પૂનમની અમાસ
પૂનમની અમાસ


"ચૌદવી કા ચાંદ હો યા આફતાબ હો , જો ભી હો ખુદા કી કસમ લાજવાબ હો..", પૂનમને જોઈને જ નિર્મિતે પાર્ટીમાં આ ગીત ગાયેલું. ત્યારે એને ક્યાં ખબર હતી કે અમાસની આ પાર્ટી એક સાથે ત્રણ- ત્રણ જિંદગીને બરબાદ કરી નાખશે. તે પૂનમને પ્રપોઝ કરે એ પહેલાં જ પૂનમે જ પાર્ટીમાં પોતાની સગાઈ શશાંક સાથે થઈ રહી હોવાની વિધિવત જાહેરાત કરી અને દૂર એક ઘરમાં છેલ્લા દસ વર્ષથી પૂનમના નામથી રોજ શણગારાતો અને તેના સેંકડો ફોટાથી મઢેલો એક આખો અલાયદો ઓરડો કેટલાય અરમાનોને સાથે લઈને સળગી ઉઠ્યો.
બીજી અમાસે પૂનમ સાવ અચાનક જ ગાયબ થઈ ગઈ. એના આઘાતથી શશાંકે આપઘાત કર્યો અને નિર્મિત ગાંડો થઈ ગયો. કેટલાય વર્ષોથી ગામમાં ભટકતો નિર્મિત ક્યારેક લોકોની સહાનુભૂતિ તો ક્યારેક હાંસીનું પાત્ર બનતો. દર અમાસે એ પણ ગાયબ થઈ જતો.
આજે પણ અમાસ જ હતી. શહેરથી દૂર આવેલાં એક અડાબીડ જંગલમાં સૂકાં પાંદડાઓ કચડતાં બે પગ અટક્યા. કોઈ હથિયાર વડે જમીન ખોદાવાનો અવાજ શરૂ થયો અને જંગલમાં ગુંજી ઉઠ્યું એક ગીત..ચૌદવી કા ચાંદ હો યા આફતાબ હો, જો ભી હો ખુદા કી કસમ લાજવાબ હો ..!