પ્રકૃતિનું જતન
પ્રકૃતિનું જતન
રાજુ સવારથી જ ખુશ હતો, અને કેમ ન હોય ? આજે તેનો જન્મદિવસ જે હતો. તેના મમ્મી પપ્પા જન્મદિવસ પર કઈ ભેટ આપશે તે વાતથી એ ઘણો ઉસ્તુક હતો. જોકે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી તેના મમ્મી પપ્પાએ સાંજની પાર્ટીમાં બહારની કોઈ વ્યક્તિને નિમંત્રણ આપ્યું નહોતું. તેના મિત્રો વીજુ, દીપક, મોહન કોઈ મિત્રોને જાણ કરી નહોતી. “ઉફ ! આ કોરોનાને લીધે આ વખતે મને ખૂબ ઓછી ગીફ્ટ મળશે.” આ વિચારથી રાજુ નિરાશ હતો. પરંતુ બીજીબાજુ તેને એ આશા પણ હતી કે તેના મમ્મી પપ્પા તેના માટે ચોક્કસ કોઈ સારી ભેટ લાવ્યા હશે. કદાચ “ચોકલેટનો બોક્સ”. ચોકલેટના બોક્સના વિચાર માત્રથી રાજુ ખુશખુશાલ થઈ ગયો.
જેમતેમ કરીને તેણે દિવસ પસાર કર્યો. આખરે સાંજના ૬.૦૦ વાગ્યા. તેના મમ્મી પપ્પાએ આખા ઓરડાને ફુગ્ગા અને રંગીન પટ્ટીઓથી સજાવ્યો હતો. ઓરડાની મધ્યમાં આવેલ ટેબલ પર રાજુની મમ્મી નિર્મળાબેને સરસ મજાની કેક મૂકી હતી. આ કેક બનાવવા નિર્મળાબેન બપોરથી તૈયારીઓ કરી રહ્યા હતાં. રાજુએ કેક કાપતાંની સાથે તેના મમ્મી પપ્પાએ તાળીઓ રાજુને જન્મદિવસની શુભેચ્છાઓ આપી. આખો ઓરડો “હેપ્પી બર્થ ડે ટુ યુ.”ના સ્વરથી ગુંજી રહ્યો. રાજુનો ચહેરો આનંદથી ખીલી ઊઠયો.
રાજુના પપ્પા મનોહરભાઈએ કહ્યું, “રાજુ, આંખ બંધ કર”
રાજુ સવારથી આ પળનો બેસબ્રીથી ઈંતજાર કરી રહ્યો હતો. તેણે ઝડપથી પોતાની આંખો બંધ કરી.
નિર્મળાબેન વહાલથી બોલ્યા, “બેટા, હવે આંખો ખોલ.”
રાજુએ ઉત્સાહભેર આંખો ખોલી.
પરંતુ આ શું ?
તેના મમ્મી પપ્પા હાથમાં એક કુંડુ લઈને ઊભા હતાં. તે કુંડામાંનું છોડ જાણે તેને ચિઢાવી રહ્યું હોય તેમ પવનની લહેરખીમાં લહેરાઈ રહ્યું હતું.
રાજુએ ગુસ્સામાં કહ્યું, “મારી ગીફ્ટ ક્યાં છે ?”
“આ શું અમારા હાથમાં તો છે.”
“આ કુંડુ ?”
“ના, કુંડામાંનું છોડ.”
“તેનું હું શું કરું ? મને નથી જોઈતું. મને તો ચોકલેટનો બોક્સ જોઈતો હતો.” રાજુ કુંડાને એકતરફ મૂકી રડતો રડતો તેના ઓરડામાં જતો રહ્યો. તેના મમ્મી પપ્પા તેને બોલાવતા રહ્યા પરંતુ રાજુએ તેમની પોકાર તરફ ધ્યાન આપ્યું જ નહીં.
રાતે નિર્મળાબેન રાજુના ઓરડામાં ગયા અને કહ્યું, “બેટા, જમવા ચાલ.”
“મને ભૂખ નથી.”
“બેટા, થોડું તો જમી લે. તારા માટે સરસ મજાની રસોઈ બનાવી છે.”
“કહ્યું ને મને ભૂખ નથી.”
“બેટા, તારી આ ભેટનું શું કરું ?”
“એ કુંડાને ટેબલ પર મૂકી દે. નહીંતર બારીની બહાર ફેંકી દે. મને નથી જોઈતું.” આમ બોલી રાજુ પલંગ પર આડો પડી રડવા માંડ્યો. નિર્મળાબેને નિરાશાથી ટેબલ પર કુંડુ મૂક્યું અને ઓરડાની બહાર જતા રહ્યા. રડતા રડતા રાજુને ખબર જ ન પડી કે ક્યારે તેની આંખ લાગી ગઈ.
“શું થયું રાજુ ? કેમ રડી રહ્યો છે ?”
રાજુએ આંખ ખોલીને જોયું તો તેની સામે એક સુંદર પરી હતી.
“તમે કોણ છો ?” રાજુએ અચરજથી પૂછ્યું.
“હું પરી છું. ચોકલેટ નગરીથી આવું છું.” પરીએ જવાબ આપ્યો.
“ચોકલેટ નગરી ?”
“હા.”
“ત્યાં ખૂબ ચોકલેટ હશે નહીં ?”
“હા જ્યાં નજર નાખીશ ત્યાં તને ચોકલેટ જ ચોકલેટ દેખાશે.”
કંઈક વિચારી રાજુ બોલ્યો, “પરીબેન, મને તમારી નગરીમાં લઈ જશો ?”
“અરે રાજુ, હું તને ચોકલેટ નગરીમાંજ લઈ જવા આવી છું.”
“તમે મને ચોકલેટ નગરીમાં લઈ જવા આવ્યા છો ? પણ કેમ !”
“આજે તારો જન્મદિવસ છે ને એટલે. ચાલ અમારી ચોકલેટ નગરીમાં ત્યાં તું ખૂબ ચોકલેટ ખાજે. તને ત્યાં કોઈ રોકેટોકે નહીં.”
આ સાંભળી રાજુ ખુશ થયો. પરીએ તેના માથા પર જાદુની છડી ફેરવી. એ સાથે રાજુની આંખો પ્રકાશથી અંજાઈ ગઈ. ધીમેધીમે પ્રકાશની તીવ્રતા ઓછી થતા રાજુએ આંખો ખોલીને જોયું તો તે ચોકલેટ નગરીમાં હતો. રાજુ તો આનંદથી ચોમેર નજર ફેરવી રહ્યો. તેં જ્યાં જુઓ ત્યાં બસ ચોકલેટ જ દેખાઈ રહી હતી. વેનીલા, સ્ટ્રોબેરી, કેડબરી. દરેક ફલેવરની ચોકલેટ ત્યાં હાજર હતી. રાજુના મોઢામાં પાણી આવી ગયું. ચોકલેટને ખાવા તે તલપાપડ થઈ રહ્યો, “પરીબેન, હવે હું આ ચોકલેટ નગરીમાં જ રહીશ અને અહીંથી બીજે કશે નહીં જઉં.”
“જેવી તારી ઈચ્છા. હવે તું ધરાઈને ચોકલેટ ખા.” આમ કહેતાની સાથે પરી અદ્રશ્ય થઈ ગઈ.
રાજુને તો ભાવતું તું ને વૈધે કહ્યું. એ તો ચોકલેટ પર તૂટી પડ્યો. જાણે વર્ષોથી ભૂખ્યો હોય તેમ તેણે ધરાઈ ધરાઈને ચોકલેટ ખાધી. ખૂબ ચોકલેટ ખાધા બાદ હવે રાજુને તરસ લાગી. આસપાસ નજર ફેરવતા તેના ધ્યાનમાં આવ્યું કે ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા જ નહોતી ! રાજુએ હવે પાણીની શોધ આરંભી પરંતુ તેને ક્યાંય પાણી દેખાયું નહીં. તરસથી તે બેહાલ થઈ ગયો. તેનું ગળું સુકાવવા લાગ્યું. હવે કરવું તો શું કરવું ? ખૂબ પ્રયત્ન બાદ પણ પાણી ન મળતા રાજુ રડવા માંડ્યો.
“શું થયું રાજુ ?”
રાજુએ જોયું તો તેની સામે પરી ઊભી હતી.
“મને તરસ લાગી છે. મને પાણી જોઈએ.”
“પરંતુ રાજુ મેં તને પહેલા જ કહ્યું હતું કે આ ચોકલેટ નગરી છે. અહીં તું જ્યાં નજર કરીશ ત્યાં તને બસ ચોકલેટ જ દેખાશે. અહીં તારી માટે પાણી ક્યાંથી લાવું ?”
“અરે ! પણ અહીં પાણી કેમ નથી ?”
“રાજુ, તારી આસપાસ નજર ફેરવી જો.”
રાજુએ નજર ફેરવી તો ત્યાં ચોમેર ચોકલેટ જ દ્રષ્ટિગોચર થઈ રહી હતી.
“તને ક્યાંય વૃક્ષો દેખાય છે ? નહીં ને ? હવે તું જ વિચાર કર કે જ્યાં વૃક્ષના હોય ત્યાં આકાશમાં વાદળા ક્યાંથી બને ? વાદળા ન બને તો વરસાદ ન પડે. હવે વરસાદ જ પડતો ન હોય ત્યારે હું તારા માટે પાણી ક્યાંથી લઈ આવું ?”
“મને પાણી જોઈએ.”
“ફરી એ જ ? બકા, અહીં તને ક્યાંય પાણી નહીં મળે. તેને બદલે તું રસીલી ચોકલેટ ખાઈ તારી તરસ છીપાવ.”
“મને પાણી જોઈએ. મારું ગળું સુકાઈ રહ્યું છે. મારે અહીં નથી રહેવું. મારે મારા ઘરે જવું છે.”
“હવે એ શક્ય નથી.”
“પણ કેમ ?”
“કારણ તારી જ ઈચ્છા હતી કે તારે અહીંથી બીજે કશે જવું નથી. હવે તું અહીં જ રહી ચોકલેટનો આનંદ લે.” આમ બોલી પરી અદ્રશ્ય થઈ ગઈ.
રાજુ રડમસ સ્વરે બોલ્યો, “મને પાણી જોઈએ. મારું ગળું સુકાઈ રહ્યું છે.”
બોલતા બોલતા રાજુની આંખ ખુલી ગઈ. તેણે જોયું તો એ તેના શયનખંડમાંજ હતો. પોતે સ્વપ્ન જોઈ રહ્યો છે તે ધ્યાનમાં આવતા રાજુએ રાહતનો શ્વાસ લીધો. તેણે ટેબલ પર જોયું તો ત્યાં કુંડામાંનું છોડ મૂરઝાયેલું હતું. તે જોઈ રાજુના મસ્તિષ્કમાં સ્વપ્નનો સંવાદ ગુંજી ઉઠ્યો, “મારે પાણી જોઈએ. મારું ગળું સુકાઈ રહ્યું છે.”
રાજુએ તરત ઊભાં થઈને ટેબલ પર પડેલી પાણીની બોટલ ઊઠાવી અને તેમાનું પાણી છોડને આપ્યું. પાણી મળતાજ કુંડામાનું છોડ ખીલી ઊઠ્યું. આ જોઈ રાજુ ખીલખીલાટ હસી પડ્યો. એટલામાં રાજુની મમ્મી ઓરડામાં પ્રવેશી. રાજુને આમ હસતા જોઈ તેને અચરજ થયું, “શું થયું રાજુ ?”
“મમ્મી, આવી અણમોલ ભેટ આપવા બદલ ધન્યવાદ.”
રાજુની સમજદારી ભરેલી વાત સાંભળી મમ્મી ખુશ થઈ ગઈ. તેણે રાજુને ગળે લગાવતા કહ્યું, “બેટા, વૃક્ષ જ જીવન છે. એમ વિચારી અમે તને આ છોડ ભેટમાં આપ્યો હતો.”
“હું સમજી ગયો મમ્મી. પરંતુ આ છોડને હું ઘરમાં નહીં રાખું.”
“તો ? તું એનું શું કરીશ ?”
“હું કાલે સવારે તેને સામે આવેલા મેદાનમાં લગાવીશ. મમ્મી, આજ પછી હું મારા પ્રત્યેક જન્મદિવસે એક છોડ લગાવીશ. વધુમાં હું મારા મિત્રોને પણ એમ કરવા પ્રેરિત કરીશ. હવે હું મારા મિત્રો સાથે મળીને કરીશ પ્રકૃતિનું જતન.”
