રાહ.
રાહ.
રાહ.
અમેરિકાનું સૌથી ઠંડું અને સૌથી છેવાડાનું રાજ્ય — અલાસ્કા.
એક એવું રાજ્ય, જ્યાં આજે પણ ઘણી જગ્યાએ રસ્તાઓ પહોંચ્યા નથી. જ્યાં બરફ માણસ કરતાં ઊંચો પડે. જ્યાં મહિનાઓ સુધી સૂર્ય દેખાતો નથી. અને જ્યાં રાત્રિ ક્યારેક એટલી લાંબી બને. કે માણસ પોતાના વિચારોના અવાજથી પણ ડરી જાય.
અમેરિકાના બીજા રાજ્યોમાં ઝગમગાટ હતો. મોટા શહેરો. ઉંચી ઇમારતો. ચમકતું જીવન.
પણ અલાસ્કાના ઉત્તર છેડે, માત્ર બરફીલા પહાડો અને જામી ગયેલા સમુદ્ર વચ્ચે વસેલું નાનું કસબું — “એલ્મરિજ” — એ બધાથી દૂર હતું.
વિશ્વના નકશામાં તેનું સ્થાન સોયની અણી જેટલું પણ નહોતું.
અહીં નહોતો કોઈ વૈભવ. નહતી મોટી સુવિધાઓ. નહતા લોકો પાસે તેજસ્વી ભવિષ્યના સપનાઓ.
પણ છતાં.
કદાચ આખા અમેરિકામાં સૌથી શાંતિથી જીવતા લોકો અહીં રહેતા હતા.
કારણ કે એલ્મરિજના લોકો પાસે એકબીજા માટે સમય હતો.
અહીં લોકો દરવાજા બંધ કરતા પહેલાં પડોશીના ચુલ્લાની આગ જોતા. બાળકો આખા કસબાના ગણાતા. અને કોઈ એક માણસ દુઃખી હોય. તો આખી રાત કોઈ ને કોઈ એની બાજુમાં બેસી રહેતું.
બરફ વચ્ચે પણ અહીં માનવતાની ગરમી હતી.
કદાચ એ જ એમના સુખી જીવનનું રહસ્ય હતું.
પણ એલ્મરિજ વિશે એક વાત એવી હતી. જેનો ઉલ્લેખ લોકો છુપા અવાજમાં જ કરતા.
સૂર્ય અસ્ત થાય પછી ત્યાં, “સમય” પણ અટકી જતો.
ઘડિયાળના કાંટા મધરાત પહેલાં જ થંભી જતા. પવન જાણે શ્વાસ રોકી લેતો. અને ઉત્તર દિશાથી સફેદ તોફાન ઊતરતું.
વડીલો બાળકોને કહેતા —
“આ બરફ નથી. આ કાળ છે.”
ધીમે ધીમે આખું કસબું ધૂંધળું બનવા લાગતું. ઘરો બરફમાં દબાઈ ઓગળતા. ચહેરાઓ યાદોમાંથી ખસવા લાગતા.
જાણે સમય આખા કસબાને દુનિયામાંથી દૂર કાઢી રહ્યો હોય.
પણ આવી રાત્રે, એક માત્ર વ્યક્તિ ચાલતી રહેતી —
સિસ્ટર યસ્મિત.
સફેદ વસ્ત્રોમાં. હાથમાં જૂનું લાન્ટર્ન લઈને.
તે બરફીલી ગલીઓમાં ધીમે ચાલતી. દરેક ઘરના દરવાજા પર રોકાતી. ટકોરા મારી સૌની હાજરી લેતી. બંધ પડેલી ઘડિયાળોને ફરી ચલાવતી. અને ધીમે પ્રાર્થના બોલતી.
લોકોને જીવવાનો રાહ બતાવતી.
જ્યાં સુધી યસ્મિત ચાલતી રહે. ત્યાં સુધી આ કાળજણી લાંબી રાતમાં પણ એલ્મરિજ સંપૂર્ણ મરતું નહીં.
કસબાના વૃદ્ધો કહેતા કે, વર્ષો પહેલાં એલ્મરિજના લોકોએ બરફ નીચે દટાયેલા એક પ્રાચીન સ્થાને ખોદકામ કર્યું હતું.
ત્યાંથી તેમણે અઢળક સોનું તો કાઢ્યું. પણ સાથે કંઈક જગાડી દીધું.
એક એવી શક્તિ, જે જીવ નહીં. પણ “સમય” ખાઈ જતી હતી.
ત્યારથી દર રાત્રે કાળ તોફાન બની કસબાને ગળી જવા આવતો.
અને યસ્મિત.
તે સામાન્ય નન નહોતી.
એ એક અલબેલી “રક્ષક” હતી.
એક એવી આત્મા, જે પોતે સમયથી પર રહી જીવતી હતી.
એક ક્રિસમસની રાત્રે, તોફાન અસામાન્ય રીતે ભયાનક બન્યું.
ચર્ચના કાચ તૂટી ગયા. ઘરોની દિવાલો ધ્રુજવા લાગી. અને આખું કસબું સફેદ અંધકારમાં ડૂબવા લાગ્યું.
યસ્મિત લાન્ટર્ન લઈને બહાર નીકળી.
બરફમાં ચાલતાં ચાલતાં તે કસબાના મધ્ય ચોક સુધી પહોંચી.
ત્યારે તોફાનમાંથી અવાજ આવ્યો.
ભારે. અનંત. બરફ જેટલો ઠંડો.
“યસ્મિત. મને મારું કામ કરવા દે. તું કેટલાં વર્ષોથી મને રોકી રહી છે?”
યસ્મિત થંભી.
અને ધીમે બોલી —
“જ્યાં સુધી કોઈ એક દિલ બીજા દિલને યાદ રાખે છે. ત્યાં સુધી સમય કદી જીતતો નથી.”
તોફાન ગર્જ્યું.
“સમય. કે કાળ સામે કોણ ટકી શકે?”
યસ્મિતની આંખોમાં આંસુ ઝળહળ્યાં.
“કોઈ નહીં. પણ પ્રેમ. સમયને થોડી વાર માટે ધીમો જરૂર પાડી શકે.”
અને એ ક્ષણે, યસ્મિતનું લાન્ટર્ન તેજસ્વી પ્રકાશથી ઝળહળી ઊઠ્યું.
આખું તોફાન પાછળ ખસી ગયું.
ધીમે ધીમે બરફનું તોફાન શાંત થવા લાગ્યું.
અને ક્ષિતિજ પર સૂર્યનું પહેલું કિરણ દેખાયું.
ઘડિયાળના કાંટા ફરી ચાલવા લાગ્યા. ચિમનીઓમાંથી ફરી ધુમાડો ઊઠ્યો. બાળકોના હાસ્યનો અવાજ ફરી ગુંજ્યો.
ગુમ થયેલું એલ્મરિજ ફરી જીવતું થઈ ગયું.
સવારે ચર્ચની સામે, બરફમાં ફક્ત એક જૂનું લાન્ટર્ન પડેલું હતું.
અને તેની બાજુમાં એક અટકેલી ઘડિયાળ.
જેના કાંટા મધરાત અને સવારની વચ્ચે ક્યાંક અટવાઈ ગયા હતા.
કદાચ. બીજી રાતની રાહ જોતા.
ચેતના ની પળ.
કહે છે કે સમય બધું ખાઈ જાય છે.
ચહેરા. શહેરો. સંબંધો. અહીં સુધી કે માણસનો અવાજ પણ.
પણ સમયની પણ એક મર્યાદા હોય છે.
કારણ કે કેટલીક વસ્તુઓ ઘડિયાળથી નહીં, યાદોથી જીવતી હોય છે.
એલ્મરિજના લોકો કદાચ એ જ સમજી ગયા હતા.
કે માણસ સાચે મરે છે ત્યારે નહીં, જ્યારે તેનો શ્વાસ અટકે. પણ ત્યારે, જ્યારે કોઈ તેને યાદ કરવાનું બંધ કરી દે.
કદાચ એટલે જ યસ્મિત દર રાત્રે લાન્ટર્ન લઈને નીકળતી હતી.
કાળ સામે લડવા નહીં. પણ લોકોની યાદોને જીવતી રાખવા.
કારણ કે યાદ…
સમયને હરાવવાનું નહીં, પણ તેને ધીમો પાડી દેવાનું અમોઘ શસ્ત્ર છે.
~~~~~~~~~
કલ્પેશ પટેલ ~ ©-2026
