પ્રેમ 'ને પેલે પાર
પ્રેમ 'ને પેલે પાર


અને ધબ્બ કરતી બારી અથડાઈ, થોડો તોફાની બનેલો પવન એ દિવસે થોડો ખુશમિજાજમાં લાગતો હતો. પવનના સથવારે સાંજ શમણાઓ સેવતી આળસ મરોડતી હતી અને ઘરમાં સાંજ શ્વાસ સાથે મથામણ કરતી હતી. બહાર પવનની લહેરકી સંગ આછું અંધારું થતું હતું અને અંદર સાંજની આંખે અંધારા આવતા હતા. બહાર ઠંડક વેરતો પવન મુક્ત મને વાતો હતો અને અંદર પવન લોહીના રંગે રાતો હતો.
લવમેરેજ હતા બંનેના, છતાં હર્યા ભર્યા કુટુંબમાં સહુ સાથે મળીને રહેતા હતા. પણ, એ દિવસે નજીકના લગ્ન પ્રસંગ અર્થે પવન-સાંજ સિવાયના સહુ વતનમાં સૌરાષ્ટ્ર રવાના થઇ ગયા હતા. યુગલને મોકલાશ મળી રહે એવું સહુ ઈચ્છતા હતા કદાચ. બસ, તકનો લાભ ઉઠાવ્યો, અને છેલ્લા ચાર મહિનાથી ગૂંગળાયેલો પવન તોફાની થઈને ફૂંકાયો.
“હું છેલ્લા ચાર મહિનાથી જોઉં છું તારો મારા પ્રત્યેનો અભિપ્રાય અને મારા પ્રત્યેનું વર્તન બદલાવવા લાગ્યું છે.”
“અરે, તું નાહકનો મારા પ્રત્યે આવી ગેરસમજ રાખે છે, એવું કઈ નથી.”
“એવું જ છે, અધરાત-મધરાત તારા મોબાઈલમાં મેસેજ આવવા, ઓફિસમાં પણ તારો ફોન સતત બીઝી આવવો, વરસાદમાં એક છત્રી નીચે બે જણે આવવું, ઓફિસનું બહાનું લઇ ઘરે મોડા આવવું. આ બધું ચોક્કસ દિશા તરફ આંગળી કરે છે.”
“તારા મગજમાં આવું નાખે છે કોણ ? અને તને કેમ નથી સમજાતું કે હું તારી પત્ની છું અને ફક્ત તારી છું. અને છેલ્લા એટલા મહિનાઓથી આ બધું ઓબ્સર્વ કરે છે ?”
“યસ, તું મરી પત્ની તો છે પણ મને લાગે છે કે પત્નીના અઢી અક્ષરમાં હવે પ્રેમના અઢી અક્ષર રહ્યા નથી.”
“યુ..બસ હવે બંધ કર આવી વાતો..”
સાંજને ખ્યાલ આવી ગયો કે પવન કઈ દિશામાં ફૂંકાય રહ્યો છે. સાંજ સાથેની ચર્ચામાં ધીરે ધીરે સાંજ ઢાળવા લાગી હતી તો બીજી તરફ વરસાદી વાતાવરણમાં પવન બેખોફ થઈને ફૂંકાતો જતો હતો. આકાશે વીજળીના ચમકારા શરુ થઇ ચુક્યા હતા. વાદળોનું અથડાવવું, કાળા વાદળોનું ઘેરાવવું, મોટા ગાજવીજ થતા અવાજો, વૃક્ષ પર પાંદડાઓનો ભયાનક ખખડાટ. તોફાની વરસાદના એંધાણ હતા. સ્ત્રી સહજ વૃત્તિને લઈને સાંજની આંખમાંથી આંસુઓની સેર વહેવા લાગી. ચર્ચાનો માહોલ જામતો જતો હતો અને બંને છેડેથી કોઈ કોઈ પણ કોઈ વાત છોડવા માંગતું ન હતું.
આમેય દામ્પત્ય જીવન જ એક એવી અદાલત છે જ્યાં પતિ-પત્ની બંને વકીલ, સમય ન્યાયાધીશ અને દંપતી જ ફરિયાદી અને ગુનેગાર. અને અહીતો આખી સાંજ, રાત અને પંદર દિવસની મોકળાશ હતી. એટલે ન્યાયાધીશને કોઈ બાધ ન હતો. પવનના આરોપો સામે સાંજનો બચાવ બંનેને ભૂતકાળની વાતો સુધી દોરી ગયો. અને જયારે પતિ-પત્ની એકબીજાનો ભૂતકાળ વાગોળવા લાગે ત્યારે સમજવું કે હવે વાગોળવા જેવું કઈ બાકી રહ્યું નથી. આરોપ-પ્રત્યારોપ એ હદે વધી ગયા કે ગુસ્સો-આક્રોશ વિનય-વિવેકના બારણે ટકોરા કરવા લાગ્યા. ત્યાં જોરમાં વાદળ ગાજ્યું અને પવને સાંજના ગાલે એક તમાચો ચોડી દીધો. વીજળીના ચમકારે સાંજે પણ પવનનો કોલર પકડી લીધો. ગુસ્સો શિક્ષિત અને સમજુ માણસને પણ અભણ અને ઝનૂની બનાવી દેતો હોય છે. બંને જણ કાંઠા તોડીને વહેવા લાગ્યા. આત્મ સન્માન અને આત્મ અભિમાન વચ્ચે યુધ્ધ જમવા લાગ્યું. પવને એક જ ધક્કે સાંજને સામેની દીવાલ સાથે પટકાવી તો બુકરેક આખું નીચે, સાંજે પણ પવનનો જવાબ આપવા હિંમત કરીને છૂટતું ફ્લાવરવાઝ ફેંક્યું તો દીવાલ પરની ફોટા ફ્રેમ નીચે.
પછી તો કાચની ત્રીપોઈ, સોફાના પિલો, બારીના પરદા ને આવું તો ઘણું. હવે વરસાદ પડું પડું થતો હતો પણ પડતો નહોતો. ઘર આખું વેર વિખેર થઇ ગયું હતું. અચાનક સાંજ એક છેડેથી ધસમસતી આવી અને પવનના હાથે ત્રીપાઈનો કાચ લાગ્યો. પોતાને સાચા સાબિત કરવાના ચક્કરમાં ગુસ્સામાં પાગલ થયેલા બંને જણનો આ છેલ્લો દાવ હતો. કારણ પવનના હાથમાંનો કાચ સામે સાંજની ખુલ્લી, પરસેવાથી રેબઝેબ ગળાના ભાગની ચામડી હતી. એક જ ઘા અને લોહીની ધાર, ગોરા વાન પર લોહીનો રંગ રેલાતો જતો હતો. ચાર મહિના પહેલા થોડી મોકળાશ શોધતા પ્રેમી પંખીડામાંથી એક, બીજાના હાથે પીંખાય ગયું હતું. સાંજ ભાન ભૂલીને, ગળું પકડીને ધબ્બ કરતી- ચીસ પાડતી જમીન સાથે પટકાયી અને ત્યાં જ વરસાદી પવનથી બારી અથડાયી. સાંજ લોહીની ભીનાશ સાથે સોંસરવી વિલીન થઇ ગઈ. પવન અવાક થઇ ગયો અને પછી મનનો ડૂમો ગૂંગળાયો ત્યાં સુધી પવન લહેરકી બનીને સાંજને પકડી રહ્યો. પછી, બંધ તોડીને પાણી વહે એમ ચોધાર આંસુ એ એ રડી પડ્યો. પણ હવે શું?
અચાનક ત્યાં જ એક શ્વેત પ્રકાશ પ્રગટ થયો. ન આકાર, ન છાયા તોય ઓછાયો હોય તેવો પ્રકાશ.
“પવન તે શું કર્યું ? તે..તે..આ શું કર્યું ? તે તો સાંજને જ ?”
હજી આ અવાજ આવતો જ હતો ત્યાં તો અચાનક કાળી છાયા પ્રગટ થઇ ગઈ.
“પવને કંઈ ખોટું નથી કર્યું. એને શંકા હતી કે સાંજ હવે એની સાંજ નથી રહી. અને એટલે જ એણે સાંજ સાથે આ બાબતે વાતચીત પણ કરી પણ સાંજ ...”
“અરે, એણે માત્ર વાતચીત કરી હોય તો સારું, પણ એણે તો સાંજ પર હાથ પણ ઉઠાવ્યો હતો એનું શું ?”
“તો, સાંજે પણ તો સામે જવાબ આપ્યો હતો કે નહીં ?”
“અરે પવન એને ધક્કો મારે તો એ શું ચૂપ બેસી રહે ?”
“ચાલો માન્યું ભૂલ થઇ પવનથી, પણ છુટ્ટું ફ્લાવરવાઝ કોને માર્યું હતું ?”
“એતો માત્ર બચાવ પુરતું...”
“ખોટું.. એટલે સાંજ જે કઈ કરે એ સવા વીસ અને પવન કરે એ ગુનો ?”
“લાગણીઓનો ત્રિવેણી સંગમ નિરાકાર થઇને તોફાન સર્જાતો હતો. ક્રોધની કાળી છાયા મુલાયમ શ્વેત પ્રકાશને ચીરતી હતી. આ બંનેની દલીલબાજીમાં મુંઝાતો, ઘૂઘવતો અને અટવાતો પવન અકળાયો અને જોરથી ચીસ પડી ઉઠયો,
“નહીં.., સાંજ ઉઠ..ઉઠ..સાંજ.. મારી ભૂલ થઇ ગઈ.. ઉઠ.. સાંજ ઉઠને..તને મારા સમ છે..ઉઠને..”
પવનની પાછળથી અવાજ આવ્યો,
“મારા સમ ?”
પવન હરખાયો. આછી પાતળી અદ્રશ્ય તોય અનુભવાય એવી સાંજ પવન સામે આવીને ઉભી રહી ગઈ.
“સાંજ તું ?”
“શલાકા..તે જ મારું નામ સાંજ છોડી શલાકા પડ્યું હતુંને ? અને એ માત્ર તું અને હું જાણતા.”
“હા, તું મારી અને હું તારો છું, હતો સોરી મારી ભૂલ થઇ ગઈ.”
મંદ મંદ વરસતો વરસાદ અને શુષ્ક ધરાને વર્ષો બાદ જયારે એકબીજાને મળ્યા હોય એમ એ બંને નજીક આવ્યા,
“પવન તે ખોટું કર્યું, તે મારા પર હાથ ઉઠાવ્યો ? તારી શલાકા પર ?”
સાંજે પવનની ભૂલો દર્શાવતી વાતો શરુ કરી, અને એ પણ એ રીતે કે પવન એની બધી વાત સ્વીકારી જ લે. સાંજ સાથેની વાતોમાં પવનનો ગુસ્સો, અભિમાન અને પુરુષત્વનું ગુમાન ઓગળતા જતા હતા. જ્યારે સાંજને ખ્યાલ આવ્યો કે પવન સંપૂર્ણ રીતે પીગળી ચુક્યો છે ત્યારે એ મક્કમતાથી બોલી કે,
“મારી નાખ, મારી નાખ તારી અંદરના એ ગુસ્સાને, એ દ્વેષને, એ અભિમાનને, એ દંભી પુરુષને, જેણે તને મારી વિરુધ્ધ ઉશ્કેર્યો છે, મારી નાખ, જો આપણે એક થવું હશે તો એનું અસ્તિત્વ ખતમ કરવું જ પડશે. એણે મરવું જ પડશે, મારી નાખ.”
કાળી છાયાને પોતાના અસ્તિત્વ પર પૂર્ણવિરામ દેખાતું લાગ્યું,
“નહીં..નહીં..નહીં.. પવન તું આ સ્ત્રીની વાતમાં નહિ આવ. આ શ્વેત છાયા અને આ લુચ્ચી સ્ત્રીની આ ચાલ છે. એ તારી અંદરના પુરુષને ખતમ કરી રહ્યા છે, નહીં.”
“જોયું..જો આ તારી અંદરનો દંભ જ તને મારી વિરુધ્ધ કરી રહ્યો છે. આપણને એક ક્યારેય નહીં થવા દે.”
“હા, તું સાચું કહે છે શલાકા, આપણે સાથે રહેવું છે અને એટલે...”
આટલું બોલતાની સાથે જ પવને બાજુએ કરીને શ્વેતછાયા અને શાલાકાએ કાળીછાયા પર તરાપ મારી અને એને ઘેરી વળી. એ બાદ પવન અચાનક કાળી છાયા પર ત્રાટક્યો અને ઘણી ઝપાઝપી બાદ કાળીછાયાનું કાળું પ્રવાહી રેલાય ગયું અને પવન નિ:સ્વાર્થ, નિર્લેપ, નિ:સ્તેજ અને શાંત થઇ ગયો હતો. શલાકા ધીરે રહીને બોલી.
“પવન, તારી અંદરનો અહંકાર અને કાળાશ તો પતી ગઈ, પણ શું તું ખરેખર સ્વચ્છ થઇ ગયો છે ? સ્વસ્થ છે ? સજ્જન છે ? સારો થઇ ગયો છે ? તું શું ખરેખર એ જ પવન છે જે શાળાકાને પ્રેમ કરતો હતો ? પવન.. એ ગુસ્સાને, એ દંભને, એ આડંબરને, એ પુરુષના ગુમાનને કોણે ખતમ કર્યુ ? તારી આ શ્વેતછાયાએ ? તારી આ સજ્જનતાએ, તો હવે એને પણ ત્યજવી પડશે કે નહીં ? શ્વેતછાયા બોલી ઉઠી...
'એ છોકરી શું બોલે છે ? એ પવન હું તો તારી શ્વેતછાયા છું. સારી છબી છું. તું..તું..જે હતો એ સાચે જ હું છું. જો..પવન..મારી વાત સંભાળ..”
“જેણે એ દંભને માર્યો એ મને પણ તો મારી જ શકે છે. એ કોઈને પણ મારી શકે ? તને મને અલગ પણ કરી શકે છે ? તો આવી સજ્જનતા શું કામની ?”
“નહીં.. કોઈ કામનું નહીં.., આવું સજ્જન રૂપ શું કામનું?”
પવનની આંખ પહોળી થઇ અને એણે સીધી તરાપ મારી શ્વેતછાયા પર, ઘડીભરમાં તો શ્વેત પ્રવાહીથી તળાવ ભરાય ગયું. પવન હવે અધીરો થયો અને બોલી ઉઠ્યો,
“શલાકા, હવે તો આપણે એક થઇ શકીશુંને ?”
શલાકા બે ઘડી વિચારી રહી અને પછી જોરથી હસી પડી,
“એ પવન, હવે નથી તું ખરો કે નથી ખોટો, નથી સજ્જન કે નથી દુર્જન, નથી અહમ કે નથી સાદગી, ખાલીખમ છે તું હવે, લાગણીઓથી અને વેદના-સંવેદનાઓથી. તો હવે તું શું મારા કામનો ? તું તારા શું કામનાઓ અને તારું અસ્તિત્વ શું ?”
“એટલે”
“એટલે એમ કે તું જ કહે, હવે મને જોઇને તને કઈ થાય છે ? કઈ લાગણી પ્રેમની કે પછી દ્વેષની ? એ લાગણીઓના આધારે તારા ધબકારની વધઘટ થાય છે ? આ હું તને સ્પર્શી તો તને કઈ થયું ?”
“મને કેમ કઈ થતું નથી ? કેમ કઈ અનુભવાતું નથી ?”
“એ હવે તું જાણે, તું જ શોધ તારા સવાલોના જવાબ. હવે તું મારા કોઈ કામનો નથી. નથી કોઈ કામનો.”
“એ એવું નહિ બોલ, તારા માટે જ મેં આ બંને જણને માર્યા છે, હવે તું જ આમ કરે એમ કેમ ચાલે ? આપને એક થવું હતું એટલે જ તો..”
“આપણે ? આ કાચ હજુ મારા શરીરમાં છે. આમ એક થવું હતું તારે ? શંકાઓ કરીને એક થવું હતું તારે ?”
“એ શલાકા...”
“હું આ ચાલી, અભેદ દીવાલને ઓળંગીને, શ્વાસના ઉપકાર અને ધબકારનો ભાર ન હોય, જ્યાં તારી શંકાઓનો સાથ ન હોય એવી સૃષ્ટિમાં, બાય..”
“તો હવે હું શું કરું ?”
“મારા શરીરમાં તે ઘા કર્યો એવો જ કાચ સામે હજુ એક કાચ પડ્યો છે, જો. દેખાય છે ? એને પૂછ હવે શું કરું ? જવાબ માંગ તારા સવાલોના જ.. પૂછ..પૂછ એને.. બાય”
પવન સાવ એકલો થઇ ગયો હતો, અને એની સામે હતા કાળી છાયા, શ્વેતછાયા, અને શલાકાની આછી પાતળી છાયા, સવાલોનો ઢગલો, ઘેરાતી રાત અને વરસતો ગાજવીજ સાથેનો વરસાદ. એ એકલો એકલો બબડવા લાગ્યો પણ કઈ જ સમજાતું નહોતું. એ એક ખૂણામાં બેસી ગયો. થોડી વાર પછી આખા ઘરમાં ફરી આવ્યો. કેમ ખબર નહીં. ત્યાંજ અચાનક પેલો કાચનો ટુકડો લીધો અને ઘા કર્યો હવામાં. ખબર નહીં કોને મારતો હતો ? અને એ જ કાચથી એણે પોતાના શરીર પર ઘા કર્યા, થાય ત્યાં સુધી ઘા કરતો ગયો અને અંતે હાથમાંથી કાચ પકડ ગુમાવી બેઠો. અસંખ્ય ચીરા અને લોહીની ટશરથી પવન ભાન ભૂલતો જતો હતો. પણ એ માર્યો નહીં, બે કલાક સુધી એ તડપતો રહ્યો, લોહી વહેતું રહ્યું અને શ્વાસ ઘટતા ગયા. અંતે એના ધબકાર પતિ ગયા. પણ આ બે કાલાકમાં એને શું અનુભવ્યું એ ખબર ન પડી. એ પછી વરસાદ બંધ થઇ ગયો હતો.
આડોશ પાડોશમાં ગંધ ફેલાય ગઈ ત્યારે ત્રણ દિવસે એ ઘરનો દરવાજો બહારથી ખુલ્યો. અંદર થીજી ગયેલી લાગણીઓ અને શમી ગયેલા શ્વાસનું શાંત રમખાણ હતું. કોઈ કાળું કે શ્વેત પ્રવાહી જેવું કઈ ન હતું. એ દિવસ જેવો વરસાદ ક્યારેય પડ્યો નથી અને સાંજના સાડા સાતથી રાતના દોઢ વાગ્યા સુધીના એ અવાજો ક્યારેય સાંભળવા મળ્યા નથી.