પ્રેમ હત્યા (ભાગ : ૧૩)
પ્રેમ હત્યા (ભાગ : ૧૩)
થોડાદિવસ વીત્યા બાદ જયારે આકાંક્ષાને લાગ્યું કે મામલો ઠંડો પડ્યો છે ત્યારે એણે જુલીના ઘરે જઈ તલાશી લેવાનું વિચાર્યું. આ વિચાર આવતાં જ તે ગાડી લઈ જુલીના ઘરે ઉપડી. જુલીના ઘરથી થોડેક દૂર ગાડી ઊભી રાખી જાણે ગરમીથી બચવા માંગતી હોય એમ ઓઢણીથી એણે ચહેરાને ઢાંકી લીધો. અને એ જુલીના ૨૦૪ નંબરના ફ્લેટ તરફ આગળ વધી. ત્યાં પહોંચી કોઈ જોતું તો નથીને એની ખાત્રી કર્યા બાદ એણે હાથમાં ગોલ્ઝ પહેરી ઝડપભેર ફલેટનું તાળું ખોલી અંદર પ્રવેશી ગઈ. અંદર જઈ તે ઘરનાં કબાટ અને ડ્રોવરની તલાશી લેવા લાગી, તલાશી લેતાં આકાંક્ષાને જુલી અને વ્યોમેશના કઢંગી હાલતમાં કેટલાક ફોટોગ્રાફ જોવા મળ્યા. આવા ફોટાઓ જાણે પોકારી પોકારીને આકાંક્ષાને કહી રહ્યા હતાં કે તેં જે કર્યું તે બરાબર કર્યું છે. આંખમાં આવેલ આંસુને લુંછતા એણે એ ફોટોગ્રાફ્સ સાથે લાવેલ બેગમાં મૂકી ને ફ્લેટની ડોરબેલ વાગી! આકાંક્ષાનું સમગ્ર અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. એણે એક હાથમાંથી ગ્લોવ્ઝ કાઢી બીજા ગ્લોવ્ઝ પહેરેલા હાથથી દરવાજો ખોલ્યો. ગ્લોવ્ઝ પહેરેલો હાથ ન દેખાય એમ અર્ધખુલ્લા બારણામાંથી એણે બહાર જોયું તો ત્યાં સામે એક ૩૫ વર્ષની યુવતી ઊભી હતી. યુવતીનો દેખાવ એ વિધવા હોવાની ચાડી ખાઈ રહ્યો હતો. અંદરના રૂમમાં આકાંક્ષાને જોઈ એણે આશ્ચર્યથી પૂછ્યું “જી મારૂ નામ માયા.. જુલી અંદર છે ?”
આકાંક્ષા “કોણ જુલી.... અહીં કોઈ જુલી બુલી રહેતી નથી..” આમ બોલી એણે ઝડપભેર દરવાજો બંધ કર્યો. આકાંક્ષાએ વિચાર્યું “અહીં આવીને એણે કોઈ ભૂલ તો નથી કરીને?” પણ પછી જૂલી સાથેના વ્યોમેશના ફોટોગ્રાફ્સ યાદ આવતાં તેણે હોઠ ભીસીને વિચાર્યું “ફોટોગ્રાફ્સ નાબુદ કરવા પણ એટલા જ જરૂરી છે.” પાછા બન્ને હાથે ગલોવ્ઝ પહેરીને એ તલાશીના કામે લાગી ગઈ. ખાંખાખોળા કરતાં એને કેટલાક ઘણા જરૂરી કાગળો મળી આવ્યા. જુલીના ફ્લેટની સંતોષજનક તલાશી લીધા બાદ આકાંક્ષા ત્યાંથી નીકળી જવાનો વિચાર કરતી હતી ત્યાંજ વળી પાછી ફ્લેટની ડોરબેલ વાગી. આકાંક્ષાએ જરા ગુસ્સામાં આવી દરવાજો ખોલ્યો જોયું તો સામે માયા જ ઊભી હતી. આકાંક્ષા ગુસ્સામાં બોલી “શું કામ છે? એકવાર કીધું ને કે અહીં કોઈ જુલી નથી રહેતી.”
માયા, “આમ કેવી રીતે બને? હું પંદર દિવસ પહેલાં જ એની સાથે આ ફ્લેટમાં આવી હતી. હું ઉપર બધે તપાસ કરી આવી પણ ત્યાં પણ એનો ફ્લેટ નથી. બેન મને બરાબર યાદ છે કે એના ઘરની બાલ્કનીમાંથી સામે આવેલ દુકાન બરાબર દેખાતી હતી. શું તમે હાલ જ અહીં રહેવા આવ્યા છો?”
આકાંક્ષા બોલી, “હું જ્યારથી આ એપાર્ટમેન્ટ બન્યું છે ત્યારથી અહીં જ રહું છું.... સમજ્યા?” આમ બોલી આકાંક્ષા એ દરવાજો બંધ કર્યો. હવે આકાંક્ષા એ આ ઘરમાંથી ફટાફટ નીકળવાનું વિચાર્યું. ફરી અહીં આવવાની હવે કોઈ જરૂર એને લાગતી નહોતી. ઘરમાંથી નીકળતા પહેલાં એણે અહીંના કમરાની પણ સાફસફાઈ આદરી. સૌ પહેલાં એણે ઘરમાં જેટલા પણ કાંસકા હતાં તે પોતાની સાથે લાવેલ થેલીમાં નાખ્યા. એની જગ્યાએ બેગમાંથી નવા કાંસકા કાઢી મૂક્યા. ઘરમાં મૂકેલી કચરાની ટોપલીમાનો કચરો પણ એણે સાથે લાવેલ થેલીમાં ભરી લીધો. ફ્લેટમાંનું જરૂરી કામ પતાવી એ ફલેટમાંથી બહાર આવી. દરવાજાને વ્યવસ્થિત લોક કરી. બન્ને હાથમાં પહેરેલા ગ્લોવ્ઝ કાઢી બેગમાં મૂક્યા. ચોફેર નજર ફેરવી લઈ સડસડાટ દાદરો ઉતરી સીધી ગાડી પાસે જઈ પહોંચી. રસ્તામાં ક્યાંક યોગ્ય જગ્યા જોઈ એણે ફોટોગ્રાફ્સને ઠેકાણે પાડવાનું વિચારી રાખેલું. અનાયાસે મહાત્મા કેનાલ આવતાં એણે એકવાર પેલો ખાડો જોઈ લેવાનું વિચાર્યું. આ વિચાર આવતા જ એણે ગાડી સડકની એકબાજુ ઊભી રાખી. મહાત્મા કેનાલનો એ માર્ગ લગભગ સુમસામ રહેતો. લોકોની અવરજવર ત્યાં ઘણી જ ઓછી રહેતી. ગાડીમાંથી નીચે ઉતરી જોતાં જ આકાંક્ષાને આનંદનો એક આંચકો લાગ્યો. જે ખાડામાં એણે જુલી અને વ્યોમેશની લાશ દાટી હતી ત્યાં હવે ખાડો નહોતો! એની જગ્યા લીધી હતી એક લાંબીચોડી સડકે! સફળતા જયારે માણસને અપરંપાર મળતી જાય છે ત્યારે એનું મગજ છટકે છે. કંઈક એવું જ આકાંક્ષા સાથે થયું! હવે કોઈ પુરાવા બચ્યા જ નથી તેથી એની ક્યારે ધરપકડ નહિ થાય આવા વિચારો કરતાં એ રોમાંચિત થઈ ગઈ. અચાનક એને એક ક્રૂર વિચાર આવ્યો. એ વિચાર આવતાં જ એ ગાડી પાસે જઈ એમાં મૂકેલા ફોટોગ્રાફ્સ લઈ આવી. જ્યાં લાશો દાટેલી ઠીક એ જગ્યા ઉપર જ એણે ફોટોગ્રાફ્સ અને કાગળો મૂકી એના પર થોડું પેટ્રોલ છાટી. દીવાસળી ચાંપી દીધી. સળગતા એ ફોટોગ્રાફ્સ જોઈ એ બોલી “મિસ્ટર વ્યોમેશ, તમારી કબર પર જ તમારી યાદો સળગાવી હું તમને એ અર્પણ કરું છું.” આમ બોલી એ ગાડીમાં જઈ બેઠી. કાંસકા અને ગ્લોવ્ઝને બીજી કોઈક જગ્યાએ ફેંકી દેવાનો નિર્ણય કરી તે ત્યાંથી નીકળી ગઈ.
(ક્રમશ:)
