Prashant Subhashchandra Salunke

Abstract

3  

Prashant Subhashchandra Salunke

Abstract

પશ્ચાતાપ

પશ્ચાતાપ

12 mins
216


“કહું છું, સાંભળો છો  ? ક્યાં ગયા  ? હા – જુઓ –આ મમ્મી-પપ્પાને કહી દેજો… એક ખૂણામાં પડયાં રહે. કચ કચ બહુ ના કરે. દૂધ અને શાકભાજી લેવા જતાં શું ચૂંક આવે છે ? બસ – બેઠાં બેઠાં રોટલા તોડતાં આવડયું છે. મારાથી હવે આ ઘરમાં એક મિનિટ પણ નહિ રહેવાય. ચાલો બીજે રહેવા. આજે જ ભાડાનું મકાન લઈ લો કાં તો આ તમારાં માબાપને વૃદ્ધાશ્રમ ભેગાં કરી દો. કહી દઉં છું હા. નહીંતર મારા જેવી કોઈ ભૂંડી નથી. હા… થોડા સમય પહેલાં મા-બાપને ચૂપ કરી દેતો પુત્ર સંતોષ પોતાની બૈરી સંગીતા આગળ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતો લાગ્યો.” ઉપરનું દ્રશ્ય યાદ આવતા જ કવિરાજશ્રી ગીરીરાજભાઈ મનમાં મલકાઈ ઉઠયા અને પત્ની વિમલાબેનને બોલ્યા “ઘેર ઘેર માટીના ચૂલા. ઘર ઘરકી કહાની. વૃદ્ધાશ્રમની શુરૂઆત જેનું આ દુનિયામાં કોઈ નથી તેવા નિરાધાર અને નિસંતાન વૃદ્ધો માટે કરવામાં આવી હતી, પરંતુ આજે વૃદ્ધાશ્રમો પત્નીના પાલવમાં લપાઈ ગયેલા પુત્રો અને આધુનિકતાના અંચળામાં રંગાઈ ગયેલી પુત્રવધૂઓના પ્રતાપે ફૂલીફાલી રહ્યા છે. છતાં વિમલા એક વાત માનવી પડે. અહીં એકદમ શાંતિમય વાતાવરણ છે. ઘરની રોજ રોજની કચકચ અને માનસિક ત્રાસથી દૂર એકદમ એકાંતવાળી આ જગ્યા આપણા જેવા સંતાન હોવા છતાંય નિઃસહાય સ્થિતિમાં જીવી રહેલા માતા-પિતાઓ માટે આશીર્વાદરૂપ બન્યા છે.” કવિરાજશ્રી ગીરીરાજભાઈ ધ્રૂજતાં હાથે વાડકીમાંથી દાળને પીવાની કોશિશ કરવાં લાગ્યાં. દાળની ચુસકી લઈ ગીરીરાજભાઈ વિચારમાં ગરકાવ થઈ ગયાં. જમવાનું લઈ આવેલ વૃદ્ધાશ્રમનો સેવક વિજુ બોલ્યો “દાદા દાળ મોળી લાગતી હોય તો અહીં મીઠું મૂક્યું છે.”

ગીરીરાજભાઈ તંદ્રામાંથી બાહર આવતાં બોલ્યા, “વિજુ જેની જીંદગી જ મોળી થઈ ગઈ હોય એને શું ફર્ક પડે દાળ મોળી હોય કે ફિક્કી ?

કાપતાં હાથે પકડેલ વાડકીમાંથી દાળ ગીરીરાજભાઈના ઝબ્બા પર ઢોળતી હતી જે જોઈ તેમની પત્ની વિમલાબેન બોલ્યા “ જરા.....બોલ્યા, ઝબ્બા પર દાળના ડાઘા પડી રહ્યા છે.”

ધ્રુજતી ગરદનને ફેરવતાં તેઓ પત્ની વિમલા તરફ જોતા બોલ્યા “વિમલા, જેનું જીવન જ ખરડાઈ ગયું હોય તેણે વસ્ત્રો પર લાગતાં ડાઘાની શી ચિંતા ?” નિરાશાથી સામે આવેલ વાંસના ઝાડોને જોતા તેઓ બોલ્યા, “વિમલા, આ સામે વાંસના ઝાડને જુએ છે ? વિમલાબેને ચશ્માંમાંથી વાંસના ઝાડો તરફ જોયું. વાંસના એ ઝાડ તરફ આંગળી ચીંધતાં ગીરીરાજભાઈ બોલ્યા “ઝેરીલા સાપ બનાવી લે છે ઘર, વાંસની જડોમાં, મળે છે તેમણે ત્યાં સરક્ષણ અને સુકુન અને ધીમે ધીમે થતાં જાય છે લોકો દુર આ ભયાનક વસાહતના ડરથી, અને ત્યાં વાંસ આસમાનને આંબવાની કોશિશમાં નથી જોઈ શકતો સંભવિત ખતરાને અને અજાણતામાં પાલે છે પોષે છે. પોતાના આસ્તીનમાં ઝહરીલા સર્પોને”

હાથમાંથી કટોરો છૂટી ગયો, દબાવી રાખેલો આક્રંદ ગળામાંથી પોકારી ઉઠ્યો, આંખમાં રોકેલા આંસુઓનો એ બંધ તૂટ્યો અને એ સાથે દુખોરૂપી આંસુઓનો પ્રવાહ ગીરીરાજભાઈના વસ્ત્રોને ભીંજવવા લાગ્યો. વિમલાબેને ઊભા થઈ ગીરીરાજભાઈની પીઠ પર હાથ ફેરવતાં બોલ્યા “શાંત થાવ જે નસીબમાં હતું તે થયું.”

ગીરીરાજભાઈ “આ હતું નસીબ મારૂ ? અસંખ્ય કવિતાઓના પુસ્તકોના રચયિતા, પ્રકાંડ જ્ઞાની, કવિરાજશ્રી ગીરીરાજ પારેખ જેણે મળવા, જેની પાસેથી ઝીણામાં ઝીણી વિગતો મેળવવા ઘરની સામે મેળાવડો લાગતો, અને આજે તે લાચાર, નીરસ, ભેંકાર અંધારામાં પોતાનું જીવન વિતાવવા ઘસરડો કરી રહ્યો છે. કોણા પ્રતાપે ? પોતાના જ સંતાનો ના પ્રતાપે ? શરીરનું બળ વધ્યું, તાકત વધી, કામદેવના પ્રહારોથી બચવાનું સંસાધન મળ્યું ! તો આપણા જેવા દુર્બલ, અશક્ત લાચારો પર શક્તિ દેખાડી ? ઘરની બાહરનો રસ્તો દેખાડ્યો ? કોણે લખ્યું મારૂ આ નસીબ ? ઈશ્વરે ? જો ઈશ્વર આવા નસીબ લખતો હોય, તો નથી કબુલ મને એની ઈશ્વરીયતા, એનાથી તો શેતાન લાખ ગણો સારો ! મોતને વહાલું કરીશ પણ જો એ મોતથી ઈશ્વરનો ભેટો થવાનો હોય તો મને એ મોત પણ મંજુર નથી. તરફડતો રહીશ ભટકતો રહીશ અશ્વસ્થામાની જેમ અહીં આ ભૂમિ પર પણ એ ઈશ્વરને શરણે નહિ જાઉં... નહી જાઉં....”

વિમલાબેન બોલ્યા “એમાં ઈશ્વરનો શો દોષ ?”

ગીરીરાજભાઈ બોલ્યા “હાં શું કરે ઈશ્વર ? જયારે આજે માણસ જ બદલાઈ ગયો. પહેલા જંગલી જાનવરોના ભયથી માણસ સાથ માણસનો લેતો આજે બીજા માણસના ડરથી એ સાથે જાનવર રાખી ફરે છે, ગ્વાલા બની હું મારા બાળકોના જતનમાં જોઈ ન શક્યો કે એમના અંતરમનમાં કયાંક પશુતા વસે છે.”

વિમલાબેન “સાંભળો છો ? તમે તમારા મિત્રો રાઘવનભાઈ કે અવિનાશભાઈની મદદથી આપણા દીકરા સંતોષને સમજાવો તો ?

ગીરીરાજભાઈ હસ્યા “એ શું મદદ કરવાનાં, ઘરેથી જયારે આપણને સંતોષે કાઢ્યા ત્યારે એ આપણી અવસ્થા પર હસતાં હતાં. પણ તેઓ ભૂલી ગયા એ વાત કે મારા છોકરાના લગ્ન થયા હતાં જયારે એમના છોકરા હજી કુંવારાં હતાં ! આજે એ તકલીફમાં છે તો જો હું મદદે નહિ જાઉં તો કાલે તકલીફમાં મારી કોણ વહારે આવશે ? અશક્તિ મળીને મોટી શક્તિ બને છે. આપણે વૃદ્ધો મળીને આ યુવાનોને સીધાદોર કરી શકીએ છીએ આટલી સીધી વાત પણ આટલી ઉમરે પહોંચવા છતાં આપણને સમજાઈ નથી કારણ આપણે ઉમર વધવાને કારણે ફક્ત ઘરડાં થયા છીએ વૃદ્ધ નહિ ! ઉમરની સાથે જયારે બુદ્ધિમાં વૃદ્ધિ થાય ત્યારે માણસ વૃદ્ધ થયો કહેવાય. બાકી તો નૌકા ડૂબી હું પણ ડૂબ્યો વહેતો રહ્યો કિનારો. જોતાં રહ્યા સગા સાથી કોઈએ ન આપ્યો સહારો. ડૂબેલું મારૂ શબ કરતું હવે ઈંતજાર, આજે નહિતર કાલે આવશે એમનો પણ વારો, જોજે એ સામેના બંધ ઓરડાનાં ખુલશે દ્વારો અને આવી વસશે એમાં અવિનાશ અને ઓલો રાઘવન પ્યારો !”

વિમલાબેન “બીજા માટે આવું ન વિચારાય.”

ગીરીરાજભાઈ “કેમ ન વિચારાય ? પળપળ ઘૂંટી, જીલ્લતની જિંદગી જીવવા કરતાં અહીં આ વૃદ્ધાશ્રમમાં માનભેર જીવવામાં શું ખોટું છે ? અને સંતોષને શું કામ સમજાવવાનો ? એને સમજાવવાનો શો અર્થ છે ? માની મમતા અને બાપનું હેત, વડીલોની છાયા અને આશીર્વાદની ટેક આ સમજાવવાનો વિષય છે ?

વિમલાબેન બોલ્યા “સમય આવે સંતોષ જાતે બધું સમજશે અને જો...જો... સંતોષ જાતે આપણને લેવાં આવશે.”

ગીરીરાજભાઈ ખિન્નપણે બોલ્યા “કલ્પનામાં વિહરવાનું છોડી વાસ્તવિકતાને સ્વીકારવાનું શીખી જાવ.... અઠવાડિયા પહેલાંની વાત યાદ નથી ? બાજુના ઓરડામાં રહેતાં કેશવભાઈ આમ જ એના દીકરાની ઈંતજારીમાં મરી ગયાં. એના અંતિમ દર્શન કરવા પણ કોઈના આવ્યું. આવ્યું એક પેકેટ રૂપિયા ભરેલું અને સાથે ચિઠ્ઠી કે અંતિમ વિધિ પતાવી દો. અમારી પાસે સમય નથી ! કોઈ નથી તારું અહિયાં, કોઈ નથી તારું, નથી કોઈ દર્દ લેનારું અહિયાં, દીકરો દીકરી સ્વાર્થના સગાં છે, મિત્રો પણ રહ્યા અળગાં, નથી કોઈ પ્રાણથી પ્યારું અહિયાં, કોઈ નથી તારું અહિયાં, એકલો આવ્યો એકલું જવું, તો શીદની આ મોહ માયા ? કોઈ નથી તારું અહિયાં... કોઈ નથી તારું...”

 વૃદ્ધ દંપતીની વાતચીતમાં ખલેલ પહોચાડતો વૃદ્ધાશ્રમનો ચોકીદાર મનીયો આવ્યો “ગીરીરાજભાઈ તમારો દીકરો આવ્યો છે. તમને લેવાં ! વૃદ્ધાશ્રમના અધિકારીને તેઓ મળવા ગયાં છે. ખુશ થાઓ.”

ગીરીરાજભાઈ કટુ હ્રદયે બોલ્યા “એ આગંતુક મારો દીકરો નહિ હોય, મારો દીકરો તો અમને રડતાં, કરગરતાં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો હતો. બીમાર માની ખબર લેવાં એની પાસે સમય નહોતો, એ આગંતુક મારો દીકરો નહિ હોય. કદાચ શેતાનને પણ દયા આવી એવી લાચારી જોઈ ને પણ જેનું કઠોર હૃદય ન પીગળ્યું એવો દીકરો અમને લેવાં આવે ! તારી એ વાત કેવી રીતે માની લેવી મનીયા ? એ

આગંતુક મારો દીકરો સંતોષ નહિ હોય”

વિમલાબેન હિંચકાના ટેકે ઊભા થઈ અત્યંત ખુશીથી બોલ્યા “સંતોષ મને લેવા આવ્યો છે મનીયા તું મજાક તો નથી કરતો ને ?” ગીરીરાજભાઈ “છોકરાએ જ જયારે આપણી સાથે મજાક કરી,

આપણને ઘરની બાહર કાઢયાં, પત્નીથી લાચાર થઈ આપણને લાચાર બનાવ્યા. એ સંતોષ આપણને કેમ લેવાં આવે ? હરખપદુડી ન થા વિમલા.... અને ખબરદાર મનીયા ફરી આવી મજાક કરી છે તો ? અમારો સંતોષ અમારા માટે ક્યારનો મરી ગયો. હવે અહીં રહી જે અમે મેળવીએ છીએ એજ છે અમારો સંતોષ.”

“આમ કેમ બોલો છો પિતાજી ? છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય. અમને માફ કરો.” અવાજની દિશામાં ધ્રુજતી ગરદને ગીરીરાજભાઈએ જોયું. ત્યાં એમણે સંતોષ ઉભેલો દેખાયો. એની પાછળ વહુ સંગીતા અને પ્રાણથી એ પ્યારી એમની પોત્રી મીના. એક ધ્રુસકા સાથે ગીરીરાજભાઈ બોલ્યાં “મનીયા.. જિંદગીએ જેમણી મજાક કરી, ખુદ ઈશ્વર જેમણે સતાવી મજા લેતાં હોય, તેવાં અમારા જેવા વૃદ્ધોની મજાક કરી એમની હાય ન લઈશ, એ જો.... વિમલા.. એ... જો બારણા પાસે મને આપણી મીના દેખાય છે ! જેણે માંડ માંડ મેં ભુલાવી, જેણી યાદે દિવસરાત મને સતાવી એ મીના, મારી લાડલી મીના મને દેખાઈ રહી છે. મનીયા તે આ શું કર્યું રૂઝાયેલાં ઘા ને તાજા કરી તને શો આંનદ મળ્યો ?”

બારણા સામે જોઈ વિમલાબેનના ધ્રૂજતાં પગમાં જોર આવી ગયું. લાચાર એ પગમાં અચાનક જોમ આવી ગયું. કશા પણ ટેકા વડે ઊભા એ થયાં કારણ એમની આંખો સામે એમના ઘડપણનો ટેકો ઉભો હતો “સંતોષ ? આ મારા મનનો વહેમ તો નથી ને ? આ મારૂ કોઈ સુખદ સ્વપ્ન તો નથી ને ?”

બારણા પાસે ઉભેલ સંતોષ બોલ્યો “ના મા... ના.. હું તમારો સંતોષ જ છું મા....”

ગીરીરાજભાઈ બોલ્યાં “અહીં નો રસ્તો કેવી રીતે ભૂલ્યો બેટા ? તારી પત્નીને તો ખબર છે ને કે તું અહિયાં અમારા જેવા અભાગિયા પાસે આવ્યો છે તે ?”

સંગીતા સંતોષ પાછળ ઢંકાઈ જતી હોવાથી. ગીરીરાજભાઈને દેખાઈ નહોતી. સંગીતા સીધી આવી ગીરીરાજભાઈના પગે પડતાં કહ્યું “માફ કરી દો મા-બાપુજી અમને માફ કરી દો, ચાલો ઘેર પાછા...”

ગીરીરાજભાઈએ કહ્યું, “કેમ બેટા ચાલો ઘરે પાછા ? કેમ ? અચાનક આ ડોસા-ડોસી પર હેત ઉભરાઈ આવ્યું ? કેમ ?”

સંગીતાએ રડતાં રડતાં કહ્યું, “બાપુજી અમને અમારી ભૂલ ખબર પડી ગઈ છે. ભાન થયું છે કે ઘરમાં વડીલોની હાજરી એ અગવડ નહિપણ સગવડ છે. તમારા વગર ઘર અધૂરું અધૂરું છે. અને આપણું ઘર હોવા છતાં તમે અહીં રહો એ ન શોભે, ચાલો ઘરે.”

ગીરીરાજભાઈ એ હસતાં હસતાં કહ્યું, “દાદા, દાદી, નાના, નાની, સૌની પોતાની રામકહાની, રામ કરશે દુર પરેશાની, મુરારી દેશે દાના-પાની, વહુબેટા તમે અમારા માટે જીવના બાળો. જાઓ તમારે તમારી યુવાની હજી જીવવાની છે. હજી તમારામાં યુવાનીનો જોર છે. જાઓ અમે અમારા આ વૃદ્ધાશ્રમમાં ખુશ છીએ.”

વિમલાબેન બોલ્યાં “સાંભળો છો ? એમપણ આ વૃદ્ધાશ્રમમાં ખાલીપો કોરી ખાય છે. મીનાની કાલી કાલી ભાષા સતત કાનમાં ગુંજતી રહે છે. આમ બાળકો સામે બાળક ન થાવ ! જિદ્દ છોડો, અને...

છોકરાઓ કહે છે તો ચાલોને ઘેર, સાંભળો એમની વાત”

ગીરીરાજભાઈ “જિદ્દ છોડું ? કેમ ? કેમ છોડું હું મારી જિદ્દ ? કેમ સાંભળું હું એમની વાત ? નાના હતાં ત્યારે એમનું સાંભળ્યું, ઘોડા બનો તો ઘોડો બનતો.. દોડો બોલતાં તો દોડવા માંડતો.. સ્કુલમાં આવ્યાં પેટે પાટા બાંધી એમની દરેક માંગ સાંભળી, મોટા થયાં તો ગમતી છોકરી સાથે લગ્ન કરવાની વાત સાંભળી, પોતાનો નવો ધંધો શરૂ કરવાનો છે એ માટે મારી ફિક્સ ડિપોઝિટ તોડવાની વાત સાંભળી, અંગત બચત દાવ પર લગાવવાની વાત સાંભળી, એની પત્નીના અપશબ્દો અને કડવા વેણ સાંભળ્યા અને છેલ્લે ચાલ્યા જાવ અમારા ઘરમાંથી રડતી આંખે, ચુંથાતા હૈયે એ વાત પણ સાંભળી ! હવે શું સાંભળવાનું બાકી છે. વિમલા, સંતોષે ક્યારે આપણી વાત સાંભળી ?”

સંતોષ બોલ્યો “પિતાજી જે થઈ ગયું તે થઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ. હવે પાછી આવી ભૂલ નહિ થાય, તમને ઘરે કોઈ તકલીફ નહિ પડે, ચાલો ઘેર...”

ગીરીરાજભાઈએ મોઢું ફેરવ્યું, વિમલાબેન બોલ્યાં “ચાલો જવું છે ને ?”

ગીરીરાજભાઈ બોલ્યાં “વિમલા, કાલે રાઘવનભાઈ આવેલાં મને મળવા, જાણે છે શું કહેતાં હતાં ? સંતોષે ચોકીદાર અને મીનાની આયાને નોકરી પરથી કાઢી મૂક્યાં છે ! અને આજે સંતોષ આપણને લેવાં આવ્યો છે, એનો મતલબ તું જાણે છે ?”

વિમલાબેન અચંભિત નજરે સંતોષને જોવા લાગી, સંતોષ નીચું જોઈ ગયો. સંગીતાની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ.

ગીરીરાજભાઈ બોલ્યાં “આ અહીં સુધી મા-બાપને લેવાં નથી આવ્યાં. લાલચું અને લેભાગુ એવા આ લોકો મફતનો ચોકીદાર અને આયા શોધતાં શોધતાં આવ્યાં છે. પણ હું આ લોકોના જાળામાં હવે નહિ ફસાવું, પડ્યો રહીશ અહીં આ વૃદ્ધાશ્રમમાં ગીધની જેમ દુરથી મને તાકતી એ મોતને નજીક આવવાની ઈંતેજારીમાં ! પણ હું આ લોકોના શરણે જઈ હવે આમની ગુલામી નહિ કરું, યુવાનીનો ગર્વ અને ઘમંડ છે આમને, અરે ! યુવાન તો કુતરા પણ હોય છે, ગધેડાં પણ હોય છે, જે સંસર્ગ કરી વધારતાં રહે છે પોતાની વસ્તી. અને કરતાં રહે છે ભાન ભૂલી દિનરાત મસ્તી, ક્યાં સુધી સહીશું આપણે ? હવે બધું બદલી દઈશું. આપણી સંપતિ પર આ લોકો રાજ કરી ખુશ રહે અને નિર્દોષ અને બેબસ એવાં આપણે રોજ માતમ કરીએ ? હવે સહન થતું નથી, ઘુંટાઈ રહ્યો છે દમ, વિમલા હિમતવાન થા, કઠોર થા, સ્વાભિમાની થા અને મને સાથ આપવાં તૈયાર થા. હવે સામે દેવ હશે કે દાનવ જો તું હોઈશ સંગ તો છેડીશ હું કોઈની પણ સામે જંગ.....”

 વિમલાબેન બોલ્યાં “બેટા, આ સાચું છે ?”

સંતોષ ચૂપ રહ્યો, એના મૌનમાં રહેલી સહમતી વિમલાબેન ઓળખી ગયાં. ગુસ્સાથી તે બરાડી ઉઠ્યા “નીચ તે આજે બીજીવાર મારા ધાવણને લજાવ્યું છે ! ચાલ્યો જા અહીંથી. અમારા મૃત્યુની ખબર પણ તને મળશે તો ન આવતો અમારી પાસે. કહે છે પુત્ર ચિતાને અગ્નિ આપે તો મોક્ષ્ મળે પણ તારી આપેલી અગ્નિથી અમારી શાંતપણે સ્વર્ગમાં ગતિ કરતી આત્મા પણ દઝાશે, દુભાશે,”

ગીરીરાજભાઈ અસમંજસમાં બોલ્યાં “સ્વર્ગ ? હાં...સ્વર્ગ, જીવતે જીવ નર્ક ભોગવનાર આપણા જેવા દુખીયારાઓને મરીને તો સ્વર્ગ જ મળશે... ઈશ્વર આટલો પણ નિષ્ઠુર નહી હોય કે અમને મર્યા પછી પણ દુઃખી રાખશે... મર્યા પછી સ્વર્ગ આપવું પડશે એ ડરથી જ કદાચ ઈશ્વર આપણને મૃત્યુરૂપિ બક્ષિસ આપતાં ખચકાતો હશે. હે ઈશ્વર મૃત્યુરૂપિ પ્રસાદ આપી આ યાતનાઓમાંથી અમને છોડાવ પછી ભલે શાંતિથી નર્કની યાતના આપતો રહે... પણ હવે નથી સહન થતી આ જિલ્લત, આ લાચારી, અને આ પીડાદાયક ઘડપણ !”

મીના દોડતાં આવી ગીરીરાજભાઈના પગ પર લપેટાઈ ગયી. ગીરીરાજભાઈ એણે ગળે લગાડતાં બોલ્યાં “વહાલી, તારી યાદો જ અમને જીવવાની શક્તિ આપે છે.”

મીના બોલી “દાદાજી ઘલે ચાલો...”

ગીરીરાજભાઈએ એના મોઢા પર આંગળી મુકતા કહ્યું “બેટા, આગળ કઈ ના બોલીશ. અજાણતામાં શૈતાનોના દૂત બનવાનું કાર્ય ન કરીશ. અને જો કરીશ તો પણ હું કવિરાજ્શ્રી ગીરીરાજભાઈ પારેખ પીગળવાનો નથી, ઓગળવાનું નથી. હું કોઈની સામે ઝૂકવાનો નથી. વિમલા આ બાળકો મોટા થતાં જ કેમ મા-બાપને ભૂલી જાય છે ?”

વિમલાબેન આસમાન તરફ જોતાં બોલ્યા, “આ તો વિધીનો વિધાન છે ગરજ સરી એટલે વૈધ વેરી. હવે જુઓને.. નાનપણમાં નાની નાની વાતોમાં પણ આપણે પોકારી ઉઠતાં ઓ..મા..મરી ગયો... ઓ બાપ રે..... પણ હવે આખા વૃદ્ધાશ્રમમાં કેટલાય વૃદ્ધો તકલીફ વેઠી રહ્યા છે, અપમાન અને દુ:ખના ઘૂંટ પી રહ્યા છે પણ કોઈના પણ મોઢામાંથી નીકળે છે ઓ...મા.. કે ઓ બાપ રે.... ? તમે પોતે ક્યારે બોલ્યા ? ના ! બાળપણમાં યાદ આવે છે “મા” અને વૃદ્ધાવસ્થામાં “પરમાત્મા” ! કેમ ? વૃદ્ધાશ્રમમાં બધાના મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે “હે ભગવાન !” કારણ હવે એની પાસે જવાનું છે ! હવે એની ગરજ છે.”

ગીરીરાજભાઈ અચંભિત નજરે વિમલાબેનને જોઈ રહ્યા.

સંતોષ બોલ્યો “માફ કરો પિતાજી, ભૂલ અમારાથી થઈ છે એનો પસ્તાવો પણ અમને થાય છે પણ ક્યારેક કયારેક તમારી પણ ભૂલ થાય છે. હવે જુઓને તમે કોઈની પણ અર્ધસત્ય માહિતી પર ભરોસો કરી લો છો. કરતાં નથી તો ફક્ત એક જ વ્યક્તિનો ભરોસો અને તે તમારો પુત્ર સંતોષનો એટલેકે મારો ! ચોકીદાર અને આયાને નોકરી પરથી કાઢી, પણ કેમ ? એ વાત તમને રાઘવનભાઈ એ કરી ? ના ! અમે બીજો ચોકીદાર અને આયા શોધી જ રહ્યા છીએ એ તમને રાઘવનભાઈ એ કહ્યું ? ના ! પિતાજી અમે તુરંત બીજા ચોકીદાર કે આયાને નોકરી પર નહી રાખ્યાં કારણ અમે યોગ્ય વ્યક્તિની તલાશ કરીએ છીએ. એલફેલ કોઈને પણ અમે નોકરી એ રાખવા માંગતા નથી. જાણો છો કેમ ? તો સાંભળો, પિતાજી એ દિવસે સંગીતા નોકરી પરથી પાછી આવતી હતી. ત્યારે ખબર છે એણે શું જોયું ? તમે અંદાજો પણ નહિ લગાવી શકો ? આપણી મીના... પિતાજી તમારી લાડલી મીના... માર્કેટમાં ભીખ માંગતી હતી ! એની આયા રોજ બપોરે અમારા કામ પર ગયાં પછી એની પાસેથી આ ધંધો કરાવતી. વોચમેનને પણ એ ભાગ આપતી જેથી એ ચૂપ રહેતો. હવે તમે જ બોલો કે આવા નપાવટ લોકોને અમે નોકરી પરથી કાઢીએ નહી, તો શું કરીએ ? પણ પિતાજી એ દિવસે અમને એ વાતનું ભાન થયું કે ઘરમાં વડીલોનું હોવું કેટલું જરૂરી છે ! જો તમે લોકો ઘરમાં જ હોત તો આવી દશા અમારા છોકરીની થઈ હોત ? તમે કદાચ લાચાર થઈ અહિયાં જીવતા હશો પણ અમે તો તમારા વગર નિરાધાર થઈ ગયાં છીએ. આવા અનુભવ ઉપરથી દ્રઢપણે હવે માનું છું કે વડીલ આપણી સાથે હોવા જોઈએ. વડીલ એટલે “વડલો”.આપણને હંમેશા છાયડો જ આપે. પિતાજી અમને અમારી ભૂલ ખબર પડી ગઈ છે અમને માફ કરો. જે સજા કરવી હોય તે કરો પણ ઘરે જઈને. હવે તમે અહીં નહી રહો. તમે નહી માનો તો અમે ત્રણે અહીં આવી રહીશું પણ હવે રહેવું છે તો તમારા સાથે. તમારા આશીર્વાદ હેઠળ તમારા સલાહસૂચન અને માર્ગદર્શન નીચે, તમારો સામાન નોકરો ઘરે લઈ આવશે. બા ચાલો” વિમલાબેન વહુનો હાથ પકડી ચાલવા લાગ્યાં. એમના પગમાં અનેરું બળ આવી ગયું હતું. ગીરીરાજભાઈ અને મીના વૃદ્ધાશ્રમની દીવાલો પર લગાવેલા પાટિયા પર વ્યવસ્થિત ગોઠવેલી ગીરીરાજભાઈની કવિતાની પુસ્તકો બેગમાં ભરવામાં વ્યસ્ત થઈ ગયાં. દુઃખ, પીડા અને લાશ જોવાની આદી વૃદ્ધાશ્રમની એ દીવાલો કદાચ પ્રથમવાર ધ્રૂજી ઊઠી હશે પોતાને આજે કોઈક જીવિત અવસ્થામાં છોડીને જઈ રહ્યું છે એ દ્રશ્ય જોઈને !


Rate this content
Log in

Similar gujarati story from Abstract