અખતરો
અખતરો
અખતરો
360 ડિગ્રી કોમેડી એક્સપ્રેસ
(દસ્તુરજી અને ડોલી રંગવાળાનો મીડનાઈટ કાંડ)
મુંબઈની એક ભીની સવાર…
દાદર પારસી કોલોનીમાં, દવાલ દસ્તુરજી પોતાની રોકિંગ ખુરશીમાં ઝુલતા બેઠા હતા.
એક હાથમાં ઈરાની ચા, બીજા હાથમાં "જામે જામશેડ વીકલી”, અને મોઢામાં સતત બબડાટ.
“આજકાલના બાનું પાસે બે જ કામ…
એક ભરપેટ જમ્યા પછી ડાયેટિંગની વાતું, અને … બીજું ફોન પર રિલ જોઈ ઇધર કાં ઉધર, અને ઉધર કાં ઇધર ફોરવર્ડ કરતા રહેવું !”
એટલામાં દસ્તુરજી નાં સદરામા રહેલો ફોન રણક્યો .
તેરા સાથ હૈ ઇતના પ્યારા …કોલર આઈ ડી ગીત વાગ્યું..
દસ્તુરજીએ ચશ્મા સીઘા કર્યા,
“હેલો… દવાલ દસ્તુરજી સ્પીકિંગ. કોણ બોલે છે?”
સામેથી ધીમો અવાજ આવ્યો,
“બાવાજી તમારું જીવન ખતરામાં છે…”
દસ્તુરજી ઉભા થઈ ગયા.
“અરે બાવા! પહેલા કહો, કોણ બોલે છે?
"LIC વાળો છે કે ઈન્કમ ટેક્સ વાળો?”
સામેથી ફરી અવાજ—
“આજે રાત્રે બાર વાગ્યે… લાલ દરવાજા પાસે આવજો … નહીં તો.. સાંભળવાનું ભૂલી જજો અને જિંદગી ભર પસ્તાશો…”
ફોન કપાઈ ગયો.
ડોલતી ખુરશી સ્થિર, અને મગજ ઘુમતું થયું.
દસ્તુરજીના હાથમાંથી ચાનો કપ નીચે પડી ગયો.
“હાય મારી પારસી જાત!
આ તો ચોક્કસ કોઈ ગેંગસ્ટરનો કોલ લાગે છે!”
તેઓ તરત જ પોતાની મિત્ર ડોલી રંગવાળા ને ફોન કરે છે.
“ડોલી! તુ આય તરત ઘરે આવ!
મારો જીવ જોખમમાં છે!”
અડધા કલાક પછી…
ડોલી રંગવાળા આવી પહોંચી.
ચમકદાર લીલો શર્ટ, પીળું પેન્ટ અને માથે લાલ ટોપી!
દસ્તુરજી એને જોઈને બોલ્યા—
“અલી તું માણસ છે કે ટ્રાફિક સિગ્નલ?”
ડોલી ગંભીર થઈ બોલી —
“દસ્તુર, પહેલા કેસ સમજાવ.”
દસ્તુરજીએ આખી વાત કહી.
ડોલી તરત જ ડિટેક્ટિવ પોઝમાં ગઈ.
“હું સમજી ગઈ …
બાવા આ ચોક્કસ અંડરવર્લ્ડનો મામલો છે!”
“કેમ?”
“કારણ કે સામાન્ય માણસ આજકાલ ફોન જ નથી કરતા . બધા WhatsApp મેસેજ કરે છે !”
દસ્તુરજીને, ડોલી, શેરલોક બોલતી હોય તેમ, તેની વાત સાચી લાગી.
ડોલી એં સાંજે "પામ્પલેટ" અને "ઘાનશાક" બનાવ્યા અને બંનેએ ખાધા પણ જીવ ચૂંથાય.
રાત્રે બાર વાગ્યે બંને “દાદર ટર્મિનસ ” પાસે પહોંચ્યા.
ચારેકોર અંધારું…
કુતરા પણ એમને જોઈને રસ્તો બદલી ગયા .
ડોલી દબાયેલા અવાજે બોલી,
“જો ગોળીબાર થાય તો તુ ડાબે ભાગજે …”
“અને, ડોલી,તું શું કરીશ ?"
“હું તો પહેલા થી જ જમણે ઉભી છું!”
એટલામાં પાછળથી અવાજ આવ્યો,
“દસ્તુરજી…”
બન્ને ડરી ગયા.
એક કાળી જરશી પહેરેલો માણસ સામે આવ્યો.
દસ્તુરજી કાંપતા અવાજે બોલ્યા.
“બોલો બાવા… શું જોઈએ?”
માણસે ખિસ્સામાંથી કાગળ કાઢ્યો.સહી કરો બાવાજી ..
“તમારું પાર્સલ.”
“પાર્સલ?!”
“હા.એડ્રેસ પૂરું નથી...
સવારથી તમારો પત્તો નથી લાગી રહ્યો.
"તેથી મેં, આવો અખતરો અજમાવી, ડરામણો કોલ કર્યો. નહિ તો તમે આવો જ નહીં!”
દસ્તુરજી ગુસ્સે ચઢી ગયા.
“એટલે આવું બધું માત્ર પાર્સલ માટે હતું ?!”
માણસ બોલ્યો.
“હા. COD હતું …
દસ્તુર બોલ્યા "કોડ "
અરે બિરાદાર કોઈ ફોડ પાડ.. તો ખબર પડે.
અરે બાવા COD કેશ ઓન ડીલેવરી..
જલ્દી થી
૩૪૦ રૂપિયા કાઢો . મારવા હજુ બીજા પારસલ ડિલિવરી કરવાનાં છે.
ડોલી તરત બોલી..
“દસ્તુરજી!
પૈસા આપતા નહીં!
આ જ તો તેમની નવી ટ્રિક છે!”
માણસે પાર્સલ દસ્તુરજી ને આપ્યું, અને તેમને ખોલ્યું.
અંદર શું? ડોલી એં ડોકી લંબાવીને જોયું.
“હિયરિંગ એડ”!
દસ્તુરજી ચોંકી ગયા.
“અરે! ડોલી,આ તો મેં જ, ગયે મહિને ઓર્ડર કર્યું હતું!”
ડોલી હસતા હસતા બોલી —
“વાહ દસ્તુર!
જેને સાંભળાતું નથી, એને જ અજાણ્યો ફોન આવ્યો, અને ખતરો સંભળાયો પણ ખરો !”
બીજા દિવસે આખી પારસી કોલોનીમાં ચર્ચા હતી.
“દસ્તુરજીને કોઈ અંડરવર્લ્ડથી નહીં…
Amazon થી ધમકી આવી હતી!”
અને
ત્યારથી દસ્તુરજી કોઈ પણ અજાણ્યો ફોન આવે તો પહેલો પ્રશ્ન પૂછે—
“ભાઈ પહેલા કહો… કોઈ કામ છે કે પાર્સલ માટેનો અખતરો?” 😄
Copyright © 2026 Kalpesh Patel. All Rights Reserved.
