પકડવાની પીડા
પકડવાની પીડા
એક ગુરુએ પોતાના શિષ્યોમાંથી એકને ઊભો કર્યો અને તેના હાથમાં થોડું પાણી ભરેલો એક લોટો આપ્યો. શિષ્યને કહ્યું, ‘આ લોટો ઊંચો પકડી રાખ.’ શિષ્યએ સરળતાથી લોટો ઉઠાવી લીધો અને કહ્યું કે ‘એમાં શું, બહુ જ સરળ કામ છે. સાવ હળવો છે લોટો, લગભગ ખાલી જ છે.’ ગુરુએ જવાબ આપ્યો કે ‘જ્યાં સુધી હું તને આદેશ ન આપું ત્યાં સુધી હાથ આમ જ ઊંચો રાખવાનો છે અને લોટો પકડી રાખવાનો છે.’
શિષ્ય કળશ પકડીને ઊભો રહ્યો. થોડી મિનિટ થઈ તો હાથમાં પીડા થવા માંડી. સમય જરા વધુ વીત્યો એટલે પીડા બમણી થઈ. એક સમય એવો આવ્યો કે શિષ્યનો હાથ એટલો દુખવા માંડ્યો કે તેણે ગુરુની આજ્ઞાની અવજ્ઞા કરીને કળશ નીચે મૂકી દીધો. ગુરુએ પૂછ્યું કે ‘વજન તો બહુ હતું નહીં, કળશ સાવ હલકો હતો, પાણી બહુ જ ઓછું ભરેલું હતું છતાં કેમ તેં મારા આદેશ વગર લોટો નીચે મૂકી દીધો ?’
શિષ્યએ જવાબ આપ્યો કે ‘વજન ભલે નહોતું, પણ લાંબો સમય કળશ પકડી રાખવાને લીધે હાથ દુખવા માંડ્યો. છેલ્લે તો પીડા એટલી સઘન થઈ ગઈ કે મારા માટે હાથ ઊંચો રાખવો અસંભવ બની ગયું.’
જેને પણ પકડી રાખીએ છીએ એ પીડા આપે છે. છોડી દેતા શીખીએ તો સુખી થઈ શકીએ, પણ આપણે સંઘરાખોર છીએ, બધું જ સાચવી રાખીએ. ભરી રાખીએ મનમાં. આપણું મન ભંગારખાનું બની જાય, ઉકરડો બની જાય, જન્ક યાર્ડ બની જાય છે. આપણે કોઈ બાબતને જતી કરતા નથી. છોડી દેતા નથી. છોડી દઈએ તો એનાથી મુક્ત થઈ શકીએ, પણ પકડી રાખવાની ટેવ પડી ગઈ છે.
