STORYMIRROR

Kalpesh Patel

Drama Horror Thriller

4  

Kalpesh Patel

Drama Horror Thriller

ડો… રે… મી…

ડો… રે… મી…

4 mins
0

ડો… રે… મી…

પેરિસ.
વરસાદથી ભીંજાયેલી યુરોપની મધરાત. Eiffel Towerની ઝગમગતી લાઇટ્સ ધુમ્મસમાં ધીમે ધીમે ઓગળી રહી હતી.
સેન નદીનાં પટમાં, વર્ષોથી બંધ પડેલું એક જૂનું થિયેટર ઊભું હતું.
“Théâtre de Lune”
લોકો કહેતા…દરેક વરસાદી રાત્રે ત્યાંથી પિયાનોના સૂર સંભળાય છે.
“ડો… રે… મી…”
અને જે કોઈ એ સૂરનો પીછો કરે…
તે ક્યારેય પાછો ફરતો નથી.
ડાએના પેરિસની જાણીતી બેલે ડાન્સર હતી.
તેનું માનવું હતું કે સાચા કલાકારનો અંત સ્ટેજ પર જ થવો જોઈએ.
મિસ્ટર ફ્રેન્ક વૃદ્ધ પિયાનોવાદક હતો.
શાંત. એકલો. આંખોમાં હંમેશાં કોઈ જૂનો ભય છુપાવતો, પરંતુ પિયાનો વગાડવામાં માહિર.

એ રાત્રે બંને ગુપ્ત રીતે Théâtre de Lune માં દાખલ થયા.
અંદર ભેજની ગંધ હતી.દીવાલે વેલ્વેટ નાં લાલ પડદાં ધૂળથી ઢંકાયેલા.
ઝૂમર અડધાં તૂટેલા.
અને સ્ટેજ પાછળ…
એક જૂનો કાળો ગ્રાન્ડ પિયાનો.
તેની સફેદ કીઓ પર મેશના ડાઘ હતા.
બહારથી એફિલ ટાવરની લેબક જબક થતી લાઇટ્સ થીએટર ની કાચની બારી માંથી અંદર ફ્લોર પર પડતી…ને સ્ટેજ પર ડાન્સ કરતી પ્રતિકૃતિ ઉપસાવતી હોય એમ લાંબી છાયાઓ નાચતી.

ડાએનાએ ધીમેથી કહ્યું, ફ્રેન્ક 
“અહીં તો,કંઈક જીવતું હોય તેવી લાગે છે…”
ફ્રેન્ક ચૂપ રહ્યો. તે પિયાનો સામે બેઠો.કવર હટાવ્યું,અને પ્રથમ સૂર વગાડ્યો.
“ડો…”
સ્ટેજની ધૂળ હવામાં ઊડી.
ડાએનાના પગ આપોઆપ હલવા લાગ્યા.
બીજો સૂર—
“રે…”
ઉપરની બાલ્કનીમાં કોઈ આકાર દેખાયો.
ત્રીજો સૂર—
“મી…”
અને અચાનક…
પિયાનોની સફેદ કાળી કીઓ વચ્ચેથી લોહી ટપકવા લાગ્યું.
ફ્રેન્ક ગભરાઈને ઊભો થયો.
પણ પિયાનો બંધ ન થયો.
તે પોતાની મેળે વગાડતો રહ્યો.
“ફા… સો… લા…”
ડાએના, ડરી ગઈ, હવે તે નૃત્ય કરવા નહોતી માંગતી .
પાણ કોઈ અદૃશ્ય શક્તિ તેના શરીરને ચલાવી રહ્યું હોય. તેના પગ સ્ટેજ પર આપોઆપ પિયાનો નાં સુર સાથે લય બદ્ધ પડતાં હતા …
દરેક પગલાં સાથે મૂંગી ચીસો સંભળાતી.
અને ધીમે ધીમે…હોલમા 
ખાલી બેઠકો ભરાવા લાગી.
બળેલા ચહેરાવાળા દર્શકો.
કોઈની આંખો ઓગળેલી.
કોઈના હાથ નહોતા.
પણ તાળી નો અવાજ આવી રહ્યો હતો .
બહાર અચાનક એફિલ ટાવરની લાઇટ્સ બંધ થઈ ગઈ.
આખું પેરિસ અંધકારમાં ગરકાવ થઈ ગયું.
છતાંય થિયેટરના અંદર—
સંગીત જીવતું હતું.
ફ્રેન્કના કપાળ પર પરસેવો આવી ગયો.
તેને વર્ષો જૂની ઘટના યાદ આવી.
૧૯૪૮.
આ જ થિયેટરમાં છેલ્લો શો થયો હતો.
શો દરમિયાન આગ લાગી.
દરવાજા બહારથી બંધ થઈ ગયા.
અને અંદર બેઠેલા બધા લોકો જીવતા બળી ગયા.
છેલ્લું ગીત જે વાગતું હતું—
“ડો… રે… મી…”
ફ્રેન્ક ધ્રુજી ઊઠ્યો.
કારણ કે એ આગ અકસ્માત નહોતી.
તે આગ લગાડનાર માણસ…
તેના દાદા હતા.
અચાનક પિયાનોમાંથી બાળેલી સ્ત્રીનો અવાજ આવ્યો—
“સરગમ અધૂરી છે ફ્રેન્ક…”
“છેલ્લો સૂર વગાડ…”
ડાએનાના પગમાંથી હવે લોહી વહેતું હતું.
તે રડતા અવાજે બોલી—
“ફ્રેન્ક… રોક આને…”
ફ્રેન્કે પિયાનો પર નજર ફેરવી.
છેલ્લી કી ગાયબ હતી.
“તી” પછીનું અંતિમ “ડો” તૂટેલું હતું.
અને એ જ ક્ષણે…
થિયેટરના મુખ્ય દરવાજા ધીમે ખૂલ્યા.
વરસાદમાં એક નાનકડી છોકરી અંદર આવી.
તેના હાથમાં હતી—
એક બાળેલી પિયાનો કી.
છોકરીના કપડાં ભીના હતા.
અને તેના ચહેરા પર રાખ ચોંટેલી.
તે ધીમેથી સ્ટેજ તરફ આવી.
“તું કોણ છે?” — ફ્રેન્કે પૂછ્યું.
છોકરીએ સ્મિત કર્યું.
“હું છેલ્લી દર્શક.”
“જે શો પૂરો થાય તેની રાહ જોઈ રહી છું .”
તેને અંતિમ કી પિયાનોમાં ફિટ કરી.
થિયેટરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.
બધી આત્માઓ એકસાથે બોલી.

“પૂર્ણ કરો…”

ફ્રેન્ક ફરી સ્ટુલ પર બેઠો.
તેની આંગળીઓ કંપતી હતી.
પછી…
તેણે  સૂર વગાડ્યો.
“ડો…”
એ જ ક્ષણે આખું થિયેટર ધ્રુજી ઊઠ્યું.
બધી આત્માઓ ધુમાડામાં ઓગળવા લાગી.
ડાએના જમીન પર ઢળી પડી.
અને બહાર એફિલ ટાવરની લાઇટ્સ ફરી ઝગમગાવા લાગી.
ફ્રેન્કની આંખોમાં આંસુ આવી ગયા.
“અંતે બધું પૂર્ણ થયું…”
પણ…
નાનકડી છોકરી હસવા લાગી.
ધીમે.
ભયાનક રીતે.
ફ્રેન્ક થંભી ગયો.
“શું થયું?”
છોકરીએ માથું ઊંચું કર્યું.
તેની આંખોમાં કીકી નહોતી.
માત્ર કાળો અંધકાર.
અને તેણે ધીમેથી કહ્યું—
“ના, મિસ્ટર ફ્રેન્ક…”
“હવે કહાની શરૂ થઈ છે.”
અચાનક સ્ટેજ પાછળનો વિશાળ પડદો પોતાની મેળે ઊંચકાયો.
પાછળ…
એક બીજું થિયેટર હતું.
એ જ જેમનું તેમ.
પણ વધુ જૂનું.
વધુ અંધારું.
અને ત્યાં બેઠેલા દર્શકો…
ફ્રેન્ક અને ડાએનાના જ ચહેરાવાળા હતા.
સૈંકડો.
કોઈ બાળપણના.
કોઈ વૃદ્ધ.
કોઈ બળેલા.
કોઈ લોહીલુહાણ.
ડાએના ધ્રુજતા અવાજે બોલી—
“આ… શું છે…?”
છોકરી ધીમે આગળ વધી.
અને ફૂસફૂસીને બોલી—
“દરેક કલાકાર…”
“જે પોતાની છેલ્લી પરફોર્મન્સ અધૂરી છોડી દે છે…”
“તે અહીં આવે છે.”
“અને દરેક વખત જ્યારે છેલ્લો સૂર વાગે છે…”
“કહાની પૂરી થતી નથી.”
“માત્ર નવી કહાની શરૂ થાય છે.”
ફ્રેન્ક પાછળ હટ્યો.
“ના… અમે જીવતા છીએ…”
છોકરીનું સ્મિત વધુ પહોળું બન્યું.
“તમે પેરિસ આવ્યા જ નહોતા.”
“૧૯૪૮ની આગમાં…”
“તમે બંને પણ મરી ચૂક્યા હતા.”
ફ્રેન્કની આંખો ફાટી ગઈ.
અચાનક તેની યાદો તૂટી પડી.
પેરિસ…
ડાએના…
એફિલ ટાવર…
આ બધું ખોટું હતું.
આત્માઓ માટે રચાયેલ એક અનંત મંચ.
જ્યાં દરેક મૃત કલાકાર પોતાની “અધૂરી પરફોર્મન્સ” પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે…
પણ ક્યારેય પૂર્ણ કરી શકતો નથી.
અને એ જ ક્ષણે…
ફ્રેન્કે નક્કી કર્યું—
તે છેલ્લો સૂર ફરી વગાડશે.
પણ આ વખતે, અધૂરું રાખશે.
ડાએનાએ નક્કી કર્યું—
તે નૃત્ય રોકશે.
પણ તેના પગ સાંકળમાં બંધાયેલા હતા.

છોકરી હસતી રહી.
“તમે છૂટવા માગો છો?”
“અધૂરું છોડવું એ જ શાપ છે.”
“પૂર્ણ કરવું એ જ કેદ છે.”

ફ્રેન્કની આંખોમાં આગની છબીઓ ઝળહળી.
ડાએનાના હૃદયમાં સ્ટેજનો ધબકાર.
અને Théâtre de Lune ની દિવાલો પર લખાયું—
“કલાકાર ક્યારેય મરે નહીં.”
“તે ફક્ત અધૂરું રહી જાય છે.”
પિયાનો ફરી વાગવા લાગ્યો—
“ડો… રે… મી…”
ડાએનાના પગ ફરી હલવા લાગ્યા.
ફ્રેન્કની આંગળીઓ ફરી કીઓ પર સરકવા લાગી.
અને Théâtre de Lune ની બહાર…
વરસાદમાં ઊભેલા લોકો એફિલ ટાવરની નીચે ફરી એ જ સૂર સાંભળવા લાગ્યા—
“ડો… રે… મી…”
~~~~~~~~~~~
વાંચન વિશેષ ~

“ડો… રે… મી…” પશ્ચિમી સંગીતની મૂળભૂત સરગમનો ભાગ છે.
જેમ ભારતીય સંગીતમાં સા, રે, ગા, મા, પા, ધા, ની હોય છે, તેમ પશ્ચિમી સંગીતમાં Do, Re, Mi, Fa, So, La, Ti કહેવાય છે.
આ સરગમ માત્ર સંગીતના સૂર નથી,
પણ પ્રસ્તુત વાર્તામાં તે એક અધૂરી પરફોર્મન્સ, અટવાયેલ આત્માઓ અને અનંત ચક્રનું પ્રતિક બની જાય છે.
દરેક વખત જ્યારે “ડો… રે… મી…” વાગે છે,
ત્યારે એક નવી ભયાનક કહાની જીવંત થઈ ઊઠે છે.

~~~~~~~~~~~~~~~~~~~
Copyright © 2026 Kalpesh Patel. All Rights Reserved.
~~~~~~~~~~~~~~~~~~~~



Rate this content
Log in

Similar gujarati story from Drama