વિચાર
વિચાર
“વિચાર”
અહીં માણસને કોઈ અવાજ સાંભળાતા નથી.
દુનિયાના શબ્દો, સંગીત, હાસ્ય—બધું અહીં મૌન છે.
પણ આ મૌનમાં એક અજાણી ધૂન હતી,
જે માણસોના વિચારોની લહેરો બની
આખા મુલકમાં વહેતી રહેતી હતી.
જ્યારે કોઈ સામસામે આવતું,
ત્યારે શબ્દોની જરૂર પડતી નહોતી, એક બીજા નાં મન કળી લેતા.
દરેક ચહેરા પાછળ છુપાયેલું મન
સ્વયં વાંચાઈ કે સંભળાઈ જતું.
દરેક સ્મિતમાં છુપાયેલ મમતા,
મન ની સંવેદનામાં છુપાયેલ દર્દ,
પ્રેમમાં છુપાયેલ વિરહ—
બધું અહીં સ્પષ્ટ હતું.
એક નવો રહેવાસી
આવા અલૌકિક મુલકમાં, તે આવ્યો હતો .
એને આશ્ચર્ય થયું—
“શું લોકો ખરેખર એટલા નિર્મલ હોઈ શકે?”
એક દિવસ તેણે એક બાળક જોયું—
બહારથી હસતું…
અને અંદરથી પણ એટલું જ નિર્દોષ.
એણે આંખ બંધ કરી.
પણ પોતાના અંદરનું આભાસી મૌન
તે બાળક કરતાં પણ વધુ ભારે લાગ્યું.
અહીં થોડો થોડો સમય તેને વિતાવ્યો પછી સમજાઈ ચૂક્યું હતું કે,
લોકો જન્મથી ખોટા નથી,
પણ તેની દુનિયાના અવાજો
તેને સાચું સાંભળવા દેતા નથી.
એણે મનમાં કહ્યું.
“શબ્દો ખોટા હોઈ શકે…
પણ મૌન?
મૌન ક્યારેય ખોટું નથી બોલતું.”
અને પહેલી વાર—
એના મૌનમાં
સંગીત ગુંજ્યું.
અચાનક…
ઓશિકે પડેલો મોબાઈલ
વાઈબ્રેટ થયો—
અને આંખ ખુલી.
તે પાછો
અવાજોની દુનિયામાં હતો.
પણ આ વખતે…
તે માણસ નહોતો રહ્યો—
એ પોતે
એક વિચાર બની ગયો હતો.
