સૈન્યાશ્રમ
સૈન્યાશ્રમ
"મમ્મી, હઠ છોડી મને ખુશી ખુશી વિદાય કર, અહીં રહીને હું ફક્ત તારું રક્ષણ કરી શકીશ... આ વિકટ પરિસ્થિતિમાં મઝધારે ફસાયેલ આપણી ધરતી માઁ અને ધરતી માઁ પરની લાખો માતાઓને મારી જરૂર છે. હું વચન આપું છું ઘરે પરત ફરતી વખતે તારી મનપસંદ ચંદેરી સાડી જરૂરથી લાવીશ" આ વાક્ય બબડતા-બબડતા ધીમી ધારનાં આંસુ, ધ્રુસકા ભરેલ રુદનમાં ફેરવાય એ પહેલા ભાવના પોતાના ખભા પર આશ્વાસનનો એક સ્પર્શ અનુભવે છે.
"કેમ રડો છો આંટી ? આ તસ્વીર કોની છે ? ત્રણ દિવસ પહેલા લેખક બનવાનું સપનું સાકાર કરવા પોતાના ગામડેથી મોટા શહેરમાં પેયિંગ ગેસ્ટ તરીકે આવેલી નવ્યા કુતૂહલપૂર્વક બોલી.
"આ મારી...." આગળ બોલે એ પહેલા એક અવાજ ભાવનાનાં કાને પડે છે.
"સૈન્યાશ્રમ માટે બધો સમાન આવી ગયો છે ભાવનાબહેન." ભાવના હકારમાં માથું ધુણાવે છે.
"સૈન્યાશ્રમ ?" આ વખતે બે ગણા આશ્ચર્યથી નવ્યા પૂછે છે.
"તું અહીં બેસ, હું તને બધું વિસ્તારપૂર્વક જણાવું છું" દીવાલ પર રહેલા બે ફોટા તરફ આંગળી ચિંધતા ભાવના કહે છે "જમણી બાજુનો ફોટો... ગૌરી. નાનપણથી ભારતીય આર્મીમાં જોડાવવું એ ગૌરીનું લક્ષ્ય હતું. થોડા વર્ષો પહેલા જયારે ભારત સરકારે મહિલાઓને આર્મીમાં ભરતી કરવાનું ફરમાન બહાર પાડ્યું, ત્યારે લગભગ સૌથી ખુશ પુરા ભારતમાં મારી ગૌરી જ હશે ! હું જે બબડતી હતી એ ગૌરી એ મને કહેલા છેલ્લા શબ્દો હતા. ત્રણ વર્ષ પહેલા ઉત્તર સરહદે થયેલ યુદ્વમાં મારી ગૌરી મૃત્યુ પામી. વચન મુજબ એ હજુ સુધી મારી ચંદેરી સાડી લઈને નથી આવી !"
"મૃત્યુ નહીં આંટી, તેઓ શહીદ થયા એમ કહો." નવ્યા ખુબજ ગર્વપૂર્વક બોલે છે.
કટાક્ષ સ્મિત સાથે ભાવના પોતાની વાત આગળ વધારે છે, "તને ખબર છે બેટા, જયારે પણ કોઈ સૈનિક મૃત્યુ પામે છે ત્યારે શરૂઆતનાં 10-15 દિવસ આ 'શહીદ' શબ્દ મૃતકનાં પરિવારજનોને ખુબ હિંમત આપે છે. મૃત શરીરને ત્રિરંગાનું સમ્માન મળે છે, બે ત્રણ દિવસ કુટુંબીજનોને ટેલિવિઝન, રેડીયો અને સોશ્યિલ મીડિયાનાં માધ્યમથી ખુબ આશ્વાસન અને સાથ આપવામાં આવે છે. પરંતુ સૌથી આકરું ત્યારે લાગે છે, જયારે આ તામ-જામ પુરી થયા પછી હાર ચડાવેલ પોતાના દીકરા કે દીકરીનાં ફોટા સામે જોતા પૂરી વૃદ્ધાવસ્થા એકલા પસાર કરવી. અને ત્યારે આ શહીદ શબ્દ કંઈ ખાસ અસર કરતો નથી. હા, આ સ્વાર્થી દુનિયામાં દેશ માટે પોતાની જાતની આહુતિ આપનાર સંતાનનાં માઁ-બાપને ગર્વની લાગણી કેમ ના હોય ! પણ શું ટેલિવઝન પર શ્રદ્ધાંજલિ આપવાથી, શહીદનાં પરિવારને કરવામાં આવતી આર્થિક રકમ સહાયથી કે દેશભક્તિ ગીતોનાં ગાયનથી ખરા અર્થમાં શહીદોની આત્માને શાંતિ મળી શકે છે ખરી ? સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ અપાશે જયારે દેશનો દરેક નાગરિક પોતાના દેશ માટેની ફરજો પૂરી કરશે. સરહદ પર રખેવાળી કરવા જેટલી સક્ષમતા દરેકમાં ના પણ હોય. પરંતુ કાયદાઓનું પાલન કરીને, નાત-જાતના ભેદભાવ ભૂલી કે નઠારા આંદોલનો કરી હિંસાથી દેશને નુકસાન પહોંચતું અટકાવી આપણે આપણા ભારતને મદદરૂપ ના બની શકીએ ? જ્યાં એકતરફ દેશનાં વિકાસની વાતો ચાલે છે, સરહદ પરનાં સૈનિકો પોતાની જાનનાં જોખમે દરેક નાગરિકની રક્ષા કરે છે, ત્યાં જ બીજી તરફ એ જ દેશનાં અમુક પુરુષો દ્વારા સ્ત્રીઓની સુરક્ષા જોખમાય છે. ટેલિવિઝન પર મહાનતાની વાતો કરવાથી, ફક્ત સ્વતંત્ર દિવસ પર દેશપ્રેમ બતાવવાથી કે એક સલામ માત્રથી આપણી દેશ માટેની તમામ ફરજો સમાપ્ત થઈ જાય છે ? જે રીતે દેશની બહારની સરહદ પર સુરક્ષાની જવાબદારી એક સૈનિકની છે, એવી જ રીતે દેશની આંતરિક સુરક્ષાની જવાબદારી આપણી નાગરિકોની છે. આપણે એકજૂથ થઈ, નૈતિકતા વિકસાવી આપણી ભારત માતાનાં જતનમાં 365 દિવસ તૈનાત રહીશું તો આ દેશની ધરતી માટે શહીદ થતો એક પણ સિપાહી કે એમનો પરિવાર પોતાના સ્વજનની કુરબાની પર અફસોસ વ્યક્ત નહીં કરે. દેશની સુરક્ષાની જવાબધારી ફક્ત એક સૈનિકની જ શું કામ ?"
ભાવનાની દેશ પ્રત્યેની જાગૃતતા જોઈ નવ્યા ભાવનાને તાળીઓથી વધાવે છે. ભાવના ગૌરીનાં ફોટાને હાથમાં લઈ વ્હાલ કરતી બોલે છે "મારી વહુ લાખોમાં એક હતી."
"વહુ... ?" આ વખતે નવ્યાનો પ્રશ્નાર્થચિહ્ન સૌથી મોટો હોય છે.
ભાવના ફરી નવ્યાનાં કુતુહલને શાંત કરવા પ્રયત્ન કરે છે, "હા, વહુ. ગૌરી અમારી પાડોશમાં રહેતી સૌથી નાની પણ સમજુ છોકરી હતી. ગૌરી અને મારો દીકરો ઓમ નાનપણથી એક બીજાનાં ગાઢ મિત્ર હતા. મોટા થતા આ મિત્રતા સગપણમાં ફેરવાઈ. મારા દીકરાને માઁ અને પત્નીનાં ઝગડાની મઝધારમાં ફસાવતો બચાવવા, મે ગૌરીને હંમેશા મારી દીકરી માની છે. ગૌરીનું એકમાત્ર ધ્યેય હતું સૈન્યમાં જોડાવવું. હું ક્યારેય પણ એના લક્ષ્યનાં માર્ગમાં નડતરરૂપ નથી બની. ગૌરીનાં મૃત્યુ પછી મારા દીકરાની તબિયત લથડવા લાગી... પોતાની બાળપણની મિત્ર અને એકમાત્ર પ્રેમિકાનાં જવાનું દુઃખ મારો દીકરો ખમી શક્યો નહીં, છેવટે 8 મહિના પહેલા આજ તસ્વીરને હાથમાં લઈ રડતા રડતા હૃદયનાં હુમલાથી ઓમ પણ મૃત્યુ પામ્યો. ઓમની હયાતીમાં જ સૈન્યાશ્રમનાં મકાનનું કામ ચાલતું હતું. સૈન્યાશ્રમ... સૈનિકોનાં પરિવારનાં વૃદ્ધ માતા-પિતા કે સૈન્ય માતા-પિતાનાં અનાથ બાળકોનાં આજીવન રહેવાની તેમજ તમામ જવાબદારી ચેરિટીની મદદ દ્વારા અમારું સૈન્યાશ્રમ ઉઠાવે છે. મારા દીકરાની છેલ્લી ઈચ્છા અમે ખુશી ખુશી પુરી કરીએ છીએ. સૈન્યાશ્રમ દ્વારા મને ઘણા બધા ઓમ અને ગૌરી સાથે રહેવાનો મોકો મળે છે. બસ આમ જ આ જીવન વ્યતિત થઈ જશે."
આટલુ સંભળતાની સાથે નવ્યાની આંખમાંથી દડદડ આંસુઓ સરી પડે છે. ઓમ અને ગૌરીને જીવંત રાખવા નવ્યા તેમની આ જીવનગાથા પર એક પુસ્તક લખે છે. જેનું નામ આપે છે "સૈન્યાશ્રમ". થોડા જ દિવસોમાં નવ્યાનાં પુસ્તકને બહોળો પ્રતિસાદ મળે છે. શ્રેષ્ઠ લેખિકા તરીકે ઉભરી નવ્યા પોતાનું જીવન પેયિંગ ગેસ્ટ તરીકે નહીં પરંતુ ભાવનાની દીકરી બની તેણીને જીવનરૂપી મઝધારમાંથી પાર પાડવા સમર્પિત કરે છે.
