પ્રેમ હત્યા (ભાગ - ૧૫)
પ્રેમ હત્યા (ભાગ - ૧૫)
ઈન્સ્પેકટર, “બની શકે કે એક ચાવી જુલીએ વ્યોમેશને આપી રાખી હોય જે કોઈ રીતે એના હાથમાં આવી હશે.”
માયા બોલી “તો હવે?”
ઈન્સ્પેકટર “હવે સૌ પહેલાં તો આપણે ઘટનાસ્થળની મુલાકાત લેવી જોઈએ. હવાલદાર... એક કામ કરો.. તમે વ્યોમેશની પત્ની આકાંક્ષાને પણ ત્યાં બોલાવી લો કદાચ ત્યાંથી લાશ નીકળે તો આપણે એની ઓળખ કરવા માટે આકાંક્ષાની જરૂર પડશે.”
તરત ઈન્સ્પેકટરે જીપ મંગાવી. માયા પણ સાથે જીપમાં બેઠી. પોલીસ ડ્રાઈવરે ગાડીને ઘટનાસ્થળે હંકારી મૂકી. થોડીવારમાં જ તેઓ ઘટનાસ્થળે પહોચ્યા. એટલામાં હવલદાર પણ આકાંક્ષાને લઈને આવી પહોંચ્યો.
એક જગ્યા સામે આંગળી ચીંધી માયા બોલી ઉઠી “સાહેબ, આ જ જગ્યાએ આકાંક્ષાએ પેલા ફોટા સળગાવ્યા હતાં. તમે હમણાં ને હમણાં આ રસ્તો ખોદાવો, બંનેની લાશ એમાંથી જ નીકળશે.”
આ સાંભળતા જ આકાંક્ષાના હોશકોશ ઊડી ગયા. કાપો તો લોહીના નીકળે એવી સ્થિતિમાં તે માંડ ઊભી રહી શકી. ઈન્સ્પેકટર વિનોદે માયા સામે જોઈ કહ્યું “મેડમ, પોલીસની એક મર્યાદા હોય છે. ફક્ત શંકાને આધારે આમ અમે ધોરીમાર્ગ ઉપર ખોદકામ ન કરી શકીએ. એને માટે અમારી પાસે મજબૂત પુરાવો હોવો જોઈએ.”
માયા બોલી “તો આપણે અહીંયા કેમ આવ્યા છીએ?”
ઈન્સ્પેકટર “ધીરજ રાખો, તમને તેનો જવાબ હમણાં જ મળશે.” એટલામાં પોલીસવાન આવીને થોડે દૂર ઊભી રહી. હવાલદારે પોલીસવાનનો દરવાજો ખોલ્યો. એમાંથી કેટલાક વિશાળકાય, તગડા પોલીસડોગ બહાર નીકળ્યા. માયાએ કૂતરા જોઈ મનોમન ઈન્સ્પેક્ટના વખાણ કરી રહી. ઈન્સ્પેકટરે ડોગ સ્કવોડને વિગતવાર માહિતી આપી. ડોગ સ્કવોડ તરત કામે લાગી. હાઈવે પર એકબાજુનો માર્ગ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો. અને ડોગ સ્કવોડના અધિકારીએ કૂતરાઓ છૂટાં મુકવાનો આદેશ આપ્યો. પોલીસ ડોગના ગળામાંથી પટ્ટાઓ કાઢી નાખવામાં આવ્યા કૂતરાઓ આસપાસની જગ્યામાં સુંઘવા લાગ્યાં. લગભગ બે કલાક સુધી મહેનત ભરી શોધખોળ કર્યા બાદ પોલીસ સ્કવોડનો અધિકારી ઈન્સ્પેકટર વિનોદ પાસે આવીને નિરાશ વદને બોલ્યો “સાહેબ, અહીં કોઈ જગ્યાએ લાશ દટાઈ હોય એવું જણાતું નથી ! નહીતો મારા કૂતરાઓ જ મને જણાવી દેત.”
ઈ.મનોજે માયા તરફ જોઈ કહ્યું “જોયું, તમારી વાત સાંભળીને જો અમે ધોરીમાર્ગ ખોદાવ્યો હોત તો?”
માયા વિસ્મયભરી નજરે આકાંક્ષાને જોવા લાગી. આકાંક્ષાને પણ આશ્ચર્ય થયું અને મનમાં પોતાની જાતને પૂછી રહી “લાશ તો મેં પોતે મારા હાથે જ અહીંયા જ દાટી દીધી હતી, તો પછી ગઈ કયા?”
માયા ઈન્સ્પેકટરને કંઈ કહેવા જાય એ પહેલાં જ ઈન્સ્પેક્ટર વિનોદ બોલ્યો “બસ મેડમ, કેસ આઈના જેવો સાફ છે, તમે પણ કમાલ છો ને, તમારી સહેલી એક તો આ બિચારીના પતિને લઈને ભાગી ગઈ છે, અને તમે એને આશ્વાસન આપવાને બદલે ઉલટાનું એને પરેશાન કરી રહ્યા છો?”
માયા આકાંક્ષાની પાસે જઈ બોલી, “આકાંક્ષા મને પુરેપુરી ખાતરી છે કે તેં જ મારી પ્રાણપ્યારી સહેલી જુલીની હત્યા કરી છે પણ એક વાત યાદ રાખ, મારા પતિ સત્યેનને તો હું બચાવી ન શકી, તે વખતે હું નિષ્ફળ ગઈ. પણ આજે તો હું જરૂર મારી બહેનપણીને ન્યાય અપાવીને જ રહીશ મને મારા મૃત પતિના સોગંધ છે. હું કરીને જ જંપીશ શોધ સત્યની... (માયા વિષે વધુ જાણવા હત્યા સુરાગ છોડે છે નો કેસ નંબર ૪ :શોધ સત્યની જરૂર વાંચો)
આ સાંભળી આકાંક્ષા ચૂપ રહી પણ તેના ચહેરા પરનું હાસ્ય સ્પષ્ટપણે માયાને કહી રહ્યું હતું કે “તારે જેટલું જોર અજમાવવું હોય તેટલું અજમાવી લે પણ તું લાશને કોઈપણ સંજોગોમાં શોધી શકવાની નથી અને ધારોકે લાશ મળી તો એ જૂલીની જ છે એ સાબિત કરવામાં જ તારી આખી જિંદગી જતી રહેશે.”
બંનેનાં નેત્રોનું ત્રાટક જાણે એકબીજાને પછાડવાનું આહવાન આપી રહ્યા હોય તેમ કેટલીયવાર સુધી એકબીજાને તાકતા ઊભા રહ્યાં. માયા ત્યાંથી ઈન્સ્પેકટર વિનોદના જીપમાં જઈ બેઠી.
હવાલદારે લાવેલ પોલીસજીપમાં ઘરે પહોંચતા સુધી આખા રસ્તે આકાંક્ષાના દિમાગમાં એક જ સવાલ ટકોરા મારી રહ્યો કે એ બંનેની લાશ ગઈ ક્યાં? અત્યાર સુધી એ ખુશ હતી કે લાશ રસ્તા વચ્ચે દટાયેલી છે. જેની કોઈને જ ખબર નથી પડી. પણ હવે લાશ એ ખાડામાં નથી એ ખબર પડતાં જ એના હોશ કોશ ઊડી ગયા. કદાચ કોઈ બ્લેકમેલરે હત્યાના દિવસે એના ગયા પછી લાશ કાઢી તો નહિ લીધી હોય ને ? કાલે જ ફરી પાછી ત્યાં જઈ ચેક કરી આવું તો ? ના..ના.. કદાચ આમાં પોલીસની કોઈ ચાલ હશે તો ? ખેર હવે જેવી પડશે એવી દેવાશે.. આમ વિચારોમાં ને વિચારોમાં આકાંક્ષા નું ઘર આવી ગયું. ઘરે પહોંચી એણે લાશ પોલીસના હાથમાં ન પડવા બદલ ભગવાનનો આભાર માની નિશ્ચિંત મને સૂઈ ગઈ.
(ક્રમશ:)
