પ્રેમહત્યા (ભાગ ૨)
પ્રેમહત્યા (ભાગ ૨)


ઈ.મિહિર બોલ્યા “આકાંક્ષા, આ ડબલ મર્ડર કેસ હતો તેથી કેસ તો અમારે ગમે તે રીતે સોલ્વ તો કરવાનો જ હતો, વળી જયારે મને જાણ થઇ કે તું સસ્પેન્સ કથાઓની શોખીન છું ત્યારે તો મેં મારી સાવચેતી ઔર વધારી દીધી.”
આકાંક્ષા “તમે હજુસુધી મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો કે તમે લાશને ઓળખી કેવી રીતે? આટલા વિપુલ પ્રમાણમાં તમને ડીએનએ પ્રિન્ટ મળી ક્યાંથી?”
ઈ.મિહિર બોલ્યા “આકાંક્ષા તેં જે રહસ્યકથાઓ વાંચી એ બધી જ જુના લેખકોની હતી અને એમાં જ તું થાપ ખાઇ ગઈ !!’
ઈ.મિહિરે મુસ્કુરાતા પાંડુરંગ તરફ જોયું, પાંડુરંગ બોલ્યો “હા સાહેબ એ જાણવાની મને પણ ઇંતેજારી છે.!!"
થોડા મહિના પહેલાંની વાત......
વ્યોમેશના ઘરે આજે બરોબરનું તોફાન મચેલું. વ્યોમેશની પત્ની આકાંક્ષા આજે બહુ વિફરી હતી. અને એનું વિફરવું પણ વ્યાજબી જ હતું આખરે કોઈ સ્ત્રી એ કઈ રીતે સહન કરી શકે કે એના પતિના કોઈ પારકી સ્ત્રી સાથે આડા સબંધો હોય? આજે સવારે જ જયારે આકાંક્ષા પતિ વ્યોમેશના કપડાં ધોબીને આપવા માટે જુદા કાઢી રહી હતી. ત્યારે જ “ભુવન ખીમજી ઝવેરી”ની દુકાનનુંમાંથી ખરીદેલ વસ્તુનું બિલ એના હાથમાં આવ્યું. બિલ હતું પુરા ચાલીસ હજારની સોનાની બુટ્ટીનું! આકાંક્ષાએ તરત જ આ વિષે વ્યોમેશને પૂછ્યું ત્યારે વ્યોમેશે વાતને ઉડાવતાં કહ્યું “ધંધાની વાતમાં તને ખબર ન પડે! ઘણીવાર મોટા ક્લાયન્ટને ખુશ રાખવા એમની પત્નીઓ માટે આવી ભેટ-સોગાદો આપવી પડતી હોય છે.”
પણ આકાંક્ષાને વ્યોમેશના બોલવામાં અને તેના ચહેરાના ભાવમાં સામ્યતા જોવા મળી નહિ. તેને લાગ્યું કે તેનો ચહેરો કાંઈક જુદું જ કહી રહ્યો છે. વ્યોમેશ જુઠ્ઠું બોલી રહ્યો હોય એવું આકાંક્ષાને લાગ્યું. અને તેથી જ તેને વ્યોમેશના વર્તન પ્રત્યે શંકા ઉત્પન્ન થઇ. વ્યોમેશનાં બહાના આકાંક્ષાને સંપૂર્ણ સંતોષ આપી શક્યા ન હતાં. આમ છતાં આકાંક્ષાએ મન શાંત રાખી પોતાના મનમાં કાંઈ પણ શંકા છે એવું ચહેરા ઉપર દેખાવા ન દીધું.
એણે જાણે કંઈ જ ના બન્યું હોય તેમ વ્યોમેશને ઉમળકાથી ચા-નાસ્તો આપ્યો. અને રસોડામાં કામમાં ધ્યાન આપવા લાગી. આકાંક્ષાના મનમાંથી શંકા જતી રહી છે એમ માનીને વ્યોમેશ ઓફીસે જવા ઉપડી ગયો. આ બાજુ આકાંક્ષાએ વ્યોમેશનો પીછો કરવાનું નક્કી કર્યું. એટલે તરત જ એણે બંગલાના ગેરેજમાંથી પોતાની ગાડી અત્યંત ઝડપે રીવર્સમાં બહાર લાવી, વ્યોમેશની પાછળ પાછળ જ એક સલામત અંતર રાખી પીછો કરવા લાગી. વ્યોમેશ આ વાતથી તદન અજાણ હતો. વળી પોતાની ઘરરખ્ખુ અને ધાર્મિક પત્ની આમ એની પર શંકા કરી એની પાછળ પાછળ આવે એ વાત વ્યોમેશની કલ્પનામાંજ નહોતી. વ્યોમેશ પોતાની આલીશાન ઓફીસ પાસે ગાડી ઉભી રાખી તે અંદર ગયો. વ્યોમેશ સીધો ઓફિસમાં ગયો છે તે જોઈ આકાંક્ષા વ્યોમેશ પર શંકા કરવા બદલ અફસોસ કરવા લાગી. પણ ત્યાંજ વ્યોમેશ ઓફીસની બહાર નીકળતો દેખાયો. વ્યોમેશની સાથે એક છેલબટાઉ જેવી યુવતી પણ હતી. જે હસી હસીને વ્યોમેશ જોડે વાત કરી રહી હતી. અને તેણે પોતાના બન્ને હાથથી વ્યોમેશના ડાબા હાથને મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. વ્યોમેશ પણ એ યુવતી સાથે ચાલતાં ચાલતાં છૂટછાટ લઈ લેતો હતો. વ્યોમેશ ઓફિસમાં પહેલેથી જ દિલફેંક તરીકે પંકાયેલો હતો. અને ઓફિસની યુવતીઓ સાથેના તેના આડા સબંધોની જાણ સ્ટાફમાં બધાને હોવાથી આ વાતની તેમને કોઈ જ નવાઈ નહોતી. વ્યોમેશ કપડાની જેમ ગર્લફેન્ડ બદલતો રહેતો. હવે બન્ને જણા સીધા વ્યોમેશની ગાડીમાં જઈ બેઠા. વ્યોમેશે ગાડીની અંદર મુક્તપણે ગર્લફેન્ડ સાથે મૌજ માણી શકે, ખાસ તે માટે બનાવડાવેલા કાળા કાચ ઉપર ચઢાવી દીધા! આકાંક્ષા પોતાની આંખ સામે જ આમ થતુ જોઈ સમસમી ગઈ. થોડીવારમાં જ વ્યોમેશે ગાડી ચાલુ કરી રસ્તા પર લીધી. ફરીથી આકાંક્ષાએ વ્યોમેશની ગાડીનો પીછો શરૂ કર્યો. જે અનેક વળાંકો પસાર કરી શહેરથી દુર નવા જ બનેલા લકઝરીયસ ફ્લેટ ધરાવતાં ઘણા ટાવરો પૈકી એ વિંગના ટાવરના પાર્કિંગમાં જઈ ઉભી રહી. ગાડીમાંથી બહાર નીકળી વ્યોમેશ અને તેની સાથેની યુવતી એકબીજાના હાથમાં હાથ નાખી મસ્ત પ્રેમીઓની જેમ ઝુમતા લીફ્ટમાં પ્રવેશી વિંગમાં બીજા માળે આવેલા તેમના ફ્લેટ નંબર ૨૦૪ આગળ આવી ઊભા રહ્યા. ધીમા પગલે બન્નેનો પીછો કરતી આકાંક્ષા એ જોયું કે તે બન્ને એપાર્ટમેન્ટના બીજા ફ્લોર પર આવેલ ફ્લેટ નંબર ૨૦૪માં પ્રવેશ્યા. આકાંક્ષા મનમાંને મનમાં રડતી, રિબાતી ગાડી દેખાય નહિ એ રીતે ઉભી રાખીને એ બન્નેના પાછા ફરવાની રાહ જોવા લાગી. લગભગ બે કલાક બાદ એણે વ્યોમેશને એકલો પાછો આવતો જોયો. આ વખતે એ યુવતી એની સાથે નહોતી! વ્યોમેશ ઝડપભેર ગાડીમાં બેસી ત્યાંથી નીકળી ગયો.
(ક્રમશ)