Kanala Dharmendra

Romance

3  

Kanala Dharmendra

Romance

પ્લેટોનિક લવ

પ્લેટોનિક લવ

3 mins
541જ્યાં સુધી એને જોઈ નહોતી ત્યાં સુધી આ પ્લેટોનિક લવ અને લવ એટ ફર્સ્ટ સાઇટ એ બધું બહુ જ ફિલ્મી લાગતું હતું. એક હતો ચકો અને એક હતી ચકી એમ બધું વાર્તાના ફોર્મેટમાં વાસ્તવિક જિંદગી થોડી ચાલે?! મારી પણ નહોતી ચાલતી પણ પછી ચાલી! એક વાર્તા પણ બની. આમ દરેકના જીવનમાં એક પળ તો આવે જ છે જ્યારે એને એ ખ્યાલ આવી જાય જે તે પ્રેમમાં છે.


હું તો બાળપણથી પુસ્તક પ્રેમી હતો. ફલર્ટ શબ્દમાં કશીએ ગતાગમ ના પડે. હું કોલેજના ફર્સ્ટ યરમાં હતો. સમજોને કે શુદ્ધ હનુમાનભક્ત. છોકરીઓ સાથે કે કોઈ પણ સાથે લાંબી લપછપ કરવી ના ગમે. કેટલાક મિત્રો અને એ જ જીવન અને એ જ સેફ કોર્નર પણ સોફ્ટ કોર્નર કોઈ પ્રત્યે નહીં. ભણવા, લખવા, વાંચવા સિવાય કશામાંયે રુચિ નહીં. હા, માસી મારાં બેસ્ટ ફ્રેન્ડ હતાં. માસી બધું મને કહે અને હું બધું જ માસીને. માસી ઘણીવાર મને કહેતાં," લાલિયા, તારા માટે એક છોકરી મને ખુબ ગમે છે." પણ હું એ ક્યાં સાંભળતો હતો.


કાકાની દીકરી બેનનાં લગ્નમાં પણ હું પુસ્તક સાથે લેતો ગયેલો! પણ ત્યારે ક્યાં ખબર હતી કે હવે આ ચોપડીનું સ્થાન એક વ્યક્તિ લઈ લેશે! જાન આવવાને થોડીવાર હતી. અમે બધાં સાફા બાંધીને જાનને સત્કારવા તૈયાર હતાં. આ જાનમાં જ મારી જાન આવશે એવો તો સપનેય ખ્યાલ નહોતો. જાનૈયા બસમાંથી ઉતરી રહ્યાં હતાં. એમાં એક છોકરી ઓફ વ્હાઇટ ડ્રેસમાં પવનની લહેરખી જેમ ઉતરી. સાદગી, સૌંદર્ય, સભ્યતા અને એનાં કરતાંયે ચુંબકીય વ્યક્તિત્વ! મારી નજર એનાં પરથી હટે જ નહીં. મારુ મન મારી સાથે જ સંવાદ કરવા લાગ્યું! કોઈ કામ બરાબર થાય નહીં. ભાઈઓમાં હાંસીપાત્ર બન્યો પણ એ બધું હવે ગૌણ હતું. સૌથી વધુ આઘાતજનક તો એ હતું કે એણે એકવાર પણ મારી સામે ન જોયું. આનાથી કોણ જાણે મને એનાં પર વધુ પ્રેમ થયો. સાંજે વિદાય ટાણે હું વિહવળ બની ગયો. કોણ છે, ક્યાંની છે, શું કરે છે એવું કંઈ કોઈને પૂછવાનું યાદ જ ન આવ્યું.


ઘરે આવ્યા પછી ક્યાંય ચેન જ ના પડે, મન ના લાગે. પુસ્તકમાંથી એ ઉપસી આવે! સેડ સોંગ સાંભળવાનું મન થયા કરે. પછી મનોમન સંકલ્પ કર્યો , " કાં તો હવે જીવનમાં એ નારી, નહીં તો જય ગિરનારી."

અચાનક જિંદગીમાં એક ભયાનક વળાંક આવ્યો. જે મારા માટે સર્વસ્વ જેવા હતાં એ માસીનું આકસ્મિક મૃત્યુ થયું. એક મહિના સુધી કંઈ ગતાગમ જ ન પડી. એક દિવસ મમ્મીએ બહુ પ્રેમથી કહ્યું, "લાલા, તને તારી માસી ખૂબ વ્હાલી હતી તો તેની છેલ્લી ઈચ્છા પૂરી નહીં કરે. " મને ખ્યાલ જ હતો હવે કંઈ વાત આવશે. " માસીએ તારા માટે એક છોકરી જોઈ હતી. તને જો કાંઈ વાંધો ન હોય તો એ લોકોએ જોવા માટેનું કહ્યું છે." ખૂબ મનોમંથનના અંતે મેં હા પાડી અને વિચાર્યું કે પેલી નસીબમાં નહીં હોય બીજું શું. એકાદ-બે દિવસ પછી છોકરી જોવા જવાનું થયું. એ તેના મામાના ઘરે હતી. હું ને મારા કાકી જોવા ગયા હતાં. છોકરી પીઠ ફરીને વાસીદુ કરતી હતી. મને અંદર એક રૂમમાં બેસાડ્યો. બધા થોડીવાર આવ્યાં-ગયાં. પછી એ છોકરી દૂધ લઈને આવી. તેની ઝાંઝર ખખડી. મારુ ધ્યાન તેના પગ પર પડ્યું. પણ પછી નજર તેણે પહેરેલા કપડાં પર ગઈ. આ તો પેલો જ ઓફ વ્હાઇટ ડ્રેસ. અરે! આ તો પેલી જાનમાં આવી હતી એ જ! હું લગભગ ઉછળી પડ્યો. ખુશીઓને માંડ-માંડ દાબી. બધા ગયા પછી મારાથી અચાનક પુછાઈ ગયું, "તમે મને ઓળખો છો?" " હા અને ના પણ", તેણીએ વિચિત્ર જવાબ આપ્યો. " એ કઈ રીતે?", મારી માટે હવે આ છોકરી પઝલ બની ગઈ હતી. " તમે કોણ છો એ ખ્યાલ નથી પણ તમે મારા કાકાના લગ્ન વખતે માંડવે હતા અને મને ઘૂરી....", તેણે અણગમો વ્યક્ત કર્યો. " તો તમે પણ મારી સામે જોતાં હતાં" મેં ઉત્સુકતાથી પૂછ્યું. " ના, મારી બહેનપણીઓ મને કહ્યું એ પછી મેં જોયું હતું", તેણીએ કહ્યું. " તો, પછી બીજીવાર કેમ ના જોયું?", મેં પૂછ્યું. " મારા મમ્મી-પપ્પા ઊંચું જોઈને ચાલી શકે એ માટે..." જડબેસલાક જવાબ આપ્યો એણે અને પાછો થઈ ગયો પ્લેટોનિક લવ.


Rate this content
Log in

Similar gujarati story from Romance