પ્રેમ હત્યા : ભાગ ૧
પ્રેમ હત્યા : ભાગ ૧
પોલીસ ઇન્સ્પેક્ટર મિહિર બીરિટે સામે બેઠેલ રૂપ રૂપના અંબાર સમી યુવતી આકાંક્ષાને કહ્યું, “આકાંક્ષા, મેં તમને પહેલાં જ કહ્યું હતું કે અમને તમારા ઉપર પૂરેપૂરો શક છે, લાશની એકવાર ઓળખ થઇ જાય એટલે પછી તમે સીધા જેલના સળિયા પાછળ....”
કો.પાંડુરંગ બોલ્યો. ‘કાય ડોક વાપરલય હીને, સાહેબ આટલી સફાઈથી કોઈનું ખુન કરતાં મેં આ પહેલાં કોઈને જ જોયું નથી.”
હાથમાંના રૂલને ટેબલ પર ટેકવી આકાંક્ષાની સામે સીધી નજરે જોઈ રહેતાં ઈ.મિહિર બોલ્યા, ”મેડમ, તમે સીધાસાદા અને ઘરરખ્ખુ સ્ત્રી હોવા છતાં પોલીસને છેતરવાની આટલી બધી આંટી ઘુંટી ક્યાંથી શીખ્યા?”
મૌનને તોડતાં આકાંક્ષા બોલી,” મને નાનપણથી જ સસ્પેન્સ વાર્તાઓ વાંચવાઓનો ઘણો શોખ છે. અગાથા ક્રિસ્ટી, શેરલોક હોમ્સ, જેમ્સબોન્ડની બધી નવલકથાઓ મેં બબ્બે ત્રણ ત્રણ વાર વાંચી છે.”
ઈ.મિહિરે કહ્યું, “હા એ તો અમે તમારા ઘરની તલાશી લેતાં હતાં ત્યારે જ તમારા કબાટોમાં પુસ્તકોનો ખજાનો જોઈ અમે સમજી ગયા હતાં! પણ આકાંક્ષા તમારી પોતાની જીવનકથામાં સસ્પેન્સ જેવું કંઈ નહોતું. શંકાની સોય શરૂઆતથી જ તમારા પર તકાયેલી હતી. અમે પહેલેથી જ જાણતા હતાં કે તમે જ ખુની છો પણ પુરાવાના અભાવે તમને ગિરફ્તાર કરી શક્યા નહોતા.”
પાંડુરંગ “તમારી એવી અનોખી કહાની છે જેમાં સસ્પેન્સ જેવું કંઈ ન હોવા છતાં અમે તમને ખુની જાહેર કરી શકતા નહોતા.” આકાંક્ષા “એ એટલા માટે કે મેં હત્યા કર્યા બાદ તમામ પુરાવાને બુદ્ધિપૂર્વક નષ્ટ કર્યા હતાં. કારણ રહસ્યમય કથાઓએ મને હત્યા કર્યા પછી શું કરવું અને શું ન કરવું. એવી ઘણી બાબતોથી મને અવગત કરાવી હતી. જેમકે બંદુકની ગોળી પરથી પોલીસ બંદુક શોધે છે, ખોપરી પર કુત્રિમ માંસ લગાવી અસલી ચહેરાની પરખ કરે છે. શર્ટના કે ફ્રોકના બટનો કે પછી કોલર પરના ટેગથી પણ તેઓ ઠેઠ ઘર સુધી પહોંચી જાય છે. વળી હું એ પણ જાણતી હતી કે ડી.એન.એ ટેસ્ટ એ સીરીયલોમાં દેખાડે છે એટલો સીધો સાધો નથી. કારણ લાશના હાડકાં, દાંત, વાળમાંથી ઘણા ડીએનએ મળી આવે છે પરંતુ એ વ્યક્તિને ઓળખવા માટે એના રહેઠાણ પરથી ભરપુર ડીએનએનો સ્ત્રોત મળવો જોઇએ. પણ સામાન્યપણે એવું જોવા મળે છે કે મર્ડર સસ્પેક્ટના ઘરમાંથી એના સિવાય બીજા ઘણા લોકોના ડીએનએ સેમ્પલ્સ મળી આવતા હોય છે કારણ માણસ પોતે હરતાફરતા કાયમ પોતાના ડીએનએની છાપ અહીં તહીં છોડતો જ હોય છે જેમકે ખરી પડેલા વાળ, એનું થુંક વગેરે પણ એ બધામાંથી બહુ થોડી ડી.એન.એ પ્રિન્ટ મળી આવે છે જેના પરથી લાશની ઓળખ થવી ઘણી મુશ્કેલ છે.’
ઈ.મિહિર બોલ્યા, “આકાંક્ષા... ગમે તેટલી ચાલાકી કરવા છતાં, તારો ખેલ ખલાસ થઇ ગયો છે.”
આકાંક્ષા, “એક વાત પુછું....સાહેબ?
ઈ.મિહિર, “બોલો હજુ શું પૂછવાનું બાકી રહ્યું?”
આકાંક્ષા, ‘મને મારી યોજના પર સંપૂર્ણ વિશ્વાસ હતો. હું એ પણ જાણતી હતી કે લાશની ઓળખ થતાં જ પોલીસ પહેલાં મારી જ પાસે આવશે. કારણ પાછલા દિવસોમાં ઘટનાઓ જ એવી બની હતી કે મારા પર શંકા કરવી સ્વાભાવિક છે. વળી મેં તો હોટેલમાં જ જુલીને ધમકી પણ આપેલી કે તને હું જીવતી નહિ છોડું.. તેથી જ સ્તો મેં એવાં તમામેતમામ પ્રયત્નો કરેલા કે લાશનું પગેરું તમને ન મળે અને ધારો કે લાશ તમારા હાથમાં આવે તો પણ તમે લાશને ઓળખી ન શકો. પરંતુ મારા મનમાં સો પ્રશ્નોનો એક પ્રશ્ન એ છે કે લાશની ઓળખ છુપાવવા માટેની મારી આટલી બધી તૈયારીઓ અને પ્રયત્નો છતાં તમે લાશને કેવી રીતે ઓળખી શક્યા?”
(ક્રમશઃ)
