પ્રેમ હત્યા : ભાગ ૧૯
પ્રેમ હત્યા : ભાગ ૧૯
બીજે દિવસે બપોરે ઈ.વિનોદ ઉદાસવદને પોસ્ટમાર્ટમનો રિપોર્ટ લઈ પોલીસ સ્ટેશનમાં આવ્યા. ઈ.મિહિરે તેમનું ઉતરેલું મોઢું જોતા પૂછ્યું “શું થયું ઈ.વિનોદ ? કેમ ભાઈ તારું મોઢું આટલું ઉતરેલું કેમ દેખાય છે ?”
ઈ.વિનોદ, “સાહેબ, તમે પણ જો સાંભળશોને તો તમે પણ નારાજ થઈ જશો”
ઈ.મિહિર “કેમ શું થયું ?”
ઈ.વિનોદ, “સાહેબ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો છે.”
ઈ.મિહિર “અરે વાહ ! મૃતકની માહિતી મળી ?”
ઈ.વિનોદ “ના.... “
ઈ.મિહિર “કોઈ સુરાગ ?”
ઈ.વિનોદ “ના....”
ઈ.મહિર “આવું કેવી રીતે બને ?”
ઈ.વિનોદ “સાહેબ, હત્યારો અત્યંત નિષ્ઠુર હોવાની સાથે સાથે ખુબ ચાલાક પણ જણાય છે. એણે લાશની ઓળખ થાય એવા કોઈ પુરાવા જ નથી રાખ્યા. બંને લાશના ચહેરા મોટા પથ્થર વડે છુંદી નાખવામાં આવ્યા છે. વળી લાશોને સળગાવી દેતા પહેલાં એણે બંનેના માથે ટકો કર્યો છે અને શરીર પરના વાળ પણ ઉતારી લીધા છે. લાશ બરાબરની સળગી ગઈ હોવાથી અને શરીર પર કે માથાના કોઈ પણ ભાગ પર વાળ ન હોવાથી આપણે ડીએનએ પ્રિન્ટ પણ મેળવી શક્યા નથી. અને આપતો જાણો જ છો કે ડીએનએ રિપોર્ટ મેળવવા એની ક્વોન્ટીટી વધારે હોવી જરૂરી છે. વળી ખાડો ખોદતી વખતે જે પાવડો મળ્યો છે એના પર પણ કોઈપણ જાતની ફિંગરપ્રિન્ટ કે લોહીના ડાઘ મળી આવેલ નથી. હા, ડોક્ટરો માત્ર એટલું કહી શક્યા છે કે હત્યા નકકી એ પાવડાથી જ થઈ છે.”
ઈ.મિહિર “કપડાં તો બધા સળગી ગયા છે !”
ઈ.વિનોદ “હા......”
ઈ.મિહિર “ખાડાની અંદર શરીરના કોઈ વાળ પણ મળ્યા નથી !”
ઈ.વિનોદ “ના એપણ નથી મળી આવ્યા....”
ઈ,મિહિર “ચહેરો પથ્થર વડે છુંદી નાખ્યો છે તેથી આપણે ચહેરા પર કુત્રિમ માસ લગાડીને પણ એની ઓળખ કરી શકીએ એમ નથી.”
ઈ.વિનોદ “હા....”
ઈ.મિહિર “શરીર બળેલું છે એટલે કોઈ શારીરક ઓળખ પણ નહિ થાય”
ઈ.વિનોદ “હા...”
ઈ.મિહિર “સળગેલા કપડાં પર કોઈ નિશાની ?”
ઈ.વિનોદ “ના....”
ઈ.મિહિર “કપડાં પર કોઈ ટેગ કે ખાસ પ્રકારનું બટન ?”
ઈ.વિનોદ “ના....”
ઈ.મિહિર “લાશ પાસેથી કંઈ મળી આવ્યું છે ? કોઈ વસ્તુ જેવી કે લાયસન્સ, મોબાઈલ, કે ઘરેણા જેવું ?”
ઈ.વિનોદ “લાશ પાસેથી કોઈપણ સામાન મળી આવેલ નથી.”
ઈ.મિહિર “તો આપણને પોસ્ટમોર્ટમમાંથી કઈ માહિતી મળી ?”
ઈ.વિનોદ “એક માહિતી મળી છે કે બંને લાશમાંથી એક લાશ યુવાનની છે અને બીજી યુવતીની છે.”
ઈ.મિહિરે “સરસ... ચાલો આના આધારે કડી મળશે. બંનેનું મૃત્યુ ક્યારે થયું ?”
ઈ.વિનોદ “લગભગ આઠ થી નવ મહિના પહેલાં...”
ઈ.મિહિર “આ.... જુલી અને વ્યોમેશને ગુમ થયે પણ આટલો જ સમય થયો છે ને ?”
ઈ.વિનોદ “હા....”
ઈ.મિહિર “ગુડ.... તો આપણે હમણાં આ જ ધારીને ચાલીએ કે આ બંને લાશો જુલી અને વ્યોમેશની જ છે. કારણ માયાના નિવેદન પ્રમાણે આકાંક્ષા એ દિવસે મહાત્મા કેનાલ પાસે ફોટા સળગાવતાં પહેલાં સાફ સાફ શબ્દોમાં બોલી હતી કે મિસ્ટર વ્યોમેશ, તમારી કબર પર જ તમારી યાદો સળગાવી હું તમને એ અર્પણ કરું છું. તમે આકાંક્ષાની પૂછપરછ ચાલુ કરી દો વળી એના ઘરમાંથી વ્યોમેશની કોઈપણ નિશાની મળતી હોય તો તે પણ શોધી કાઢો. જુલીના ઘરે પણ તલાશી લો... જુઓ નાનામાં નાનો સુરાગ પણ શોધવાનો પ્રયત્ન કરો. એવી કોઈપણ વસ્તુ કે જે જુલી કે વ્યોમેશની લગતી હોય એને ઉઠાવી લો. કશુજ નજર બહાર ના રહી જાય તે રીતે બારીકાઈથી બંને ફ્લેટમાં તલાશી લો.”
પાંડુરંગ “સાહેબ હવે તમે શું કરશો ? આપણી સામે લાશ છે પણ આપણે એ કોની છે એ કહી શકતા નથી. વળી આપણને ખૂની વિષે સંપૂર્ણ માહિતી છે પણ એની ધરપકડ કરી શકતા નથી. સાહેબ, લાશ કોની છે જો એ જ સાબિત ન થાય તો આપણે આકાંક્ષાને કેવી રીતે પકડી શકીશું ? કારણ કાનુનના નજરે જ્યાં સુધી વ્યોમેશ કે જૂલીની લાશ મળતી નથી ત્યાં સુધી તેઓ મિસિંગ પર્સન છે.”
ઈ.મિહિર “પાંડુરંગ ધીરજ રાખ હત્યા સુરાગ છોડે જ છે. એક કામ કર આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પકડ અને જીપ બાહર કાઢ આપણે લેબોરેટરીમાં જઈ ડોક્ટરને મળી આવીએ.”
(ક્રમશ:)
