પ્રેમ હત્યા (ભાગ : ૨૨)
પ્રેમ હત્યા (ભાગ : ૨૨)
ઇન્સ્પેક્ટ મિહિરની વાત સાંભળી લીધા બાદ આકાંક્ષા બોલી “સાહેબ, આવા પુરાવાઓને આધારે અદાલતમાં તમે મને ખુની સાબિત કરવાનો છો ? મને કેવી રીતે ખુની સાબિત કરી શકશો ? વળી દરેક ખુન પાછળ કોઈક હેતુ હોવો જોઇએ પણ તમે એ પણ સાબિત નહી કરી શકો કારણકે મેં જુલી અને વ્યોમેશના સંબધો દર્શાવતો દરેક પુરાવો નષ્ટ કરી દીધો છે. અને ફક્ત માયાની ગવાહી કે એણે મને ગ્લોવ્ઝ પહેરીને કે કેનાલ પાસે ફોટા સળગાવતી વખતે કંઈક બબડતાં સાંભળી છે એવા વાહિયાત પુરાવાના આધારે તમે મને જેલના સળિયા પાછળ ધકેલવા નીકળ્યા છો. હું અદાલતમાં જુબાની આપીશ કે માયાનું જ વ્યોમેશ જોડે લફરૂ હતું તેથી એણે જ બન્નેની હત્યા કરી છે અને હવે એમાં મને ફસાવવા માંગે છે.
આમ હેતુની ઉણપ આ કાયદાની છટકબારીથી હું આરામથી છટકી જઈશ.” ઈ.મિહિર ‘એક્સલન્ટ...પણ આકાંક્ષા તને કદાચ ખબર નથી કે જુલી જે એપાર્ટમેન્ટમાં રહે છે એ એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા લાગેલા છે. તેથી એ દિવસે વ્યોમેશના ગયા પછી તું હાથમાં પેકેટ લઇ જુલીને મળવા ગઈ ત્યારના અને પછી જે દિવસે તને માયાએ જોઈ તે દિવસની તારા મોઢા પર ઓઢણી બાંધીને અંદર જતી અને પછી માયાની પાછળ પાછળ બિલ્ડીંગમાંથી બહાર નીકળતી વખતના બધા ફૂટેજ અમારી પાસે છે ! જે અમે કોર્ટમાં રજુ કરીશું. એટલે આપમેળે તું ડબલ મર્ડર કેસની ગુનેગાર સાબિત થઈ જઇશ. વળી બધા પુરાવાનો નાશ કરવાની લાહ્યમાં તેં એક બહુ મોટી ભૂલ કરી” આકાંક્ષા “કઈ ?”
ઈ.મિહિર “જે દિવસે પાર્ટીમાં તારો ઝગડો થયેલો એ દિવસે વ્યોમેશ જુલીને એના ઘરે છોડવા ગયેલો ત્યારથી જ એ ગાયબ છે બરાબર ?”
આકાંક્ષાએ પર્સમાંથી બે ટીકીટો કાઢી ઈ.મિહિર સામે મુકતા કહ્યું “હા.... પણ ઘટના સમયે હું આ શહરમાં જ નહોતી ! એ દિવસે વ્યોમેશ સાથે થયેલ ઝગડાને લીધે હું નારાજ થઇ બે દિવસ માટે મારા પિયર જતી રહી હતી અને આવતાવેંત જ મેં વ્યોમેશની માફી માંગવાનું વિચારેલું પણ એ ઘરે જ નહોતો. એને ફોન કરતાં એનો ફોન સ્વીચ ઓફ આવતો હતો તેથી છેવટે મેં વ્યોમેશના ગુમ થવાની પોલીસમાં કમ્પ્લેન પણ કરી હતી.”
ઈ.મિહિર “તો પછી એની કાર તારી પાસે કેવી રીતે પાછી આવી ?”
આકાંક્ષા “ચાલો લાશ વ્યોમેશની છે એ વાત સાબિત થઇ ગઈ પણ બીજી લાશ જૂલીની જ છે એ કેવી રીતે સાબિત કરશો ?”
ઈ.મિહિર “એ વાત તું જ અદાલતમાં કહીશ.”
આકાંક્ષા “એમ ? આવી ભલાઈનું કામ હું કઈ ખુશીમાં કરીશ ?”
ઈ.મિહિર “કારણ લાશ ગમે તેની હોય પણ તે મળી તો વ્યોમેશની સાથે જ છે. એમની હત્યા એક જ હથીયારથી કરવામાં આવી છે. હત્યા પછી બંનેની હાલત પણ એક જેવી જ હત્યારાએ કરી છે એટલે સ્વાભાવિક રીતે વ્યોમેશનો હત્યારો જ એ બીજી લાશનો પણ હત્યારો છે. એટલે બન્ને હત્યાની સજા તારે જ ભોગવવાની રહેશે. હવે જો તું એ કબુલે કે એ લાશ જૂલીની છે તો...તો..કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પણ જો તેં એવું ન કબુલ્યું તો પછી યક્ષ પ્રશ્ન એ રહેશે કે જુલી ક્યાં ગઈ ? અને જ્યાં સુધી એ નહિ મળે ત્યાં સુધી તું શંકાના દાયરામાં રહીશ.”
આકાંક્ષાને વિચારમાં પડેલી જોઈ ઈ.મિહિરે મમરો મૂકતા કહ્યું ’સજા કાપ્યા પછી પણ ! કારણ મને ખબર છે જુલી ક્યારેય નહિ મળે !”
(ક્રમશ:)
