રાનીની ચોકલેટ
રાનીની ચોકલેટ
રાનીને ગયાને આજે અઠવાડિયું થઈ ગયું હતું. પણ ઘરમાંથી સ્વજન ગયું હોય એવો માતમ હતો. નાનું ગલુડિયું હતી ત્યારથી રાની આ ઘરમાં સભ્ય બની ગઈ હતી. ઘરમાં સૌથી માનીતી હતી. ગયા સોમવારે અચાનક બીમાર થઈ અને સાંજ સુધીમાં તો એ મૃત્યુ પામી. સ્પેશિયલ ડોક્ટર ને બોલાવવા છતાં બચી ના શકી. દિવસો વીતવા છતાં રાની ભૂલાતી ન હતી. પરાણે દિનચર્યામાં ગુંથાવા મથનાર આજે ઉમાએ બાજુવાળા સરલા બેનને બરફ આપવા માટે ફ્રીજરનું ખાનું ખોલ્યુ અને બોક્ષ પર નજર પડતાં જ ઊંડો નિસાસો નાખ્યો. ફીજરનું બારણું ખુલ્લું જ રહી ગયું અને ઉમાની આંખમાંથી દડદડ આંસુ સરી પડ્યાં. સામે એ ચોકલેટનું બોક્ષ હતું જે રાનીને ખુબ ભાવતી હતી. ઉમા ફ્રીજ ખોલે ને રાની દોડીને તરત આવી જતી. એક ચોકલેટ ખાય પછી જ દૂર જતી. આજે રાનીની એ ચોક્લેટ હતી પણ રાની ન હતી.... ઊંડા નિસાસા સાથે ઉમાએ ફ્રીજ બંધ કર્યુ અને બરફ આપવાનું ભૂલી જઈને રાનીની યાદોમાં ખોવાઈ ગઈ.
