પીળું ગુલાબ
પીળું ગુલાબ
"હજુ એક ચા આપજોને" ટી પોસ્ટ પર પહોંચી રૂદ્ર પહેલા જ નર્વસનેસમાં 4 કપ ચા પી ચૂક્યો હોય છે. જે છોકરી સાથે પૂરા દોઢ વર્ષ ફક્ત ચેટથી અને ફોનથી વાતો કરી એ છોકરીને આજે ફાઈનલી એ મળવાનો હોય છે.
રૂદ્ર અને નવ્યા દોઢ વર્ષ પહેલા સોશ્યલ મીડિયા પર મળેલા. નવ્યાની શાયરીઓ, કવિતાઓ અને વિચારો તેણીનાં લખાણને ખુબ જ મનમોહક બનાવતા હતા. જેને વાંચતા વાંચતા ક્યારે રૂદ્ર તેણીના લખાણનાં પ્રેમમાં પડી ગયો, તેને પોતાને પણ ખબર ના રહી. અંતે દોઢ વર્ષ પછી નવ્યા રૂદ્રનાં મળવાનાં બીજી વારનાં પ્રસ્તાવને સ્વીકાર કરે છે. પાંચમો કપ ચા પીતા પીતા રૂદ્રને નવ્યાને પહેલી વાર મળવાની ઈચ્છા વ્યક્ત કરવું યાદ આવે છે અને નવ્યાનો દોઢ વર્ષ પહેલાનો એ જવાબ.
"કેમ મળીને શું કરશો ? ચહેરો જોશો, ગમ્યો તો વાતો વધારશો, ધીમે ધીમે આદત પડી જશે અને એ આદતને પ્રેમનું ટાઇટલ આપી દેશો... અને ના ગમ્યો તો ધીમે ધીમે વાતો ઓછી કરી હું બીઝી છું કહીને ઇગ્નોર કરવા લાગશો. બહેતર છે એ કરતા બધુ કિસ્મત પર છોડી દઈએ."
રૂદ્રને આ છોકરી અન્ય છોકરીઓથી કંઈક અલગ લાગી. જોત-જોતામાં વાતો કરતા કરતા બંને પોતાના જીવનની દરેક વાતો એકબીજાને કહેવા લાગ્યા. ફોન પર વાતો કરી એકબીજાની દરેક સમસ્યામાં એકમેકનાં પથદર્શક સાબિત થયા. વિચારોથી 30-32 વર્ષની ગંભીર છતાં સ્વભાવથી 24-25 વર્ષની નિખાલસ લગતી આ છોકરીને મળવા રૂદ્ર આજે ખુબજ ઉત્સાહીત હોય છે. બંને એકબીજાની ઉંમરથી પણ અજાણ હોય છે. એટલી જ વારમાં રૂદ્રનાં ફોનની રિંગ વાગે છે.
"પીળું ગુલાબ... મારા હાથમાં એક પીળું ગુલાબ હશે, મે બ્લુ કલરનો ડ્રેસ પહેરેલ છે અને વાળ છુટા. ઓળખી જઈશ ને રૂદ્ર ?" નવ્યા કોઈ ઉખાણા માફક પૂછે છે.
"અરે ચોક્કસ ઓળખી જઈશ, તું આવ તો ખરી" રૂદ્રને આ ઉખાણાનાં જવાબની પહેલેથી જ જાણ હોય એ રીતે કહે છે.
ચાનો છઠો કપ મંગાવતા રૂદ્રની નજર ટી પોસ્ટનાં દરવાજા પર ટકેલી હોય છે. થોડી જ વારમાં એક બ્લુ ડ્રેસ અને ખુલા વાળ વાળી અતિ સૌંદર્યવાન છોકરી પ્રવેશે છે, હોઠ કરતા વધુ એની આંખો હસતી હોય છે, તેણીના ગાલની લાલિમા મોહ પમાડે તેવી હોય છે. ઉંમર લગભગ 25-26 વર્ષ આસપાસ... નવ્યા એ આપેલ દરેક ચિન્હો આ છોકરીને મળતા હોય છે. રૂદ્ર એ છોકરી તરફ આગળ વધે છે ત્યાં જ રૂદ્રની નજર એ સુંદર કન્યાનાં હાથ પર પડે છે. નવ્યાનાં કહ્યા મુજબ તેણીનાં હાથમાં કોઈ જ પીળું ગુલાબ હોતું નથી. રૂદ્રનાં કદમ ત્યાં જ અટકી જાય છે અને ફરી પોતાની જગ્યાએ બેસી નવ્યાની રાહ જોવા લાગે છે.
થોડી જ વારમાં ફરી દરવાજાનો અવાજ આવે છે, રૂદ્રની નજર એ બ્લુ ડ્રેસ અને ખુલા વાળ વાળી કન્યા પર પડે છે. તેણીનો એક બાજુનો ચહેરો દાઝેલો છે. પરંતુ ચહેરા પર નમણું સ્મિત અને આંખો કોઈને શોધતી હોય છે. રૂદ્રની નજર અંતે તેણીનાં હાથમાં રહેલ પીળા ગુલાબ પર જાય છે. રુદ્ર ઓળખી જાય છે કે આજ નવ્યા છે. મનમાં હજારો સવાલ સાથે તે નવ્યા પાસે જાય છે અને તેણીને બેસવા ઓફર કરે છે.
"વિચારોથી આટલી સુંદર દેખાતી છોકરી ચહેરાથી આવી દેખાતી હશે, મે સપનામાં પણ વિચાર્યું ન હતું" રૂદ્ર પોતાના ખિસ્સામાં રહેલી પ્રપોઝ રિંગને હાથમાં સંતાડતા મનમાં બોલે છે.
"કેમ છો તમે ? સફર કેવું રહ્યું ?" રૂદ્ર ખુબજ ઔપચારિકતાથી પૂછે છે.
"તમારા વિચારોમાં ક્યાં આ શહેર આવી ગયું ખબર જ ન રહી" પોતાની વાતોમાં પ્રેમ દર્શાવતા નવ્યા કહે છે.
"પરંતુ તમારો આ ચહેરો..." રૂદ્ર થોડું અચકાતા પૂછે છે.
"એસિડ એટેક... હું 19 વર્ષની હતી ત્યારે એક છોકરાને હું ગમતી અને ના પાડવા પર એણે એસિડ ફેકી હુમલો કર્યો"
પોતાની વાત આગળ પુરી કરે એટલામાં જ એક નાનું બાળક રૂદ્ર અને નવ્યાની પાસેથી પસાર થાય છે અને નવ્યાને જોઈ ડરીને રડવા લાગે છે, આ જોઈ એ બાળકની માતા નવ્યાને ટોન્ટ મારતા કહે છે "આટલો ભયાનક ચહેરો ઢાંકીને બહાર નીકળવું જોઈએ, કોઈપણ તમને જોઈને ડરી જશે."
નવ્યાનું આ અપમાન રૂદ્રથી સહન નથી થતું.
"કેમ એ પણ તમારી જેમ જ માણસ છે, એ તો તમને જોઈને નથી ડરી તો તમને શો હક છે આ રીતે એનું અપમાન કરવાનો ?" રૂદ્ર ખુબ જ ગુસ્સાથી કહે છે.
"કોઈ વાંધો નહીં, પોતાના બાળકનું રડવું કોઈપણ માઁ થી કેમ સહન થાય !" નવ્યા પોતાના પર્સમાંથી ચોકલેટ કાઢી એ રડતા બાળકને આપે છે.
નવ્યા સાથે આટલા દુરવ્યવહાર પછી પણ આટલી શાંતિથી વાતને સંભાળવાની કળા જોઈ રૂદ્ર ખુબ જ અસમંજસમાં પડે છે, તેને નવ્યાની દરેક વાતો, તેણીના વિચારો, મુશ્કેલીનાં સમયમાં આપેલ સાથ યાદ આવે છે. તે પોતાના ખિસ્સામાં રહેલી રિંગ કાઢી નવ્યાને ઘૂંટણ પર બેસી પ્રપોઝ કરે છે.
"તમને મારા ચહેરાથી કોઈ જ વાંધો નથી ?" ખુબજ આશ્ચર્યચકિત થઈ નવ્યા પૂછે છે.
"જો કદાચ આજ ચહેરો મે આજથી દોઢ વર્ષ પહેલા જોયો હોત, તો કદાચ તે કહ્યું હતું એ મુજબ હું તારી સાથે વાત કરવાનું પણ પસંદ ન કરત. પરંતુ જે છોકરીનું દિલ આટલું સાફ હોય, જે છોકરી એ પોતાનો સૌથી કિંમતી સમય અને પ્રામાણિકતા મને આપી હોય એ છોકરીનાં ફક્ત એક ચહેરાને લીધે હું દગો કેમ કરી શકું ? હું તો લકી છું કે મને આટલી બહાદુર છોકરી મળી. એસિડ એટેક જેવી ઘટના પછી પણ તે જીવનની આટલી આઘાતજનક ઘટમાળથી હાર ન માની, લડી, ભણી, પોતાના પગભર બની... આટલી હિંમતવાન વાઈફને મેળવીને હું ખુબ ખુશ છું." બધા આ જોઈ રૂદ્રને તાળીઓથી વધાવે છે. એટલામાં જ પાછળથી એક અવાજ આવે છે
"ઓ હેલો મિસ્ટર રૂદ્ર, ક્યાંક સાચે જ નવ્યાનાં પ્રેમમાં ન પડી જતા. "
રૂદ્ર પાછળ ફરીને જુએ છે, આ એ જ સુંદર છોકરી હોય છે જેને રૂદ્ર પહેલા નવ્યા સમજ્યો હોય છે.
"મતલબ... હું કઈ સમજ્યો નહીં, તમે કોણ છો ?" રૂદ્ર આશ્ચર્ય ચકિત થઈ પૂછે છે.
" હું જ તો છું જેની શોધમાં તમે અહીં આવ્યા છો. નવ્યા... હું તમારા પ્રેમની પરીક્ષા કરવા માંગતી હતી. એટલે જ મારી જગ્યાએ મેં આ નવ્યા ને મોકલી. આનું નામ પણ નવ્યા છે, મારા એસિડ એટેક એનજીઓમાં રહે છે. હું આને પ્રેમથી નમુ કહું છું. નમુને વિશ્વાસ હતો નહીં કે કોઈ એને પણ આ ચહેરા સાથે પ્રેમ કરી શકે, માટે એનો ખોવાયેલ આત્મવિશ્વાસ પાછો લાવવા અને તમારા પ્રેમની પરીક્ષા કરવા મે મારી જગ્યાએ પીળું ગુલાબ નમુનાં હાથમાં આપ્યું. તમે મારા પીળા ગુલાબની પરીક્ષામાં ઉતીર્ણ થઈ ગયા." નવ્યા કહે છે.
(ટૂંક જ સમયમાં નવ્યા અને રૂદ્ર મળી નમુ માટે પણ એક સારો છોકરો શોધે છે અને એક જ મંડપમાં બંને જોડા લગ્નનાં તાંતણે બંધાય છે.)

