પ્રેમના રંગો
પ્રેમના રંગો


અમુક જિંદગી એવું હોય છે કે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. મગજ ચકરાવે ચડી જાય કે આ શું થઈ રહ્યું છે !
વરુણ ખૂબ સીધો સાદો છોકરો. દેખાવડો, ખૂબ શાલીન. કોઈ પણ યુવતી આવો પતિ માંગે. વરુણ માટે છોકરી જોવામાં આવી. ખૂબ જ સુંદર હતી વેદિકા. કોલેજમાં બ્યુટી સ્પર્ધામાં હમેશા પ્રથમજ આવતી. જાણે કે આરસમાંથી કોતરી હોય ! વરુણ પણ ખૂબ ખુશ હતો વેદિકા જેવી ભાવિ પત્ની નો વિચાર કરીને. લગ્ન લેવામાં આવ્યા. ખૂબ જ સરસ રીતે બધું ચાલી રહ્યું હતું. વરુણના માતાપિતા ખૂબ ખુશ હતા. આવી સુંદર વહુને કારણે ઘર દીપી ઊઠે. પણ આ લાંબુ ચાલ્યું નહિ.
વેદિકાને એના રૂપનું ખૂબજ અભિમાન હતું. કોઈને પોતાની બરાબર સમજતી નહોતી. બધાને ઉતારી પડતી હતી. વરુણ હોય કે એના સાસુ સસરા. કોઈને ગણતી ન હતી. વરુણથી આ બધું સહન ના થયું. એ પોતાના માતાપિતાને આવી લાચારીમાં જોઈ શકે એમ નહોતો. એણે વેદિકાને છૂટાછેડા આપવાનું નક્કી કર્યું. વેદિકા એમ સહેલાઇથી માને એવી ન્હોતી. બધાને ખૂબ જ હેરાન કર્યા અને પછી છૂટાછેડા આપ્યા.
આ ઘટનાને કારણે વરુણનું મન ઊઠી ગયું હતું. હવે એને પ્રેમ ,લાગણી કે લગ્નમાં વિશ્વાસ ન્હોતો રહ્યો. આમને આમ પાંચથી છ વર્ષ થઇ ગયા. વરુણ બેંક ઓફિસર હતો. એની બેંકમાં એક નવી કલાર્કનું આગમન થયું. નામ હતું માયા. સહેજ ભીનેવાન,પણ એનું હાસ્ય ખૂબ આકર્ષક હતું. હસે તો લાગે જાણે કે ફૂલ કરી રહ્યા છે. સપ્રમાણ શરીર. ખૂબ જ સામાન્ય લાગે એવી યુવતી. પણ ખૂબ જ હોંશિયાર.
પહેલાતો કામ પૂરતી વાત થતી. ધીરે ધીરે વરુણ અને માયા નજીક આવી રહ્યા હતા. વરુણ વેદિકા એ આપેલું દુઃખ ભૂલવા લાગ્યો હતો. વરુણના માતાપિતાએ જોયું કે વરુણ ખુશ રહેવા લાગ્યો હતો. વરુણે એકવાર માયા ને લગ્ન વિશે એના વિચારો જાણવા માટે પોતાના પહેલા લગ્ન વિશે જણાવ્યું. માયા ને જાણીને ખૂબ જ દુઃખ થયું કે વરુણ સાથે આવું બની ચૂક્યું છે.
માયા કહી રહી હતી," વરુણ, લગ્ન એકબીજાને અનુરૂપ થઇને જ જીવી શકાય છે. પતિ અને પત્નીએ એકબીજાને સમોવડા ગણીને જ ચાલવું રહ્યું. એકબીજા માટે માન અને પ્રેમ ખૂબ જરૂરીછે. જેને પ્રેમ હોય ને એ પોતાના પ્રિય પાત્ર માટે કંઈપણ કરી શકે.."
વરુણ એકીટશે જોઈ રહ્યો હતો માયા સામે. માયાનું ધ્યાન ગયું એવું તરત જ વરુણે એને પૂછ્યું," માયા શું તું મારી સાથે જીવનપથ પર ચાલવા તૈયાર છે મારી સમોવડી બનીને ? મને પ્રેમ અને લાગણી આપવા તૈયાર છે ?"
માયા પણ ઘણા દિવસથી વરુણ તરફ ખેંચાણ અનુભવી રહી હતી. બસ એ નીચું જોઈ ગઈ અને માથું હકારમાં હલાવ્યું. વરુણ તો ખુશીથી ઉછળી પડ્યો. વરુણને લાગ્યું કે પોતાની બેરંગ જિંદગીમાં કોઈએ મેઘધનુષી રંગો પૂરી દીધા હોય ! હવે એ માયાના રંગ માં રંગાવા પૂરેપૂરો તૈયાર હતો.
બંને ખરેખર જાણે કે એકબીજા માટે બન્યા હોય એમ એકબીજામાં રંગાઈ ગયા હતા. એમનું લગ્નજીવન ખૂબ જ સુખરૂપ ચાલી રહ્યુ હતુ.
ખરેખર આ પ્રેમના રંગો જ અનોખા છે !