પત્ર બ્લેક બોર્ડને
પત્ર બ્લેક બોર્ડને
વ્હાલા બ્લેક બોર્ડ,
હું જ્યારથી તને સમજવા લાગી છું ત્યારથી હું તારી સાથે ઘણી વાતો કરું છું. મને ખબર છે તને પણ મારો સાથ ગમે છે. તારી, મારી અને ચોકની દોસ્તી થઈ ત્યારથી મને તારી સાચી કિંમત સમજાઈ છે. હું જ્યારે નાની હતી ત્યારે મને વર્ગખંડમાં બેસીને ભણવાનો કંટાળો આવતો. મને તો એમ થતુંં કે બહાર રખડવાનું હોય તો મજા આવે. આ શું કાળા પાટિયા ની સામે બેસી રહેવાનું રોજ રોજ. શાળામાં હતી ત્યાં સુધી તો મને એમ જ હતું કે હું શિક્ષક જ નહીં બનું કેમકે શિક્ષકને તો કાળા પટિયામાં ભણાવવું પડે અને મને તો તારી સાથે મજા જ ના આવતી. એનું કારણ એ હતુંં કે મને તારી સાચી કિંમત ખબર ન હતી. હું જાણતી નહોતી કે તું સમાજને બદલવાની તાકાત રાખે છે.
પછી મને તારી સાથે મુલાકાત મારા એક શિક્ષકે કરાવી. આમ તો આપણે પહેલા મળ્યા હતા કેટલીયવાર પણ આ મુલાકાત કંઈક અલગ હતી. એ દિવસે મારા માટે તારી વ્યાખ્યા બદલાઈ ગઈ. મને સમજાયું કે મારો ધ્યેય તારા વગર સાવ અધૂરો છે. મને સમજાયું કે મારો પ્રેમ એટલે ગણિતને તો તારા વગર ઘડીભર પણ ચાલતું નથી. મને સમજાયું કે તારો કાળો રંગ જ સમાજની ખોટી ગણતરી સુધારી શકે છે. એ તું જ છે જે મારા જેવા હજારો લોકોના રંગીન સપના પૂરા કરી શકે છે. મને સમજાયું કે હું મારી વાત, મારુ જ્ઞાન અને મારા આદર્શો તારા થકી જ આ દુનિયા સુધી પહોંચાડી શકું છું. આજે ય મંચ પર બોલતા મને ડર લાગે છે. એક સાથે ઘણા લોકોને સંબોધન કરતા પગ ધ્રૂજે છે અને ખચકાટમાં મુદ્દાની વાત રહી પણ જાય છે. પરંતું જ્યારથી તારી સાથે દોસ્તી થઈ છે ત્યારથી જો તારી સાથે હોઉં તો નીડર બનીને બોલી શકું છું. મારી વાતને સ્પષ્ટ રીતે રજૂ કરી શકું છું. તને ઓળખવામાં મારાથી ભૂલ તો થઈ હતી પણ મને ખુશી કે છેવટે હું તારી સાચી ઓળખ કરી શકી. હું જાણુ છું તને એમ થતુંં હશે કે આ તો એક જગ્યાએ ટકતી પણ નથી તો મારી સાથે દોસ્તી કેવી રીતે નિભાવશે ? તો મારે તને કહેવું છે મારુ મન ચંચળ છે પણ તારી સાથે મને ગમે છે. હું તારી સાથે કલાકો સુધી રહી વાતો કરી શકું છું. મારા લક્ષ્યનો રસ્તો તારી સાથે જ છે એટલે તને છોડીને જવાનો તો પ્રશ્ન જ નથી અને હવે તો આપણી મિત્રતા થઈ છે એટલે નિભાવવાની જવાબદારી તારી ને મારી સરખી જ છે. મને તારા પર પૂરો વિશ્વાસ છે અને તુંં મારા પર વિશ્વાસ કરી શકે હું એટલી જવાબદાર બનવાની કોશિશ કરીશ.
હું જ્યારે તને મળવા આવીશ ત્યારે મારો આત્મવિશ્વાસ વધારજે. મારો સાથ આપજે જેથી હું મારું ગણિત બધા સાથે વહેંચી શકું. મારી પાસે જે વાત છે, ગમ્મત છે એ હું વહેંચી શકું.
બધાને એ તો સમજાઈ જ જશે કે તારા વગર કોઈનો ઉદ્ધાર નથી. બસ તુંં હંમેશા બધાની સફળતાની સીડી બનજે. હું આ માટે મારાથી બનતા બધા પ્રયાસ કરીશ. તારા થકી જ મારી ઓળખાણ આ દુનિયામા સ્થપાશે. મને ગર્વ છે કે તારું સ્થાન મારા જીવનમાં એક ગુરુ જેટલું છે.
બસ મે આ પત્ર એટલે જ લખ્યો છે કે હું તારો દિલથી આભાર માનવા માંગુ છું. તારો આભાર કે તે મને મારું સપનું પૂરું કરવાની હિંમત આપી. તારો આભાર કે તે મને જીવવાનુ નવું કારણ આપ્યું. તારો આભાર કે તે મને મારી ઓળખાણ કરાવી. હા, વ્હાલા બ્લેક બોર્ડ તારો આભાર મારા જીવનનું રંગીન ચિત્ર બનવા માટે.
લિં તારી મિત્ર
પીકે
