રાહત
રાહત
કાચની નાની બારી. કોઈ ઝાંખી ન શકે એ માટે અંદર તરફથી બારી પર વ્યવસ્થિત એક ઉપર એક ગોઠવેલા સળિયા. નાનકડું ઇલેક્ટ્રિકની બચત કરતું બલ્બ. પાણી માટેનો એક નાનો નળ. એક નાનકડો લોટો. અર્ધી દીવાલ ઉપર ચણાયેલ સાદગીપૂર્ણ સફેદ ટાઇલ્સ. પ્રકાશને બમણો કરતો ભીંતનો આછો પીળો રંગ. અને બરાબર મધ્યમાં એક લંબચોરસ ખાડો. એ ખાડા ઉપર જડવામાં આવેલી સંડાસની બેઠક.
દરરોજ સવારે સૌથી પહેલા જે સ્થળની મુલાકાત લેવાની હોય એ મારી જાજરૂ કહો કે ટોયલેટ કે સંડાસ.
કહેવામાં વિચિત્ર લાગે પણ સત્ય એ જ કે એના વિના મને જરાયે ન ચાલે. મારી પ્રિય દેશી જાજરૂ. હું આજે પણ દરરોજ ની જેમ એ જ પ્રિય સ્થળે બેઠો હતો. પણ આજે દરરોજ કરતા કંઈક વધુજ રસ જોડે એને તાકી રહ્યો હતો. ઘરમાં હું એકલો જીવ એટલે મારા વિના એનો ઉપયોગ કોઈ નહિવત જ કરે. ક્યારેક કોઈ મળવા આવ્યું હોય કે મુંબઈ સાસરે વસ્તી મારી એક ની એક દીકરી કે જમાઈ રહેવા આવે ત્યારે એનો ઉપયોગ કરે.
કદમાં નાની પણ વ્યવસ્થિત અને સ્વચ્છ. હમણાં દિવાળી ઉપર સ્નેહા, મારી દીકરી અને આરવ, મારો જમાઈ બંને બે દિવસ મુંબઈથી અહીં અમદાવાદ રહેવા આવ્યા હતા. બંને એ મને ખુબજ સમજાવ્યો. ટોઇલેટનું રીનોવેશન કરાવી લઈએ. આધુનિક સુવિધાઓ મુકાવીએ. કદમાં વિસ્તાર આપીએ. આ ઉંમરે દેશી સંડાસની જગ્યાએ વિદેશી સંડાસ હોય તો અગવડ ન પડે. ઘૂંટણીયે બેસી પગના સ્નાયુઓમાં જો મચક આવી ગઈ કે પગ લપસી પડે તો ન કામ નું કામ નીકળે.
હું જાણતો હતો કે એમના ઘરે વિદેશી જાજરૂ હોય ને જે આરામથી ઉપર બેસી પતાવવા ટેવાયેલા હોય એમને અહીં અગવડ તો લાગતી હશે. પણ મને તો એ વિદેશી ખુરશી જરાયે ન ફાવે. બાળપણથી પેટના સ્નાયુઓ નીચે બેસીજ ઢીલા થવા ટેવાયેલા. ૬૮ વર્ષે હવે નવી ટેવો ને નવી કસરતો શરીર એમ ને એમ સ્વીકારવા તૈયાર ન થાય. સાહેબ મને તો વિદેશી જાજરૂ જોઈ ને જ ગભરાટ આવે. સહજ રીતે દેશી ખાડામાં થઇ જતી પ્રક્રિયા વિદેશી ખાડામાં અટકી પડે. તેથીજ કોઈ ને ત્યાં જવાનું હોય કે મોલનો ચક્કર લેવાનો હોય હું ઘરેથીજ બધું પતાવી નાખું. ને તો પણ જો મોલમાં ઇમરજન્સી આવે તો દોડતો ભાગતો ઘરે પહોંચું અને મારી આ સસ્તી, સાધારણ, દેશી જાજરૂમાં પહોંચી મને એવી રાહત મળે જાણે સ્વર્ગ મળી ગયું.
આજે પણ સવાર સવાર માંજ જાણે સ્વર્ગ પ્રાપ્તિ થઇ હોઈ એવી રાહત અનુભવાઈ. પણ આજની રાહત હમણાં સુધીમાં અનુભવેલી રાહતોમાં સર્વશ્રેષ્ઠ હતી. અને એનું કારણ મારો શ્રેષ્ઠ મિત્ર ગોવિંદ. એનું નામ યાદ આવતાજ મેં ઝડપ વધારી અને જાજરૂમાંથી બહાર નીકળી તૈયાર થવા ઉપડ્યો.
આજે ગોવિંદને મળવા જવાનું હતું. કેટલા દિવસોથી ફોન ઉપરજ ખબર અંતર પૂછતો રહ્યો. પણ ગઈ કાલે જે સમાચાર સાંભળ્યા એ ચોંકાવનારા હતા. મારા ત્યાં જવાથી ચોક્કસ એને ગમશે. મન હળવું થશે. એ વિચારે મેં મારી ઝડપને બમણી કરી. બસમાં આ ઉંમરે દસ કિલોમીટરનું અંતર પણ દસ માઈલ જેવું લાગતું. મુસાફરીમાં પેટની કોઈ સમસ્યા ન થાય એટલે હળવો નાસ્તો કર્યો. સ્નાન કરી, મારો સફેદ કુર્તો ચઢાવ્યો. મારી સ્વર્ગસ્થ પત્નીના ફોટોફ્રેમ ઉપર હારમાળા ચઢાવી અને ઘર વાસી હું નીકળી પડ્યો.
ઈશ્વરની કૃપાથી વહેલી સવારે બસમાં બહુ ભીડ હતી નહીં. બારી નજીક સીટ મળી અને થોડાજ સમયમાં બસ મારા મિત્રના ઘરની દિશામાં ઉપડી. મારા વિચારો પણ મારા મિત્ર ગોવિંદ સાથે ગતિ પૂર્વક જોડાઈ ગયા.
એકજ ફળિયામાં અમારું બાળપણ સાથે વીતેલું. ગોવિંદ છોકરાઓની ટોળીમાં સૌથી ધમાલિયો. પણ ઠોઠ નહીં. ભણવામાં પણ પાક્કો. બાળપણથી એ ખુબજ મહત્વકાંક્ષી. હું જેટલો સંતોષી જીવ એ એટલોજ સ્વપ્નો સેવનારો. મોટો થઇ આમ કરીશ. આ બનીશ, પેલું બનીશ. આ ખરીદીશ, પેલું ખરીદીશ. આખા વિશ્વને જાણે એ પોતાની મુઠ્ઠીમાં સમાવી લેવા ઈચ્છતો હતો. મારો સંતોષી જીવ શિક્ષક બની રાજી થઇ ગયો. પણ એને તો શહેરની જાણીતી બેંકમાં ઉચ્ચ પદે મોટા આંકડા વાળી નોકરી મળી. શારદા ભાભી જેવી સુંદર પત્ની અને એક દીકરો. એક પછી એક દરેક સ્વપ્નોને એ મહત્વકાંક્ષી જીવે આખરે પણ સાર્થક કર્યા. એણે આ પણ ખરીદ્યું ને પેલું પણ. આ પણ વસાવ્યું ને પેલું પણ. બાળપણની બકેટ લિસ્ટ એક પછી એક એણે વાસ્તવિકતામાં ફેરવીજ કાઢી. ગોવિંદે પુરવાર કરી નાખ્યું કે સ્વપ્નો એનાજ પુરા થાય જે સ્વપ્નો જુએ.
મોરનાં ઈંડા ચીતરવા ન પડે એનો દીકરો ધનુષ પણ એના જેવોજ મહત્વકાંક્ષી. ગોવિંદની તદ્દન કાર્બનકૉપી. એમ. બી. એ. કરી એ બ્રિટેન સ્થાયી થઇ ગયો. ત્યાં જ નોકરી પણ મળી ગઈ અને લગ્ન પણ થઈ ગયા.
હું અંતિમવાર ગોવિંદને જયારે એના ઘરે મળ્યો હતો, લગભગ છ મહિના પહેલા, ત્યારે ધનુષની વાત કરતા કરતા એ કેવો ઉત્સાહમાં આવી ગયો હતો ! એનું આખું શરીર ગર્વથી અહીંથી ત્યાં ચક્કર કાપી રહ્યું હતું. પહેલા તો એણે મોબાઈલમાં ધનુષ અને એના પરિવારની તસ્વીરો બતાવી. મારો મોબાઈલ તો મારા જેવોજ સાદો. એટલે એમાં ન તો ઇન્ટરનેટ મળે, ન વ્હોટ્સએપ, ન ફેસબુક. દીકરી અને જમાઈ કહેતા કહેતા થાક્યા. એક વાર તો કોઈ લેટેસ્ટ મોબાઈલ ખરીદી પણ લાવ્યા હતા. પણ એ મેં સ્વીકાર્યો નહીં. પૈસાનો પ્રશ્ન ન હતો. મારા પેંશનમાંથી આરામથી વસાવી શકાય. પણ મને આ નવી ટેક્નોલોજીની જટિલતા બહુ જામતી ન હતી. એમાં
પાછું પ્રાઇવસી કે અંગત જીવનનું માન બહુ જળવાઈ નહીં એવો મારો અભિપ્રાય. એટલે મારા મિત્રોને મને તસવીરો બતાવવી હોય તો ક્યાં તો મારા ઘરે આવે ક્યાં તો મને એમના ઘરે બોલાવે. અને લેટેસ્ટ મોબાઈલ ન વસાવવાના ફાયદા સ્વરૂપે સમયે સમયે રૂબરૂ મળતા રહે. એ દિવસે એ તસવીરો એક પછી એક મોબાઈલમાં સરકાવી સરકાવીને બતાવતો ગોવિંદ અને એનો જોમ હું બસમાં જાણે આંખો સામે નિહાળી રહ્યો.
કેટલો આનંદિત અને સક્રિય હતો એ ! મારો હાથ થામી સીધો મને એની નવી ટોયલેટ બતાવવા લઇ ગયો હતો. મારી તો આંખો ચકરાઈ ગઈ હતી. મારા ફ્લેટના શયનખંડ જેટલા ચાર શયનખંડ ભેગા મળે ત્યારે ગોવિંદની ટોયલેટ તૈયાર થાય. ધનુષે બ્રિટેનથી મોટી રકમ અને ઇન્ટરનેટ થકી આખે આખી ડિઝાઇન મોકલાવી હતી. એ પ્લાન નો ઉપયોગ કરી કઈ રીતે, કયા કયા સ્થળેથી, શું શું વસાવવામાં આવ્યું હતું એની ઝીણીમાં ઝીણી માહિતી ગોવિંદ એકજ શ્વાસમાં આપી રહ્યો હતો. વિદેશી જાજરૂનો આટલો મોટો કદ મેં જીવનમાં કશે જોયો ન હતો. પાણી માટે હાથમાં પકડવાનો ગોલ્ડન સ્પ્રે પાઇપ તો ખરોજ, સાથે સાથે અંદર તરફથીજ આપમેળે પાણી મેળવી શકાય એવી મોડર્ન ટેક્નિક વાળી ટાંકી. આખી ટોયલેટ એસી થી સજ્જ. બરાબર મધ્યમાં આખેઆખા શરીરનું પ્રતિબિંબ નિહાળી શકાય એવો વિશાળ એન્ટિક અરીસો. છતની ઉપર શોભી રહેલું કાચનું કલાત્મક ઝુમર. એ ઝુમરની દરેક તરફથી ઝળહળતો પ્રકાશ પાથરતા અનેક રંગેબીરંગી બલ્બ. મારી જાજરૂમાં નરી આંખે દેખાતા પાઈપ ત્યાં ન હતા. આખું કનેક્શન ભીંતની અંદર છુપાયું હતું. એક ખૂણામાં મોટી અલમારી. જેમાં નાના મોટા ટાવેલ, જાજરૂ સાફ કરવાના મોંઘા હાઈજેનીક સામાન અને ઉપરના ડ્રોવરમાં વાંચવા માટેની ભાતભાતની સામગ્રી જેવીકે સમાચારપત્ર, મેગેઝીન, પુસ્તકો વગેરે... એટલે પેટ લામ્બો સમય લે તો પણ નિરાંતે એક સ્થળે બેસી શકાય. બીજા ખૂણામાં ભીંત ઉપર નાનું ફ્લેટ સ્ક્રીન ટીવી. મેચ હોય કે ફિલ્મ. કઈ પણ મિસ ન થાય. રિમોટથી ઉપર નીચે થતા પરદા. શું ન હતું? જાણે એ ટોયલેટમાં એક નાનકડું ઘર જ વસાવવામાં આવ્યું હતું. એ શણગાર અને શોભા નિહાળી મને એવો ભાસ થયો જાણે મારી દીકરી,જમાઈ અને ધનુષ મારી આગળ ઊભાં હોય અને મને પૂછી રહ્યા હોય,
'જોયું? ટોયલેટ હોય તો આવી.'
હું આગળ કઈ વિચારું એ પહેલા બસ ગોવિંદના ઘરની નજીકના બસસ્ટોપ ઉપર આવી થોભી. ત્યાંથી એનું ઘર ફક્ત બે મિનિટના અંતરે. હું થોડું ચાલ્યો જ કે એનું ઘર આવી ગયું.
અહીં સુધીતો હિંમત ભેગી કરી પહોંચી ગયો. પણ અંદર પ્રવેશતા મારુ કાળજું થોડું ધ્રૂજ્યું. આ પરિસ્થિતિમાં એને જોવું પડશે એ સ્વપ્ને પણ વિચાર્યું ન હતું. મન તો થયું પરત વળી જાઉં. પણ મિત્રતાની ફરજ નિભાવવા હું હિંમત ભેગી કરતો આગળ વધ્યો અને ડોરબેલ વગાડી. શારદા ભાભીએ દરવાજો ખોલ્યો. હમેશા હસતા મુખે મારુ આગમન વધાવનારા શારદા ભાભીએ મને જોતાજ હોઠ પર બળ જબરીએ સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો. પણ એમના પ્રયાસ ને નિષ્ફ્ળ બનાવતી એમની સૂઝેલી આંખોને હું દયાભાવથી તાકી રહ્યો.
"આવો, અંદરના ઓરડામાં છે."
મને એ ગોવિંદના ઓરડા તરફ સીધા દોરી ગયા.
" ધ્વનિલ ભાઈ આવ્યા છે."
મારા આગમનથી ગોવિંદને માહિતગાર કરી તેઓ રસોડા તરફ ઉપડ્યા.
"આપ આપના મિત્ર જોડે વાતો કરો. હું ચા લાઉં છું."
પથારી ઉપર આરામ કરી રહેલ ગોવિંદની આંખોમાં મને જોતાજ ચમક આવી. પણ એ ચમક કેટલી ફિક્કી હતી એ હુંજ જાણતો હતો. મારી ખુરશી એના ખભા તરફ સરકાવી હું એની વધુ નજીક પહોંચ્યો. એને આ પરિસ્થતિમાં નિહાળતા હૈયું વીંધાઈ રહ્યું હતું. પણ એની જાણ ગોવિંદને ન થાય એ હેતુસર ચહેરાના ભાવો શક્ય એટલા સામાન્ય રાખી હું એને વાતોમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવા લાગ્યો. કેટલાક ટચુકડા સંભળાવ્યા. બાળપણની યાદો તાજી કરી. દુનિયાભરની વાતો.... પણ આ વખતે ગોવિંદનો રસ મારી વાતોમાં એટલો હતો નહીં. એ બેચેની સમજી શકાય પણ અનુભવાઈ તો નહીજ. શારદા ભાભી દર વખતની જેમજ ચાની સાથે મારા ગમતા બધાજ નાસ્તા લઈ આવ્યા. પણ મારી જીભ આજે એ સ્વાદ જોડે સેતુ બાંધવા તૈયાર ન હતી. મનને કઈ ગમી રહ્યું ન હતું, ગોવિંદને સાથ આપતો બે કલાક જેટલો સમય હું ત્યાંજ બેસી રહ્યો. જયારે ગોવિંદે શારદા ભાભીને કાનમાં કંઈક કહ્યું ત્યારે તેઓ મદદ માટે નર્સને બોલાવવા બહાર જતા રહ્યા. પરિસ્થતિને સમજતો હું પણ ઊભો થઈ ગયો. ગોવિંદને ફરીથી મળવાનું વચન આપતો હું આખરે ઘરે પરત થવા બસ લેવા ઉપડ્યો.
બસની અંદર આખે રસ્તે હું શૂન્યમનસ્ક બેસી રહ્યો. ગોવિંદની આવી હાલત જોઈ મારી આત્મા જાણે થીજી ગઈ હતી. ક્યાં અંતિમવાર મળેલો એ ગોવિંદ, ને ક્યાં આ ગોવિંદ?
ઘરે પહોંચ્તાજ હું સીધો મારી દેશી જાજરૂમાં ધસી પડ્યો. આખા રસ્તે નિયંત્રણમાં રાખેલું પેટ આખરે ઢીલું થયું અને મનમાં અનેરી રાહત પહોંચી વળી.
પણ એ રાહત જોડેજ ગોવિંદની પથારી, એનું પથારીવશ શરીર, પેશાબ માટે બાંધેલી કોથળી... બધુજ આંખો આગળ તરી આવ્યું. સૌથી આલીશાન જાજરૂ ધરાવનાર વ્યક્તિ હવે કદી એનો ઉપયોગ કરી ન શકશે એ વિચાર જોડેજ હમણાં સુધી રોકી રાખેલા આંસુ ધડ ધડ કરતા મારી દેશી સંડાસના ખાડામાં વહી પડ્યાં.