પ્રેમ હત્યા ભાગ : ૮
પ્રેમ હત્યા ભાગ : ૮
જુલીનો ચહેરો લોહીથી ખરડાઈ ગયો. આકાંક્ષાએ ફરી પાવડો ઉચક્યો અને હવે તે જુલી તરફ આગળ વધી. જુલીએ બે હાથ જોડી એણે વિનંતી કરતાં કહ્યું “મને માફ કર બેન, મને જવા દે... હું કોઈને કશું નહિ કહું... મને જવા દે..”
આકાંક્ષા પાવડાને એક હાથમાંથી બીજા હાથમાં લેતાં ત્યાંજ જમીન પર નીચે બેસી ગઈ. આકાશમાં વીજળી ઝબકી એના અજવાળામાં પવનથી ઉડતી લટોવાળી આકાંક્ષાનો દેખાવ એકદમ ભયાનક લાગી રહ્યો હતો. પાવડાને જમીન પર જોરથી પછાડતાં એ ક્રોધથી બોલી “એવું બોલ ને...”
રાત્રીના ગહન અંધકારમાં પાવડાના એ અવાજે જુલીને ધ્રુજાવી મૂકી લથડતા સ્વરે જુલી બોલી “કેવું સુરેખા....કેવું હું બોલું... બોલને” જુલીની છેક નજીક આવી આકાંક્ષા બોલી “હટો. છોડો મને...જવો દો ને.” બેશરમ તું જાણે છે.. મારી આંખ સામે તમારા આવા ચેનચાળા જોતા મારા દિલ પર કેવી વિતી હશે?”
જુલી બોલી ‘સુરેખા મને માફ કર ..મને જવા દે...”
પૂરી તાકાતથી જુલીના માથા પર પાવડાનો પ્રહાર કરતા આકાંક્ષા જોશથી બોલી “માફી ભૂલની હોય છે......” અને જુલીની ખોપરીના મધ્યભાગમાં બીજો એવો જ જોરદાર ફટકો મારતા બોલી “ધોખાની માત્ર સજા હોય છે......” જુલી એ જીવલેણ ઘા જીરવી ન શકી... એ નિર્જીવ બની ત્યાંજ ઢળી પડી. આકાંક્ષા હજુપણ જુલીના દેહ ઉપર આક્રોશપૂર્ણ ચહેરે પાવડાના ઉપરાછાપરી ઘા ફટકારી રહી હતી. પણ હવે જુલીના એ નિર્જીવ શરીર ઉપર એની કોઈ અસર થવાની નહોતી. આખરે પાવડો ફેંકી આકાંક્ષા જુલીના શબ પાસે આવી. એના ચહેરા પર આવેલા વાળને સરખા કરતી એ ઘડીભર એના મુખને નિહાળી રહી. “તારા આ જ સુંદર મુખડા ઉપર મારો પતિ મોહ્યો હતોને?” અને એણે વ્યોમેશના લોહીથી લથબથ થયેલો પથ્થર હાથમાં લઈ જુલીના ખૂબસુરત ચહેરા પર ઝનુનપૂર્વક ઝીંક્યો. જુલીના છૂંદાયેલ એ ચહેરા પર એક આખરી નજર નાખી. આકાંક્ષા ફસડાઈ પડી. રૂદનથી ભરપુર ઉભરાતી આંખોને આ દ્રશ્ય તરફથી ખસેડી લઈ વિલાપભર્યા સ્વરે બોલવા માંડી. “હે ઈશ્વર, આ તેં મારા હાથે કેવો અનર્થ કરાવ્યો? જેની લાંબી ઉમર માટે હું વ્રત કરતી હતી એ મારા પ્રેમની જ તેં મારા હાથે હત્યા કરાવી? પ્રેમ હત્યા કરાવી? પણ હું પકડાવા માંગતી નથી... ના.. હું પકડાઇશ નહિ.... બિલકુલ નહિ... આ વાસનાથી ખદબદતા કીડાઓને મારી મેં કોઈ ગુનો કર્યો નથી તો હું શા માટે જેલની સજા ભોગવું?”
(ક્રમશ:)
