પ્રેમ: લાગણી કે બંધન - 2
પ્રેમ: લાગણી કે બંધન - 2
બીજી બાજુ પ્રોગ્રામ જેવો પૂરો થયો કે સમર તરત જ વિધિને શોધવા લાગે છે. આખા પ્રોગ્રામમાં એને વિધિ ક્યાંય દેખાણી નહોતી એટલે એ ખુબ અધીરાઇથી એને શોધી રહ્યો હતો. આજે સમરે ખાસ આ કાર્યક્રમનું આયોજન વિધિ માટે જ કર્યું હતું કેમકે એ વિધિને ડ્રમ વગાડીને ખુશ કરવા માંગતો હતો. એની કંપનીએ એને ગુજરાતથી કલાકાર બોલાવવાની પણ મંજૂરી આપી હતી કેમકે એ જે ઓટોમોબાઈલ કંપનીમાં એ કામ કરતો એના માલિક ભારતીય હતા એટલે એમણે નવરાત્રીના આ કાર્યક્રમ કરવાનો સમર પ્રસ્તાવ ખુબ ગમ્યો હતો. આજે તો એની ખુશીનો કોઈ પાર જ નથી કેમકે એક તો એ મિતરાનો ખુબ મોટો ચાહક અને ઉપરથી એની વિધિ એને ડ્રમ વગાડતા જોવાની હતી. એ વિધિને સરપ્રાઈઝ આપવા માંગતો હતો એટલે એણે પહેલેથી એને કહ્યું જ નહતું કે એ આ કાર્યક્રમમાં ડ્રમ વગાડવાનો છે. એ આખા કાર્યક્રમ દરમિયાન વિધિને જ શોધી રહ્યો હતો. એને ઘણા લોકો એ અભિવાદન કર્યું કે ખુબ સરસ કાર્યક્રમ થયો અને એના બધા સાથીદારો પણ એને આમ ડ્રમ વગાડતો જોઈ આનંદમાં આવી એને શુભકામનાઓ આપતા હતા પણ... !
પણ સમર તો એ જાણવા આતુર હતો કે એની પત્નીને આ કાર્યક્રમ કેવો લાગ્યો ? ખાસ એનો સરપ્રાઈઝ ડ્રમ પ્લે કેવો લાગ્યો ?
પરંતુ એ ત્યાં ક્યાંય દેખાણી જ નહિ એટલે સમર અને એના મિત્રો વિધિને શોધવા લાગ્યા. અને અંતે શોધખોળ બાદ વિધિ બાંકડા પર સૂતેલી મળી. એ ઠંડીમાં થરથરતી હતી પણ એને જોઈને સમરના જીવમાં જીવ આવ્યો. એણે હાશકારો અનુભવ્યો પછી હળવેકથી એના પડખે બેઠો અને માથા પર હાથ ફેરવતાં એને વિધિને ઊંઘમાંથી ધીમેથી જગાડી.
વિધિએ આંખ ખોલી, રડવાથી એની આંખો રાતીચોળ થઈ હતી, ચહેરો ફિક્કો પડી ગયો હતો.
સમરે એને પ્રેમથી પૂછ્યું, "તું ઠીક છે? કેમ અહીં સૂતી છો? "
વિધિ પાસે જાણે આ પ્રશ્નનોના જવાબ હતા જ નહી એમ એ નિઃશબ્દ બની ગઈ હતી. પણ હજુય એનો સમર પર નો વિશ્વાસ અતૂટ હતો એમ એ સમરને ભેટી પડી અને રડવા લાગી. સમર સમજી ગયો કે જે પણ બનાવ બન્યો છે એ સ્વીકારવા અને મને કહેવા માટે વિધિને હિંમત અને સમયની જરૂર છે એટલે કંઈપણ બોલ્યાં, પૂછ્યા વગર એ વિધિને લઇને ઘરે પાછો આવ્યો. મનમાં તો એનાય ઘણું બધું હતું, જરીક ગુસ્સો અને એનો ઉત્સાહ મરી પરવાર્યો એનું દુઃખ પણ હતું પણ વિધિને આવી હાલતમાં જોઈ એ બધું ભૂલી ગયો. એને વિધિને શાંતિથી સૂઈ જવાનું કહ્યું.
વિધિને એ આરામદાયક પથારમાં પણ ઊંઘ નહતી આવતી. એ મનમાં જ કંઈક ગોઠવણ કરી રહી હતી. એ બસ એ ક્ષણો ભૂલવા માંગતી હતી જે આજે કાર્યક્રમમાં એને વિતાવી હતી. એની આંખો તો અનરાધાર વહી રહી હતી અને ગળે ડૂમો બાઝી ગયો હતો. એક શબ્દ પણ એના મોઢેથી નિકળતો ન હતો.
એ આખી રાત તો એમજ જતી રહી અને સવારે પણ ઉઠતાવેંત વિધિ હોસ્પિટલ જતી રહી. સમર જાગ્યો ત્યારે વિધિ નિકળી ગઈ હતી એટલે એને થોડી નવાઈ લાગી કેમકે વિધિનો હોસ્પિટલ જવાનો સમય મોડો હતો અને એ ખુબ જલદી જતી રહી હતી. સમર ને એમ હતું કે ગઇ રાત્રે જે બન્યું એના વિશે સવારે વાત કરીશ પણ વિધિ કદાચ વાત કરવાના મૂડમાં હતી જ નહિ એટલે પછી સમર પણ નાસ્તો કરી તૈયાર થઇ ઓફિસ ગયો.
આખો દિવસ સમર બસ એમ જ વિચારતો રહ્યો કે વિધિથી જલદી વાત થઈ જાય પણ વિધિ એના ફોનનો પણ જવાબ આપતી નહતી. એના ગઈ રાતના કાર્યક્રમના ઢગલાબંધ અભિવાદનનાં ફોન આવી રહ્યા હતા પણ એનું મન તો વિધિને શોધી રહ્યું હતું.
સાજે સમર ઘરે પરત ફર્યો પણ એને જોયું વિધિ હજુ સુધી આવી નથી. આટલી વાર તો એને એમ કે એ કદાચ સમય મળે એટલા માટે એનાથી વાત નથી કરતી પણ હવે સમરને ચિંતા થવા લાગી કેમકે વિધિ ક્યારેય આવું નાદાનીભર્યું વર્તન ના કરતી. એની દરેક પળની માહિતી એ સમરને આપતી પણ છેલ્લા કેટલાક કલાકથી એ જાણે ખોવાઈ જ ગઈ હતી.
સ્વર્ગની અપ્સરા જેવી છોકરી મુરઝાયેલા ફૂલ જેવી થઈ ગઈ. ગરબાના તાલે ભાન ભૂલી ને રમતી એ ગુજરાતણ ભૂતકાળના અંધકારમાં ડૂબી ગઈ. પતંગિયાની જેમ ચહેકતી એ અદભૂત કૃતિ નવરાત્રિ પૂરી થયા પહેલાં જ થાકી ગઈ.
સમર હાંફળો ફાંફળો હોસ્પિટલમાં પહોચી ગયો. વિધિ ત્યાં એકલી બેઠી હતી. એની સાથે કામ કરવાવાળા અને દર્દીમાંથી કોઈ હાજર નહતું. સમર વિધિના આ વર્તનને કારણે ખુબ ગુસ્સામાં હતો અને ખરેખર આવું ગેરજવાબદાર વર્તન યોગ્ય પણ નથી.

