રામલીનો ન્યાય
રામલીનો ન્યાય
રામપુર ગામમાં મોટે ભાગે બધા ખેડૂતો જ રહે. બે-ચાર ભણેલા-ગણેલા માણસો હવે ગામમાં કહેવાની શરમ આવે તેમ માની મોટા શહેર તરફ ગતિ કરી ગયા. રામપુર પર્વતની તળેટીમાં આવેલું હજુ અવિકસિત ગામ હતું. હજુ હમણાં ગામમાં લાઈટની સગવડ થઈ હતી. ગામમાં શેરીઓમાં થાંભલા પર ટીમ ટીમ બલ્બ જ રાતે અજવાળું આપતાં.
વર્ષોથી લોકો ફળિયામાં ઢોલીયા ઢાળીને સૂતા હોય, રામલી માંડ યુવાનીના ઉંબરે પગ મૂકતી સોળ વર્ષની ખીલતી કળી, નાનપણથી માબાપ સાથે રાતે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતી હતી. માંદગીના ખપ્પરમાં આવીને મા સ્વર્ગે સિધાવી ગઈ અને પિતા રોજ રાતે ભજનો ગાવાને ગાંજો પીવા જતા રહેતા. રામલી એકલી ઘરમાં રહેતી. ગામનાં કેટલાય જુવાનીયાની નજર હવે રામલીના શરીરના અંગ ઉપાંગના ઉભાર પર જતી હતી. માતાના મૃત્યુ બાદ રામલી થોડી એકલી પડી ગઈ હતી, પણ હિંમત ખૂબ ધરાવતી હતી.
એક રાતે રામલી બહાર ખાટલામાં સૂતી હતી, ત્યારે અચાનક એક પડછાયો તેના પર ધસી આવ્યો, પહેલા જ એનું મોઢું દબાવી દીધું હોવાથી, બૂમ ન પાડી શકી, મોં એક બાજુ થઈ ગયું અને પેલા પડછંદ પડછાયાએ રામલી સાથે જબરજસ્તી કુકર્મ કર્યું. તેને ખંડિત કરી, સોળ વર્ષની કુંવારી રામલી માટે આ બાબત એકદમ નવી હતી. તેને ભીંત પર ફક્ત એક પડછાયો જ દેખાતો હતો. મોટો વિકરાળ રાક્ષસ જેવો, તે તરફડતી રહી, સમજી ના શકી કે એ વ્યક્તિ કોણ ? સાવ અધમૂઆ જેવી રામલીને કરીને તે પડછાયો જેવો ઉઠ્યો, પાસે પડેલ દાતરડાંથી તેણે વાર કર્યો. પણ વાર ચૂકી ગયોને ગળાની જગ્યાએ માથામાં વાગ્યો. પેલો પડછાયો ઊભી પૂંછડીયે નાસી ગયો. જેમતેમ રામલીએ જાતને સાચવી. આ કાળી રાતની કાળી વાત તેના જીવનમાં કાળો પડછાયો બની ગઈ.
સવારે જ્યારે રામલી પાણી ભરવા ગઈ, ત્યારે રસ્તે તેને ગામનો મુખી મળ્યો, તેને લોલુપ નજરથી જોતો હતો, અને તેના માથે પાટો બંધાવ્યો હતો,પણ ફેંટામાં સંતાડ્યો હતો. રામલીની નજરમાંથી તે છૂટું ન રહ્યું. મુખી ગામમાં બધાનો ન્યાય કરવાનું કામ કરતો હતો.
ત્રીજા દિવસની સવારે ગામમાં વાત ફેલાઈ ગઈ કે રાતે કોઈકે મુખીને દાતરડાંથી વાઢી નાખ્યો.
રામલી જાણતી હતી કે આ ન્યાય કોણે કર્યો.
