પ્રેમ : લાગણી કે બંધન - 1
પ્રેમ : લાગણી કે બંધન - 1
શરદ પૂનમની અદ્ભુત રાત હતી. વિદેશી ધરતી પર ગુજરાતી ગરબાને તાલે ગરબા રમવા ખેલૈયાઓ એકદમ ઉત્સાહથી તૈયાર હતાં. આખો હોલ રંગબેરંગી લાઈટ અને સુગંધિત ફૂલોથી શણગારેલો હતો. ખુબ મોટી સંખ્યામાં ભારતીયો અને અમુક વિદેશી ચાહકો પણ આ મહેફિલમાં નજરે પડી રહ્યાં હતાં.
ત્યાં એક સુંદર છોકરી પ્રવેશી, ચણિયાચોળીમાં અપ્સરા આભેથી ઉતરી હોય અદ્દલ એવી લાગતી હતી. ગોરો વાન, ટટ્ટાર શરીર, નખરાળી આંખો, માસુમ ચહેરો, ખુલ્લા વાળ અને ઉડતી લટ જાણે ઘાયલ જ કરી મૂકશે, ગરબા રમવાની ખુશી ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી, આંખોથી ઉતાવળે એ રાહ જોઈ રહી હતી કે ક્યારે કાર્યક્રમ શરૂ થશે. ચંચળ એટલી હતી કે આખા હોલમાં પતંગિયાની માફક ઊડી રહી હતી. જોનારા તો જાણે આ સુંદરતાને આંખોમાં ભરતા હોય એમ એકીટશે જોઈ રહ્યાં હતાં.
અદ્લ કોઈ ગઝલ જેવી છોકરી.
(થોડીક ક્ષણો પહેલાં...)
"વિધિ, જરાક ઉતાવળ કરો, કાર્યક્રમ શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે અને આજે તો ગુજરાતથી ગીતકાર આવવાના છે. "
અવાજ સાંભળતા જ વિધિએ પાછળ વળીને જોયું અને બોલી," અરે સમર, આજે તો ગરબાનો દિવસ છે મારે તૈયાર તો ઝડપથી થવું જ પડે ને! ચાલો જઈએ હું હવે તૈયાર છું. "
આમ, વાતચીત કરતું આ યુગલ કાર્યક્રમમાં પહોંચી ગયું. પેલી પતંગિયા જેવી ઉછળકૂદ કરતી ગઝલ જેવી છોકરી બીજું કોઈ નહીં પણ આ વાર્તાલાપમાં જે છે એજ વિધિ."
બસ, થોડીક જ વારમાં કાર્યક્રમની શરૂઆત થઈ, બધા ગુજરાતી તો જાણે સ્વર્ગમા આવ્યાં હોય એટલા ખુશ જણાતા હતાં. વાંજીત્રોના તાલ સાથે ગરબાની રમઝટ શરૂ થઈ અને જે ક્ષણની બધા જ અને ખાસ આ કાર્યક્રમનું આયોજન કરનાર સમર પણ ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ ઘડી આવી ગઈ. દરેક ગુજરાતીના હૃદય સમ્રાટ અને માં અંબાના સંતતિ જે પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરે છે એવા 'ગરબા કિંગ' નું મંચ પર જોરદાર અને ભવ્ય સ્વાગત થાય છે. આમ અચાનક 'મિતરા'નું આગમન બધાને પ્રફુલ્લિત કરી મૂકે છે પણ...!!!
પણ વિધિ તો આ જોઈને હચમચી જાય છે. આખા શરીરે એક અજીબ પ્રકારની ધ્રૂજારી છૂટે છે. આંખો એવી સ્તબ્ધ થઇ કે પલકાર ચૂકી જાય છે. એનો ચહેરો એવો તો ફિક્કો પડી ગયો જાણે ભૂત જોઈ લીધું હોય. એના મનમાં કોણ જાણે કેટલીય ગુચંવણો ઉદભવે છે.એનું મન વિચારોના વંટોળમાં ઘેરાઈ જાય છે. ત્યાં ઘોંઘાટમાં પણ એનું હૃદય શાંત પડી જાય છે. જુના દ્રશ્યો એની સામે આવી જાય છે. જે ભૂતકાળ એ સંપૂર્ણ ભૂલાવી ચૂકી હતી એ નજર સમક્ષ ચલચિત્ર બની દેખાવા લાગે છે. એ એવી રીતે જોઈ રહી હતી જાણે આ આખી ઘટના એને અસ્વીકાર્ય હોય. એના ચહેરા પર ડરની રેખાઓ સ્પષ્ટ રીતે વંચાતી હતી અને એ ગભરાટમાં હૉલમાંથી બહાર નિકળી જાય છે.
બહાર નિકળીને એ આંગણના બગીચામાં બાંકડા પર જઈને બેસે છે. સપ્ટેમ્બરની ઠંડી રાત અને ઉપરથી સુમસામ બગીચો, કોઈ ચહલપહલ નહતી બસ વિધિના રડવાનો અવાજ રાતની નિરવ શાંતિને ચીરી રહ્યો હતો. એ પોતાને વ્યક્ત કરવાની સ્થિતિમાં જ નહતી પણ એ અંદરોઅંદર જ ઘૂંટાઈ રહી હતી. જ્યારે આપણા જીવનમાં એક ક્ષણે સ્થિરતા આવી હોય અને કોઈ નાનકડું પણ ઝોકું આવી જાય તો એવું લાગે જાણે બધુ વિખેરાઈ રહ્યું છે અને હાથમાંથી સંબંધો જાણે સરી રહ્યા છે, શું કરવું એની સૂઝ ના પડે અને ક્યાં જવું એનો રસ્તો ય ના જડે, કોણ આ બધી વાતને સમજી શકે અને સાંત્વના આપશે એ પણ સ્પષ્ટ ના હોય ત્યારે જેવા ભાવો ઉત્પન્ન થાય એવું જ વિધિ સાથે ઘટી રહ્યું હતું. ઠંડીના કારણે એનું શરીર સુન્ન પડી ગયું ને એ કડકડતી ઠંડીમાં એ ત્યાં જ બાંકડા પર ટૂંટિયું વાળી ઊંઘી ગઈ જાણે આ બધી બધી વ્યથાઓમાં બંધાયેલી એ મુક્ત થઈ હોય એવો ચહેરા પર શકન થયો અને એ બેહોશ થઈ ગઈ.

