પ્રેમ હત્યા (ભાગ : ૨૧)
પ્રેમ હત્યા (ભાગ : ૨૧)
ઈ.મિહિર “પાંડુરંગ લાશના દાંતમાં સિમેન્ટ મળી આવવો એમાં આકાંક્ષાની કોઈ ભૂલ થઈ નથી. ભૂલ તો એણે બહુ પહેલાં જ મર્ડર સ્પોટ પર ફરી એકવાર જઈને જ કરી દીધી છે. પાંડુ, એકવાર કેસ સોલ્વ થાય તો તને બધી હકીકત કહી સંભળાવીશ...”
ત્યાંજ ઈન્સ્પેકટર મિહિરનો ફોન રણક્યો, સ્ક્રીન પર નામ ઈ.વિનોદનું હતું. મિહિરે ફોન ઉપાડી કહ્યું “હેલ્લો... બોલો ઈન્સ્પેકટર...”
ઈ.વિનોદ “સાહેબ અમે ઘરની તલાશી લીધી..”
ઈ.મિહિર “કશું મળ્યું?”
ઈ.વિનોદ “ના સાહેબ આકાંક્ષાનું કહેવું છે કે નજીકમાં જ ક્રિસમસ હોવાથી એણે ઘરની સફાઈ કરી છે. તેથી અમને કશું જ મળ્યું નહિ.”
ઈ.મિહિર “સા....જુઠું બોલે છે, એને ક્રિસમસ સાથે શું લેવાદેવા? એને પૂછ ઈશુએ એમનું પહેલું પ્રવચન ક્યાં આપેલું તે? અને જુલીના ઘરમાંથી કંઈ મળ્યું?”
ઈ.વિનોદ “ના... સાહેબ એ ઘરમાંથી પણ કશું મળ્યું નથી.”
ઈ.મિહિર “હમમમ... ઈન્સ્પેકટર કશું મળે પણ નહિ.. માયાની વાત સાચી જ નીકળી.. જે દિવસે માયાએ આકાંક્ષાને જુલીના ઘરમાં જોઈ હતી એ દિવસે જ એણે તમામ પૂરાવા ત્યાંથી હટાવી પેલી કેનાલ પાસે સળગાવી દીધા હતાં. વળી આકાંક્ષા એ ઘરમાં પણ સાફસફાઈ કરી દીધી હશે જોકે મહિનાઓથી બંધ પડેલાં એ ઘરમાં તને એ જણાઈ નહિ હોય.. સા.... ઘરરખ્ખુ બૈરાની આજ તકલીફ હોય છે. મર્ડર પણ તેઓ એકદમ સાફ કરે છે. વાંધો નહિ... તું ત્યાંથી નીકળી આવ. હવે આપણને એવા નાના મોટા પૂરાવાની જરૂર પણ નથી. મારો દાવ સફળ જશે તો આજે સાંજે આકાંક્ષા આપણી સામે બેસીને પોતાનો ગુનો કબૂલ કરતી હશે...”
અને ઈન્સ્પેક્ટર મિહિરની વાત સાચી પડી....
લાશ વ્યોમેશની જ છે એમ સાબિત થતાં ઈ.વિનોદે મહિલા કોન્સ્ટેબલો મોકલી તેના ઘરેથી આકાંક્ષાની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં ઈ.મિહિર સામે લઈ આવ્યા. જ્યાં પૂછપરછ બાદ આખરે આકાંક્ષા એ પૂછયું હતું કે “તમે હજુસુધી મારા પ્રશ્નનો જવાબ ન આપ્યો કે લાશની ઓળખ છૂપાવવા માટેની મારી આટલી બધી તૈયારીઓ અને પ્રયત્નો છતાં તમે લાશને કેવી રીતે ઓળખી શક્યા? આટલા વિપુલ પ્રમાણમાં તમને ડીએનએ પ્રિન્ટ મળી ક્યાંથી?”
ઈ.મિહિરે મુસ્કુરાતા પાંડુરંગ તરફ જોયું, પાંડુરંગ બોલ્યો “હા સાહેબ એ જાણવાની મને પણ ઈંતેજારી છે !!"
આકાંક્ષા “તમે કેવી રીતે જાણી શક્યા કે લાશ કોની છે?”
ઈ.મિહિર “આકાંક્ષા, હત્યારાને સંશય ન આવે તે રીતે પોલીસ છૂપી રીતે ઘણી બધી માહિતીઓ કઢાવતી હોય છે. ખેર જવા દે એ વાત... આપણે તારા મૂળ પ્રશ્ન પર આવીએ કે મેં એ કેવીરીતે જાણ્યું કે લાશ કોની છે? હવે..... ઘટનાસ્થળે બધું બરાબર છે કે નહી તે ખાતરી કરવા જોવા જવાની તારી ભૂલને કારણે મારા માટે એ પ્રશ્ન સાવ સહેલો થઈ ગયો હતો. કારણ હવે મને લાશ કોની છે એ શોધવા કરતાં ફક્ત એટલું જ શોધવાનું હતું કે લાશ વ્યોમેશની છે કે નહી !
વ્યોમેશની લાશ હોવાની શંકા ન હોત તો ડોક્ટરે આપેલી માહિતી કે લાશના દાંતમાં સિમેન્ટ ભરાવેલો છે તે મારા કોઈ જ કામ ન આવત ! એટલે મને વિચાર આવ્યો કે જો લાશ વ્યોમેશની હોય તો પછી એ સિમેન્ટ ભરાવવા અથવા દાંતનો ઈલાજ કરાવવા શહેરના કોઈકને કોઈક દાંતના ડોકટર પાસે ચોક્કસ ગયો હોવો જોઈએ. તેથી મેં તારા ઘરની નજીક દાંતના દવાખાનામાં કોન્સ્ટેબલો મોકલ્યા અને દૂરના દવાખાનામાં ફોન કરાવ્યા. આખરે એ દાંતનું દવાખાનું મળી આવ્યું. પછી હું રૂબરૂ જઈને ડોક્ટરને મળ્યો અને એમને પૂછ્યું કે તમે દાંત ચેકઅપ કરતી વેળાએ વ્યોમેશનો કોઈ એક્સ રે લીધો હતો. ડોક્ટરે કોપ્યુટરમાં વ્યોમેશનું નામ ફીડ કર્યું અને અમારી સામે એના દાંતના ચોકઠાનો એક્સ રે હતો. હવે મેં ડોક્ટરને એમની પાસેના એક્સ રેને લેબોરેટરીના એક્સ રે જોડે સરખાવવાનું કહ્યું. બંને દાંતના એક્સ રે હુબહુ મળતા હતાં જેથી એ ચોક્કસ થઈ ગયું કે અમને મળેલ લાશ વ્યોમેશની જ હતી. આકાંક્ષા તેં જે પણ પુસ્તકો વાંચ્યા, એ બધા જ પુસ્તકો જુના વખતના લેખકોએ લખેલા હતા. અને એમાં જ તું થાપ ખાઈ ગઈ કારણ તને માત્ર ફિંગરપ્રિન્ટ, ફેસ પ્રિન્ટ, ડીએનએપ્રિન્ટની જ જાણ હતી ! ડેન્ટલપ્રિન્ટ પણ સૌ વ્યક્તિની જુદી જુદી હોય છે એ વાતથી તું સાવ અજાણ હતી અને માટે જ તેં થાપ ખાધી ! જો તને ડેન્ટલપ્રિન્ટની પણ જાણ હોત તો તેં બંને નાં ચોકઠાં પણ તોડી નાખ્યા હોત !”
(ક્રમશ:)
