STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Drama Crime Thriller

4  

Prashant Subhashchandra Salunke

Drama Crime Thriller

પ્રેમ હત્યા (ભાગ ૯)

પ્રેમ હત્યા (ભાગ ૯)

4 mins
24.3K

સપનામાં રિવોલ્વરમાંથી ગોળીઓ છોડવાની કરેલી ભૂલ અને અત્યાર સુધી વાંચેલી રહસ્યકથાઓમાં ખૂનીએ કરેલી ભૂલો પરથી બોધપાઠ લઈને જ આકાંક્ષા ઘરેથી મહાત્મા કેનાલ આવવા નીકળી હતી! વળી પોતાના પર કોઈને શંકા ન જાય એટલે એ પહેલાં રેલ્વેસ્ટેશન ગઈ. ત્યાં જઈ એણે પોતાના પિયરના ગામની ટીકીટ કઢાવી પછી તે રેલ્વે સ્ટેશનમાંથી બહાર આવી. અને બીજી બે ત્રણ રીક્ષાઓ બદલતી બદલતી તે મહાત્મા કેનાલ સુધી પહોચી હતી. મહાત્મા કેનાલથી થોડે દૂર રીક્ષામાંથી ઉતરી તે અહીંયા સુધી ચાલતી આવી હતી. ઘરમાંથી નીકળતા પહેલાં એણે પોતે પહેરેલા ઘરેણા અને મોબાઈલ લોકરમાં સાચવીને મૂકી દીધેલા કારણ રહસ્યકથાઓમાં એણે ઘણીવાર વાચ્યું હતું કે પોલીસ મોબાઈલ ફોન ટ્રેસ કરી અપરાધીનું લોકેશન જાણી લે છે. અથવા ભૂલથી શરીર પરથી કોઈ દાગીનો ઘટનાસ્થળે પડી ન જાય એ માટે જ એણે ઘરેણાં કાઢી નાખ્યા હતાં. ઘરેથી નીકળતા પહેલાં એણે જીન્સ પેન્ટ અને ઉપર લુઝ ટીશર્ટ પહેરી લીધા હતાં. કદાચ કપડા લોહીવાળા થાય તો રસ્તામાં ક્યાંક બદલતા ફાવે એટલે વધારાનું એક જીન્સ પેન્ટ અને લુઝ ટીશર્ટ પણ બેગમાં ભરી સાથે લીધા હતાં. ઠંડા પાણીની બોટલ, ટોટી, (સામાન્ય રીતે વાહનમાંથી પેટ્રોલ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રબ્બરની ટોટી), ટોર્ચ, ધારદાર અસ્તરો, સાફ કપડું, દીવાસળીની પેટી થોડી ખાલી પ્લાસ્ટીકની થેલીઓ અને બે ત્રણ પ્લાસ્ટીકની ખાલી બોટલો પણ સાથે લીધી હતી. અહીં વહેલા આવી એણે કેનાલની આસપાસની જગ્યાનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હતો. તેથી જ એ જાણી ગઈ હતી કે કેનાલની આજુબાજુ ભૂલથી પણ કોઈ માણસ ફરકતું નથી! વળી એણે કેનાલની બાજુમાં જ ખોદેલો એક મોટો ખાડો પણ જોઈ રાખ્યો હતો. આમ ઘરેથી તે ઠંડા કલેજે બંનેના ખુન કરવાના ઈરાદાથી જ નીકળેલી.

હવે એણે સૌથી પહેલું કામ વ્યોમેશ અને જુલીના શરીર પર પહેરેલા દાગીના તથા બંનેના હાથમાંથી કાંડા ઘડિયાળ પણ કાઢીને સાથે લાવેલ બેગમાં મૂકી દીધા. ત્યારબાદ એણે બંનેના મોબાઈલ સ્વીચ ઓફ કરી બેગમાં નાખી દીધા. જુલીના અને વ્યોમેશના કપડા પર લાગેલા બધા બટનો કાઢી લીધા ત્યારબાદ વ્યોમેશના શર્ટના કોલરની પાછળ લાગેલું ટેગમાર્ક પણ કાઢી લીધું. વ્યોમેશના પેન્ટ પરનો બેલ્ટ કાઢી લીધો. તથા વ્યોમેશના પેન્ટના ખિસ્સામાંથી મનીપર્સ, ગાડીની ચાવી, હાથરૂમાલ, સિગારેટનું પાકીટ, લાઈટર અને બીજી પરચુરણ વસ્તુઓ પણ કાઢી લીધી. અચાનક એની નજર દૂર પડેલા જુલીના પર્સ પર ગઈ. એણે તરત એ પર્સ ઊંચકી લીધું, એમાં જુલીના ફ્લેટની ચાવી હતી. પર્સમાંથી ફ્લેટની ચાવી કાઢી લઈ પર્સ બંધ કરી બેગમાં મૂકી દીધું. આમ બંનેના શરીર પરથી લીધેલી તમામ વસ્તુઓ એણે પોતાની સાથે લાવેલ બેગમાં મૂકી દીધી. હજુપણ કંઈ રહીતો નથી જતુંં ને એમ વિચાર કરી એણે ફરી એકવાર બંનેના કપડાં, ખિસ્સા વગેરે તપાસી જોયા. પછી જુલીના પર્સની જેમ બીજી કોઈક વસ્તુઓ આસપાસ ક્યાંય પડી તો નથીને, એ જોવા માટે બેગમાંથી ટોર્ચ કાઢી જમીન પર પ્રકાશ ફેંક્યો. ટોર્ચના અજવાળામાં એની નજરે સિગારેટનું એક ઠુંઠું પડી રહેલું જણાયું. સિગારેટના ઠુંઠા પાસે જઈ એણે એ તરત ઊંચકી સાથે લાવેલ બેગમાં મૂકી દીધું. ટોર્ચના સીમિત અજવાળાના કુંડાળામાં આસપાસની વધુ જગ્યાઓ ઉપર પણ તેણે નજર ફેરવી લીધી. અને કશુંજ રહી જતું નથી એની સંપૂર્ણ ખાત્રી થતાં, પાછી બંનેના મૃતદેહ પાસે આવી. હવે એ પૂરી તાકાતથી જુલી અને વ્યોમેશના મૃતદેહોને ખાડા પાસે ઢસડી લાવી પછી બેગમાંથી અસ્તરો કાઢ્યો. એ ધારદાર અસ્ત્રા વડે એણે બંનેના માથા પરના વાળ કાઢવાનું શરૂ કર્યું. એકપણ વાળ જમીન પર ન પડે એની તકેદારી રાખીને બંનેના માથા પરના બધા વાળ ઉતારી લીધા. અને સાથે લાવેલ થેલીમાં ભરી લીધા. એ પછી એણે ટોર્ચને મોઢામાં મૂકી તેના પ્રકાશ વર્તુળમાં બંનેના શરીર પર અસ્તરો ફેરવી શરીર પરના તમામ વાળ ઉતારી લીધા, તેને પણ માથાના વાળ ભરેલી થેલીમાં મૂકી દીધા. પછી તેણે બંને મૃતદેહના શરીર અને માથા પર વારાફરતી ટોર્ચનો પ્રકાશ ફેંકી ક્યાંય વાળ રહી નથી ગયા એની ખાત્રી કરી લીધી. કારણ એ જાણતી હતી કે ડીએનએનો પુરાવો પોલીસના હાથ ન લાગે એ માટે આ કરવું ખુબ જરૂરી હતું. હવે, સાથે લાવેલ સ્વચ્છ કપડાના ટુકડા વડે અસ્ત્રાને બરાબર સાફ કરી ખાડામાં અસ્ત્રો ફેંકી દીધો. અને કપડું વાળવાળી થેલીમાં મૂકી દીધું. પછી તે વ્યોમેશની કાર પાસે ગઈ. કારમાં ઘરે પાછું જવાય એટલું પેટ્રોલ રહે એ રીતે પેટ્રોલની ટાંકીમાંથી સાથે લાવેલ ટોટી દ્વારા મોં વડે ત્રણ બોટલ જેટલું પેટ્રોલ ખેંચીને પ્લાસ્ટીકની બોટલમાં ભર્યું. બોટલો લઇ તે મૃતદેહો પાસે આવી અને એણે બોટલમાંનું પેટ્રોલ બંને મૃત શરીર પેટ્રોલથી તરબોળ થઇ જાય એ રીતે રેડ્યું. એણે હાથના પંજા ઉપર વધારે પેટ્રોલ નાખવાનું ધ્યાન રાખ્યું. જેથી હાથ સંપૂર્ણપણે બળીને નાશ પામવાથી ભવિષ્યમાં ફિંગરપ્રિન્ટ મળી આવવાની શક્યતા રહે નહિ. એણે ઝનૂનપુર્વક હોઠ પીંસી બંને લાશોને ખાડામાં ધકેલી દીધી. અને અર્ધી એક બોટલ જેટલું પેટ્રોલ રહે તે રીતે બોટલમાંનું પેટ્રોલ ખાડામાં ધકેલી દીધેલી લાશો ઉપર ઢોળ્યું. અને હળવેકથી દીવાસળીની પેટીમાંથી કાંડી કાઢી ઠંડા કલેજે સળગાવી ખાડામાં નાખી. એ સાથે જ ભડ....ભડ.. કરતી બંને લાશ સળગવા માંડી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Drama