રાધા મોહન
રાધા મોહન
એક નયનરમ્ય નામનું ગામ હતું. જેવું નામ તેવું જ કુદરતી સૌંદર્યથી ભરપૂર ગામ હતું, ત્યાં રાધાને મોહનની જિંદગી પણ કંઈક આવી જ હતી. નાનપણની પ્રીત હતી, પણ મોટા થતાં વડીલોએ એકબીજાને છૂટાં પાડી દીધાં. રાધાને રમણ સાથે અને મોહનને મીરાં બીજા સાથે પરણાવી દીધાં.
બંનેના ગામ અલગ થઈ ગયા. દૂર રહીને પણ બંનેની પ્રિત ઓછી થઈ નહોતી. સંસારની જવાબદારી બંને સાચા હૃદયથી નિભાવતા રહ્યા. દર વર્ષે આ હોળી ધૂળેટીનો તહેવાર, રાધા મોહનને બાળપણની ઘટનાઓ, મસ્તી, તોફાન, દૂર રહીને પણ બંનેના મન મલકાતાં અને યાદોનાં રંગોથી ધૂળેટી રમતાં.
વર્ષો વીત્યાં,બંનેના ઘરે દીકરા-દીકરી હતાં, તે પણ મોટા થયાં, રાધાને જય અને પ્રીતિ નામના બે બાળકો હતાં, તો મોહનને મીના અને પવન નામના બે બાળકો હતાં. અનાયાસે બધા કોલેજમાં સાથે ભણવા માટે ભેગાં થયાં. બધાં સાથે ક્લાસમાં હતાં એટલે સાથે નાસ્તો કરતાં, કાર્યક્રમ કે હરીફાઈમાં ભાગ લેતાં. આમ, જય અને મીનાની મિત્રતા થઈ, આ બાજુ પ્રીતિ અને પવનની પાક્કી મિત્રતા થાય છે. ધીરે-ધીરે મિત્રતા પ્રેમમાં પરિણમે છે. અને કોલેજ પૂરી થતાં સુધીમાં તો આની જાણ બધાંને થઈ જાય છે.
વિધિના લેખ જુઓ કે જે રાધા મોહનને વડીલોએ દૂર કર્યા હતા, આજે તેમનાં એક નહી બબ્બે છોકરાં અજાણતાં મળ્યાં અને અજાણતાં પ્રેમનાં તાંતણે બંધાય ગયાં. જેમનાં મા બાપે આખી જિંદગી પ્રેમની હોળી કરી હૈયા બાળ્યા તેમને બબ્બે દીકરા દીકરીએ ફરી નવાં સંબંધથી બાંધવા મજબૂર કર્યા. આટલા વર્ષે બધાએ મંજૂરી આપી.
જય તથા મીના અને પ્રિતી તથા પવનનાં રંગે ચંગે લગ્ન કરાવી,આનંદ ઉત્સવની હોળી મનાવી પ્રેમનો ગુલાલ જીવનમાં છાંટી બધાને આનંદીત કર્યા.

