પ્રેમ હત્યા (ભાગ : ૧૦)
પ્રેમ હત્યા (ભાગ : ૧૦)
લાશ સપૂર્ણપણે સળગી ગઈ છે એની ખાતરી થતાં એણે જેના વડે ચહેરો છૂંદેલ એ પથ્થર તથા ખાલી બોટલો પણ ખાડામાં નાંખી દીધી. પછી એણે પાવડાની મદદથી ખાડાની બાજુમાં પડેલી માટી બંને લાશ ઢંકાઈ જાય તે રીતે ખાડામાં નાંખી, હવે, જ્યાં જ્યાં લોહી પડેલું હતું તેની ઉપર પણ પાવડાની મદદથી માટી નાંખી દીધી. છેલ્લે પાવડાને પણ પેલા સાફ કપડા વડે લુછી નાંખીને ખાડામાં નાંખી દીધો અને હાથ વડે પાવડા ઉપર થોડીવાર સુધી માટી નાંખી પાવડો દાટી દીધો. સૌથી છેલ્લે હાથમાંના ગ્લોવ્ઝ કાઢી એની પર પેટ્રોલ છાંટી ગ્લોવ્ઝને પણ સળગાવી દીધા. હવે એ પેલી બેગ ઊંચકીને વ્યોમેશની ગાડી પાસે આવી ગાડી ખોલી પાછળની સીટ પર બેગ મૂકી પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ઇગ્નિશન ઓન કરી હળવેથી ગાડીને આગળ વધારી મુખ્ય રસ્તા પર આવી પુરપાટ મારી મૂકી. અચાનક એણે લેખક પ્રશાંત સાળુંકેની લખેલી રહસ્યકથા ‘પ્રેમ કપટ' યાદ આવી. કથાના નાયકે પોલીસને ચકમો આપવા ઘરે જતાં પહેલાં ગાડીને અંગ્રેજીના અંક પ્રમાણે ગાડીને ગોળ ગોળ ફેરવી હતી. જેથી પોલીસના કૂતરા ગાડીને સુંઘતા જો આવે તો આ આઠડા પાસે આવી ગોળ ગોળ આઠડો જ પાડતા રહે પણ આગળ વધી ન શકે અને ત્યાંજ ફરતા રહે. આ દ્રશ્ય યાદ આવતા જ એણે પણ પોતાની ગાડી અંગ્રેજી આઠડો પાડતી હોય તેમ ગોળ ગોળ ફેરવી. આમ થોડા થોડા અંતરે બેત્રણ વાર ગાડી ફેરવી આકાંક્ષાએ પુરપાટ ઝડપે ગાડી દોડાવી મૂકી.
સલામત અંતરે આવ્યા પછી એણે ગાડીને રસ્તા ઉપરથી ઉતારી વેરાન જેવી જગ્યા પાસે લઇ જઈને રોકી. અત્યંત શાંત ચીત્તે પાણીની બોટલ લઈ પોતાના હાથ પગ ધોયા. પછી કોઈ જોતું નથી એની ખાતરી કરી લીધા બાદ બેગમાંથી કપડાં કાઢી પહેરેલા જીન્સ અને લુઝ ટીશર્ટ સાથે બદલી દીધા. પછી ઘરેથી પહેરી લાવેલ જીન્સ પેન્ટ અને લુઝ ટીશર્ટ, ખાલી થયેલ બોટલ વગરે બેગમાં મૂકી. ગાડી હંકારી મૂકી. હાઇવે પરના એક પેટ્રોલપંપ ઉપર નજર પડતાં. ગાડી રોકી પેટ્રોલ ભરાવી તે આગળ વધી. થોડું અંતર વટાવ્યા બાદ ફરી એક સુમસામ જગ્યાએ ગાડી ઊભી રાખી. એણે ગાડીમાંથી ઉતરી જુલી અને વ્યોમેશના મોબાઈલમાંથી સીમકાર્ડ કાઢી એને તોડી નાખ્યા. પછી બેગમાંથી મોબાઈલ અને ઘરેણાં તથા ફ્લેટની ચાવી કાઢીને બીજી એક ખાલી થેલીમાં મૂકી દીધા, હવે બાકી રહેલી વસ્તુઓ માથા અને શરીર પરના વાળ ભરેલી થેલી, પર્સ, પાકીટ, બેલ્ટ, બટનો, રસ્તામાં બદલેલા કપડા, અસ્ત્રો સાફ કરેલ કપડાનો ટુકડો આ બધાને બેગમાં જ જેમના તેમ રહેવા દીધા એટલે સુધી કે બંનેનાં પાકીટમાં રહેલા પૈસાને સુદ્ધા હાથ લગાડ્યો નહિ. ત્યારબાદ ગાડીમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી એ પેટ્રોલ બેગની અંદર આવેલ વસ્તુઓ પર અને બેગની ચારેબાજુ ઉપર ભરપુર માત્રામાં છાંટ્યું. પછી દીવાસળી ચાંપીને એણે એ તમામ વસ્તુઓ સળગાવી દીધી. એ સળગતી બેગ ઉપર એણે ખાલી થયેલી પેટ્રોલની બોટલ અને તૂટેલા સીમકાર્ડના ટુકડા પણ આગમાં નાંખી દીધા. હવે એની પાસે માત્ર ઘરેણાં અને મોબાઈલ ફોન જ બચ્યા હતાં! ફ્લેટની ચાવી એણે પોતાની પાસે જ રાખવાનો વિચાર કર્યો હતો. પાસે પડેલા પથ્થર વડે એણે બંને મોબાઈલ તોડીને કચડી નાખ્યા, અને એ અવશેષો અને ઘરેણાને વ્યોમેશની ગાડીમાં મુકેલી વોમીટીંગ બેગમાં મુક્યા. સળગાવી દીધેલ બેગ અને બેગમાંની વસ્તુઓ સંપૂર્ણપણે સળગી ગયાની ખાત્રી થતાં એણે ગાડી પુરપાટ ઝડપે નદી કિનારે દોડાવી.
(ક્રમશ:)
