પ્રેમ: લાગણી કે બંધન - ૮)
પ્રેમ: લાગણી કે બંધન - ૮)
પણ... અહીં રાજ નું શું થયું ? એ ક્યાંથી આવ્યો અને ક્યાં ખોવાઈ ગયો ?
રાજ ત્યાંથી ગુજરાત પાછો ફર્યો. હવે એના જીવનનું એ ધ્યેયતો મરી પરવાર્યુ હતુ જેમાં એને સંકલ્પ કર્યો હતો કે એ વિધિને શોધશે અને વર્ષો પહેલાં જે અપશુકનિયાળ દિવસ એના જીવનમાં આવ્યો હતો અને અંધારું, નિરાશા, લાચારી મૂકી ગયો હતો એ એને કહેશે!
પણ કદાચ એના કપાળે કંઈક બીજા જ લેખ લખાયેલા હતા કે જેવો એ વિધિને મળ્યો કે તરત જ એનાથી વિખુટો પડી ગયો, જે બંધનથી બંધાઈને એણે વર્ષો સુધી જે દિવસની, જે મિલનની, જે પ્રેયસીની વાટ જોઈ હતી એ દિવસ જ્યારે એની પ્રેયસીની મુલાકાત લઇને આવ્યો ત્યારે એને થયું કે આ દિવસ મારા નસીબમાં લખાયો જ કેમ ? આ ઘટના મારા જીવનમાં ઘટી જ કેમ ? એ વિધિ પાસેથી નીકળ્યો ત્યારથી રોકેલી એક અશ્રુઓની ધસમસાટ નદી બધા બંધન તોડી પાંપણ ભીંજવી ગાલ પરથી પસાર થઈને હદ વટાવી ગઈ અને આ ઘટનાની સાક્ષી એ કોલેજ હતી જ્યાં પહેલીવાર રાજ વિધિને મળ્યો હતો અને જ્યાં વિધિ સાથે એને એના જીવનની આહ્લાદક ક્ષણો વિતાવી હતી ખરેખર તો જીવી હતી.
બધી જુની યાદો ક્ષણમાં તેની આંખ સામે આવીને ઉભી રહી ગઈ. રાજની જીભને જ જાણે લકવો લાગ્યો હોય એમ એને છેલ્લાં કેટલાંય કલાકોથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહતો. રોજ કરતાં જાણે આજ સાંજ અલગ હતી. રોજ સાંજ એક આશ લઇને આવતી પણ આજે તો સાંજ જ નિરાશામાં ડૂબેલી હતી. લાલઘૂમ સૂરજને છુપાઈ જવાની ઉતાવળ હોય એમ અંધારું પણ ઝડપથી પથરાવા લાગ્યું. આ અંધારામાં રાજનાં આંસું તો છુપાઈ ગયા પણ એના સિસકારા હજુ સંભળાયા કરતાં હતાં. એ સૂમસામ કોલેજના મેદાનમાં રાજની દુઃખભરી કહાણી જાણે જોરજોરથી સંભળાઈ રહી હતી ને એને સાંભળવા ચંદ્ર ને તારાઓ કાન માંડીને બેઠા હતાં. એનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું, એ એટલું રડ્યો હતો કે હાંફવા લાગ્યો હતો.
વિધિની સામે ઈકરાર કે ઈનકારનો એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર બધું દર્દ એ પી ગયો. જેમ મીરાં પ્રેમમાં ઝેરના કટોરાને પણ અમૃત ગણી પીવાથી અચકાયા ન હતા એમ રાજ પણ આટલા વર્ષોનો વિરહ, પ્રેમ, ઇન્તેજાર, તડપ અને મુલાકાતની આશ બધું પચાવી ગયો. એક પણ રેખા ચહેરા પર ન આવી જેનાથી કોઈ એને વાંચી શકે અને એમ પણ લોકો ફકત એક જ પાનું વાંચે છે અને આખુ પુસ્તક દર્દ માં કસણાયા કરે છે.
મોડી રાત્રે રાજ ત્યાથી ઉભો થયો કપડાં ખંખેરી એ સૂમસામ સડક પર ચાલવા લાગ્યો, ફરી ફરીને એ જ જગ્યા એ ઉભો રહી જતો હતો. જોઈને એમ લાગે કે જાણે રસ્તો ભૂલી ગયો છે.
વહેલી સવારે પરસેવે રેબઝેબ થયેલો, કપડાં પર ધુળના દાગ, વાળ વિખેરાયેલા, આંખો લાલઘૂમ અને સોજાયેલી, ના બૂટનું ઠેકાણું ના પોતાની જાતનું. આવી સાવ દયનીય હાલતમાં એને ઘરમાં પ્રવેશ કર્યો.
એને પોતાની જાતને જ એક રૂમમાં બંધ કરી દીધી. કોઈને મળવાનું તો દુર એ કોઈનો અવાજ પણ સાંભળતો નહતો. અંદરને અંદર બસ પોતાના નસીબની સાથે ઝઘડ્યા કરતાં હતો. એને ખાવાપીવાનો પણ હોશ નહતો. ઘણાં દિવસ પછી એનો એક મિત્ર આ બધું સાંભળીને એને મળવા આવ્યો અને જોગાનુજોગ એની સાથે રાજ વાત કરવા લાગ્યો. ખુબ જુના મિત્રો હતા એટલે એ વિધિ વિશે જાણતો હતો પણ એ વિધિને મળ્યો નહતો. આખી ઘટના સાંભળીને એ પણ ઢીલો પડી ગયો પણ તોય એણે રાજને હિંમત રાખવા માટે કહ્યું અને સલાહ આપી કે "જે હોય તે પણ એકવાર તો વિધિને આ હકિકત જાણવાની ફરજ પણ છે અને એનો હક પણ છે એટલે તું એને કહી દે બધું! કદાચ એ એનો નિર્ણય ક્યારેય નહીં બદલે પણ એના મનમાં જે દ્વેષ તારા માટે છે એ દુર થશે."
પણ રાજે આ વાતને નકારી દીધી અને કહ્યું, "હું એના મનમાં રહેલી નફરત મિટાવવા જઈશ તો એનું સ્વભિમાન ઝૂકી જશે, એ પોતાને દોષી માનીને પોતની જ નજરમાં નાની બની જશે, એણે મને દુઃખ ના પહોંચે અને હું ખોટી માન્યતા ના રાખું માટે બધું સ્પષ્ટ કર્યું અને હું એને કંઈ રીતે દુઃખી કરી શકુ ? અને એવું પણ નથી કે વિરહમાં હું એકલો રડ્યો છું ઓશીકાં તો એના ય ભીના થયા છે. બસ એની સાથે એક ખભો હતો જેના ટેકે એ મજબુત બની અને હું એ ટેકો શોધવામાં નિષ્ફળ ગયો ને હાર માની બેસી ગયો પણ એમાં વિધિનો તો વાંક નથી સમય અને નિયતિએ ધાર્યું એમ થયું, હવે એને ભુતકાળમાં લઇ જવાની ભૂલ જો હું કરુ તો કદાચ હું સ્વાર્થમાં અને આવેશમાં આવીને કેટલીય જીંદગી બગાડું અને સંબંધોને પરીક્ષામાં બેસવા મજબુર કરનાર બનું! "
આ સાંભળીને પેલો મિત્ર બોલ્યો, "ભાઈ તું આટલી સમજદારીની વાત કરે છે તો એ બધું ભૂલાવી આગળ કેમ નથી વધતો ? જો બહારની દુનિયાને પોતાની માની લે અને આ જ દુનિયામાં કોઈ તારો પણ એ ખભો બનવા માટે રાહ જોઈ રહ્યું હશે! ચાલ અને ફરી રંગમંચ પર તારી ધાક જમાવી દે! "
રાજ જરીક હસ્યો અને બોલ્યો," આ તે કાંઈ કોલેજનો અભ્યાસક્રમ છે તે હું ભૂલાવી દઉં!!!"
એટલે એના મિત્ર એ એક સરસ મજાની યુક્તિ આપી અને કહ્યું, "તો એક કામ કર, રોજ રોજ તું વિધિને જે કહેવા માંગે છે એ એક ડાયરીમાં લખ. એક એક અહેસાસ, એક એક વાત, નારાજગી, ખુશી, તારી સફળતા અને નિષ્ફળતા, આંસું, પ્રેમ, યાદ, ગુસ્સો, વિરહ, તડપ, મુલાકાત, સપના, આઝાદી, દોસ્તી, ભુતકાળ, ભવિષ્ય અને પોતાની જાત બધું જ! ધ્યાન રાખજે કંઈ છૂટે નહીં પછી જો જે તને બધું ગમવા લાગશે. તું એની સાથે જીવવાનું શરુ કર, એને પામવાની ઈચ્છાના અગ્નિસંસ્કાર કરી દે. કેમકે સાચા પ્રેમનો અર્થ લાગણી જ છે તૂં એને બંધન ના બનાવ..."
બંને અલગ થયાને આજે એકાદું વર્ષ થયું હશે ને રાજ ફરી મંચ પર પોતાની નવી ઓળખ સાથે લોકો સામે છે આજે બધા એને મિતરા કે રાજના નામથી નહીં પણ સંગાથીના નામે ઓળખે છે. એક એવો સંગાથી જેણે બધું ભૂલાવી દીધું પણ પ્રેમનો સાથ ના છોડ્યો.
અને એના ગીતોથી એણે બધાને કહ્યું કે પ્રેમ એક આઝાદી છે, એક લાગણી છે, એક સવાર છે, એક આથમતો સુરજ છે, એક અમાસનું અંધારું છે, એક અડધા ચંદ્રની ચાંદની છે, એક સાગરને ભેટવા નિકળેલૂ ઝરણું છે, એક ખિલ્યા વગરનું ફુલ છે, એક શોર વગરનો કિલ્લોલ છે, ટોળાંમાં એકાંત છે, વાદળની ગર્જના છે, વરસાદની હેલી છે અને હા આ જીંદગીની સૌથી અઘરી પહેલી છે.
પણ પ્રેમ બંધન તો નથી જ...!

