પ્રેમ હત્યા (ભાગ : ૨૩ છેલ્લો હપ્તો)
પ્રેમ હત્યા (ભાગ : ૨૩ છેલ્લો હપ્તો)
આકાંક્ષાને વિચારમાં પડેલી જોઈ ઈ.મિહિરે મમરો મૂકતા કહ્યું ’સજા કાપ્યા પછી પણ ! કારણ મને ખબર છે જુલી ક્યારેય નહિ મળે !”
આકાંક્ષા થોથવાતા બોલી “હા બીજી લાશ જૂલીની જ છે.”
ઈ,મિહિર “હવે તમારા હેતુને હું કેવી રીતે સાબિત કરીશ તે સાંભળો. તમે ફોટા નષ્ટ કર્યા એનાથી મને કોઈ ફર્ક પડતો નથી. તમારા પતિના જુલી જોડે આડા સંબંધ હોવાના કારણે તમે બંનેની હત્યા કરી એ વાત અદાલતમાં ચપટી વગાડતાંમાં સાબિત થઇ જશે.”
આકાંક્ષા “કેવી રીતે ?”
ઈ.મિહિર “તમને કદાચ ખબર નહી હોય કે જુલી જ્યાં રહેતી હતી એ મકાન વ્યોમેશના નામ પર છે.”
આકાંક્ષા “હા.. છે જ ... અમે જુલીને એ મકાન ભાડે રહેવા આપેલું. હવે કોઈ સ્ત્રી ભાડેથી કોઈક મકાનમાં રહેતી હોય એનાથી એના મકાનમાલિક જોડે આડાસંબંધો હશે એ વાત સાબિત થતી નથી!”
ઈ.મિહિર “પણ કોઈ મકાન માલિક નિયમિત રીતે બે બે કલાક પોતાના સ્ત્રી ભાડવાતને મળવા જાય એનાથી તો સાબિત થાય ને ?”
આકાંક્ષા “અને એ સાબિત કેવી રીતે કરશો ?”
ઈ.મિહિર “આકાંક્ષા ભૂલી ગયા સી..સી..ટીવી..કેમેરા..”
આકાંક્ષા મૌન રહી.
ઈ.મિહિરે કહ્યું “તમારે હજુ કંઈ પૂછવું છે ?”
આકાંક્ષા એ નકારમાં માથું હલાવ્યું.
ઈ.મિહિર “તમને તમારા ક્રૂરતાભર્યા કૃત્ય ઊપર પસ્તાવો થાય છે ?”
આકાંક્ષા એ નકારમાં માથું હલાવતાં કહ્યું, “ના.... સાહેબ વ્યોમેશને મેં દિલોજાનથી પ્રેમ કર્યો હતો. આવા પ્રેમની હત્યા કરતાં મારો જીવ પણ બળી ઉઠ્યો હતો. પણ હું પણ શું કરું એ સમયે હું ખુબ ક્રોધમાં હતી. ભાન ભૂલેલી હતી. તમે જ વિચારો સાહેબ કોઈ સ્ત્રી પોતાના પતિને કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં ડૂબેલો કેવી રીતે જોઈ શકે ? બધાની હાજરીમાં અને તેમાં પણ પેલી બીજી સ્ત્રીની હાજરીમાં તેનો પક્ષ લઇ પત્નીને ગાળો આપે એ કેવી રીતે સાંખી લેવાય ? એ દિવસે હોટેલમાં જયારે મેં જુલીને મારા પતિ સાથે ચોંટી ચોંટી ડાન્સ કરતાં જોઈ ત્યારે મારો ક્રોધાગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠયો અને એમાંય જયારે મારા પતિએ બધાની વચ્ચે મને વાંઝણી કહી ત્યારે એ ક્રોધાગ્નિ પરાકાષ્ઠાએ પહોંચ્યો.”
ઈ.મિહિર “અને તે અગ્નિને તમે બે જીવોના લોહી વહેવડાવી શાંત પાડ્યો!”
આકાંક્ષા “તમે જ કહોને સાહેબ મેં કશું ખોટું કર્યું ? શું દગો આપનારને સજા ન થવી જોઈએ ?”
ઈ.મિહિર “ચોક્કસપણે થવી જોઇએ અને તે માટે જ સમાજે પોલીસતંત્રની રચના કરી છે. તમે ઈચ્છત તો આ જ મામલો સમજદારીથી પણ સુલઝાવી શક્યા હોત.. એ માટે તમારે આટલા ઝનુની બની ક્રૂરતાથી ભરેલું.. માણસાઈની હદ વટાવી ગયેલું કૃત્ય કરવાની કોઈ જરૂર નહોતી ! ખેર હવે તમને સમજાવીને શો ફાયદો ?” ઈ.મિહિરે સામે ઉભેલ મહિલા કોન્સ્ટેબલને કહ્યું “લઈ જાઓ આમને... હવે એમના ભવિષ્યનો ફેંસલો અદાલત જ કરશે.”
૦૦૦૦
માયાએ ઈ.મિહિરનો ખુબ ખુબ આભાર માન્યો. જવાબમાં ઈ.મિહિરે કહ્યું” તમારા પતિ સત્યેનને ન બચાવી શક્યો એ પીડા હમેશાં મારા હૃદયને કોરી ખાતી હતી. પણ હવે મારા મન પરનો બોજ હળવો થયો. ખરેખર તો મારે તમારો આભાર માનવો જોઇએ કે તમે આ કેસ મને સોંપી મારા મનનો ભાર હળવો કરવાનો મોકો આપ્યો.”
વતન પાછા ફરવા ઈ.મિહિર અને પાંડુરંગ બંને જીપમાં બેઠા રસ્તામાં પાંડુરંગે ઈ.મિહિરને પૂછ્યું, “સાહેબ, ક્યારનો મનમાં એક સવાલ ભમી રહ્યો છે. કૃપા કરી એનું નિરાકરણ કરશો ?”
ઈ.મહિર ‘બોલ પાંડુ....”
પાંડુરંગ “સાહેબ, ઈશુએ એમનું પહેલું પ્રવચન ક્યાં આપેલું ?”
ઈ.મિહિર “પાંડુ, ઈશુએ એમનું પહેલું પ્રવચન પર્વત પર પોતાના પહેલાં બાર શિષ્યોને દીક્ષા આપ્યા બાદ આપ્યું હતું. આ એમનું સૌથી મહત્વનું પ્રવચન છે. પોતાના જીવનનું સર્વ રહસ્ય તેમણે તેમાં ઠાલવ્યું છે.”
પાંડુરંગ “સાહેબ મારા માટે તો તમારૂ એક જ વચન સૌથી મહત્વનું લાગે છે.”
ઈ.મિહિર “એ કયું ?”
પાંડુરંગ “હત્યા સુરાગ છોડે છે.”
બંને હસી પડ્યા.
(સમાપ્ત)
