પ્રેમ : લાગણી કે બંધન - 5
પ્રેમ : લાગણી કે બંધન - 5
રાજના ગયા પછી વિધી જાણે જીવવાનું ભૂલી ગઈ હતી. એના પિતાને ખૂબ ચિંતા થતી હતી એ જ્યારે પણ એને જોતા તો એમને થતું કે આટલી નાની ઉંમરે વિધિ ખૂબ ગંભીર બની ગઈ હતી. એના જીવનમાં નવો વળાંક લાવવા, તેના ચહેરા પર હાસ્ય રેલાવવા, તેના સપના પુરા કરવા અને રાજને હંમેશા માટે તેના જીવનની સારી યાદ બનાવવા માટે તેમણે તેના બીજે લગ્ન કરવાનું નક્કી કર્યું. એમને હતું કે તે કોઈ નવા વ્યક્તિને મળશે તો કદાચ રાજની યાદ ઓછી થઈ જશે !
વિધીના પિતાએ તેમના એક મિત્રના દીકરા સાથે વિધિ ના લગ્ન નક્કી કર્યા. લગ્ન પહેલા વિધિ અને રાજના સંબંધો વિશે કહી દીધું અને એમ પણ કહ્યું કે જો તમને મંજૂર ના હોય તો તમે ના પાડી શકો છો !
આમ જોવા જઈએ તો સમર પાસે હા કહેવાનું કોઈ કારણ નહોતું અને કોણ છોકરો એવી છોકરી સાથે લગ્ન કરે જે જાણતો હોય કે એને એની પત્નીનો પ્રેમ મળશે કે નહીં તેની કોઈ બાંહેધરી નથી. દરેક વ્યક્તિ પોતાના સાથીમાં પ્રેમ અને વિશ્વાસ શોધતા હોય છે પરંતુ કોઈ તેની ધીરજ, સહનશીલતા કે પોતાના સાથીનો ત્યાગ સ્વીકારવા માંગતા નથી. સમર બધી વાત સાંભળ્યા પછી બીજું કંઈ સમજ્યો હોય કે ના પણ વિધીનું દુઃખ સમજતો હતો, તેની લાગણીઓને કેટલી હદે ઠેસ પહોંચી છે તે અનુભવી શકતો હતો. ઉપરથી તેના પરિવારની આ સચ્ચાઈ અને વિધી સાથે થયેલા આ અન્યાયને સમજતો હતો. જે થયું તેમાં કોઈનો વાંક ન હતો અને વિધી તો જાણે કુદરતની સામે લાચાર હતી. આ બધી ઘટનાઓ સહજ ના હતી પણ કદાચ આ ઘટનાઓ નસીબમાં લખાયેલી હતી એવું વિચારી સમરે લગ્ન માટે હા કહી.
પરિવારના દરેક સભ્ય ખુશ હતા. વિધી અને સમરના વિધિવત લગ્ન થયા. ખુશી ખુશી વિધિને સાસરે વળાવી. લગ્ન સુધીના સમયગાળામાં સમર તેની સાથે મિત્રતા કરવામાં સફળ રહ્યો. સમરે વિધીને સમય અને પ્રેમની હૂંફ આપી એટલે વિધી તેની સાથે હળીમળી ગઈ. જેમ નાના બાળકને કોઈ મનાવે અને પ્રેમ કરે, એને ખુશ રાખવાનો પ્રયત્ન કરે, એ બાળકને પોતાના જીવથી વધુ ચાહે એમ સમર પણ વિધિને લાડ લડાવતો. બંને વચ્ચે આ મિત્રતા જોઈએ તેના પપ્પા પણ ખુશ હતા અને નિશ્ચિંત હતા કે વિધિનું ભવિષ્ય હવે સુરક્ષિત છે.
લગ્ન પછી સમર અને વિધિ વિદેશમાં આવી ગયા. સમર એક મોટી કંપનીમાં કામ કરતો હતો અને ઘણી મહેનત પછી ખૂબ સમજાવ્યા બાદ તેને વિધિ ને બહાર જઈને કામ કરવા માટે તૈયાર કરી હતી. કેમકે એને થતું કે જો વિધિ બહાર જશે નવા લોકોને મળશે તો કદાચ તે પોતાના ભૂતકાળને ભૂલી શકશે અને આનંદથી રહી શકશે. એ માટે તેને પોતાના એક મિત્રની હોસ્પિટલમાં વિધિને કામ કરવા માટે તૈયાર કરી.
સમર તેના માટે કંઈ પણ કરી છૂટે છે એવું વિધી તો જાણતી હતી પરંતું સમરના અથાગ પ્રયત્નો પછી પણ વિધિ રાજને તો નહતી જ ભૂલી. એને ઘણીવાર થતું કે રાજ વિશે જાણવાનો અધિકાર સમરને છે પણ એ ડરતી હતી તે કદાચ આ જાણીને તેમનો સંબંધ ખાટો ન પડી જાય, તે અંદરને અંદર ઘૂંટાયા કરતી હતી. પણ પછી એ નક્કી કર્યું કે તે રાજ ને હંમેશા માટે પોતાના જીવનમાંથી ભૂલાવી દેશે અને તેમની યાદોની સાથે જીવવા લાગી. તેને જરાય ખ્યાલ નહોતો કે સમર તેના ભૂતકાળ વિશે બધુ જ જાણે છે. કેમકે સામાન્ય રીતે સમર ક્યારેય તેની સાથે તેના ભૂતકાળની વાતો કરતો જ નહીં.
અને આખરે સમર નો પ્રેમ, તેની ધીરજ, વિશ્વાસ અને અખૂટ સમજદારી અને લાગણીઓ એક જીવતી લાશમાં પ્રાણ લઈ આવી. દુનિયાથી સાવ જુદી પડી ગયેલી વિધિ ને પ્રેમ અને લાગણી ના તાંતણે બાંધી એક નવી દુનિયા બનાવી. રાજનું સ્થાન મેળવવાનો પ્રયત્ન તેણે ક્યારેય કર્યો નહોતો પણ સમર વિધીના જીવનમાં એક મહત્વનું સ્થાન બનાવી શક્યો હતો. હવે તેના જીવનનું એક જ ધ્યેય હતો કે વિધિને પ્રેમ કરવો અને એને ખુલ્લા દિલથી જીવતા શીખવવું અને આશ્ચર્યની વાત એ હતી કે એ પોતાનો ધ્યેય હાંસલ કરવામાં સફળ રહ્યો.
બંને એકબીજા સાથે ખુશ હતા. હા ક્યારેક-ક્યારેક વિધી રાજને યાદ કરતી પણ હવે તેને યાદ કરી ને રડતી નથી. તે મનમાં રાજ વિશે વિચારતી અને કહેતી કે ખરા પ્રેમનો અર્થ સમજાવી અને લાગણીઓમાં કેદ કરીને એક નિર્દોષ અને મસ્તીખોર જેલર આઝાદીની ચાવી લઈને ચાલ્યો ગયો. આમ, હસતા રમતા આ પરિવારમાં રાજની કેટલીક મીઠી યાદો હજી જીવંત હતી.
સમર જ્યારે પણ એને ઉદાસ જોતો તો એના મનમાં થતું કે એ કદાચ એટલો સફળ નથી થયો કે તેને ખુશ રાખી શકે. બીજી બાજુ વિધિતો જાણતી જ ન હતી કે સમર કેમ આટલો અસ્વસ્થ થઈ જાય છે.
કાર્યક્રમ જે દિવસે હતો એ દિવસે તો વિધિ ખુબ ખુશ હતી પણ ત્યાં ગયા પછી શું થયું એ વાત તો સમરને ખબર જ નહતી. આ ભૂતકાળની આખી વાત સમર જાણતો હતો પણ વિધિના પિતાએ એને વચનમાં બાંધ્યો હતો કે વિધિ ને ખબર ના થવી જોઈએ કે તેનો ભૂતકાળ સમરને ખબર છે. પણ આજે વિધી આ વાત કેમ કરે છે એ વાત એને સમજાતી નહતી. અને આમેય આટલાં વર્ષો પછી તો વિધિ પણ રાજને ફકત સારા નરસાં સમયે જ યાદ કરતી અને એ વાતથી તો સમર ખુબ સારી રીતે વાકેફ હતો. વિધી એના ભૂતકાળને યાદ કરીને સમરને કહી રહી હતી પણ સમર એ જાણવા આતુર હતો કે ભૂતકાળને વર્તમાન સાથે શું સંબંધ છે કેમ વિધિ એ ક્ષણો, દિવસો યાદ કરી રહી છે જે એને ફક્ત ને ફક્ત તકલીફ જ આપી શકે છે. એ ત્યાં કોને મળી જેને જોઈને એને થયું કે મને આ બધી વાત કરવી જોઈએ.
વિધિની આંખમાંથી અશ્રુઓનો પ્રવાહ અવિરતપણે વહી રહ્યો હતો એટલે સમરે એને વચ્ચે જ અટકાવી દીધી અને કહ્યું "મને ભૂતકાળને જાણવામાં કોઈ રસ નથી. હું મારા વર્તમાનમાં તારી સાથે ખુશ છું અને તને ખુશ રાખવાના બધા પ્રયત્ન કરું છું. મને એ જાણવામાં જરાય રસ નથી કે ભૂતકાળમાં શું બન્યું હતું કેમકે મને ખબર છે કે આ વાત ને કહેવું તારા માટે ખુબ દુઃખદાયક છે." આમ કહીને તે વિધીને ચૂપ કરાવીને ઘરે લઈ આવ્યો.
બંને એ સાથે જમ્યું અને સૂઈ ગયા. એ રાતના અંધારામાં કાર્યક્રમમાં બનેલી એ ઘટનાનું રહસ્ય અકબંધ રહી ગયું.
નવી સવાર બંને માટે નવી જ હતી. ઉઠતાવેંત સમરે વિધીને કહ્યું કે "કાલની રાત સુધી જે બન્યું એ ભૂલાવી હું નવી શરૂઆત કરવા માંગુ છું ! શું તું આ શરૂઆતમાં મારી સાથે રહીશ ?"
વિધિએ પણ હકારમાં માથું ધૂણાવ્યું. બંને સાથે હસ્યા અને ઝડપથી તૈયાર થઈને કામ પર નિકળી ગયા. ત્યાથી ફરીથી એક સુંદર જીવનની શરૂઆત થઈ.

