પ્રેમ હત્યા (ભાગ : ૧૬)
પ્રેમ હત્યા (ભાગ : ૧૬)
આ ઘટનાના આઠ મહિના બાદ,
ઈન્સ્પેક્ટર મિહિર બિરીટ પોલીસ સ્ટેશનમાં બેઠા છે. એમની સામે એક અઠંગ ગુનેગાર બેઠો છે. બંનેની વચ્ચે એક બેગ ખુલ્લી પડી છે જેમાં લગભગ પાંચ લાખ રૂપિયાની નોટો વ્યવસ્થિત રીતે ગોઠવીને મુકેલી જણાય છે. પાંડુરંગ વિસ્ફારિત નેત્રે રૂપિયાની નોટોને આંખો વડે જ ગણી રહ્યો છે.
ઈ.મિહિર “હા તો ઘનશ્યામ આજે પાંચ વર્ષ પછી અચાનક તને ગૂનો કબુલ કરવાનું કેમ મન થયું?”
ઘનશ્યામ “સાહેબ કાલે મારી દીકરીના લગ્ન છે. મને ખબર છે કે મારો કેસ હવે તમારા હાથમાં આવ્યો છે અને મને ડર છે કે તમે મને પકડ્યા વગર રહેશો નહિ. બસ એ ડરને કારણે જ હું આ બેગ તમને સોંપી રહ્યો છું.”
ઈ.મિહિર “પણ તને એ ખબર હોવી જોઈએ કે હવે હું તારી ધરપકડ કરી શકું એમ છું. તેં સોંપેલી બેગ, એ જ તેં કરેલ ચોરીનો પુરાવો છે.”
ઘનશ્યામ “ના સાહેબ, મેં બેગ ચોરી કરી હોવાનું કબલ્યું જ નથી. આ બેગ તો મને રસ્તામાંથી મળી છે અને સારો નાગરિક હોવાને કારણે તે હું તમને સુપ્રત કરવા આવ્યો છું. આપ સાહેબ ઘણા જ દયાળુ છો તે હું જાણું છું. અને હવે જયારે હું આપને બેગ સુપ્રત કરી જ રહ્યો છું ત્યારે મને વિશ્વાસ છે કે આપ સાહેબ મને કશું જ નહિ કરતાં જવા દેશો.”
ઈ.મિહિરે આદત મુજબ ડંડાને ફેરવતાં કહ્યું “ઠીક છે.. ઠીક છે.. રિપોર્ટ લખાવી પાછો જતો રહે. અને ખબરદાર જો આજ પછી ચોરી કરી છે તો.”
ઘનશ્યામે બે હાથે પોતના બંને કાન પકડતા કહ્યું, “‘ના સાહેબ હવે હું કદી પણ આવી ભૂલ નહિ કરું”
રિપોર્ટ લખાવ્યા બાદ પોલીસ ચોકીમાંથી બહાર નીકળતા ઘનશ્યામને જતો જોઈ પાંડુરંગ બોલ્યો, “સાહેબ, આ બિલ્લી હજ પર જવા નીકળી છે તે વાત મારા માન્યામાં નથી આવતી.”
ઈ.મિહિરે હસતાં હસતા કહ્યું “પાંડુરંગ દીકરીના લગ્ન માટે જ આ ઘનશ્યામેં ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ એણે એ પૈસા બેંકમાં મુક્યા હશે આજે જેવી રકમ ડબલ થઈ ગઈ કે ડરના માર્યા મારી પાસે પાંચ લાખ રૂપિયા જમા કરાવી ગયો. આમ જોવા જઈએ તો ડબલ થયેલી રકમના આ અડધા જ છે. ઘનશ્યામને એવું લાગે છે કે એણે મને મુરખ બનાવ્યો છે. પણ તું જ વિચાર કરોડપતિ શેઠ લક્ષ્મીચંદને એના રૂપિયા તો પાછા મળી જ રહ્યા છે ને? કરોડોની ઉથલપાથલ કરતાં લક્ષ્મીચંદશેઠ જેવા લોકો પાસેથી પાંચ લાખ રૂપિયા થોડા વર્ષ દૂર રહે તેનાથી એમને કોઈ જ ફરક પડતો નથી. પણ આમા તો બિચારા ઘનશ્યામ જેવાની દીકરી લગ્ન થઈ જાય. એમાં શું ખોટું છે?”
પાંડુરંગે રૂપિયા ભરેલી બેગ તરફ નજર કરતા બોલ્યો “સાહેબ, મારી છોકરી પણ પાંચ વર્ષ પછી લગ્નવયની થઈ રહી છે. આપ કહેતા હોવ તો આ રૂપિયા આપણે શેઠ લક્ષ્મીચંદને પાંચ વર્ષ પછી આપીએ તો? એમ પણ શેઠ લક્ષ્મીચંદને પાંચ લાખ હજી થોડા વર્ષ દૂર રહેશે તો શો ફર્ક પડશે?”
ઈ.મિહિર બોલ્યા “પાંડુ ચુપચાપ બેગ લક્ષ્મીચંદને આપી આવ. અને એમ પણ હવે બેંકમાં રૂપિયા સાત વર્ષ પછી ડબલ થાય છે.”
ત્યાંજ ફોનની ઘંટી વાગી. ઈ.મિહિરે પાંડુરંગને આંખોથી જવાનો ઈશારો કરતા પોતે ફોન ઉઠાવ્યો. “હલ્લો ઈ.મિહિર સ્પીકિંગ..”
સામેથી અવાજ સંભળાયો “હલ્લો મિહિર સાહેબ હું માયા બોલું છું.” ઈ.મિહિરની આંખોની સામે માયાનો રૂપાળો દેહ ઉપસી આવ્યો. આંખો બંધ કરી વર્ષો જૂની વાતોને વાગોળતા જ હતા કે સામેથી માયા બોલી “ઓળખી કે નહિ? હું સત્યેનની પત્ની....... માયા” ઈ.મિહિર “અરે ઓળખી કેમ નહિ? બોલો મેડમ, હુકુમ કરો....”
સામે છેડે માયા બોલી “મિહિર સાહેબ, અહીં મારી એક જુલી નામની બહેનપણી રહેતી હતી. આઠેક મહિના પહેલાં એ અને એના બોસ ગુમ થયા છે. મને શંકા છે કે તે બંનેનું જુલીના બોસની પત્નીએ ખૂન કર્યું છે. અને એનું નામ આકાંક્ષા છે. અહીંની પોલીસમાં મેં આ અંગે ફરિયાદ લખાવી છે પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું લાગતું નથી.” એ પછી માયાએ આખો વૃતાંત ઈ.મિહિરને ફોન પર કહી સંભળાવ્યો. વાત સાંભળ્યા પછી ઈન્સ્પેક્ટ મિહિર બોલ્યા “ઠીક છે મેડમ, ચિંતા ન કરો. હું કાલે સવારે તમારે ત્યાં આવું છું.”
(ક્રમશ:)
