પોસ્ટમોર્ટમ
પોસ્ટમોર્ટમ


`સાહેબ ! આ બંગલામાંથી તીવ્ર દુર્ગંધ આવે છે. અમને રહેવાસીઓને આમાં કંઈક ગરબડ લાગે છે.’ સોસાયટીના ચેરમેન જયેશભાઈએ પોલીસચોકીએ ફોન કરી જણાવ્યું.
`ઓકે આવીએ છીએ.’ સામા છેડેથી ઈન્સ્પેક્ટર આદિએ જવાબ આપ્યો અને પોતાની ટીમને લઈ ઘટનાસ્થળે પહોંચ્યા. મેઈનડોર પર લોક હતું. આદિના ઓર્ડરથી હવાલદાર ગણપતે લોક તોડી નાખ્યું. અંદર પ્રવેશતા જ ભયંકર દુર્ગંધથી બધાએ નાક પર રૂમાલ રાખી દીધો. સજાગતાથી ટીમ પૂરા બંગલાને તપાસી રહી હતી. એવામાં જ ઉપરના માળેથી જુનિયર ઈન્સ્પેક્ટર નવ્યાનો અવાજ આવ્યો, `સર ! જલ્દી આવો. ડેથબોડી ઈઝ હિયર’. ટીમ ઝડપભેર ઉપલામાળે પહોંચી અને જોયું તો એક આધેડવયના માણસની કોહવાયેલી લાશ હતી. તેનો એક હાથ છાતી પર હતો અને બાજુમાં એક બુક પડી હતી.
નવ્યા : સર ! નેચરલ ડેથ છે.
આદિ : એ કઈ રીતે ?
નવ્યા : જુઓને હાથ છાતી પર છે અને આજુબાજુ કોઈ વેપન્સ કે બ્લડ પણ નથી.
આદિ : એવું પણ બને કે પોઈઝન આપવામાં આવ્યું હોય...
નવ્યા : બટ સર કોઈ ખાવાપીવાની ચીજ, વાસણ કે પાણી કંઈ જ નથી આટલામાં...
આદિ : હમમમ.. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી જ ખબર પડે... બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈ લો.
ઈન્સ્પેક્ટર આદિએ ડેથબોડીની બાજુમાં પડેલ મોબાઈલ અને બુક પોતાની કસ્ટડીમાં લઈ લીધા. બોડી માર્કસ કરી, બંગ્લાને સિલ કરી ટીમ ત્યાંથી નીકળી ગઈ. સોસાયટીમાં આડોશપાડોશમાં પૂછપરછ કરી, તો જાણવા મળ્યું કે મરનારનું નામ રજતભાઈ છે. તેમની પત્નીનું નામ રૂચિ છે. લગ્નને સાત વર્ષ થઈ ગયા હતા પણ બંનેને કોઈ સંતાન નહોતું. રૂચિ વર્કિંગવુમન છે. આજકાલ ઓફિસના કામેથી બરોડા ગઈ છે.
ઈન્સ્પેક્ટર આદિએ રૂચિને કોન્ટેક્ટ કરી સમાચાર આપ્યા. રૂચિ બે જ કલાકમાં બરોડાથી આવી પહોંચી. પોલીસચોકીએ જઈ ઊભી રહી ગઈ. રૂચિ ખૂબ રડી રહી હતી. ઈન્સ્પેક્ટર આદિએ તેને શાંત્વના આપી અને હોસ્પિટલ લઈ ગયા. રૂચિને સપોર્ટ રહે એટલે ઈન્સ્પેક્ટર નવ્યા પણ સાથે ગઈ. ત્યાં રજતની બોડી જોઈ રૂચિ કારમું આક્રંદ કરી રહી હતી.
આદિ : મિસિસ રૂચિ, તમારા પતિને કોઈ બિમારી હતી ? આઈ મીન હાઈ બી.પી. સમથીંગ ?
રૂચિ : નો સર. એવું કંઈ જ નહોતું. એ બિલકુલ સ્વસ્થ હતા.
આદિ : ઓ.કે. જે થવાનું હતું તે થઈ ગયું. હવે પોસ્ટમોર્ટમની રિપોર્ટ ઉપર આધાર છે.
રૂચિ : નો નો સર. આ તો નેચરલ ડેથ છે. પોસ્ટમોર્ટમ ?
પોસ્ટમોર્ટમનું નામ સાંભળી રૂચિ થોથવાતી હોય એવું લાગ્યું. આદિએ રૂચિનું વર્તન નોટિસ કર્યું અને નવ્યાની સામે જોયું. નવ્યાને પણ અજુગતુ લાગ્યું, પરંતુ હાલ કંઈ જ બોલવું યોગ્ય નહોતું તેથી તેણે `ઈટ્સ લીગલ પ્રોસિજર મિસિસ રૂચિ. સો પ્લીઝ કોઓપરેટ અસ’ કહી રૂચિને ઘરે મૂકી બંને પોલીસચોકીએ પાછા આવ્યાં.
આદિ : રૂચિ અને તેના બેકગ્રાઉન્ડ વિશે પૂરી માહિતી જોઈએ છે મને..
નવ્યા : ઓકે સર
આદિ : રજતના મોબાઈલ કોલ્સ ચેક કરો. છેલ્લા મહિનાના મેક્સિમમ કોલ્સ કોના છે ? છેલ્લો કોલ કોનો હતો ? કેટલી વાર ચાલ્યો હતો ? ગીવ મિ ઓલ ડિટેઈલ્સ
સબ ઈન્સપેક્ટર તિવારી : ઓકે સર
ટીમ ઈન્સવેસ્ટીગેશન પર લાગી ગઈ હતી. બીજા જ દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ. રિપોર્ટ જોતાં જ આદિના ચહેરા પર વિનિંગ સ્માઈલ આવી ગઈ. નવ્યા અને તિવારીએ ઉત્સુકતાવશ પૂછી જ લીધું `વોટ હેપન્ડ સર ?’
આદિ : ધીસ ઈઝ નોટ નેચરલ ડેથ. ઈટ્સ મર્ડર..
નવ્યા : વોટ ?
આદિ : સ્લો પોઈઝન દેવામાં આવ્યું છે.
તિવારી : હાઉ ઈઝ ધીઝ પોસિબલ ? મોઢામાં ફીણ નહોતા. આજુબાજુ કંઈ ખાવાપીવાની વસ્તુ નહોતી તો ઝેર કેવી રીતે હોઈ શકે ?
આદિ : હમમમ... મોબાઈલ ડિટેઈલ્સ આવી ગઈ ? એન્ડ રૂચિના ઓફિસ સ્ટાફ સાથે કંઈ વાતચીત થઈ ?
નવ્યા : સર આડોશપાડોશમાં રૂચિની છાપ ખૂબ જ સારી છે. ઓફિસ સ્ટાફ સાથે પણ વાતચીત થઈ છે. રૂચિની કંપનીના સી.ઈ.ઓ સાથે પણ વાત થઈ, તેમણે કહ્યું કે, રૂચિ ખૂબ જ મહેનતુ અને સ્માર્ટ એમ્પ્લોયમેન્ટ છે. તેનો એક કઝિન છે મેહુલ.
`મેહુલ ?’ તિવારીએ ચોંકતા કહ્યું.
નવ્યા : હા.. મેહુલ. કેમ ?
તિવારી : સર આ રજતની કોલ ડિટેઈલ્સમાં આ જ `મેહુલ’ નામેથી મેક્સિમમ કોલ્સ થયા છે. લાસ્ટ કોલ તેનો રજત સાથે હતો.
આદિ : હમમ... મિસિસ રૂચિને મળવું પડશે.
(આદિ, તિવારી અને નવ્યા રૂચિના ઘરે જાય છે. સગાવહાલાઓની અવરજવર ચાલુ છે. બંગલના એક રૂમમાં એકાંત જોઈ ત્યાં બધા ગોઠવાય છે.)
નવ્યા : રૂચિ, આ મેહુલ તમારા કઝિન છે ?
રૂચિ : હા, મેમ
નવ્યા : ક્યાં રહે છે ? અત્યારે અહીં આવ્યા છે ?
રૂચિ : ના, તે અત્યારે શહેરની બહાર છે એટલે નથી આવી શક્યા. પણ કેમ એના વિશે...?
આદિ : નથીંગ.. એક ગ્લાસ પાણી મળશે ?
રૂચિ : યા સ્યોર
(રૂચિના પાણી લેવા જતાં જ, તિવારી ત્યાં પડેલો રૂચિનો મોબાઈલ લઈ બધો ડેટા પોતાના મોબાઈલમાં લઈ લે છે અને મોબાઈલ પાછો રાખી દે છે.)
રૂચિ : લો સર.
આદિ : થેન્ક્સ.. રૂચિજી, રજતને વાંચવાનો ખૂબ શોખ હતો ?
રૂચિ : હા, સર તેમને વાંચવાનો જ શોખ હતો. તેમના રૂમમાં લાઈબ્રેરી છે.
આદિ : યસ યસ, એ દિવસે જોઈ હતી. એટલે જ પૂછ્યું. ઓકે રૂચિજી. કંઈ કામ પડે તો તમારે પોલીસચોકીએ આવવું પડશે.
રૂચિ : નો પ્રોબ્લેમ સર
આદિ, તિવારી અને નવ્યા બહાર નીકળી જીપ પાસે પહોંચે છે ત્યાં જ `ઓહ જીપની ચાવી ત્યાં જ રહી ગઈ’ કહેતા આદિ પાછો રૂચિના ઘરમાં જાય છે. આદિને જોઈ રૂચિ ચોંકી જાય છે.
`સોરી ! જીપની ચાવી રહી ગઈ હતી.’ કહી આદિ ટેબલ પરથી ચાવી લઈ નીકળી જાય છે.
પોલીસચોકીએ પહોંચતા જ આદિ પોતાની કસ્ટડીમાં રાખેલ રજતની બુક કાઢે છે અને તિવારીને આપતા કહે છે, `મને આની ફોરેન્સિક રિપોર્ટ જોઈએ છે.’
તિવારી : ઓકે સર
નવ્યાને આ બધું જોઈ નવાઈ લાગે છે પણ આદિ સિનિયર હોવાથી તે વધુ પ્રશ્ન કરી ન શકી.
બીજે દિવસે ફોરેન્સિક રિપોર્ટ આવી જાય છે. રિપોર્ટ જોતાં જ આદિના મોંઢા પર એ જ વિજયી સ્મિત આવી જાય છે. તેણે જરાપણ વાર લગાડ્યા વગર તિવારીને બોલાવી પૂછ્યું, `રૂચિના મોબાઈલ ડેટા પરથી કંઈ મળ્યું ?’
તિવારી : યસ સર... રૂચિના મોબાઈલમાં પણ મેક્સિમમ કોલ્સ મેહુલના હતા અને લાસ્ટ કોલ રૂચિએ મેહુલને કર્યો હતો.
આદિ : મેહુલ શહેરથી દૂર કામે નહી પણ અહીંથી ભાગ્યો છે. તેની તપાસ કરો અને હાજર કરો.
તિવારી : ઓકે સર. (તિવારી હવાલદાર સાથે નીકળી પડે છે.)
આદિ : નવ્યા, તમે રૂચિ પાસે જાઓ અને તેને અહીં લઈ આવો.
નવ્યા : ઓકે સર (નવ્યા રૂચિના બંગલે જવા નીકળી પડે છે.)
રૂચિ પોલીસચોકીમાં દાખલ થાય છે. આદિ તેને બેસવા કહે છે. `રૂચિ, મેહુલ ક્યાં છે ?’ સવાલ સાંભળી રૂચિના ચહેરાનો રંગ ઊડી જાય છે. તે થોથવાવા લાગે છે. `મેં મેં કહ્યું ને, મેહુલ તો શહેરની બહાર કામે ગયો છે.’
આદિ : કયા શહેર ?
રૂચિ : મને નથી ખબર.
આદિ : એ દિવસે હું જીપની ચાવી લેવા આવ્યો ત્યારે ફોન પર એની સાથે જ વાત ચાલતી હતી તમારી. એટલે સીધેસીધો જવાબ આપો. મેહુલ ક્યાં છે ?
(આદિના ચહેરા પર કડકાઈ આવે છે.)
રૂચિ : અહીં જ છે. (રૂચિ નીચુ જોતા બોલે છે.)
આદિ : અહીં ક્યાં ?
રૂચિ : તે તેના એક મિત્રની બંધ પડેલ ઈલેક્ટ્રોનિકની દુકાનમાં છૂપાયો છે.
`છુપાયો છે’ સાંભળતા જ નવ્યાનો અને આદિનો શક વિશ્વાસમાં પરિવર્તિત થઈ જાય છે. રૂચિના આપેલા એડ્રેસ પર જવા આદિ તિવારીને ફોન કરે છે. થોડી જ વારમાં તિવારી મેહુલને બોચીએથી ઝાલી પોલીસચોકીએ લઈ આવે છે.
મેહુલ અને રૂચિની નજર મળે છે અને ઝૂકી જાય છે. હવે કશું છુપાવવાનો મતલબ હતો નહિ. મેહુલને તિવારીના બે ડંડા પડ્યા એટલે તે પોપટની જેમ બોલવા માંડ્યો.
હું અને રૂચિ એકબીજાને પ્રેમ કરતાં હતાં. અમે બંને એક જ ઓફિસમાં કામ કરતાં હતાં પણ મારે નોકરી નહોતી કરવી. મારે કંઈક મોટુ કરવું હતું. રૂચિએ મને કહ્યું હતું કે, તેના પતિનો બે કરોડનો ઈન્સ્યોરન્સ છે. અમારા સંબંધને નામ આપવા માટે અમારે લગ્ન કરવા હતાં, પણ રૂચિના પતિની હાજરીમાં તે શક્ય નહોતું. જો તે રજતને ડાયવોર્સ આપી દેત તો અમારા હાથમાં કંઈ જ ન આવત. એટલે એક ઘા એ બે તીર એમ વિચારી.. અમે તેના મર્ડરનું કાવતરુ ઘડી કાઢ્યું. આ મર્ડર એ મર્ડર નહી પણ નેચરલ ડેથ લાગે એવું જેથી ઈન્સ્યોરન્સ ક્લેઈમ થવામાં કંઈ અડચણ ન આવે.
મેં સર્ચ કર્યું કે, એક એવું સ્લો પોઈઝન છે, જેને લેવાથી થોડા દિવસમાં હાર્ટ એટેક આવે. જનરલ પોઈઝનના કોઈ જ સિમ્ટમ્સ ન દેખાય. એ પોઈઝન ખાવાપીવાની કોઈ વસ્તુમાં નાખવાથી સીધો શક જાય એવું ન થાય માટે મેં એક ઉપાય કાઢ્યો. રજતની ગેરહાજરીમાં હું રૂચિને મળ્યો અને રજતનો રૂમ ધ્યાનથી જોયો. ત્યાં તેના સ્ટડીટેબલ પર એક જાડી બુક દેખાઈ. રૂચિએ મને કહ્યું કે, રજતે હમણા આ બુક સ્ટાર્ટ કરી છે. મારા મગજમાં એક તરકીબ આવી અને મેં એ પોઈઝન એ બુકના બધા પેજ પર એપ્લાય કરી દીધું.
નવ્યા : `હેં ? બુકના પેજીસ પર એપ્લાય કર્યું ?’
હવે નવ્યા અને તિવારીને સમજાયુ કે, આદિએ એ બુક ફોરેન્સિક રિપોર્ટમાં કેમ આપી ? આદિએ બંનેની સામે જોઈ સ્માઈલ કરી.
મેહુલ : હું રૂચિના ફ્રેન્ડ તરીકે ઘણીવાર રૂચિના ઘરે ગયો હતો. રજતને હંમેશા મેં બુકસ વાંચતા જોયા હતાં. તેમની પેજ ફેરવવાની આદત જોઈ હતી મેં. દરેક પેજ ફેરવવા તે મોંમાં આંગળી નાખતા અને એ થૂંકવાળી આંગળીથી પેજ ફેરવતા.
`ઓહ ! હવે સમજાયું.. અજાણતા જ રજત રોજ એ બુકનું ઝેર ચાટતો હતો.’ તિવારીએ ચોખવટ કરી.
કેસ ક્લીયર થઈ ગયો હતો. રૂચિ અને મેહુલનું આ અમાનવીય કાવતરુ તેમને જેલના સળિયા પાછળ લઈ ગયું.