થઇ ગયો અને કહ્યું કે આપે પુરા મનથી પ્રયત્ન નહિ કર્યો હોય.'
ગણેશે કહ્યું કે 'રેવંત કાળુમામા મેં તેમને બરાબર પ્રયત્ન કર્યા હતા.' રેવંતે મહાદેવ તરફ ફરીને કહ્યું કે 'જુઓ મહાદેવ ગણેશ આપણી સામે પણ મજાક ઉડાવે છે.' શિવે કહ્યું કે 'આપ ગણેશની મજાકથી દુઃખી ન થાઓ અને કાળો રંગ તો અડગતાનું પ્રતીક છે. બીજા કોઈ રંગમાં બીજો રંગ મેળવો તો તેનો રંગ બદલાઈ જાય છે પણ કાળો રંગ કોઈ દિવસ બદલાતો નથી અને છતાં તમને એવું લાગતું હોય કાળા રંગનું માહાત્મ્ય વધારવા હું વિષ્ણુને કહીશ.' ગણેશે મહાદેવને કહ્યું કે 'પિતાજી ભાઈ દક્ષિણમાં જાય તે બધા માટે સારું છે. અગત્સ્ય મુનિ મને અને ભાઈને મળ્યા હતા તેમણે મને કહ્યું હતું કે દક્ષિણમાં જ અસુરોનો વાસ છે તેમને રોકવા હોય તો ત્યાં એક મહાયોદ્ધાની જરૂર છે જે તેમને એક થતા રોકી શકે, ત્યારે ભાઈ એ કહ્યું કે તે દક્ષિણમાં જશે અને અસુરોને સમુદ્રની પર કરી દેશે તે ન મારાથી ક્રોધિત છે ન તો માતાથી. શું તેઓ માંથી એટલા નિર્બળ છે કે નાની વાતમાં માતા પર ક્રોધિત થઇ જાય.' પ્રમુખગણો આશ્ચર્યમાં પડી ગયા તેમને કહ્યું કે 'અમને લાગ્યું કે કાર્તિકેય દુઃખી થઈને અહીંથી જાય છે.' મહાદેવે કહ્યું કે 'તે ફક્ત લોકકલ્યાણ માટે જાય છે અને મારી ઈચ્છા છે કે તેમની સાથે તમારામાંથી કોઈ તેની સાથે જાય.' રેવંતે કહ્યું 'મને રજા આપો તો હું તેમની સાથે જાઉં.' મહાદેવે કહ્યું કે 'તેની સાથે જાઓ તેજ યોગ્ય છે અને તેમાં તમારા જીવનનું સાર્થક છે. તમે અને ભૂતોના નાયક મત્સ્યઘર કાર્તિકેય સાથે જાઓ અને નાની સેના પણ લઇ જાઓ. કલ્યાણ હો.
 
;મહાદેવ ના આશીર્વાદ લઇ રેવંત નીકળી પડ્યો નવા સાહસ માટે.
કાર્તિકેય, રેવંત, મત્સ્યઘર અને નાની સેનાએ ઋષિ અગત્સ્યના આશ્રમમાં પહોંચી. અગત્સ્યએ ખુબ ઉમળકાભેર સ્વાગત કર્યું. લાંબો પ્રવાસ કરીને આવ્યા હોવાથી બધા થાકી ગયા હતા તેમને ભોજન કરાવી આરામ કરવા કહ્યું. મોડી સાંજે ઉઠ્યા પછી કાર્તિકેય અને રેવંત અગત્સ્ય પાસે ગયા. પૂજા સમાપ્ત કર્યા પછી તેમને એક કુટિરમાં મંત્રણા કરવા લઇ ગયા. અત્યારે અસુરોનો કોઈ અધિપતિ નથી. તમે તારકાસુરનો વધ કર્યો અને શિવે તારકાક્ષ, વિદ્યુનમાલી અને વીર્યવાનનો વધ કર્યા પછી તેમનું કોઈ સક્ષમ નેતૃત્વ બચ્યું નથી
બધા અસુરો છુટાછવાયા છે તેઓ નાના નાના દળ માં રહે છે. થોડા સમય પહેલા તેઓમાં એકતા નહોતી અને તેઓ એકબીજા સાથે લડતા રહેતા પણ અત્યારે એક અસુરનો ઉદય થયો છે નામે દુર્વાસુર. દુર્વાસુર તારકાસુર જેટલો શક્તિશાળી કે અજેય નથી પણ ચાલાક અને મહત્વાકાંક્ષી છે. તે રૂપ પરિવર્તન કરવું જાણે છે અને અધિપતિ બનવા જેટલો સક્ષમ ન હોય તો પણ સેનાપતિ બનવા જેટલો સક્ષમ છે. તારકાસુર સીધે સીધું યુદ્ધ કરતો અને વિનાશ કરતો પણ આણે એક નવતર પ્રયોગ કર્યો છે. અત્યારે અસુરોના ૧૮ દળો છે જેના અધ્યક્ષો જુદા જુદા છે. બધાની જીવન શૈલી અલગ અને ખાવા પીવાની પદ્ધતિ અલગ પણ તે બધાનું લક્ષ્ય એકજ દેવતાઓ એટલે કે હિમાચલની આસપાસના રાજાઓ સાથે યુદ્ધ અને લોકોને હેરાન કરવા. તેઓ જે ધાર્મિક ક્રિયાકર્મ કરે છે તેનો નાશ કરવો અને ખેતરો સળગાવી મારવા. તેમનું કહેવું છે કે ફક્ત માંસાહાર કરવો.તેઓ લગ્નપ્રથાના પણ વિરોધમાં છે તેથી જ્યાં લગ્ન થતા હોય ત્યાં જઈને તોડફોડ કરે છે.
અસુરો લગ્ન કરતાજ નથી મુક્ત અને ખુલ્લામાં સમાગમ કરવો તે તેઓ પોતાનો અધિકાર સમજે છે અને અહીંના જે લોકો છે તેમને પણ તેવું કરવા કહે છે. તારકાસુરનું રાજ હતું ત્યાં સુધી તેમનું લક્ષ્ય એકજ હતું સવારે શિકાર કરીને માંસ ખાવું જે સ્ત્રી ગમે તેની સાથે સહવાસ કરવો મદિરાનું સેવન કરવું અને આળસુની જેમ પડ્યા રહેવું. તેઓ માને છે કે ઈશ્વર જેવું કોઈ નથી તેથી વ્યર્થમાં ક્રિયાકાંડો કરવા નહિ અને કોઈ કરતુ હોય તો તેને કરવા દેવા નહિ.
હવે દુર્વાસુર ની વાત પર એવું છું. તેને ૧૮ દળોમાંથી ૮ દળો પર કાબુ મેળવી લીધો છે. બાકીના ૧૦ દળો એ તેને પોતાનો અધિપતિ માનવાનો ઇન્કાર કર્યો છે. તેણે પોતાનો પ્રભાવ પાથરવા એક નવી યોજના બનાવી છે. તેણે દક્ષિણ ગામેગામમાં ૩- ૩ કે ૪ -૪ અસુરો મોકલી દીધા છે જે સામાન્ય પ્રજાની જેમ રહે છે.દિવસે તે કામ કરે છે અને રાત્રે ઘણી વખત કોઈની હત્યા કરવી અને તેના શરીરનું અડધું માંસ ખાઈ જવું, રાત્રે જઈ ખેતરો બાળી નાખવા કોઈનું નાનું બાળક ઉપાડી જવું, પાળેલા જાનવરો મારી નાખવા એવા ઘૃણિત કામો કરે છે. અને આ કામ તેઓ અમોવાસ્યાની આસપાસ કરે છે તેથી કોણ કરે છે તેની ખબર પડતી નથી. વચ્ચે એક બે અસુર પકડાયા તેથી ખબર પડી કે આ બધી અસુરોની કરામત છે નહીંતર લોકોમાં અફવા પ્રસરી હતી કે કોઈ દૈવીશક્તિ આ કામ કરે છે અને તેને બળી ચડાવશો તો શાંત થશે. અહીંના રાજા શ્રીધરન મને મળવા આવ્યા હતા અને તેમણે મને આ સમસ્યાનું નિવારણ કરવા કહ્યું છે. મારી દ્રષ્ટિમાં અસુરો સાથે યુદ્ધ કરવા માટે તમેજ શ્રેષ્ઠ છો તેથી તમને બોલાવ્યા અને તમારી સાથે આવેલ મત્સ્યઘર અને રેવંત ગામવાસીઓમાં ભળી ગયેલા અસુરોને શોધીને તેમનો વધ કરશે.