PRAVIN MAKWANA

Classics Inspirational

3  

PRAVIN MAKWANA

Classics Inspirational

પરખ

પરખ

2 mins
208


એકવાર એક ફકીર બગીચામાં ગીતો ગાતા ડાન્સ કરી રહ્યા હતા. તેઓ એકલા જ હતા. તેમની આસપાસ ફૂલો અને પક્ષીઓ સિવાય બીજું કોઈ જ નહોતું. એ સમયે તેમની પાસે એક વિદ્વાન પધાર્યા. ફકીર પાસે આવીને વિદ્વાને કહ્યું,

‘મેં એવું સાંભળ્યું છે કે તમે હંમેશાં ‘પ્રેમ-પ્રેમ’ જપ્યા કરો છો, તો મારે એ જાણવું છે કે પ્રેમ શું છે ?’

વિદ્વાનને કશો જ જવાબ આપ્યા વિના, ફકીરે પોતાનો ડાન્સ ચાલુ રાખ્યો. આ જોઈને પેલા વિદ્વાન અકળાયા. તેમણે કહ્યું,

‘આ ઊછળકૂદ બંધ કરો અને મને જવાબ આપો કે પ્રેમ એટલે શું ?’

ડાન્સમાં લીન થયેલા ફકીરે કહ્યું, ‘હું જે કરી રહ્યો છું, એ પ્રેમ છે. અને જો એ હકીકત તમને મારા નૃત્યમાં ન દેખાતી હોય, તો હું જ્યારે એ નૃત્ય કરવાનું બંધ કરી દઈશ ત્યારે તો બિલકુલ નહીં દેખાય. તમારા પ્રશ્નનો જવાબ તો મેં ઓલરેડી આપી દીધો છે.’

આ સાંભળીને વિદ્વાન હસવા લાગ્યા. તેમણે કહ્યું, ‘આ જવાબ તમે કોઈ મૂર્ખ કે અજ્ઞાનીને આપી શકો, મને નહીં. મેં કેટલાંય શાસ્ત્રો, ધર્મગ્રંથો અને પુસ્તકો વાંચ્યાં છે. હું કોઈ જેવો-તેવો માણસ નથી, પ્રખર જ્ઞાની છું. મને તમારા આ જવાબથી સંતોષ નથી. મને કોઈ તર્કબદ્ધ જવાબ આપો. નહીંતર કહી દો કે તમે જવાબ નથી જાણતા.’

આ સાંભળીને ફકીરે પોતાનો નાચ બંધ કર્યો. તેઓ એક જગ્યા પર સ્થિર થયા. ફકીરે કહ્યું,

‘એકવાર એવું બન્યું કે એક બગીચાનો માળી મારી જેમ જ બગીચામાં નાચી-કૂદી રહ્યો હતો. ખુશ થઈને ગીતો ગાઈ રહ્યો હતો. એ સમયે ત્યાંથી એક સુવર્ણકાર(સોની) પસાર થયો. માળીને આટલો ખુશ જોઈને સોનીએ પૂછ્યું, ‘આટલો બધો રાજીપો કઈ વાતનો છે ભાઈ ?’ માળીએ કહ્યું, ‘અરે, આ ફૂલોને જુઓ તો ખરાં. એમની સુંદરતા જોઈને રાજી થાઉં છું.’ સોનીએ કહ્યું, ‘એમ ન ચાલે. આ ફૂલોની તપાસ કર્યા વગર હું તમારી વાત સાચી ન માની લઉં.’ એમ કહીને સોનીએ પોતાના થેલામાંથી એક પથ્થર કાઢ્યો. (પ્રાચીન સમયમાં સોનાની શુદ્ધતા તપાસવા માટે એક પથ્થર વપરાતો, જેને ટચસ્ટોન કહેવાતો.) બાગમાં ઊગેલાં ફૂલોની ખરાઈ કરવા માટે, સોની એ ફૂલોને પથ્થર પર ઘસવા લાગ્યો, પણ ફૂલોની પરખ પથ્થર પર ઘસવાથી તો કેવી રીતે થાય ? ફૂલો છૂંદાઈ ગયાં. મૂરઝાઈ ગયાં, પણ સોનીને એમાંથી કશું જ મળ્યું નહીં. ન તો સોનું, ન તો એ કારણ, કે પેલો માળી શું કામ આટલો રાજી હતો ?’

એક પોઝ લઈને ફકીરે કહ્યું, ‘તમે પણ મને આવી જ વાત પૂછી રહ્યા છો. તર્કના પથ્થર પર ઘસીને તમારે પ્રેમ ચકાસવો છે. એ રીતે તમને પ્રેમ ક્યારેય નહીં દેખાય.’


Rate this content
Log in

Similar gujarati story from Classics