પ્રેમ હત્યા (ભાગ ૬)
પ્રેમ હત્યા (ભાગ ૬)
ક્લબમાંથી બહાર આવી આકાંક્ષા રોતી બિલખતી સીધી ઘરે પહોંચી. ઘરે પહોંચતા જ એ પલંગ પર ફસડાઈ પડી. વ્યોમેશે બોલેલાં કટુ વચનો એ એનું કાળજું ચીરી નાખ્યુ હતું. પોતે કરેલાં ત્યાગ, બલિદાનનો વ્યોમેશે આવો બદલો આપ્યો? વ્યોમેશે આજે નિષ્ઠુર બનીને એના પવિત્ર પ્રેમની હત્યા કરી હતી. એણે મારા પ્રેમની હત્યા કરી છે તો હું પણ એની પ્રેમ હત્યા કરીશ....” એવા વિચારો સાથે એની આંખ મીંચાઈ ગઈ. અને તે નિંદ્રામાં સરી પડી.
અંધકારથી ભરેલા સૂનકારમાં અચાનક આકાંક્ષાની આંખ ખુલી ગઈ. એણે જોયું તો સામે પલંગ પર એના વિશ્વાસને કચડી નાખનાર વ્યોમેશ મીઠી નીંદર માણી રહ્યો હતો. આજે સાંજે પાર્ટીમાં જુલી સાથેના એના ચેનચાળા જોતા આકાંક્ષાની આંખોમાં લોહી ઉતરી આવ્યું. પલંગના ગાદલા નીચે દબાવી રાખેલી પિસ્તોલ હાથમાં લઇ એ ધીમે પણ મક્કમ પગલે વ્યોમેશ તરફ આગળ વધી. વ્યોમેશ ગાઢ ઊંઘમાં હતો. આકાંક્ષા એ નજીક જઈ હાથમાંની પિસ્તોલ કપાળ પર તાકી હોઠ ભીંસી નફરતભરી નજરે જોઈ આવેશમાં આવી જઈ એક પછી એક ફાયર કર્યા. એ સાથે લોહીની છોળ ઊડી અને વ્યોમેશ મોતની ગાઢ નિંદ્રામાં પોઢી ગયો. એ છતાં આકાંક્ષાનો ક્રોધ હજુ શમ્યો ન હતો. એણે લગાતાર ફાયરીંગ ચાલુ જ રાખ્યું. આખરે પિસ્તોલની બધી જ ગોળીઓ ખલાસ થઇ ગઈ. તો પણ તે પિસ્તોલની ટ્રીગર દબાવ્યા જ કરતી હતી. અને તેને ભાન થયું કે પોતે વ્યોમેશને મારી નાખ્યો છે. આમ જુસ્સો ઉતરતાં આવેશમાં આવી જઈ પોતે શું કરી બેઠી છે એનું ભાન થતાં આકાંક્ષા હવે ગભરાઈ ગઈ. ઝડપથી પલંગ પર પડેલા ખૂનથી લથબથ વ્યોમેશના મૃતદેહને ઊંચકી એણે હટાવવાનો પ્રયાસ કર્યો. ત્યાંજ ધાડ...ધાડ... કરી કોઈક દરવાજો ખખડાવવા લાગ્યું. આકાંક્ષા કંઈ સમજે એ પહેલાં જ પોલીસની સાયરન વચ્ચે બહાર જામેલાં ટોળાનો “ખુન...ખુન...” કરતો અવાજ સંભળાવવા લાગ્યો.
અને આકાંક્ષા પથારીમાંથી ઝબકીને જાગી ગઈ. તેનું આખુ શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું હતું. માથું સખત દુઃખતું હતું “ખુન.. ખુન...ના અવાજો સંભળાતા હતાં. ચકળવકળ આંખે એ કમરામાં દ્રષ્ટી ફેરવવા લાગી. વ્યોમેશનો પલંગ ખાલી હતો. પોતે કોઈ ભયાનક સ્વપ્નું જોયું છે એનું ભાન થતાં જ એણે હાશકારો અનુભવ્યો. એણે ઘડિયાળમાં જોયું તો હજી રાતના ૧૧.૧૫ જ થયેલા. વ્યોમેશ હજી ઘરે આવ્યો નહોતો. પાર્ટી પૂરી થયા બાદ એ જુલીને લઇને મહાત્મા કેનાલ પર ફરવા જવાનો હતો એટલે એને સહેજે ઘરે આવતાં ૧૨.૩૦ થવાના જ હતાં. પોતાને આવેલા સપનાને યાદ કરતા આકાંક્ષાએ વિચાર્યું “ના.... મારી લાગણીઓને છિન્નભિન્ન કરનારાઓને આટલું સહેલું મૃત્યુ ન હોય. જેટલું એમણે મને તડપાવી છે મૃત્યુ પહેલા તેઓ પણ એટલા જ તડપવા જોઇએ... પેલી જુલીએ મારી માફી માંગવી જ પડશે...”
આમ વિચારી આકાંક્ષા ઝડપથી ઉભી થઇ. બાથરૂમમાં જઈને ફ્રેશ થઇ. બહાર આવી જીન્સ પેન્ટ અને ટીશર્ટ પહેરી તૈયાર થઈ. પોતાના શરીર પરના બધા દાગીના કાઢી એણે લોકરમાં મૂકી દીધા. મોબાઈલ પણ એણે લોકરમાં મુક્યો. પછી કબાટમાંથી બીજી એક જોડ કપડાની કાઢી બેગમાં મૂકી. ફ્રિજમાંથી એક ઠંડા પાણીની બોટલ તથા બીજી ખાલી બોટલો અને જરૂરિયાતનો સામાન બેગમાં ભરી એ ઝડપભેર ઘરની બહાર નીકળી ગઈ. બહાર નીકળી એણે એક રીક્ષા ઊભી રખાવી. રીક્ષાવાળાને રેલ્વેસ્ટેશન લઇ જવાનું કહી. સીટ ઉપર માથું ટેકવી એણે વિચારવાનું શરૂ કર્યું.
(ક્રમશ:)
